કબૂતર ઠરી ગયું .
કબૂતર ઠરી ગયું .


મારા બેડરૂમની બારી બહાર એક કબૂતર અને એક કબૂતરી બેસતા. સવારે ઉઠવા મારે ઘડિયાળમા઼ં સમય જોવાની જરુર નહોતી પડતી
બન્ને પારેવા વહેલી સવારે ઘૂ... ઘૂ...કરી મને જાણે જગાડતા. ઘૂ.....ઘૂ....ની તેમની ભાષા મને સમજાતી નહોતી પરન્તુ બન્ને આનંદ કિલ્લોલ કરતા અને ચણ લેવા ઉડી જતાં. તે નિર્દોષ પારેવા ભોળા હતાં વ્યસની નહોતા.
આમ છેલ્લા સાત વર્ષથી મારી દોસ્તી હતી તેમની સાથે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ પ્રક્રિયા ચાલુ રહેતી. એમના બચ્ચાઓને કોઇક માળામાં જન્મ આપી, ઉડતા શીખવી પાછા બેડરૂમની બારી પાસે આવી બેસતા. જાણે મારા બેડરૂમની બારી એમનો કાયમી વસવાટ.
આ શિયાળામાં માવઠું થયું ગાત્રો થીજાવતી ઠંડી માનવીઓ તો ગરમ ધાબળા ઓઢીને સૂઈ ગયા હતા પરન્તુ પંખીઓ ઠંડીમાં ધ્રૂજતા રહ્યા.
મારા દોસ્ત કબૂતરની ભાષામાં વિષાદ ભળી ગયો. એના ઘૂ.....ઘૂ.....ની ભાષા હવે મને સમજાવા લાગી હતી તેની ભાષામાં ભળેલ વિષાદ
જાણે તેની અનંત યાત્રાએ ઉડી જવાનો સંકેત દર્શાવતી હતી.
અને એક દિવસ પોષ મહિનાની ગાત્રો થીજાવતી ઠંડી સવારે મારું દોસ્ત કબૂતર ઠરી ગયું.
જાણે "દિપક"ની જ્યોત બૂજાઈ ગઈ...