અંતરની આંટી
અંતરની આંટી
માગશર મહિનાની મધરાતનો સમય હતો. એક નાનકડા ગામની સીમમાં ઘંઉ અને ચણાના કુણા છોડ એકબીજાના પાસામાં પાસા ભેળવી બાજુના છોડને પાછળ રાખી દેવા મથતા હતાં. બધી મોલાત ઉપર ઝાકળ આછા બીંદુ પથરાયા હતા. આવા ઝાકળીયા વાતાવરણમાં સીમના રખેવાળો ટુંટીયા વાળી ને ઊંઘ ખેંચી રહ્યાં હતા.
લીલાછમ મોલ ઉપર અંધારાની કાળાશ છવાઈ ગઈ હતી. આખાય ગામનો પટ અને ટેકરીઓ ઉંઘતી હતી, જાણે કે ધરતી કાળો કામળો ઓઢી ને સુઇ રહી છે.એટલું જ નહીં તારલાઓથી ખદબદતા આભમાં પણ નિરવ શાંતિ હતી... બ્રહ્માંડ આખું સુમસામ હતું!
એવે વખતે એક વાડીમાં ઝાડવાઓના જુંડમાં વચ્ચે દેશી ખાટલાની ઓથે એક તાપણું સળગતું હતું. ઠરેલી બીડીને તાપણામાં જલાવી ઘુંટ લેતો ચાલીસી વટાવી ચુકેલો એક આદમી જાગતો હતો. બીડીના ધુમાડામાં જીવનના સ્મરણો ઉડાડતા આ આદમીને આજ ઊંઘ આવતી નહોતી. સમાચાર જ એવા મળ્યા હતા! બાજુના ગામનો દેવો પટેલ ટી.બી.ના રોગમાં મરણ પામ્યો હતો.
આ આદમીનું નામ 'પરબત'. આમ તો ગામનો મુખી પણ. પરબતની આબરુને કોઈ પદવીની જરૂર નહોતી. પાંચમાં પુછાય એવો મરદ.
પરબતની મરદાનગી એની મૂછમાં હતી. પરોપકારી સ્વભાવ અને કોઈના ભલા માટે 'પારકા કજીયા ઉછીના' લેવા વાળો પરબત પોતાના સ્વભાવથી જ પ્રતિષ્ઠીત હતો.
કોઈનું ટી.બી.માં મરી જવું એ સમયમાં નવું નહોતું પણ દેવો એટલે જીવીનો ઘરવાળો. જીવીનું નામ આવતાં જ પરબતની આંખમાં ચમક આવી જતી. જુવાનીમાં જેની ઝંખના ડગલે ને પગલે કરેલી એવી જીવી તો પરબત ના હ્રદયમંદીરની દેવી હતી. પરબતની જમીનમાં કામ કરતાવાળા પટેલની એકની એક દિકરી જીવીને ઉપરવાળા એ ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું. જીવીનું રૂપ એટલે ચૈત્ર-વૈશાખમાં ખીલેલી વનરાઈ! અણીયાળી આંખો, ભરાવદાર અને અસલ ગુજ્જુ પટલાણી સમો માંસલ દેહ... ગામના તમામ જુવાનીયાની કતરાતી નજર જીવી ઉપર હતી. પણ જીવીના જોબનને લોભાવી શકે એવો એક જ જુવાન હતો પરબત.
બાપદાદાની બહોળી જમીન સંભાળે એવો મનજી પટેલ ને એક જ દિકરો હતો પરબત. એટલે માંડ સાત ચોપડી ભણાવીને મનજી પટેલે પરબતને ખેતીમાં જોતરી દીધો. જીવી એના જ ખેતરમાં કામ કરતા વાલા પટેલની દિકરી એટલે બપોર નું ભાત લઈને આવે. પછી સાંજ સુધી કામ કરતાં આમ જ બંને ક્યારે યુવાવસ્થામાં પહોંચી ગયા એ ખબર પણ ના પડી. હાથોહાથ કામ કરતા જીવી અને પરબતના આતમરામ પણ એકબીજામા એકાકાર થતા જતાં હતાંં.
હવે પરબત બપોરની ભથવારી નેઝવા માંડીને રાહ જોતો થયો. થનગન થતાં કાંબીકડલાનો અવાજ પરબતના હાથ અને હૈયાને'ય ઊર્જાથી ભરી દેતો, બે'ય નો મુંગો પ્રેમ પાંગરતો રહ્યો પણ, એકબીજા એ ક્યારેય હોઠ સુધી આવવા ન દીધો.
મનજીપટેલના મોટા અને મોભાદાર ખોરડાને આંબવા વાલા પટેલના હાથ ટુંકા પડે એમ હતા. ભાગીયું રાખીને પેટીયું રળતા વાલા પટેલ પોતાની દિકરી જીવીને આ ઘરની વહુવારું બનાવવાનું તો વિચારી પણ ના શકે. જીવી અને પરબતના ઓરતા પામી ગયેલા મનજી પટેલે પણ એક દિવસ પરબતને આકરા શબ્દોમાં ઠપકો દીધેલો.
"મારા ધોળામાં ધૂળ નહીં નાખતો હો..પરબત.."
