STORYMIRROR

Hemang Kothari

Others

3  

Hemang Kothari

Others

અર્ધાગિની

અર્ધાગિની

6 mins
28.4K


"શું થયું? દિકરા.." આકાશે ઘરમાં પ્રવેશતા જ મંદાબેને ઉચાટ જીવે પૂછયું. "કંઇ નહિ, હજી કોઇની આંખ નથી મળી, મળશે એટલે સંસ્થા તુરંત જ જાણ કરશે." આકાશે થાક અને ગમગીન અવાજે જવાબ આપ્યો. "સૌ સારાંવાના થઈ જશે." મંદાબેને પાણીનો ગ્લાસ આપતા કહ્યું. "ચાલ, જમી લે હવે.." "ના, મમ્મી ભૂખ નથી.." તેમ કહી આકાશ દાદરા ચડી તેના રૂમમાં ચાલ્યો ગયો. દિકરાની મનોસ્થિતીથી વાકેફ મંદાબેને એટલે જ જમવાનો આગ્રહ ન કર્યો અને એક નિશ્વાસ સાથે તેઓ પણ પોતાના રૂમમા સુવાના પ્રયત્ન સાથે પથારીમાં પડ્યા.

"આકાશ તું આવી ગયો?" રૂમનાં બાથરૂમમાંથી પાણીનો અવાજ આવતા અવનીએ પથારીમાથી હાથ ફેલાવી બેઠાં થતાં પૂછ્યું.

"હા, હમણાં જ આવ્યો.." આકાશે અવનીનાં ફેલાયેલા હાથને પોતાના હાથમાં લઈ તેની બાજુમાં બેસતાં કહ્યું.

"કેટલા વાગ્યા? આજે તો બહુ મોડું થયું?" અવની એ તેનો એક હાથ આકાશના ચહેરા પર ફેરવતા પૂછ્યું. "હા,આજે ઓફિસ કામ પૂરું કરીને ત્રણથી ચાર સંસ્થામા તારી આંખો માટે ગયો હતો તેમાં મોડું થઈ ગયું. બધી સંસ્થાઓ એ તારું નામ નોંધી આંખ મળતા જ તુરત જાણ કરશે તેમ કહયું છે." અવની વિશેષ કંઈ પુછે તે પહેલા જ જણાવી દીધુ.

"હંમ્મ..." અવની એ નિરાશાના સૂર સાથે તેના બંને હાથ આકાશનાં ગળે વીંટાળી માથું તેનાં ખભા પર ઢાળી દીધું. "તું જરા પણ ચિંતા ન કર અવની, હું ગમે તેમ કરીને તારા માટે આંખો લઈ આવીશ." આકાશે અવનીનાં ગાલ પંપાળી તેનાં કપાળ પર ચુંબન કરતા કહ્યું. "તારા સાથ અને વિશ્વાસને કારણે જ તો આ બે માસથી અચાનક આવેલ અંધાપો જીરવી અને જીવી શકી છું. બાકી તને ખબર છે ને આકાશ હું એક મિનીટ પણ આ રીતે અંધકારમા રહી નથી શકતી." અવનીએ આકાશની વધૂ નજીક સરકતા કહ્યું.

"હા, તારી અંધારાની બીક તો કેમ ભુલાય? આપણે હનીમુન પર ગયાના પહેલા જ દિવસે હું હોટેલની બાજુમાં આવેલ ફુલની દુકાને ફુલ લેવા ગયેલો અને અચાનક લાઈટ જતા તે હોટેલ રૂમનો દરવાજો ખોલીને રાડા રાડી અને દોડા દોડી કરી મુકેલી અને હનીમુન પર આવેલા અાજૂબાજુના રૂમના કપલ અને હોટલ સ્ટાફ ભેગો થઈ ગયેલ અને તેઓને તો એમ થયેલું કે આપણા પ્રથમ મિલનના પ્રયાસમા મે બળજબરી...." "હા... હા... હા.... આકાશ..." તે પ્રસંગ યાદ કરતા ખડખડાટ હસી પડયો.

અવનીના ચહેરા પર પણ આનંદ અને શરમની શેરોની લાલીમા છવાઈ ગઈ અને તેને બંને હાથથી ચહેરો ઢાંકી અને ધીરેથી બોલી. આજે પણ આ વાત યાદ આવે છે ત્યારે બહું શરમ આવે છે.

આકાશે અવનીના બંને હાથ પોતાના એક હાથથી ચહેરા પરથી હટાવી તેના ચહેરાની લાલીમા જોઈ રહયો અને બીજા હાથથી અવનીના ચહેરા ને વધુ નજીક ખેંચ્યો અને પોતાના હોઠ અવનીના કાનની બુંટ પાસે લઈ જઇ ધીમેથી બોલ્યો, "આજે પણ તુ શરમાય છે ત્યારે એટલી જ સુંદર અને માસુમ દેખાય છે અને હું બધુ જ ભુલીને તારો દિવાનો બની જાઉ છુ, જા, હવે લુ......" અવનીના બાકીના શબ્દો આકાશના હોઠમાં સમાઈ ગયા અને આકાશ અવની પર છવાઈ ગયો.

