‘વસંતનાં વધામણાં’
‘વસંતનાં વધામણાં’
આજે સુંદર વનનાં પ્રાણીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. દર વર્ષે પાનખરની વિદાય સાથે વસંતઋતુના આગમનના વધામણા આપવા સિંહ રાજા સભા ભરે. નાના-નાના બચ્ચાઓને ફૂલોની ભેટ મળે. બધા સરસ તૈયાર થઈને આવે.
ઠેરઠેર કેસુડાના વૃક્ષોમાં કેસુડાના ફૂલોએ સુગંધ વિખેરી હતી.પક્ષીઓનો કલરવ વાતાવરણને આનંદથી ભરતો હતો. નાના-નાના બચ્ચા વસંતના ગીતો ગાતા હતા.
“વસંતનો વાયરો વાયો
ગીત મધુરા ગાયો
આવ્યો ફાગણિયો
રૂડો ફાગણિયો”
સિંહ રાજા સભામાં આવતા બધા શાંત થયા. સિંહે બધા પ્રાણીઓને વસંતઋતુની શુભેચ્છા સાથે ગીફ્ટ આપી. હોળી અને ધૂળેટીનો તહેવાર જંગલમાં મનાવવા અને ફૂલોના રંગથી રમવા બધાને આમંત્રણ આપ્યું. સભા પુરી થતા બચ્ચાઓએ ગીતો ગાતા જંગલ ગજવી મુક્યું.
“વસંતનો વાયરો વાયો
પ્રેમરાગને લાવ્યો
આવ્યો ફાગણિયો
રૂડો ફાગણિયો”
બીજા દિવસે કોયલ બેન પોતાની શાળાનાં નાનાનાના બચ્ચાઓને લઈને વૃક્ષો અને ફૂલોની ઓળખ આપતા હતા. બચ્ચા તે ફૂલોને જોતા જાય... રમતા જાય...અને ગીત ગાતા જાય...
“વસંતનો વાયરો વાયો
ફૂલડે ફોરમ લાયો
આવ્યો ફાગણિયો
રૂડો ફાગણિયો”
બચ્ચા બધા વૃક્ષોને, ફૂલોને મળી ઘરે જતા હતા. એવામાં ચંચી ખિસકોલીબેને મોરભાઈને ઉદાસ બેઠા જોયા. ચંચી તો કુદતી તેની પાસે ગઈ કહે “મોરભાઈ, આ સુંદર વસંતઋતુમાં તમે ઉદાસ કેમ છો?” મોરભાઈ કહે “તને આ વાત નહી સમજાય.” ચંચી કહે, “કહો તો ખરા શુ વાત છે?”
મોર કહે, “હમણા વેલેન્ટાઇન ડે આવે છે ને મારે મારી ઢેલને ગીફ્ટ આપવી છે તો શું ગીફ્ટ આપુ? કાઈ સુઝતું નથી એટલે ઉદાસ છું.” ચંચીએ તરત કહ્યું, “અરે! મોરભાઈ સરસ ફૂલોનો ગુલદસ્તો આપી દો ને ઢેલબેન ખુશ ખુશ થઇ જશે.” આ સાંભળીને મોર એકદમ ખુશ થઇ ગયો. આગળ જતા ચંચીને સસલું મળ્યું એ તો સરસ કાર્ડ બનાવતું હતું. ચંચીએ સસલાને પૂછ્યું, “આ શું કરો છો? ” સસલું કહે, “આ વેલેન્ટાઇન ડેનું કાર્ડ બનાવું છું પણ તને નહી સમજાય.” ચંચી આ સાંભળી વિચારતી થઇ ગઈ.
વિચારમાને વિચારમાં ઘરે પહોચી ગઈ.
ચંચી ઘરે ગઈ સુનમુન બેસી ગઈ ચંચીની મમ્મીએ પુછ્યું, “ચંચી આજે તારી ઉછળકૂદ કેમ શાંત છે?” તો ચંચી કહે “વેલેન્ટાઇન ડે એટલે શું? હમણા જ મને રસ્તામાં મોરભાઈ મળ્યા, સસલું મળ્યું તેઓ આ દિવસની ઉજવણી કરવાના છે. મને તો કોઈએ જાણ પણ નથી કરી.” મમ્મી કહે, “કાલે તારા મેડમને પૂછજે.” ચંચી તો આનંદમાં આવી ગીત ગાવા લાગી.
“વસંતનો વાયરો વાયો
વેલેન્ટાઇન ડે આવ્યો
આવ્યો ફાગણિયો
રૂડો ફાગણિયો”
બીજા દિવસે ચંચી દોડતી સ્કૂલમાં આવી પહેલી લાઈનમાં બેસી ગઈ પ્રાર્થના પૂરી થતા જ મેડમને પુછ્યું, “મેડમ વેલેન્ટાઇન ડે એટલે કયો તહેવાર?” તરત જ ચંચીના મેડમે બધાને સમજ આપી કે, “આપણે જેને પ્રેમ કરતા હોય તે આપણું વેલેન્ટાઇન કહેવાય અને આ દિવસે તેને ગીફ્ટ અને કાર્ડ આપી આપણે તેને કેટલો પ્રેમ કરીએ છીએ તે વાત કરવાનો દિવસ એટલે તો વેલેન્ટાઇન ડે..” બધાજ બચ્ચાએ મેડમની વાતને તાળીથી વધાવી લીધી અને બધા ગીત ગાતાં છુટા પડ્યા...
“વસંતનો વાયરો વાયો
હૈયામાં ઉલ્લાસને લાવ્યો
આવ્યો ફાગણીયો
રૂડો ફાગણીયો”
ચંચી તો ઘરે પહોચીને બસ તૈયારીમાં લાગી ગઈ. સુંદર મજાનું કાર્ડ અને ગુલદસ્તો બનાવ્યો. બીજા દિવસે ૧૪ ફેબ્રુઆરીનો દિવસ હતો. ચંચી એ તેની મમ્મીને કાર્ડ અને ગુલદસ્તો આપી હેપી વેલેન્ટાઇન ડે કહ્યું. મમ્મીએ પણ ચંચીને ઝાંઝરી પહેરાવી. બંને એકબીજાને ભેટી ગીત ગાવા લાગ્યા...
“વસંતનો વાયરો વાયો
પ્રેમના રૂડા ગીતો ગયો
આવ્યો ફાગણીયો
રૂડો ફાગણીયો.”
