વિધિનાં લેખ
વિધિનાં લેખ
“અરે, એક મિનિટ પ્લીઝ, તમે નિધિ જ છો ને?” “હા.” નિધિએ જોયું તો પાછળ રાહુલ હતો. કેટલા સમય પછી તેણે આજે રાહુલને જોયો હતો.
“નિધિ, તું અહીં?”
“હા, હું અહી મારા દીકરાને સૈનિક સ્કૂલમાં મૂકવા આવી હતી ને બસ હવે ઘરે પાછી જાવ છું.” “હું પણ મારી કંપનીના કામથી અહી આવેલો. ચાલ સામે કોફી શોપમાં કોફી પીએ.”
કોફીનાં ટેબલ પર રાહુલે કહ્યું, “તને આમ સાદાઈમાં જોતાં પહેલા તો ઓળખી જ નહીં પણ પછી ખ્યાલ આવતા તને બૂમ પાડી.”
નિધિ અને રાહુલ બંનેએ એક જ કોલેજમાં સાથે સ્નાતકની પદવી મેળવી હતી. અનુસ્નાતક કરવા પણ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. સદભાગ્યે બંનેની હોસ્ટેલ પણ નજીકમાં જ હતી.
આજે કેન્ટીનમાં બેઠા બેઠા કોફી પીતા પીતા બંને યુનિવેર્સિટીમાં આપવાની જર્નલની તૈયારીઓ કરતાં હતા. તેવામાં નિધિ પર ફોન આવ્યો.
“હલો, બોલો મામી”
“ઓ મા ! કયારે થયું? કેવું છે હવે?”
“હું હમણાં જ ઘરે આવવા નિકળુ છું. તમે ચિંતા ન કરશો.”
રાહુલે પૂછ્યું, “શું થયુ?” નિધિએ બધી વાત કરી અને રડી પડી.
રાહુલે કહ્યું “અરે, એમાં રડે છે કેમ? હું છું ને પછી શું કામ ચિંતા કરે છે?”
“તું જ એક તો છે જે મને અત્યાર સુધીમાં દરેક મુશ્કેલીમાં કામમાં આવ્યો છે. કોલેજમાં મારી સાથે પેલો કરણ અળવીતરા કરતો હતો ત્યારે તે જ તો એને પાઠ ભણાવેલો અને પછી તો સામે જોવાનું પણ ભૂલી ગયેલો ને પછી તો પેલા પ્રોફેસર પરીક્ષાખંડમાં મને આવતા મોડુ થયું ત્યારે અંદર પ્રવેશવાની ના પાડતા હતા ત્યારે પણ તે જ તો મદદ કરેલી. આવી તો કઈ કેટલીયે વખત તું મને કામમાં આવ્યો છે. પણ મને વારે વારે આમ તને હેરાન કરવાનું નથી ગમતું”
“તો એમાં શું થયું? હું પારકો થોડો છું? લે ચલ, હવે ઊભી થા ને બેગ પેક કરી ઘરે જવાની તૈયારી કર. તારી જર્નલ હું લખીને સબમિટ કરી દઇશ.”
નિધિ વિચારી રહી, ‘કોણ જાણે કઈ માટીનો બનેલો છે આ રાહુલ. કોઈ પણ વાત હોય તે કદી મદદ કરવામાં પાછી પાની કરતો જ નથી. ગરબાની પ્રેક્ટીસ વખતે પણ પગ મચકોડાઇ ગયો હતો ત્યારે પણ તે કેવો દોડતો દોડતો આવી ગયો હતો ને રિક્ષા બોલાવી મને ઘરે પહોચાડી દીધી હતી. તેનો કલાસ છોડીને પણ તે ઘરે મૂકી ગયો તો. ને મામીએ પ્રશ્નોની ઝડી વરસાવી દીધી હતી ને મામી તરફથી રાહુલ જોડે વધારે આગળ ન વધવાની અને ગામ પાછા મોકલવાની ધમકી પણ મળી ગઈ હતી. જો મામીની વાત ના માને તો ઘરે કાકી જોડે ખેતરના કામે લાગી જવું પડે એમ હતું.
મા તો તેને છોડીને ક્યારની ભગવાનને ઘેર પહોંચી ગઈ હતી. એ તો બાપુ એ જ તેની ભણવાની ધગશ અને લાગણી જોઈને તેને શહેરમાં મામાને ત્યાં મોકલી આપી હતી.’
