અકિંચન
અકિંચન
આજે ફરીથી તેને લાગ્યું કે કેમ તે ઉંબરા પર ઊભો રહી કળશની શોધ કરી રહ્યો છે, કેમ તે જીવનના નિરંતર સત્યને સ્વીકારતો નથી ? પણ જ્યારે જ્યારે સાંજ ઢળતી અને પક્ષીઓ ચણ કરી પોતાના માળામાં પાછા ફરતા ત્યારે ત્યારે તેના અંદરનું એકાકીપણું તેને સાલતું રહેતું અને તે અનાયાસે જ દૂર ક્ષિતિજ પર રહેલા તે તારાને શોધતો રહેતો.
“ઘર બાનવત તો મારૂ જીવન પણ સજી જાત, જયંત. રેતના ઢગલા પર મહેલ બનાવતા રહ્યા, નિરાશાની ધુમ્રસેરની રાખમાંથી તુષારના મોતી પડવાનું દિવાસ્વપ્ન જોતાં રહ્યા, આ લોકના સખ્ત ધરા તળ પર કેમ નથી ઉતરતાં ?” પુર્ણાના આ શબ્દો તેના અંતઃ મન પર શૂળની જેમ ચુભતા.
“જો, પૂર્ણિ, મે આ જીવનને જેટલું નજીકથી જીવ્યું છે એટલું કદાચ જ કોઈ સહન કરી શકે. આ જગતની રીત મારી સમજની બહાર છે. હું આ યુગનું પ્રાણી જ નથી. દૈવીય પ્રકોપ અને દુર્ભાગ્યે કોઈ આદિકાળનો જીવ મારા પરિવેશમાં આ યુગમાં આવીને અટક્યો છે અને ભવ સાગરની ઊંડાઈમાં ડૂબીને ઉતરી રહ્યો છે. મારૂ કોઈ સગું નથી અને કોઈને બનાવવાની ઇચ્છા પણ નથી. મારા તરફથી તું પૂર્ણ રૂપે સ્વતંત્ર છે. તું કેમ પોતાની ગૃહસ્થી નથી વસાવતી ? તણખલું-તણખલું ય જોડીશ તો ય ઘર તો બની જ જશે, ડૂબતાં તારાના તેજથી મહેલ નહીં બનાવી શકે.” અને આ કહીને તે વિષાદમય વિકૃત હાસ્ય હસ્યો અને પુર્ણા ચોંધાર આંસુએ રડી પડી. તેણે જે કતરાયેલી દ્રષ્ટિ એ જયંતને જોયો કે એને લાગ્યું કે આના કરતાં તો તે કોઈ પત્થર માથા પર મારી દેત તો તે વધારે સારું હોત, તે આ અસહ્ય પીડાથી તો બચી જ જાત.
ઘણા સમય પહેલા જ્યારે એ નાનો હતો ત્યારે એ પશ્ચિમના આકાશમાં તરતી પરીઓને શોધતો રહેતો, ક્યારેક વહેલી પરોઢના સપનાઓમાં પણ તે આવતી અને આંખ ખૂલતાં જ તે ગાયબ થઈ જતી અને સામે હોતી તી તો દિવાના ટમટમતાં અજવાળામાં ઘંટી ચલાવતી પોતાની ઘરડીમાં, જેના હાથ અને જીભ બંને ઝડપથી ચાલતાં. પીસાતું ધાન્ય પોતાના ભાગ્ય પર રોતું તો માં પોતાના દુર્ભાગ્ય પર. તે કયારેય પણ એ નક્કી ના કરી શક્યો કે કોનું દુર્ભાગ્ય વધુ ઊંડું હતું. શૂન્યમનસ્ક તે ચાલ્યો જતો સીમ અને ખેતરોમાં ફરતો રહેતો અને તિરસ્કારની ધૂળ ચાટીને પાછો ઘરે આવતો.
“કયા હતો આટલીવાર મૂઆ ?” મા ગરજતી. તે ચૂપ થઈ જતો. તેની ચૂપ માના વિષાદને વધુ ઊંડો બનાવતી અને તેણી તેની મારઝૂડ કરતી. તે જાણતો કે આના સિવાય ભોજન પ્રાપ્ત કરવાનો બીજો કોઈ રસ્તો નથી. અને આ રીતે બધા અભાવોની વચ્ચે તે દરિદ્ર ઢોરની જેમ આગળ વધવા લાગ્યો.
