Arpita Darji

Children Stories

4  

Arpita Darji

Children Stories

બહાદુર ઉર્મિલા

બહાદુર ઉર્મિલા

3 mins
463


ઊર્મિલા નામની એક ખૂબ જ ચબરાક અને હિંમતવાન સ્ત્રી હતીં. તેનો પતિ સહદેવ કઠિયારો હતો. તે રોજ જંગલમાં જઈને લાકડાં કાપી લાવતો. ઊર્મિલા અને સહદેવ જંગલના છેડે જ રહેતા હતાં. તેમને બે બાળકો પણ હતાં. આખું કુટુંબ સંતોષી હતું તેથી જ સુખી હતું. 

જો કે આ જંગલમાં એક ડાકણ પણ રહેતી હતી. તે માનવભક્ષી હતી. જીવતાં જ માણસોને તે ખાઈ જતી હતી. બધા તેનાથી કંટાળી ગયા હતાં. એ ડાકણ પાસે એવી શક્તિ પણ હતી કે તે ગમે તે સ્વરૂપ ધારણ કરી શકતી.તે ક્યા સ્વરૂપે આવીને ત્રાટકશે તે કોઈને ખ્યાલ ન આવતો.જંગલની આસપાસ રહેતા બધા જ લોકો પ્રભુને પ્રાર્થના કરતાં કે આ ડાકણનો પોતે શિકાર ન બને. 

એક દિવસ ડાકણે ઊર્મિલાને તેના બંન્ને બાળકો સાથે બહાર જતી જોઈ. ડાકણે નક્કી કર્યું કે એ જ રાત્રે બંન્ને બાળકોને ખાઈ જશે, માટે તેણે એક યુક્તિ વિચારી લીધી. સહદેવ બીજે દિવસે જ્યારે જંગલમાં લાકડા કાપવા ગયો ત્યારે ડાકણે એક અત્યંત સુંદર લાલ રંગના વાંસના ઝાડ જેવો વેશ ધારણ કર્યો. સહદેવે એ સુંદર રંગના વાસને કાપવાનો વિચાર કર્યો. એણે વિચાર્યું કે વાંસના તો બજારમાં ઘણા રૂપિયા મળે તેમ છે તેથી સહદેવ એ જાદુઈ વાંસ તરફ ચાલવા લાગ્યો. વાંસનું ઝાડ તો જંગલમાં અંદરને અંદર જતું ગયું. છેવટે સહદેવ ભૂલો પડ્યો. 

રાત પડી ગઈ. ઊર્મિલા પોતાના પતિની રાહ જોઈને બેસી રહી. હવે ડાકણે સદહેવનું સ્વરૂપ ધારણ કર્યું.અને ઊર્મિલાના ઘરનું બારણું ખખડાવ્યું.ઊર્મિલાએ બારણું ખોલીને સહદેવને જમવા બેસવા માટે કહ્યું.તેણે ત્રણ થાળીઓ પીરસી.બંન્ને બાળકોની તથા સહદેવની.જ્યારે બાળકો એ જમી લીધું કે તેઓ બંન્ને સુવા માટે ગયા. તે વખતે ઊર્મિલાની નજર પોતાના પતિ સામે ગઈ. તેના પગ ઉંઘા હતાં. તેણે વાર્તાઓમાં સાંભળ્યું હતું કે ડાકણના પગ ઉંધા હોય છે. ઊર્મિલા એક મિનિટ માટે તો ગભરાઈ ગઈ. પરંતુ તરત જ તેણે હિંમત ભેગી કરીને કહ્યું, તમે આજે ખૂબ થાકી ગયા છો, બાળકોની સાથે ઉંધવાની બદલે આગળના ઓરડામાં ઊંઘી જાઓ, 

ડાકણે વિચાર્યું, કોણ ક્યાં ઊંધે તેનો મને ક્યાં ફરક પડે છે, હું તો રાત્રે ત્રણેયને ખાઈ જઈશ. ડાકણ ઊંઘી ગઈ. ઊર્મિલા તરત જ ઉભી થઈ. તેણે બંન્ને બાળકોને પણ ઉઠાડ્યા. તેમને માળીયામાં ચડાવી દીધા. તેણે નીચેના ભાગમાં આગ લગાડી તથા આગની બાજુમાં એક મોટો પથ્થર ખેંચીને મૂકી દીધો. માળીયા ઉપર ચડવાની સીડી ઉપર તેણે ખૂબ તેલ ચોપડી દીધું. કોઈ સીડી પર ચડવા જાય તો સીડી ઉપરથી લપસી પડે અને સીડી ઉપરથી પડે તો નીચે રાખેલા પથ્થર પર પટકાઈને તેનું માંથુ જ ફૂટી જાય તેવું જ હતું.થોડા વખતમાં ડાકણ બાળકોને મારવા માટે ઉઠી. તેને માળિયામાંથી બાળકોની ગંઘ આવી, તે સીડી પર ચડીને બાળકોને લેવા માટે માળિયા તરફ ગઈ. તરત જ સીડી પરથી પડીને પથ્થર ઉપર પટકાઈ કે તરત જ તેનું માથું ફુટી ગયું. તથા આગમાં તેનું અર્ધું શરીર શેકાઈ ગયું. ઊર્મિલાને જ્યારે ખાત્રી થઈ કે ડાકણ હવે સંપૂર્ણ પણે મરી ગઈ છે ત્યારે તે ઘરમાં આવી. 

હવે ડાકણના બળેલા શરીરનું શું કરવું ? ક્યાં નાંખવું ? એ વખતે જ ઘરની બહાર ચોરનો અવાજ સંભળાયો. ઊર્મિલાએ એક મોટા પટારામાં ડાકણનુ શરીર ભર્યું અને પટારાનું ઢાંકણું અડધુ ખુલ્લું રાખીને તેમાંથી એક સોનેરી દોરી લટકાવી દીધી. ચોર ધરમાં પેઠો. તેમણે રાતના અંધારામાં સોનાની દોરીને અછોડો માની લીધો અને પટારામાં ઘણો બધો માલ હશે તેમ માનીને પટારો બહાર લાવીને આવેલા ચાર ચોરો પટારો ઉપાડીને લઈ ગયા.સવારમાં જ્યારે તેમણે પટારો ઉઘાડ્યો ત્યારે ચારેય જણ અડધી બળેલી ડાકણની ડરામણી લાશ જોઈને ધ્રુજી ઉઠ્યા. એ ડાકણના ઘરમાં ફરી ક્યારેય ચોરી ન કરવી તેવું તેમણે નક્કી કર્યું. 

સવારે ઊર્મિલા જંગલમાં ગઈ તથા તેણે પોતાના પતિને શોધ્યો. તે પોતાની સાથે ઘણા બધા ગામ લોકોને લઈ ગઈ હતી. બધાએ સહદેવને શોધવામાં ઘણી મદદ કરી. ડાકણ મરવાની વાત જ્યારે ગામમાં બધાએ જાણી ત્યારે ઊર્મિલાનું બહુમાન કરવામાં આવ્યું.તેની બહાદુરી તથા સમય સૂચકતાને કારણે ત્રણ જીવ બચી ગયાં. તેમજ ગામના બીજા અન્ય લોકોના પણ ડાકણના ત્રાસમાંથી કાયમી છૂટકારો મળવાથી આનંદ ઉજવવા લાગ્યા. 

બોધઃ- મુશ્કેલી આવે ત્યારે ખૂબ હિંમતથી કામ લેવું


Rate this content
Log in