જો કે રાહુલ સાથે આમ પણ તે ક્યાં વધારે બોલતી હતી. એક મદદગાર કોલેજ સહપાઠી જેટલો જ નાતો હતો એ બંનેનો. રાહુલ ખબર નહીં પણ કેમ, જ્યારે પણ નિધિ મુશ્કેલીમાં હોય ત્યારે અનાયાસે જ જાણે કે વિધિનાં લેખ હોય એમ જે તે સ્થળે પહોંચી જતો ને નિધિને જરૂરી મદદ કરી દેતો. નિધિને પણ ગમતું કે કોઈ તેની આટલી કાળજી રાખે છે. જો કે રાહુલ અને તેની ઓળખાણ પણ આવી જ ક્ષણે થઈ હતી ને!
જ્યારે નિધિ રિક્ષામાં કોલેજ આવતી હતી ને રિક્ષા અધવચ્ચે અટકી પડી ત્યારે રાહુલ પોતાની કોલેજની છોકરી જાણીને મદદની ભાવનાથી જ તેને પોતાની રિક્ષામાં લિફ્ટ આપીને કોલેજ સુધી લઈ આવેલો.
એ પછી બંને વચ્ચે વાતચીતનો દોર ચાલુ થયેલો. રાહુલને પણ નિધી તરફ કુણી લાગણી હતી પણ ક્યારેય તે હોઠ સુધી લાવી શક્યો નહીં. તો આ બાજુ નિધિને પણ રાહુલ ગમતો. તેની વાતો, તેની મદદ બધુ જ ગમતું પણ કેમ વધુ પડતું શરમાળપણું કે મામીની ધમકી ગમે તે કારણસર તેણે પણ રાહુલ સાથે વર્તનમાં પણ એવું કદી લાગવા દીધેલું નહીં કે રાહુલ તેને ગમે છે.
કોલેજના છેલ્લા વરસમાં તેના પિતાજી પણ માની વાટે ચાલી નીકળ્યા. હવે તો મામા મામી વિના તેનો કોઈ સહારો નહોતો કારણ કે કાકી તો પહેલેથી માથા ભારે હતી હવે તો પિતાજી વિના એ ઘરમાં પગ જ શેનો મૂકવા દે? મામી પણ ક્યાં કાકીથી ઓછી ઉતરે એમ હતી પણ મામાને લીધે તેને આગળ ભણવા શહેરમાં જવા મળ્યું.
આજે એ જ મામાનો અકસ્માત થયો હતો. આઇ.સી.યુ.માં હતા. મામીનો આ અંગે જ ફોન હતો. તે બસમાંથી ઉતરી, રિક્ષા કરી બેબાકળી હોસ્પીટલમાં પહોચી. મામા કોમામાં જતાં રહેલા ડોકટરના કહેવા મુજબ તે હવે કેટલું કાઢે તે કહેવાય નહીં.
મામી પણ ખૂબ દુઃખી હતા. મામાને ઘરે લઈ આવ્યા. હવે આવકનો સ્રોત પણ બંધને દવાના ખર્ચા ચાલુ. મામાની સેવા કરવા અને ગામમાં જ શાળામાં સરપંચની ઓળખાણથી નોકરી મળવાથી નિધિએ આગળ ભણવાનો વિચાર માંડી વાળ્યો. તે દિવસની રાહુલ સાથે તેની છેલ્લી મુલાકાત હતી. તે હોસ્ટેલમાંથી તેનો સામાન ઘરે લઈ જવા આવી હતી. રાહુલ પણ તેને બસ સુધી મૂકવા રિક્ષામાં સાથે આવ્યો હતો. તેને છોડીને જતાં આંખમાં પાણી આવી ગયા. આ જ હતી તેમની છેલ્લી મુલાકાત.
મામાની સેવા કરતાં અને મામી સાથે રહેતા બીજા દસ મહિના થઈ ગયા. એવામાં એક દિવસ મામીના દૂરના સગા મામાને જોવા આવ્યા ને તેમને એમનો દીકરો નરેશ કે જે ભારતીય સૈન્યમાં હતો તેના માટે નિધિ ગમી ગઈ. તેમણે મામીને વાત કરી. મામીએ નિધિને કહ્યું. પણ નિધિનું મન માનતું નહોતું.
“પણ મામી મારે હમણાં લગ્ન નથી કરવા. મામાને કંઈક સુધારો થાય પછી જોઈશ.”
