વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે
એક સલૂણી સાંજે શિલ્પા પોતાના બગીચામાં ફરતી ચારેકોર નજર ઘુમાવતી બેચેનીમાં આંટા મારતી હતી. મનમાં વિચાર કરતી બબડતી બોલી, “કેમ કરતાં કહું? આ કબુતર માળામાં ઘૂ-ઘૂ કરતાં પ્રેમ ક્રીડા કરે છે. મારા વિહવળ મનને કેમ કરી શાંત કરું? અમિત ક્યારે આવશે? લાવ ફોન કરી પુછી જોઉં ક્યારે આવશે? વેલેન્ટાઈન ડે ના દિવસે આવી તો જશેને?”
શિલ્પાની સોસાયટીમાં રહેતી બધી બહેનપણી આજે સાથે મળીને પોતપોતાનાં પતિ માટે ગીફ્ટ લેવાં ગઈ હતી. શિલ્પાનો પતિ અમિત બહારગામ હતો એટલે તેનું મન વિહવળ હતું.
બગીચામાં આંટા મારી થાકી તે ઓસરીના હિંચકે જઈ બેઠી. આગળ પાછળ થતાં હિંચકાની જેમ શિલ્પાની વિચારમાળા ચાલતી રહી. સાંજના જાપ કરવા બેઠાં ત્યારે બારી બહાર તેમની નજર વ્યથિત શિલ્પા ઉપર પડી. હંમેશ હસતી ખીલતી રહેતી શિલ્પા આજે વિહવળ કેમ? એવો પ્રશ્ન કમળાબેનને થતાં ફટાફટ જાપ પતાવી ઉતાવળે પગે ઓસરીમાં પહોચતા બોલ્યાં, “કેમ આજે આમ ઉદાસ અને ચિંતિત છે?”
“મમ્મી, આજે મન વિહવળ છે. અમિત બહારગામ છે અને ક્યારે પાછા આવશે તે વિચાર મનમાંથી હટતો નથી.”
“શાંત થા. મારો દીકરો પહેલીવાર બહારગામ ગયો છે? બે મહિને એકવાર તે ઓફીસના કામે જતો જ હોય છે ને! એમાં શું મોટી વાત હતી. ચાલ ઉઠ હવે આપણે જમી લઈએ. પાછી તારી સીરીયલનો સમય થઇ જશે.”
“અમિત ક્યારે આવો છો પાછા? નથી ગમતું.” ફોન પર રાતના શિલ્પા અમિત સાથે આડી અવળી વાત કરી મોબાઈલ મુકી દીધો. તે કહી ન શકી કે પોતે ઈચ્છે છે કે અમિત ‘વેલેન્ટાઈન ડે’ના દિવસ પહેલાં પાછો આવી જાય.
“બેલા, તને શું કહું? અમિતની એટલી રાહ જોઉં છું. તે ‘વેલેન્ટાઈન ડે’ના દિવસ પહેલાં એની બિઝનેસ ટુર પરથી પાછો આવી જાય. મને વેલેન્ટાઈન ડે ઉજવવાનો એટલો ઉત્સાહ છે પણ હજુ કશો પ્લાન નથી કરી શકી. શું ગીફ્ટ લાવી તું?”
કમળાબહેન પૂજાપાઠ કરતાં શિલ્પાની આવી ફોન પરની ટાઈમપાસ વાતો સાંભળી મરક્યા, “હે પ્રભુ, આ શું માંડ્યું છે? નવા નવા દિવસો ઉજવવાનું? લોકોને કોઈ ધંધો નથી.”
“મમ્મી આજે ઓફિસથી આવતાં મને થોડું મોડું થશે. રસ્તામાં થોડાં બિલ ભરવાના છે અને શાક લઈને આવીશ.”
“મારી શિલ્પા છે તો ઘર વ્યવસ્થિત ચાલે છે બાકી અમિતને તો કોઈ જવાબદારી નથી. શિલ્પા છે કે જે નોકરી કરી કમાઈ લાવે છે અને ઘર પણ મેનેજ કરે છે.” બબડતાં બબડતાં ઘરનો દરવાજો બંધ કર્યો ત્યાં ફોનની ઘંટડી સાંભળી બોલ્યાં, “આ ફોન પણ મને જપવા નથી દેતો. ખબર નહિ ક્યારે પૂજા પતાવીશ.”
“હલ્લો, સરયુ! કેમ છે ક્યાંથી આજે મારી યાદ આવી? શું કરું છું? કંઇ નહીં એજ રુટીન ચાલે છે. શિલ્પા ઓફીસ ગઈ અને અમિત બહારગામ છે. હું ને મારા ઠાકોરજી જલસા છે. તારા શું ખબર?”