એકાકી મા અને એકાકી તે. ના કોઈ આગળ કે ના કોઈ પાછળ. સરકારી શાળામાં જેમ તેમ ૮ ધોરણ પાસ કર્યા, પાસ શું કર્યા એને તો આગળ ધકેલવામાં આવ્યો અને ત્યારબાદ શરૂ થઈ એક અવિરત યતનાઓનોની શ્રેણી. ક્યાંક જૂતાંની દુકાન પર લોકોના ગંદા પગ લૂછયા તો ક્યારેક મીઠાઇની દુકાન પર લોકોનો એંઠવાડ સાફ કર્યો. લુહારની ભઠ્ઠીમાં પોતાના પ્રાણ ફૂંકયા તો ક્યારેક હોસ્પિટલની દીવાલો પરથી પાનની પિચકારીઓ સાફ કરી. તેના માટે જીવનનો અર્થ સવારથી લઈ સાંજ સુધી કામ કરવાનું અને નિષ્ઠુર અત્યાચારીઓની સેવા કરવાનો હતો. અને જયારે રાત ઢળતી ત્યારે થાકી હારીને તે રૂમના એક ખૂણામાં ઢળી પડતો. આંખના ખૂણામાંથી પડતું એક ટીંપું બધી વ્યથાને વ્યક્ત કરતું, પણ આ દારુણ દુખને સાંભળવા વાળું કોઈ નહોતું. બસ એક આ નીંદર હતી કે દુશ્મન નહોતી અને ગાઢ નિંદ્રામાં એ જ નાનપણની પરીઓ એને હિંડોળામાં બેસાડી પોતાના અલૌકિક દેશમાં લઈ જતી જ્યાં ના રાજકુમાર હોવાના સપના ઓ તેણે સેવ્યાં હતાં.
તેને સારી રીતે યાદ હતું કે જ્યારે મા એટલી શક્તિહીન થઈ ગઈ કે એનાથી ઘરનું કામ પણ નહોતું થતું ત્યારે મીઠાઇની દુકાન પરથી રોટલી ઓ ચોરતી વખતે જાડા માલિકે કેટલીય વાર જૂતાં અને ચાબુક માર્યા અને અપશબ્દોથી પોતાના પૂર્વજોને તાર્યા પણ પોતાને છોડયો નહીં. અરે ભલું કોઈ લાત મારવાથી દુધાળી ગાયને થોડું છોડી મૂકે ? તે દાસ-મજૂર લીધા વગરના ઋણને ચૂકવતો રહ્યો, સહન કરતો રહ્યો, જે ઘા જીવને તેને આપ્યા હતાં તે ઘાને ના તો તેને કોઈને બતાવવાની જરૂરત લાગી ના તો તેને સીવવાનો પ્રયાસ કર્યો. બસ જ્યારે તે એકાકી ક્ષણોમાં ઉંબરા પર ઊભો રહેતો ત્યારે તે ઘાની જલન –પીડા તેના મનમાં વ્યાપ્ત સંસાર પ્રત્યે ધૃણાને વધુ વધારતી અને પીડાથી જે આહ નીકળતી તેના સૂરથી દૂર સદૂરની પથ્થરની શીલાઓ ધ્રુજી જતી.
સંપતિ ની ઘેલછા નહોતી એને પણ પીડાના રાજકુમારનો મુગટ શું એને જ ધારણ કરવાનો હતો ? તે વિચારવા લાગતો. કેટલીય વાર ઉપર જોઈ આ પ્રશ્નનો ઉત્તર જાણવાનો પ્રયાસ કર્યો, પણ વાયુવેગે આ પ્રશ્ન અનુત્તરીત રહી અદ્રશ્યમાં વિલીન થઈ જતો અને તે દૂર ક્ષિતિજ પર રહેલા ચોથા આયામને શોધતો જે ત્રણે આયમો દ્વારા આપેલા ઘા પર મલમ લગાવી શકે.
અને મલમનું કામ કર્યું પુર્ણા એ. તે ભોળી અને શ્યામ છોકરી ક્યારે તેના જીવન આવી એ ત્યારે તેણે જાણ્યું જ્યારે એ બીમાર પડ્યો અને તેણીએ જીવથીય વધુ સેવા કરીને તેને ઉગારી લીધો.
