STORYMIRROR

Hita Mehta

Others

3  

Hita Mehta

Others

વાવેતર

વાવેતર

6 mins
14.9K


પપ્પા..મૉર્નિંગ વૉક કરીને આવતા વિશેષે લાગલા જ બૂમ પાડી. સવારના સાડા આઠનો સમય હતો. આલિશાન બંગલા ઈશ્વર કોટેજના ભવ્ય દીવાનખંડમાં દેવવ્રત શેઠ તથા સમતાગૌરી ચાનો કપ લઈને બેઠાં હતાં.

દીકરાની મોટી બૂમ સાંભળી બન્‍નેના ચા પીતા હાથ અટકી ગયા. આટલા મોટા અવાજે તો વિશેષ કદી બોલ્યો નથી. આજે એવું તો શું થઈ ગયું હશે? બંને નજીક આવતા દીકરા તરફ જોઈ રહ્યાં. અંદરથી પુત્રવધૂ કોમલ પણ વિશેષનો અવાજ સાંભળી બહાર આવી.

પ..પ્પા..” નજીક આવતા વિશેષનો અવાજ સહેજ ધીમો પડ્યો. તે સામેની ચૅર પર બેસી ગયો.

શું થયું? આટલો રઘવાયો રઘવાયો કેમ લાગે છે? વૉકિંગમાં ગયો હતો ને?” દેવવ્રત શેઠના અવાજમાં પૃચ્છા હતી. વિશેષે સામે પડેલ પાણીનો ગ્લાસ ઉઠાવી એક શ્વાસે પી ગયો. ત્રણે એની સામે જોઈ રહ્યાં.

એવું તો શું થયું કે મૉર્નિંગ વૉક કરવા નીકળેલ વિશેષ આમ આટલો અકળાયેલો છે ? દરેકનાં મનમાં આ પ્રશ્ન ઊઠતો હતો.

પપ્પા.” થોડા શાંત પડી ધીમા અવાજે વિશેષ બોલ્યો, “સોરી પપ્પા, પણ આજે મેં જે જોયું તેનાથી થોડો ચક્કર ખાઈ ગયો.બધાં તે આગળ શું બોલે છે તેની રાહ જોવા લાગ્યાં. એક ઊંડો શ્વાસ ભરીને તે બોલ્યો.

પપ્પા, ગઈ કાલે રાત્રે આપણે પંદર જણાને સર્વેશ્વર ચોકમાં ધાબળા આપવા ગયા હતા, બરાબર? ફૂટપાથ પર સૂતેલ એ ગરીબોને આપણે ધાબળા આપ્યા તેમાંથી એક પેલો કાણો માણસ નહોતો? તેને મેં આજે એ જ ધાબળો કોઈકને વેચતાં જોયો.એક એક શબ્દ પર વજન આપતાં તે બોલ્યો.

બધાં સ્તબ્ધ થઈને તેને સાંભળી રહ્યાં.

તને પાકી ખબર કે એ જ માણસ હતો?” પત્ની કોમલે વિશેષને સવાલ કત્યો.

હા! એ જ હતો.ફરી ઉત્તેજિત થઈને વિશેષ બોલ્યો, “કારણ કે તેની કાણી આંખને હિસાબે મને તે બરાબર યાદ રહી ગયેલો. અને બેશરમ તો જુઓ, આપણી કંપનીનો લોગો પણ તેણે તેમાંથી કાઢવાની જહેમત નહોતી લીધી.

છેલ્લાં વીસ વર્ષથી શેઠ દેવવ્રતનો આ અતૂટ નિયમ હતો. શિયાળો બેસે એટલે દર રવિવારે અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં તેઓ ધાબળાનું વિતરણ કરતા હતા.

સિમેન્ટની ધમધોકાર ચાલતી ફેક્ટરી હતી અને ભગવાને આપેલ એક દીકરા અને વહુ એમ ચાર જણાનો નાનો પરિવાર હતો. શહેરમાં પાંચમાં પૂછાતું આબરૂદાર કુટુંબ હતું. અનેક જગ્યાએ સખાવત કરવાનો શેઠ દેવવ્રતનો સ્વભાવ હતો અને કુટુંબનો પણ એમાં સાથ હતો.

આમ પણ સ્વબળે કમાયેલ ધન બાબતે દેવવ્રતને કોઈને જવાબ આપવાનો રહેતો નહોતો અને અમેરિકામાં એમ.બી.એ. કરીને આવેલ પુત્રએ બધો ધંધો સંભાળી લીધો હોવા છતાં પિતાને દરેક બાબતે માન આપ્યું હતું.