“જોને, કમળા મારે પણ રુટીન ચાલે છે. ક્યારે ઘરે આવે છે? મળીયે તો આનંદ થાય. આપણા જુના દિવસોની યાદ તાજી થાય. તું ભજન મંડળીમાં કેમ નથી જોડાતી? એ બહાને મળાય તો ખરું! સારું તારી મરજી, ના જોડાવું હોય તો કોઈ દબાણ નથી. મને ખબર છે કે તને ત્યાં થતી પંચાતમાં રસ નથી અને ભજન તો તું તારા ઠાકોરજી સામે ગાતી જ હોય છે. સારું ચાલ કાલે બપોરે હું આવું છું. ચા સાથે પીશું.”
કમળાબેન અને સરયુબહેન બેઉ બાળપણની સહેલી. બંને એકબીજાના સુખદુઃખના સાથી. સરયુબહેનના બે છોકરાઓ. બંને ભણીગણીને અમેરિકા સેટલ થયાં હતાં. દેશ પ્રેમ અને પોતાનો સ્વતંત્ર રહેવાના સ્વભાવને કારણે પતિ પત્ની બરોડામાં રહેતાં. ક્યારેક બેચાર મહિના દીકરા પાસે જઈ આવતાં. જ્યારે કમળાબહેનને અમિત એકનોએક દીકરો. બરોડામાં એક મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર નોકરી કરતો. કમળાબહેનના પતિ નાની ઉંમરે ગુજરી ગયાં હોવાથી ઘણી અગવડ વેઠી અમિતને મોટો કર્યો. સરયુબહેનનો કમળાબહેનને ઘણો સપોર્ટ મળી રહેતો.
જયારે અમિત એમ.બી.એ. થયેલી શિલ્પાને પસંદ કરી આવ્યો ત્યારે સરયુબહેન કમળાબહેનને સમજાવતા કહેલું, “કમળા દીકરો આટલી ભણેલી ગણેલી છોકરી પસંદ કરી આવ્યો છે તો તેને કંકુ ચોખે વધાવી લે. કમાતી વહુ અમિતને ટેકા રૂપ થશે.”
આમ પણ કમળાબહેન ઘણાં શાંત સ્વભાવના હોવાથી બધાં સાથે તેમને ફાવતું. સરયુબહેન ખુબજ પરગજુ. કોઈનું કોઈ પણ કામ હોય કરી છુટતાં. બંને બહેનપણીની જોડી ઘણી જામતી.
સરયુબહેનને કમળાબહેન સિવાય આગળ પાછળ કોઈ નહિ. પતિની માંદગી દરમ્યાન આ એક માત્ર સખીનો સહારો હતો. સરયુબહેન મોર્ડન વિચારસરણી ધરાવતાં. પોતે અમેરિકા સ્થાઈ નહોતાં થયાં પણ જીવનમાં ઘણી અમેરિકન પધ્ધતિ અપનાવેલી.
હંમેશની જેમ બનીઠનીને આજે સહેલીને ત્યાં પહોંચ્યા. આખી બપોર વાતોના વડાં. ચા પીતા એકદમ કંઈ યાદ આવતાં બોલ્યાં, “સરયુ તું શનિવારે શું કરે છે? આપણે લંચ સાથે કરીશું.” “કેમ કમળા એકાએક લંચનો વિચાર આવ્યો? શનિવારે અમિત અને શિલ્પાને હાફ ડે હોય છે. તેઓ ઘરે આવીને જમે છે.”
“શનિવારે 'વેલેન્ટાઈન ડે' છે તો આપણે સાથે લંચ લઈને ઉજવીશું. આખા વર્ષમાં એકવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે.” સરયુની વાત ગળે ન ઉતરતા કમળા બોલી ઉઠી, “શું આમ વ્યક્ત કરે જ પ્રેમ કહેવાય? ન વ્યક્ત કરીએ તો પ્રેમ ઓછો થઇ જાય?” “કમળા પ્રેમ અને લાગણી તો એવી અનુભૂતિ છે જે ક્યારેય ઓછી ન થાય પણ ક્યારેક એની અભિવ્યક્તિ જરૂરી હોય છે. અભિવ્યક્ત કરે તે બેવડાય છે. આખું વર્ષ એકબીજાની સંભાળ લેવામાં પસાર થયું હોય પણ જો એકવાર તેને ખરા દિલથી એકબીજા સામે અભિવ્યક્ત કરીએ તો તેનો આનંદ વિશેષ હોય છે. કંઈ કર્યાનો સંતોષ થાય છે. માટે તું ના, ન પાડીશ. આપણે લંચ સાથે લઇ આપણો 'વેલેન્ટાઈન ડે' ઉજવશું.”
