ખરેખર ગરીબ કોણ છે
ખરેખર ગરીબ કોણ છે
મારા જીવનની બનેલી આ ઘટના એ મને ખરેખર ગરીબી શું છે તેનું ભાન કરાવ્યું. એ પહેલા હું પણ માનસિક રીતે ગરીબીમાં જીવતો હતો. હું બરોડા બે હજાર તેર થી બેહજાર પંદરમાં હોસ્ટેલમાં રહીને મીકેનીકલ ડ્રાફ્ટ્સમેનનો અભ્યાસ કરતો હતો. તે સમયે મને ફરવાનો ઘણો શોખ એટલે હું હોસ્ટેલમાંથી દરરોજ સાંજે ફરવા નીકળી જઉં.
એ જ રીતે એક સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસ ફરતાં ફરતાં મારી નજર સમક્ષ એક ઘટના જોઈ.
હું એક કચરા પેટીની નજીકથી પસાર થતો હતો. તેવામાં કચરા પેટીમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે રૂમાલ દુર્ગંધને નાક સુધી પહોંચતા રોકી શકતો ન હતો. કચરા પેટી કચરાથી ચીકોચીક ભરાયેલ હતી તેની આસપાસનો વિસ્તાર પણ એટલો જ ગંદકી ભરેલો હતો. આજુબાજુના લોકોએ સાંજે વધેલો એઠવાડ પણ નાખ્યો હતો.
મતલબ કે એ જગ્યા એટલી ગંદી હતી કે નજીકથી પસાર થવાની પણ ઈરછા થાય નહી એટલે મેં પણ રસ્તો બદલી સામેની બાજુ ચાલવા લાગ્યો. ફરીથી એક નજર કચરા પેટી પર ગઈ ત્યારે તો હું ચોંકી જ ગયો. એક સ્ત્રી તેની કેડમાં નાનું બાળક ને એક બીજું ચારેક વર્ષનું બાળક.
એ સ્ત્રી અને એ બાળક એ જ કચરા પેટીમાંથી ખોરાક શોધી જમતા હતા.. કેટલું ભંયકર દ્રશ્ય!
તે દ્રશ્ય હું પાંચ દસ મિનીટ સુધી જોઈ જ રહ્યો. પછી વિચારતાં વિચારતાં ત્યાંથી નિકળી હોસ્ટેલમાં ગયો. ને પહેલા તો ઈશ્વરનો આભાર માન્યો કે તે મને આટલું સરસ જીવન આપ્યુ છે. તે દિવસે હું કોઈ કારણ વગર જ ખુબ રડ્યો હતો..
તે સમયે હું નાનો હતો એટલે એ દ્રશ્યની ભયંકરતા સમજી શક્યો નહતો પણ લાગણીમાં જરૂર તણાયો હતો. આજે પણ મારા સ્મરણપટમાં એ દ્રશ્ય અંકાઈ ગયેલ છે. આજે હું એ દ્રશ્યની ભયંકરતાને સમજી શકુ છું. જ્યારે પણ મારી નજર સમક્ષ એક દ્રશ્ય આવે ત્યારે ત્યારે મારી આંખ માંથી આસું જરૂર આવે છે.
એ દિવસેથી મને એક શીખ મળી હતી કે ખરેખર ગરીબ કોણ છે. મારી ગરીબ માટેની માનસિકતામાંથી પણ બહાર આવી ગયો.