લગભગ નિવૃત્ત જેવા થઈ ગયા બાદ દેવવ્રતની સખાવતપ્રવૃત્તિ વધુ ને વધુ વિસ્તરતી જતી હતી. એમાં ક્યારેક એવું પણ બનતું કે તેઓ આમાં છેતરાઈ પણ જતા.

પપ્પા, આપણે જરૂરિયાતમંદને મદદ જરૂર કરીએ, પણ કોઈ મૂરખ ન બનાવી જાય તે પણ જોવું જોઈએ.

ઘણી વાર વિશેષ દેવવ્રત શેઠને સમજાવવાની કોશિશ કરતો. બેટા, ક્યારેક સૂકા સાથે લીલું પણ બળે.હસીને શેઠ દેવવ્રત કહેતા, “એ તો કુદરતનો નિયમ છે, જે ખોટું કરશે તે ભોગવશે.

છતાં થોડું ધ્યાન રાખવું.વાત વધુ ન લંબાવતા તે વાત પર પૂર્ણવિરામ મુકતો.

પાંચ સો રૂપિયાનો ધાબળો બસોમાં વેચતો હતો પપ્પા.

હમમમ્

વિચારમાં પડી ગયા શેઠ દેવવ્રત. તે બોલે પણ શું? “બહુ મહેનતથી પૈસા બન્યા છે. થોડી તપાસ કરીને દાનપુણ્ય કરીએ તો સારું.પત્નીએ પણ સૂર પુરાવ્યો.

એમ પપ્પા ક્યાં ક્યાં તપાસ કરે?” દીકરી જેવી પુત્રવધૂએ સસરાનો પક્ષ ખેંચ્યો.

એ વાત બરાબર, પણ પપ્પા આ ગરીબ લોકો એવા જ હોય. જરૂરિયાત કરતાં પણ મફતમાં મળે છે ને તો લઈ જ લો. પછી આવા લોકો તેની રોકડી કરી નાંખે, ઘણી વાર એમ થાય કે આવા લોકો માટે જીવ બાળવાની જરૂર જ નથી.

છેલ્લે છેલ્લે વિશેષના અવાજમાં અણગમો આવી ગયો.

દેવવ્રત શેઠ વિશેષ સામે જોઈ રહ્યા. આ તેનો દીકરો બોલે છે? પણ તેનો પણ શું વાંક? જુવાન લોહી છે, ઊકળી જ જાય ને! “સાચી વાત છે.નિસાસો નાખતાં સમતાદેવી બોલ્યાં, “હળાહળ કળયુગ આવી ગયો છે. કોઈનું ભલું કરવા જેવું નથી.

ભોગવે એનાં કરમ.વિશેષ ફરી બોલ્યો. સહુ એના નસીબનું પામે, આપણે બધાનો ઠેકો થોડો લીધો છે?”

હવે, ચાલો વિશેષ.” વાત ફેરવતા કોમલ બોલી, “વાત પૂરી કરો, ચાલો ફ્રેશ થાવ એટલે બ્રેકફાસ્ટ તૈયાર કરું.વાત ત્યાં અટકી.

જમીને બપોરે દેવવ્રત બેડરૂમમાં આડા પડ્યા. મનને શાંતિ નહોતી. તેઓ આંખ મીંચી એમ ને એમ જ પડ્યા રહ્યા.

રાજુલા જેવા ગુજરાતના એક નાના ગામમાંથી જ્યારે તેઓ અમદાવાદ આવ્યા ત્યારે રીતસર દોરીલોટો લઈને આવ્યા જ કહેવાય. ગામમાં તેના શિક્ષક ગિરજાશંકરે તેને અમદાવાદ આવવાના પૈસા આપ્યા હતા અને અહીં તેનું ભાગ્ય પલટાયું. પાંચ વર્ષમાં પ્રમાણમાં ઠીકઠાક પગ જમાવી, રૂપિયા ગાંઠે બાંધી, દેવવ્રત જ્યારે પિતા કે ફરિસ્તા સમાન ગિરજાશંકરને પરત આપવા ગામડે ગયા ત્યારે તે સાધારણ માણસે એ પૈસા કોઈ જરૂરિયાતમંદ માટે વાપરવા કહ્યું અને તે પૈસા સાથે એક નિર્ણય પણ ગાંઠે બાંધી તેઓ અમદાવાદ પાછા ફર્યા.

બસ ત્યારથી કમાણીનો અમુક હિસ્સો તેણે અલગ કાઢવા માંડ્યો અને ત્યારથી તેને બરકત પણ વધવા લાગી.

એટલે સુધી કે અત્યારે તેઓ કરોડોની મિલકત ધરાવતા હતા. એક વાત તેઓ બરાબર સમજી ગયા હતા કે એક હાથે દઈશ તો ભગવાનના મારા પર ચાર હાથ હશે.

