હાશ, અંતે આવ્યુ છેલ્લું પાનું ૨૦૨૦ વર્ષના 'કેલેન્ડર'નું
હાશ, અંતે આવ્યુ છેલ્લું પાનું ૨૦૨૦ વર્ષના 'કેલેન્ડર'નું
હાશ, અંતે આવ્યો અવસર સુંદર મજાનો વર્ષાંતે
આવ્યું છેલ્લું પાનું "કેલેન્ડર"નું દિવસોના ઈંતજારે,
ભલે દૂર થયા પાના ભૌતિક સ્વરુપે નજર સમક્ષે
દુ:ખ, દર્દની વેદના, વર્ષભરની રહેશે જીવંત અનંત કાળે,
એક ડે-એક, બગડે-બે, શીખ્યા હતાં બાળપણમાં હજાર વાર,
બગડે મીંડે-વિસ, શું ભૂલ્યા, કે કુદરતે ગોખાવ્યું સૌને બે-બે વાર,
રાખતાં હતા દિવસભરનો જ્યાં, ખર્ચનો હિસાબ રોજે-રોજનો
એ જ પાને સચવાઈ રહી છે, દિવંગત સ્વજનોની મધુર યાદો,
લાચાર ને વ્યાકુળ જાણે બન્યું વિશ્વ સુક્ષ્મ જીવાણું સમક્ષ
થયું શક્તિહીન ને નતમસ્તક, થયું જાણે વિશ્વ- "કોરોના" સમક્ષ,
ગ્રહણ હોય સૂર્ય કે ચંદ્રનું, આ તો થયું 'પૃથ્વી'નું જાણ્યુ જગતે
થયા માનવીઓ ગમગીન, કરુણતા સર્જાઈ મૃત્યુની ક્ષણે-ક્ષણે,
કાળજું કંપાવે એવા લેખ લખ્યા ઓણ સાલ વિધાતાએ પાને-પાને
વાંચતા રહ્યાં સૌ અંજલીઓ અર્પતા સ્વજનોને અશ્રુઓના સથવારે,
હવે, આ છેલ્લું પાનું આવ્યું, હર્ષભર વધાવીએ આશા સંગે
થશે દૂર પીડા વિશ્વ માનવીની, થશે આગમન સુખનું નવા વર્ષે,
'નિમિત્ત' વંદે ઈશ્વરને, ભલે રહ્યા નિજ ઘરમાં અર્પો ક્ષણિક દર્શન
દર્શાનાભિલાષી છે સૌ, સર્જો ઓજસમય વિશ્વ, બને સૌ ચેતનવંત.
