વિચાર વિમર્શ
વિચાર વિમર્શ


જગતની ચાલતી પરંપરા ને કોઇ બદલી શકતું નથી, આખરે તો ઇશ્વર જે ઇચ્છે એમ જ થાય છે પણ ક્યારેક આમ જ વિચાર આવે કે માણસ જ્યાં સુધી કોઇ પ્રસિદ્ધી હાંસલ ન કરે ત્યાં સુધી એને કોઇ ગણકારતુ નથી પછી ભલેને તે પ્રસિદ્ધ માણસ કરતા પણ ઉચ્ચ કોટીનો હોય.
આ જીવનનું કડવું સત્ય છે સાહેબ કે માણસ ગરીબ હતો એ કહેવા માટે પણ આખરે તો માણસને અમીર થવું પડે છે. આપણે જે ભૂલો કરી હોય એને સ્વિકારવા માટે પણ પહેલા સફળ થવું પડે છે. સારુ અને સાચુ બોલવા માટે માનવી ને સિદ્ધી મેળવવી પડે છે.
આજે આપણે ઘણાં મોટા વ્યક્તિનાં લેખો કે સુવિચારો વાંચીયે છીએ ત્યારે એમ થાય કે એ પણ ક્યારેક તો નાના હશે ને ? અને કેટકેટલી મહેનત પછી આજે તેઓ લખી શક્તા હશે. જો એ જ સુવિચારો અને એ જ લેખો ઘરની ચાર દિવાલ અંદર લખાયા હોય તો એનુ મહત્વ એટલુ જળવાતું નથી કહેવાય છે ને કે ‘ઘર કી મુરગી દાલ બરાબર’ ઠીક છે આ તો થઇ હાસ્યની વાત પણ હકીકત પણ એટલું જ ચોટદાર છે.
બિલ ગેટ્સ પણ સ્વીકારે છે કે તેઓ ભણતા હતા ત્યારે ઘણી વાર નાપાસ થયા છે પણ એ સ્વિકારવા માટે આજે એ એટલા જ ઊંચા પદે બિરાજમાન છે. જો તેઓ આટલી સફળતા ન મેળવી શક્યા હોત તો ચોક્ક્સ સામાન્ય માણસની જેમ જિંદગી જીવતા હોત. આપણેને જ્યારે કોઇ નિષ્ફળતા મળે ત્યારે ઘણી વાર આપણે શરમ અનુભવીયે છીએ અને ઘરના વડિલો તેમજ સગા- સંબંધીઓ પણ આપણને ધિક્કારે છે. પણ જો આપણે કોઇ પ્રસિદ્ધીને પામી જઈએ ત્યારે તમે કેટલી વાર નિષ્ફળ થયા એને કોઇ ગણકારતું નથી અને એને કોઇ યાદ પણ નથી કરતું. એક વાર તમે સફળતા મેળવી લીધી પછી તમારા દરેક શબ્દ બીજા માટે પ્રેરણા બની જાય છે. તમારી સ્ટાઇલ બીજા માટે ફેશન બની જાય છે. એ જ વ્યક્તિ કે જેને લોકો ધિક્કરતા હોય એને સાથે સેલ્ફી પડાવવાની ઇચ્છા રાખતા હોય છે. માણસને નહીં પણ માણસની સફળતા ને લોકો પ્રેમ કરે છે. ત્યારે એક સુવિચાર યાદ આવે કે ..
ધનવાન ના ઘરે બેઠેલો ‘કાગડો’ બધાને મોર લાગે,
ને ગરીબનો છોકરો ભૂખ્યો હોય તો બધાને ‘ચોર’ લાગે.
- અજ્ઞાત
સમયની વાત છે બાળપણમાં આપણને ચોકલેટ ખાવા માટે પરચુરણ મળતી હતી અને આજે પરચુરણ ન હોય એટલે ચોકલેટ ખાવી પડે છે. સમય ક્યારે બદલાય એની કોઇ ભીતી નથી. ચાણક્ય એમ કહે છે કે કોઇ પણ મનુષ્યની વર્તમાન સ્થિતીથી એના ભવિષ્યની હાંસી ન ઉડાવવી કારણ કે સમયમાં એટલી તાકાત છે કે તે કોલસાને પણ હીરો બનાવી શકે છે.