દિવસો પર દિવસો અને મહિનાઓ વિતતા જતાં હતા અને તેની સાથે અંધાપાને કારણે અવનીની અવદશાથી આકાશની અકડામણ વધતી જતી હતી.

ગમે તેમ કરીને તે અવનીનો અંધકાર દૂર કરવા માંગતો હતો. આંખ મેળવવાના પ્રયત્ન સાથે અવનીને કોઇપણ રીતે આનંદિત રાખી શકાય અને તેને ઓછું ન આવે તે માટે ન શક્ય તેટલા તમામ પ્રયત્નો આકાશ તથા મંદાબેન કરતા હતા.

વહેલી સવારમાં આકાશની નિંદર ઉડી જતા તેને અવનીની નિંદરમા ખલેલ ન પડે તે રીતે સરખી સુવડાવી અને પોતે મોર્નિંગવોક માટે ઘરની બાજુમાં આવેલ ગાર્ડનમા ગયો.

એકાદ કલાકની પોતાની બધી રૂટીન કસરત અને વોક પછી થોડીવાર માટે બેન્ચ પર બેઠો હતો ત્યા ઘણા કપલને સાથે વોક કરતા, મસ્તી મજાક કરતા જોયા અને તે પણ અવની સાથેની જુની યાદોમાં ખોવાઈ ગયો.

અવની અને આકાશ બે શરીર એક પ્રાણ!!નાનપણથી બંને સાથે રમેલા, ભણેલા, એકબીજા ના ઘેર એકબીજાની સાથે જમેલા અને યુવાન થતાં થતાં એકબીજાને ગમેલા અને જીવન અનેઅને દરેક સપનાઓ એકબીજા વગર અધુરાં છે તેવું પ્રતિત થતા બંને પરિવારની સહર્ષ સંમતિ સાથે પ્રેમની ૠતુ વસંત પંચમી અને પ્રેમ દિવસ "વેલેન્ટાઈન ડે"ના લગ્નગ્રંથીથી જોડાયા અને બંનેની અપૂર્ણતા પૂર્ણ બની.

લગ્ન પછીનાં છ માસ તો સપનાની જેમ જતાં રહયાં. અવની અને આકાશ સમગ્ર પરિવાર, સગા સબંધી, મિત્ર વર્તુળ અને આડોશ પાડોશમા એક આદર્શ દંપતિ તરીકે ઓળખાતાં હતા. પણ કહે છે ને અતિ ખુશીની કયારેક કુદરતને પણ ઈર્ષા થઈ આવે છે અને તેવું જ થયુંં.

લગ્નનાં દસમા મહિને બંને એક પ્રસંગમાંથી કારમાં પરત આવતા હતા ત્યારે અકસ્માત થતા. બંનેને ઈજાઓ થઈ જેમા બંનેના જીવ તો બચી ગયા પરંતુ અવની એ તેની બંને આંખો ગુમાવી અને બંનેના જીવનમાં અંધકાર ફેલાઈ ગયો.....

સૂરજના તેજ થતા કિરણોએ આકાશને વર્તમાનમા લાવી દીધો અને સાથે એક અનોખો વિચાર પણ ઝબકી ગયો જે વિચારે તેના ચહેરાં પર ખુશી અને તેની ચાલ મા ઉત્સાહ અને મક્કમતા લાવી દીધી અને તે ઘર તરફ દોડી પડયો અને સ્વગત બોલી રહયો કે મારી અવનીને હવે હું અંધકારમા નહી જ રહેવા દઉં.

ઘરે જઈને તેના વિચાર અંગે મંદાબેનને વાત કરી તે સાંભળીને મંદાબહેને પહેલા તો ચોખ્ખી ના પાડી દીધી અને આવાં વિચાર માટે આકાશ પર ગુસ્સે પણ થયા. પરંતુ આકાશની અનેક સમજાવટ, મક્કમતા અને અવની પરનો પ્રેમ જોઇને અંતે સહમત થયા.

આ વાત હમણા અવનીને નથી કહેવી અને તે પહેલા ડોકટરનો અભિપ્રાય લેવો તેવું બંને એ નક્કી કર્યુ. સાંજે ઓફિસથી છુટ્ટીને આકાશ ડોકટર પાસે જઇ પોતાનો વિચાર વ્યકત કર્યો તે વિચાર સાંભળી ડોકટરને પણ આશ્ચર્ય થયું પણ અાવું કરવામાં અન્ય કોઈ મેડીકલ પ્રોબ્લેમ ન હતો એટલે આનંદ પણ થયો.

ડોકટર સાથે બધું નક્કી કરી આકાશ ઉત્સાહભેર ઘરે ગયો અને મંદાબહેનને બધી વાત કરી અને ઉપર તેનાં રૂમમાં ગયો. અવની બાલ્કનીમાં રાખેલ હિંચકા પર બેઠી હતી અને બાજુમાં પડેલા ટેબલ પર રાખેલ રેડિયો પર ગીત વાગી રહયું હતું, "આજ ફિર જીને કી તમન્ના હૈ!"

