હળવાશ ૧૭
હળવાશ ૧૭

1 min

174
મળશે વિચાર સારો હળવાશની પળોમાં,
શાતા કરે ઉતારો હળવાશની પળોમાં,
બોજો બહું જગતનો માનવ શિરે છે આજે,
ઉતરે સદા આ ભારો હળવાશની પળોમાં,
કાયમ કરે વિલાપો માનવ મળે સમય ના,
તો જાતને ઉગારો હળવાશની પળોમાં,
છોડી બધું નકામું આતમ ને ન્યાય આપો,
બસ જિંદગી સવારો હળવાશની પળોમાં,
ભારણ છે જિંદગીમાં આ પાનખર સરીખું,
ખીલી જશે બહારો હળવાશની પળોમાં,
સીમિત થઈ ગયું છે જીવન અધીર રીતે,
તો વ્યાપ એ વધારો હળવાશની પળોમાં,
શબ્દો "અમર" ન થાયે ચિંતા સતત સતાવે,
આવો ગઝલ પધારો હળવાશની પળોમાં.