ગામડાની સંસ્કૃતિ અને રુઢીગત પરંપરામાં ઉછરેલો પરબત પિતા સામે બોલી નહોતો શક્યો અને આ બે જુવાન હૈયાના અરમાન ઠુંઠવાઈને થીજી ગયા. જીવી પરણીને સાસરે જતી રહી અને પરબતને પણ મનજી પટેલના મોભાને અનુરુપ પટલાણી સાથે પરણાવી દેવામાં આવ્યો.
ચલચિત્રના પડદાની જેમ આ બધા પ્રસંગો આજ પરબતની સ્મૃતિમાં તરવરી રહ્યા છે તાપણાની રાખ નીચે ભારેલા અગ્નિ જેવો જીવીનો પ્રેમ આજ પરબત ના હૈયાને દઝાડી રહ્યો છે.
સુમસામ રાત્રિમાં વાડીનું રખોપું કરવા આવેલો પરબત આ સ્મરણોની સરિતા મા ભિંજાઈ રહ્યો હતો. અને.. ત્યાંજ બાજુની ઝાડીમાં સળવળાટ થયો. કાળામેશ અંધારામાં કોઈ આકૃતિ નજીક આવતી હોય એવું લાગ્યું. પોતાની પાસે પડેલી ડાંગ હાથમાં લઈ ને પરબત ખાટલામાંથી ઉભો થયો ને તાડુકયો,"કોણ...?"
પરબતના પડકારાની અવગણના કરીને એ આકૃતિ સાવ નજીક આવી ગઈ. પોતાના મનમંદિરની દેવીની ઝાંખી કરતો હોય એમ પરબત એકીટશે એ ચહેરા સામે જોઈ રહ્યો અને બોલ્યો,"જીવી....!..તું...!"
"હા પરબત આયખાની વાટમાં ભુલી પડીને આજ હું સાવ એકલી પડી ગઈ છું. મારો ધણી, દેવો તો ગુજરી ગયો. રાત દિ તારા રુદિયાની બખોલમાં આટા મારતી આ જીવીને હવે કોઈ બંધન નથી. ગામની સીમમાં મેળામાં કે, શંકરના મંદિરે તું ય ખાલી મને જોવા માટે જ ક્યા નો'તો આવતો... બસ હવે આ ઝુરાપો મારાથી નથી જીરવાતો...
હાલ પરબત પુગાડી દે મને તારી માઢમેડીએ... ગામ તો બે'દિ વાતું કરશે... પણ અંતરના ઓરતાને ઘડીએ ઘડીએ મારવાનું, બસ મારાથી હવે નથી રેવા'તું.."
અચાનક આવી પુગેલી જીવીને જોઈ રહેલો પરબત ધડીક તો કાંઈ બોલી ન શક્યો.
થોડીવાર પછી બોલ્યો,"વાત તો તારી હાચી જીવી.. પણ વાડે વેલો ઉગીયો ને વાડ જ વેલા ને ખાય...પંડ્યનો સ્વામી પાલટે એની રા'વું ક્યા થાય...?" રક્ષકો જ ભક્ષક બને તો ફરીયાદ ક્યા કરવી...?"
"હું આ ગામનો મુખી થઈને બેઠો છું.. ગામની પરંપરાઓ અને રિવાજોનું રક્ષણ કરવું એ મારો ધરમ છે. જો તને ઘરમાં બેસાડું તો ગામના પાદરમાં દિકરીઓના આણા બંધ થઈ જાય. મારું અનુકરણ કરી ને કોઈ પણ બીજી બાઈને ઘરમાં બેસાડવા લાગે. કાલે કો'ક ઉઠીને એમ ક્યે.. આ મુખીય રાંડીરાંડને ઘરમાં ઘાલીને બેઠો છે તો અમારો શુ વાંક..?"
"તું મને જાકારો દે છે..પરબત..!"
"એવા આકરા વેણ ન કાઢ જીવી... તારા જેવી જો મારે પડખે હોય ને તો આ ડુંગરો ખેડીને પણ ખેતી કરત...તને મેળવવા તો હું જોગી થવા તૈયાર છું પણ, હું જવાબદારી લઈને બેઠો છું. સમાજમાં જો જવાબદારો જ આડું વાવવા લાગે તો, ઘંઉનો પાક ક્યાથી આવે. આ મન તો બાળક જેવું છે જીવી... મનના મોરલા સાટું સમાજનું નિકંદન કાઢીને ક્યે ભવે સુખી થાશું તું જ કે...!"
"મારો ભરોસો ઠગારો નીક્ળ્યો પરબત..."
"ના જીવી... તું મારા રુદિયામાં હતી અને કાયમ રહીશ પણ વિધાતાએ આ ભવ મળવાના લેખ તો રોળી નાખ્યા. મનના મોરલાને મનમાં રમાડીને આયખું પુરુ કરવાનું. આ ભવના ઓરતાં આવતે ભવે પુરા કરીશું."
"હાલ તને મુકી જઉં.. રાત ગળવા આવી છે અને પંથ અસુરો છે... તને આંયા કો'ક જોઈ જાશે તો નાહક વહેમાશે...કાળો કૉપ થાશે.."
"ના...પરબત અડધા સથવારા કરતાં તો..એકલવાટ સારી..." કહીને જીવીએ પોતાની વાટ પકડી.
બાજુની વાડીમાં કોઈ જુવાન જાગી ને દુહો લલકારતો હતો.
"ભેળા પડેલ ભાણાં..
ખખડીને ભાંગી ગયા..
સમજ્યા નહીં શાણાં..
અંતરની આંટી પડી..."