આકાશે હિંચકાની પાછળ જઈ તેના બંને હાથ અવનીનાં ગળે વીંટાળી દીધા. અરે, આકાશ તું આવી ગયો? આ રેડિયાનાં અવાજમાં ખ્યાલ જ ન આવ્યો. અવનીએ હાથ ફેલાવી રેડિયો હાથમાં લઈ બંધ કરતા કહ્યું."ઓહો! શું વાત છે! આજે તું વહેલો પણ આવી ગયો અને આટલો આનંદમાં પણ છે." "અરે! જેને આવી સુંદર પત્ની હોય તે તો હમેશાં આનંદમા જ હોય ને!" "ચાલ હવે મસ્કા મારવાનું બંધ કર અને સાચી વાત જણાવ." "અવની, આવતા સોમવારે આપણાં લગ્નની પ્રથમ વર્ષગાંઠ છે તેને હું ધુમધામથી ઉજવવા માંગું છું." આકાશે હિંચકા પર બેસતા કહ્યું. "આકાશ, આ વર્ષે ધુમધામ રહેવા દે, એક તો હમણાં એકસીડન્ટનાં કારણે ઘણો ખર્ચો થઈ ગયો છે અને બીજું મારી આંખો...." "તું ખર્ચની કે આંખોની જરાપણ ચિંતા ન કર. હું છુ ને તારી સાથે? તે દિવસે તારી આંખો બનીને તારી સાથે જ રહીશ બસ!" "તું એકલો કેટલુ કરીશ? કાશ! મારી આંખો હોત તો તને મદદની સાથે હું પણ તારા માટે સરપ્રાઈઝ ગીફટ લઈ આવત અને તારા ચહેરાની ખુશી મનભરીને નીહાળી શકત પણ આ આંધળી કંઈ નહી કરી શકે." તેટલું બોલતા જ અવની આકાશનાં ખભે માથું રાખી રડવા લાગી.

આકાશ કંઈ પણ બોલ્યા વગર મનમાં મલકાતો રહયો." એનીવર્સરીના દિવસે વહેલી સવારમાં જ હોટેલમાં મોટું ફંકશન રાખ્યું છે તેથી વહેલું જવું પડશે.." તેમ કહી અવની અને મંદાબહેનને હોસ્પિટલ લઈ આવ્યો.

ત્રણેક કલાક પછી સ્પેશીયલ રૂમના બેડ પર સૂતેલી અવની ભાનમાં આવી અને આંખો પર પટ્ટી લાગેલી જોઇને હસતાં બોલી, "આકાશ, આંધળીને શું પટ્ટી બાંધવાની?" અાકાશે અવનીને ટેકો આપી ઊભી કરી અને કહ્યું, "જો તારી પટ્ટી ખોલીએ પછી ધીમધીમે  આંખો ખોલજે." "અરે પણ.." અવની વધુ કંઈ પૂછે તે પહેલા આકાશે તેના હાથથી રોકી અને પાસે ઊભેલા ડોકટરે નર્સને પટ્ટી ખોલવા ઈશારો કર્યો.

પટ્ટી ખૂલ્યા પછી ધીમેધીમે આંખો ખોલતા અવનીની ડાબી આંખ પ્રકાશ જોઇને બંધ થઈ ગઈ, "ધીમે ધીમે અવની, હવે ફરી આંખ ખોલ.." આકાશ બોલ્યો. અવનીએ ફરી આંખ ખોલતા ડાબી આંખે બધું જ દેખાતું હતુ! અવની તો આશ્ચર્ય અને આનંદ સાથે બધું જોઈ રહી ડોકટર, નર્સ, નજીકના મિત્રો, સગાંવહાલા પરંતૂ આકાશ પર નજર પડતાં તે આઘાતમાં સરી પડી, આકાશની ડાબી આંખ પર પટ્ટી બાંધી હતી!

અવનીને એકપળમાં બધું સમજાઈ ગયું. તે દોડીને આકાશને ભેટી બોલી ઉઠી, "ઓહ! આકાશ આ તે શુ કર્યુ?" અને રડી પડી. આકાશે તેને સંભાળતાં કહ્યું, "અવની મેં મારી એક આંખ મારા જ બીજા શરીરને આપી છે, મારા એક શરીર પાસે બે અને એક શરીર પાસે અેકપણ ન હોય તે કેમ ચાલે! આપણે તો હંમેશા સાથે જ છીએ એટલે મારી તો બંને આંખો સાથે જ રહેવાની ને?

અાપણી સંસ્કૃતીમાં પત્નીને પતિની અર્ધાગિની કહી છે તે મુજબ મે તને આજે સાચાં અર્થમાં "અર્ધાગિની " બનાવી છે."


Rate this content
Log in