સાંજે શિલ્પા આવે તેની રાહ જોતાં બેઠાં. શિલ્પા આવી ત્યાં બોલી ઉઠ્યા, “શિલ્પા શનિવારે હું અને સરયુ લંચ સાથે લેવાના છીએ. હું તેને એક સાડી ગીફ્ટ આપવા ઈચ્છું છું. તને પણ થશે કે આમ સિત્તેર વર્ષની અમે ઘરડાં હવે શું સેલિબ્રેશન કરવાના? મારો સરયુ પ્રત્યેનો પ્રેમ હું જો વ્યક્ત ન કરું તો મનમાં જરા ખટકતું હતું. શું કહેવું છે તારું?”
મનમાં ઘેરાયેલી ઉદાસી વિખેરી શિલ્પા ફટાફટ બોલી, “બહુ સાચી વાત કહી મમ્મી. હું માસીની પસંદગી જાણું છું. આજે ઓફિસથી પાછા આવતાં તેમના માટે સાડી લઇ આવીશ. મને પણ તમારો આ વેલેન્ટાઈન ડે નો વિચાર ખુબ ગમ્યો.”
“હાય શિલ્પા, શું કરે છે? બકવાસ સીરીયલ જોતી હઈશ. શું 'વેલેન્ટાઈન ડે'! મારે થોડું વધારે કામ છે. આવવામાં બેચાર દિવસ વધારે થઇ જશે કદાચ. ચાલ આજે બહુ હેકટીક દિવસ રહ્યો છે. મમ્મી સારા છે ને? કાલે શાંતિથી વાત કરું. ગુડ નાઈટ.” અમિતનો ફોન મુકતા શિલ્પા પાછી ઉદાસ થઈ કમળાબહેનને ગુડ નાઈટ કહી સૂવા જતી રહી. રાત આખી કમળાબહેન પાસાં ઘસતાં રહ્યાં.
બપોરે અમિતનો લંચ ટાઈમ જોઈ કમળાબહેને અમિતને ફોન કર્યો ને કહ્યું, “બેટા તું ભલે ‘વેલેન્ટાઈન ડે’માં ન માને પણ જે શિલ્પા આખો દિવસ તારી માને અને ઘરને સંભાળે છે.
એટલીસ્ટ એની ખુશી માટે વહેલો આવી જા. પાછો શિલ્પાને કહી ન દેતો કે મેં ફોન કર્યો હતો માટે તું વહેલો આવે છે.
શનિવારે બાર વાગે એરપોર્ટ ઉતરીને મને ફોન કરજે. બસ તું સમયસર આવી જા બાકીનું હું સાંભળી લઈશ. ચાલ મૂકું છું. તબિયત સાચવજે.”
ગુરુ શુક્ર શિલ્પા માટે બહુ કંટાળાજનક રહ્યાં અને કમળાબહેન માટે ખુબ વ્યસ્ત. હંમેશને માટે હસતી રહેતી શિલ્પા આજે પણ કમળાબહેનને દુઃખ ન થાય માટે મન મારીને હસ્તો ચહેરો રાખી કામ કરતી હતી. કમળાબહેન આજે કંઈ જુદા મુડમાં દેખાતાં શિલ્પા બોલી ઉઠી, “શું વાત છે મમ્મી? આજે આખો વખત મોબાઈલ કેમ જોયા કરો છો? કોઈનાં ફોનની રાહ જુવો છો?”
“ના રે, બેટા, મારે વળી કોની રાહ હોય. તારા રૂમમાંથી ઇસ્ત્રીના કપડાં લાવી આપ અને હા, મને આજે હોટેલ ‘ગાર્ડન વ્યુ’માં મુકી જઈશ?”
“હલ્લો, બેટા, આવી ગયો? ઓકે. હમણાં સાડાબાર વાગે હોટેલ ‘ગાર્ડન વ્યુ’ પહોંચી જજે. તારા નામનું ટેબલ બુક કરાવેલ છે.”
“શિલ્પા બેટા જરા ‘ગાર્ડન વ્યુ’માં અંદર જોઈ આવને. સરયુ આવી ગઈ છે? એ આવી ગઈ હોય તો હું અંદર જાઉં. મને સંકોચ થાય છે.” વાત થયા મુજબ સરયુબહેન પાર્કિંગ પ્લોટની બેંચ ઉપર બેઠાં પ્રિય સહેલીની રાહ જોતાં હતાં ને અંદર ટેબલ ઉપર શિલ્પાની રાહ જોતો અમિત. બેવડી રીતે ઉજવાયો સાસુ અને વહુનો વેલેન્ટાઈન ડે...!
