Vipulsinh Chavda

Others

3  

Vipulsinh Chavda

Others

ઉતરાયણની રંગીન પળો

ઉતરાયણની રંગીન પળો

1 min
380


૧૪ જાન્યુઆરી ’ઉતરાયણ’ની આજે સવારે રંગબેરંગી પતંગોથી ભરેલા આકાશમાં ચારેબાજુ બાળકોની કિલકારીઓ વચ્ચે, ક્યાંક અગાસી કે છત પર મૂકેલા સ્પીકરોમાં વાગતા ગાયનોના ઘોંઘાટ, રંગબેરંગી ટોપીઓ, હેટ અને ચહેરા પર ગોગલ્સની રંગીનીઓમાં ઉંચે અગાસીથી નીચેની તરફ અચાનક નજર પડતાં..

એક ખાટલા પર ફાટેલા, કપાયેલા પતંગોમાંથી ગૂંચ કાઢીને દોરી ભેગી કરી વીંટો કરતાં કરતાં ‘તૂં’  સાદ કરે છ, ’લે બેટા લઈલે, આ દોરી બહુ લાંબી છે ,આનાથી પતંગ ચઢાવ.'

શિયાળાની આ ઠંડીમાં જૂનું સ્વેટર પહેરીને વીતી ગયેલા સમયની ચાડી ખાતા કરચલીઓ વાળા હાથની તરડાઈ ગયેલ આંગળીઓમાં, માંજો પીવડાવેલી પતંગની દોરી ભરાઈ જઈ તેમાંથી લોહીની ટશરો ફૂટે છે એ તારી ધ્યાન બહાર છે, અથવા તો તૂં જાણીને અજાણ થઈ જાયછે. એવું મને લાગ્યું. તારે માથે બાંધેલ સફેદ સ્કાર્ફના ઉકલી ગયેલા ઉનના દોરાઓમાં, તારા ધોળાવાળ ભેગા થઇને પવનની લહેરખી સાથે ઉડે છે ત્યારે ખબર નથી પડતી કે સ્કાર્ફમાંથી છૂટૂં પડેલ ઉન ઉડે છે કે પછી તારા અમારી જિંદગીને પાછળ ધોળા કરેલ ધોળા વાળ !

‘એ કાપ્યો’ ના શોરમાં ,તંદ્રા માંથી અચાનક ઝબકીને જાગતાં પાછું ધાબા પરથી નીચે નજર કરી તો તૂં અદ્રશ્ય હતી. હા, યાદ આવ્યું તૂં તો ક્યારનીયે ચાલી ગઈ છે ‘તારા જીવનની દોરી’ સંકેલીને, વર્ષો પહેલાં પેલી કપાઈને દૂર જતી પતંગના દેશમાં.

મારા જોયેલા આ દ્રશ્ય ને કદાચ કોઈએ નહિં જોયું હોય, કારણ કે બધા ‘વ્યસ્ત’ છે જીવનના પતંગો ઉડાડવામાં. મેં મારા રડતા હ્રદય, આંખોંને છાને માને લૂંછી નાખી ને રંગીન ‘ગોગલ્સ’ ચઢાવી લીધા મારી આંખો પર. કોઈ મને રડતા જોઈ ન જાય એ માટે.

પણ... મારી નજરો શોધતી રહેછે તને ‘એ ખાટલા પર જ્યાં તૂં બેઠી હતી દોરી વીંટતાં વીંટતા તને 'મા'...


Rate this content
Log in