પણ મામી જેનું નામ. તેમણે ગમે તેમ કરીને નિધિને લગ્ન માટે તૈયાર કરી દીધી.
ઘડિયા લગ્ન લેવાયા. નિધિની મનની વાત તો કોણ જાણે ક્યાં ખૂણામાં ધરબાઇ ગઈ. નિધિ તેનાં સંસારમાં ખોવાઈ ગઈ.
એક ફૂલ જેવો મસ્ત દીકરો પણ તેના ખોળામાં રમવા લાગ્યો. એક દિવસ અચાનક પતિ શાહિદ થયાનો ફોન આવ્યો. તે ભાંગી પડી. તેના સસરાનું પાંચ મહિના પહેલા જ હાર્ટ એટેકમાં અવસાન અને હવે તેના પતિની શહીદી. તે એકલી પડી ગઈ. પણ મન મક્કમ કરીને દીકરા ક્રિશનને મોટો કરવામાં મન પરોવ્યું.
તેના પતિનું સપનું હતું કે તેમનો દીકરો સૈનિક શાળામાં ભણે. તેથી નિધિએ ક્રિશને સૈનિક શાળામાં પ્રવેશ અપાવ્યો.
આજે અચાનક જ રાહુલ મળી જતાં જૂની બધી યાદો તાજી થઈ. લગ્ન પછી રાહુલ વિષે જાણવા કે સમાચાર મેળવવા ક્યારેય પ્રયત્ન જ નહોતો કરેલો. રાહુલ પણ તેની નોકરી માટે દૂર જતો રહેલો. બંનેને એકબીજા વિષે આટલા વર્ષોમાં કંઈ જાણવા મળેલું નહીં અને પણ આજે જાણે વિધિનાં લેખ હોય એમ અચાનક જ વર્ષો પછી બંને મળી ગયા.
પોતાના વિષે બધી વાતો કરીને નિધિએ કહ્યું, “તે તો મારા વિષે બધું જાણ્યું પણ તારા વિષે તો કંઈ કહે. તું શું કરે છે? લગ્ન કયાં કર્યા? કેટલા બાળકો છે? શેમાં ભણે છે?”
“અરે આટલા બધા પ્રશ્નો એક સાથે. થોડો શ્વાસ તો લે હું કહું છું બધું.”
અનુસ્નાતક બાદ પી.એચ.ડી. કર્યું એ પછી એક કંપનીમાં નોકરી કરી પછી આગળ સારી તક મળતાં આજે એક મલ્ટીનેશનલ કંપનીમાં અધિક્ષકના હોદ્દા પર છું. અત્યારે હું જર્મનીથી જ થોડા દિવસ માટે અહીં આવ્યો છું. તેવામાં તું મળી ગઈ.”
“સરસ, પણ લગ્ન?”
“ના પૂછે તો સારું”.
“કેમ?”
“બસ એમ જ”
“ના પણ કેમ? એતો કહે”
“ભણતા હતા ત્યારે તને કહેવાની મારી હિમ્મત કયારેય થઈ નહીં, પણ મારા મનમાં તું જ હતી. તેથી બીજી કોઈ છોકરીમાં મન લાગ્યું નહીં ને હું લગ્નની વાત મારા માબાપ પાસે ટાળતો રહ્યો. દેશ વિદેશની કંપનીની દોડધામમાં મારી જાતને વ્યસ્ત કરી દીધી. મનમાં રોજ તને યાદ કરતો રહ્યો.”
નિધિ આ વાત જાણી રડી પડી.
“નિધિ, વિધિનાં લેખ હોય એમ ભગવાને જ આજે આપણો મેળાપ કરી આપ્યો છે. બોલ, આજે તો હું પૂરી હિમ્મતથી પૂછી જ લઉં છું તું મારી સાથે લગ્ન કરીશને?”
નિધિએ કહ્યું, “હું? મારી સાથે લગ્ન? એક વિધવા સાથે લગ્ન કરીશ?" “હા કેમ નહીં? કદાચ વિધિનાં લેખમાં આપણો મેળાપ આટલા વર્ષો પછી લખાયો હશે ! તારા જ જવાબની રાહ છે.” અને નિધિએ જવાબમાં ગુલાબી સ્મિત આપી આંખો ઢાળી વિધિનાં લેખને મંજૂરીની મહોર મારી દીધી.