જોકે સેવાકાર્યમાં કાયમ પત્નીનો પણ સાથ રહ્યો હતો અને પુત્ર ડાહ્યો અને લાગણીશીલ હતો. ખબર નહીં આજે જ કેતેઓ છત સામે તાકી રહ્યા. એ.સી. ચાલુ હોવા છતાં મનમાં અસુખ લાગવા માંડ્યું.

ના, આમ તો નહીં જ ચાલે. જો એક બીજ દીકરાના મનમાં રોપાઈ જશે તો મારા પછી આ કામ સાવ અટકી જશે.થોડી વાર બદ તેઓ એક નિર્ણય પર આવ્યા અને પછી તેઓ ગહરી નીંદરમાં સરકી ગયા.

ચાલ વિશેષ, આપણે જરા બહાર જઈએ.

રાત્રે જમીને બધા ઊભા થયા કે દેવવ્રત શેઠ બોલ્યા. બધાને નવાઈ લાગી. ક્યારેય જમ્યા બાદ શેઠ બહાર નીકળતા નથી. જોકે સવારની વાત તો બધાં ભૂલી પણ ગયા હતા. આશ્ચર્ય તો વિશેષને પણ થયું પરંતુ તે કંઈ બોલ્યો નહીં.

બંને કારમાં બેઠા. કારનું સ્ટિયરિંગ દેવવ્રત શેઠે સંભાળ્યું.

પપ્પા, કંઈ કામ છે?” અસમજથી વિશેષે પૂછ્યું.

થોડી વારમાં ખબર પડી જશે બેટા, ધીરજ રાખ.

કારને એક વળાંક લેતાં દેવવ્રત બોલ્યા. બસ પછી વિશેષે કંઈ પૂછ્યું નહીં.

પંદરેક મિનિટમાં કાર સર્વેશ્વર ચોક પહોંચી. વિશેષને નવાઈ લાગી, ફરી એ જ જગ્યાએ તેઓ હતા જ્યાં ગઈ કાલે રાત્રે ધાબળા આપવા ગયા હતા.

પ..પ્પાકંઈ આગળ બોલવા જાય વિશેષ તે પહેલાં દેવવ્રત શેઠ નીચે ઊતરી ગયા.

ફૂટપાથ પર હારબંધ મજૂરો સૂતા હતા. કોઈ કુટુંબવાળું હતું તો કોઈ એકલું. કોઈ સ્ત્રી બાળકને પોતાનામાં સંકોરીને સૂતી હતી. ક્યાંક કપડાની આડશ હતી, ક્યાંક પૂઠાંની દીવાલ હતી તો ક્યાંક પતરાની. ઠંડી તેનો ચમકારો બતાવતી હતી અને બધા જાત સંકોરી જે હાથવગું હોય તે ઓઢીને ઠંડી સામે રક્ષણની કોશિશ કરતા હતા.

દેવવ્રત એક માણસ પાસે જઈ ઊભા રહ્યા. વિશેષ તેની પાછળ દોરવાયો.

કોઈ શેઠને જોઈ આખું કુટુંબ બેઠું થઈ ગયું.

પેલો માણસ ઓળખી ગયો. આ તો ધાબળાવાળા શેઠ. તે બધાની જેમ શેઠ સામે જોઈ રહ્યો.

જો ભાઈ, મેં આપેલ ધાબળો તો તે કાલે વેચી નાખ્યો. આજે તો કાલ કરતાં વધુ ઠંડી છે એટલે તારે ધાબળો તો જોઈશે જ. તો હું બીજો ધાબળો લઈ આવ્યો છું. ગાડીમાં છે. તે પણ વેચીશ?”

તે મજૂર નતમસ્તક થઈ ગયો. તેની પત્ની પણ નીચું જોઈ ગઈ. ક્ષણ વારઅને તે કાણિયા મજૂરની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. શાએબ, તમે માનો છ એવા નગુણા અમે નથ. પણ તમે જ કો કે, જેનું બે વરહનું બચ્ચું તાવમાં ધગતું હોય, સરકારી ઇસ્પિતાલમાં દાક્તર દવા હારે દૂધ અને ફળો આપવાનું કે, ઈ બાપ કામળો ઓઢે કે પસી ગગાના દૂધનો વેત કરે?”

ભારે થઈ જવું જોઈતું હતું શેઠ દેવવ્રતનું હૃદય પરંતુ તેઓમાં હળવાશ આવી ગઈ. તેમણે કંઈ બોલ્યા વિના વિશેષ સામે નજર ફેરવી, જાણે કહેતા હોય દીકરા જોયું, એમની જરૂરિયાતો આપણી સમજણ બહારની હોય છે.

વિશેષ નીચું જોઈ ગયો.


Rate this content
Log in