આઘાત
આઘાત
હું તમને ૩૫ વર્ષ પહેલાંની વાત કરું છું. મારા પપ્પા, મમ્મી અને મારી બે નાની બહેનો અને મારો એક નાનો ભાઈ એમ ઘરનાં બધાં સભ્યો જામનગર પાસેનું નાનું ગામ સિક્કા રહેતાં હતાં.
મમ્મી સિક્કામાં સરકારી સ્કૂલમાં ભણાવતાં હતા અને પપ્પાને ફેક્ટરી વિસ્તારમાં સિલાઈ કામની દુકાન હતી. પપ્પા સાયકલ લઈને ઘરેથી દુકાને દિવસનાં ચાર- પાંચ ચક્કર લગાવતા હતા.
હું ૭ માં ધોરણમાં ભણતી હતી. ત્યારે ફોનની સગવડ ના હતી. ઘરમાં લેન્ડલાઈન ફોન પણ ના હતો.
કોઈક સમાચાર હોય તો પણ પોસ્ટકાર્ડ કે વધારે ઉતાવળ હોય તો તાર આવતાં. વધારે કંઈક માહિતી લખીને મોકલવી હોય તો આંતરદેશીય વપરાતા !
દિવાળીનો સમય હતો. દિવાળી અને બેસતું વર્ષ વચ્ચે પડતર દિવસ આવતો હતો. જેને સૌરાષ્ટ્રમાં ધોકો કહે છે.
અમે દર વખતે દિવાળી પર ચુરમાના લાડું બનાવતાં હતાં. ત્યારે પણ બનાવ્યા હતા.
પડતર દિવસની સાંજ હતી અને પપ્પા સાયકલ લઈને ઘરે રડતાં રડતાં આવ્યા. એમના હાથમાં તાર હતો.
અમે બધાં ડઘાઈ ગયા. પપ્પાએ કરુણ સ્વરમાં કહ્યું કે મારા બાપુજી શ્રીજી ચરણ પામ્યા છે. આપણે તાત્કાલિક મોરબી જવું પડશે.
આ સાંભળતા જ બધાં આઘાતમાં સરી પડ્યા.
મારા દાદા ને કાકા બધાં મોરબી રહેતાં હતાં. અમે ટેક્સી ભાડે કરીને મોરબી પહોંચ્યા, પણ ભાગ્યનું કરવું ને કાકાએ દાદાની અંતિમવિધિ કરી લીધી હતી. તે વાતનો પપ્પાને બહુ આધાત લાગ્યો. પપ્પા નિસાસા નાખતાં બેસી રહ્યા.