જયન્તે પુર્ણાને અનેક રૂપમાં જોઈ. જ્યારે એ દુખી હોતો ત્યારે તે એક સારા પાડોશીનું કર્તવ્ય નિભાવતી અને તેણે સાંત્વના આપતી. ક્યારેક તે તેના સપનાઓને વહેંચવા વાળી સખા તો ક્યારેક ઠપકો આપનારી મિત્ર તો વળી ક્યારેક સલાહ આપવાવાળી ઘરડી કાકી. હવે તેનું જો કોઈ હતું તો તે હતી પુર્ણા. અને તેના આ ભાવથી તે અભિભૂત થયો. પુર્ણાના આ તમામ રૂપથી વિલક્ષણ હતું એક વધુ રૂપ જે તેને ચકિત –અભિભૂત કરી ગયું.
યુવાનીનો ઉંબરો ઓળંગતાં જ પુર્ણાનું અલ્લડપણું ગંભીરતામાં બદલાઈ ગયું જેમ કે નિર્બાધ ઉછળતી સરિતામાં જાણે સમરૂપગતિ આવી ગઈ હોય અને એ કલ-કલ કરીને વહેવા લાગી હોય અને તે તેના કિનારે ઊભો પેલી પાર સંસારની સળગતી મશાલોથી બચી રહ્યો હોય. તેણીની જયંતનું બધું જ હતી અને જયંત તેણીનું સર્વસ્વ અને એ જ આસ્થા સાથે તે વેરાન ભૂમિ પરની પથરાળી પગદંડીને ઓળંગતો રહ્યો.
“જુઓ જય, શું એ ઠીક નથી કે આપણે આપણું ઘર વસાવી લઈએ ?”
અને અનાયાસે જ જયંતની સામે પોતાની ઘરડી માનું તે વ્યથિત રૂપ આવી ગયું જેને સ્વર્ગની અભિલાષા મા પોતાનું સંપૂર્ણ જીવન નર્કમાં વિતાવી દીધું. અને અંતમાં તેને શું મળ્યું – ભીની લાકડીઓની ચિતા જેની ધીમી ઝાળથી પોતાના મન અને પ્રાણોને સળગાવતો રહ્યો. “ ઘર” તે પોલું હાસ્ય હસી પડ્યો. “પુર્ણા, હું દારૂગોળાના ઢગલા પર ઊભો છું. અને મારી સામે હજારો દીવાસળીઓ ભભકી રહી છે. કેટ-કેટલીને બુઝાવીશ? "
“ઠીક છે.” પુર્ણા એ હાર માની લીધી. “ પણ, આગળ તમે મને કશું જ ના કહેતા.” અને તેણી એ ભર્યા બપોરે સાંજને ઓઢી લીધી.
ઘર વસ્યા તો ખરા, પરતું તેમનું નહીં પરંતુ મિત્ર અને ભાઈબંધોના જે માતા-પિતા થી દાદા દાદી બની ગયા અને એ બંને ઉંમરની ખીણ ને વર્ષોથી અલગ કરતાં રહ્યા. ઇતિહાસ લખતો અને ભાગ્ય બંનેનું મળવાનું ભૂંસી નાખતું. તેઓ સત્ય ને અસત્ય સાબિત કરતાં જોતાં અને ભૂલી જતાં. દુર્ભાગ્યના વમળમાં ફસાયેલા તેઓ પરિચિતો અને મિત્રોની પગે લાગવાની વેગવાનતી સંસ્કૃતિમાં વહેતા કાલની પકડથી પેલા પાર જોતાં રહ્યા જ્યાં તેમનું પહોંચવું અશક્ય હતું. ના જયન્તે ગાંડપણ છોડ્યું ના પુર્ણા કયારેય પૂર્ણ થઈ. અને સમય, ભલું એને કોઈ ની રાહ જોઈ છે ક્યારેય?
એક અંતિમ પરીક્ષા હજુ બાકી હતી જયંતની. તેના જીવનની એકમાત્ર પૂંજી –પુર્ણા અકાળે જ મૃત્યુ પામી. બીમારી તો એક બહાનું હતું, અને થયું તો પણ શું- બે –ત્રણ ઉલટીઓ અને હસતી આંખોથી તે સદાય માટે નીંદરમાં પોઢી ગઈ.
એકલો તો એ પહેલેથી જ હતો, હવે વધારે એકાકી થઈ ગયો. પુર્ણાને ખોઈને તે તેનામાં પૂર્ણ રૂપે લીન થઈ ગયો.
રોજ સાંજની વેળાએ એક વૃદ્ધ કૃશકાય પડછાયો જેમ તેમ લાકડીના ટેકે તે ખીણના ઉંબરા પર આવી ને ઊભો રહે છે અને દૂર ક્ષિતિજ પર પોતાની દ્રષ્ટિને ઠેરવે છે. પશ્ચિમના આકાશમાંથી એક પરી ઉતરે છે અને...

