ચોર પકડાયો
ચોર પકડાયો
એક દિવસની વાત છે. શનિવારનો દિવસ હતો. એટલે મારે શાળાનો સમય સવારનો હતો. હું સવારે નિશાળ જઈને આવ્યો હતો એટલે બપોરે ઘરે હતો. તે દિવસે મારા પપ્પા નોકરી પર ગયા હતાં અને મમ્મી બહારગામ ગયા હતાં. હું ઘરને બહારથી તાળું મારીને ધાબા પર લેસન કરતો હતો.
થોડીવાર પછી મને કંઇક અવાજ સંભળાયો. કોઈ માણસ કોઈ વસ્તુ જોર જોરથી ઠોકતો હોય તેવો અવાજ આવતો હતો. અવાજ નીચે મારા ઘરેથી આવતો હતો. પણ આજે તો મારા સિવાય બીજું કોઈ ઘરે ન હતું. અને હું પણ ધાબા પર હતો. વળી ઘર મે જાતે જ લોક કર્યું હતું અને ચાવી પણ મારી પાસે જ હતી. એટલે મને નવાઈ લાગી કે નીચે કોણ ખખડાવતું હશે.
એ જાણવા માટે હું ધીમે ધીમે સીડીએથી નીચે આવ્યો. હું પગથિયાં માં બેસી બેસીને આવ્યો. એટલે કોઈ મને જોઈ શકે નહિ. મે નીચે આવીને સીડીના છેલ્લા પગથિયા પરથી સંતાઈને જોયું તો એક માણસ અમારા ઘરના મુખ્ય દરવાજા પર જે તાળું મારેલું હતું તેને હથોડી વડે તોડી રહ્યો હતો. મને તરત જ સમજાઈ ગયું. એ ભાઈ ચોર હતો. મને એમ થયું કે બૂમ મારીને બધાને ભેગા કરી દઉં. પણ આજુબાજુ જોયું તો કોઈ દેખાતું ન હતું.
એટલે મને એક યુક્તિ સુઝી. હું ચુપચાપ સીડીમાં જ સંતાઈને બેસી રહ્યો. અને ચોરની ઘરમાં જવાની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી તાળું તૂટી ગયું. ચોર રાજી થઈ ગયો અને ઘરમાં દાખલા થયો. તેને કોઈ જુવે નહી એટલે દરવાજો થોડો બંધ કર્યો. બસ એ જેવો અંદર ગયો અને દરવાજો આડો કર્યો કે હું દોડતો દરવાજે પહોંચી ગયો. અને મે એને મારા જ ઘરમાં પૂરી દીધો. બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો જ નહતો.
એ પછી મને યાદ આવ્યું કે અમારી શાળામાં અમારા સાહેબે એક વખત મુસીબતના સમયમાં પોલીસની મદદ લેવાની શીખ આપી હતી. અને તેના માટે ૧૦૦ નંબર પર ફોન કરવાનું કહ્યું હતું. મે તરત જ ૧૦૦ નંબર પર ફોન કર્યો. અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મારો ફોન ગયો એની થોડીક જ વારમાં પોલીસની ગાડી અને ૩-૪ પોલીસવાળા આવી ગયા. તે દરવાજો બહારથી ખોલી અંદર ગયા. અને ચોરને ઘરમાંથી પકડી પાડ્યો. તેમણે મને મારી બહાદુરી અને સાહસ માટે શાબાશી પણ આપી.
