ઉપાસના
ઉપાસના
હિંદુ ધર્માંનુસાર કોઈપણ દેવ કે દેવી પ્રત્યેની પ્રેમપૂર્વક ભક્તિ કરવી એને ઉપાસના કહેવાય છે. ઉપાસનાને ભક્તિ ક્રિયાના કેન્દ્ર સ્થાને ગણાય છે. ઉપ=નજીક + આસના=બેસવું એટલે કે નજીક બેસીને પ્રભુ ભક્તિમાં લિન થવું. ગુઢતાપૂર્વક કહીએ તો ઉપાસના એટલે આરાધના કે સેવાભાવથી કરાતાં ધ્યાન ઇત્યાદિની ઈશ્વર પ્રત્યેની ભક્તિક્રિયા.
ઉપાસનાના બે પ્રકાર મનાયા છે: મૂર્તિની ઉપાસના તથા અહં-ગ્રહ એટલે કે "હું બ્રહ્મ છું" એવી ઉપાસના. જોકે કેવલાદ્વૈતના મતે ઉપાસના ત્રણ પ્રકારની અને વિશિષ્ટાદ્વૈતના મતે પાંચ પ્રકારની છે.
વેદીકશાસ્ત્રમાં ઉપાસનાના પાંચ ભેદ જણાવાયા છે:
(૧) નિર્ગુણ ઉપાસના
(૨) સગુણ પંચોપાસના એટલે વિષ્ણુ, સૂર્ય, શક્તિ, ગણપતિ અને શિવની ઉપાસના
(૩) લીલા વિગ્રહ ઉપાસના અર્થાત્ અવતાર ઉપાસના (૪) ઋષિ, દેવતા અને પિતૃ ઉપાસના અને
(૫) ભૂતપ્રેતાદિની તામસિક ઉપાસના.
હિંદુ ધર્મમાં બહુધા દેવી દેવતાઓની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ દેવી દેવતાઓ બ્રહ્મસ્વરૂપ, ઈશ્વરીય અવતાર કે પછી કોઈ પ્રભાવશાળી મહાત્માઓ હોઈ શકે. વિવિધ દેવ પ્રત્યેની શ્રદ્ધા યથાસંપ્રદાય કે તત્વજ્ઞાનના આધારે બદલાય છે. મોટે ભાગે દેવી દેવતાની વિભાવના અંશતઃ મનુષ્યરૂપની મૂર્તિ રૂપે કરાય છે. દેવી દેવતાઓ ભિન્ન હોવા છતાં અંતે તો એક જ બ્રહ્મ કે ઈશ્વરનું રૂપ ગણાય છે. અને આ દેવસ્વરૂપ કે તેની પૂજા અર્ચના અંતે તો એ એકમાત્ર ઈશ્વરીય તત્વ સાથેના સંવાદરૂપ જ ગણાય છે.
હિંદુધર્મમાં મૂર્તિ એટલે, ચિત્ર કે ધાતુ પદાર્થની બનાવેલી શરીર પ્રતિમા જેવા શિલ્પ રૂપે, દૈવી આત્માને વ્યક્ત કરતું રૂપ. દૈવી ભક્તિમાં મૂર્તિપૂજા દ્વારા ઈશ્વર સાથે વ્યક્તિ ગતપણે અગાધ પ્રેમસંબંધ જોડવાની લાગણી કેન્દ્રિત હોય છે.
મૂર્તિને ઈશ્વરનું રૂપ માની ભક્ત તેની ઉપાસના કરે છે. સવારે મૂર્તિને જગાડે, સ્નાન, શણગાર, ભોજન, પ્રસાદ, આરતી, શયન જેવી વિધિઓ દ્વારા મૂર્તિ દ્વારા ઈશ્વર સાથે પ્રેમસંબંધ અને ભક્તિ વ્યક્ત કરવા હેતુ હોય છે. આર્યસમાજ કે બ્રહ્મ સમાજ તથા અન્ય થોડા સંપ્રદાયો મૂર્તિ પૂજામાં માનતા નથી.
ઘર કે મંદિરમાં કરાતી ઉપાસનામાં ધર્મ, સંપ્રદાય, સ્થળ-કાળ પ્રમાણે ઘણી વિવિધતાઓ હોય છે. ખાસ કરીને ઉપાસનાના સોળ ઉપચાર કહ્યા છે જેમકે: આવાહન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ નૈવેધ, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન.
ઉપાસનાના સાત્ત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ ભેદ પણ જણાવાયા છે.
સાત્ત્વિક = નિષ્કામભાવે આડંબર રહિત શુદ્ધ ભક્તિભાવથી કરાતી પૂજા.
રાજસિક = સકામભાવે આડંબરયુક્ત કરાતી પૂજા.
તામસિક = વિધિ, ઉપચાર તથા ભક્તિ રહિત કેવળ લોકોને દેખાડવા માટે કરાતી પૂજા.
વળી નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એવા પણ પૂજાના ત્રણ પ્રકાર છે.
આરતી હિંદુ ધર્મની એક વિશિષ્ટ ઉપાસના વિધિ છે. જેમાં થાળી કે આરતિયામાં ઘી કે તેલ અથવા કપૂર કે રૂની વાટો સળગાવી દેવમૂર્તિ સમક્ષ વર્તુલાકારે ફેરવવામાં આવે છે. આરતી વેદિક કાળના હોમની પરંપરાથી ચાલતી વિધિ છે. ઉપાસનામાં દર્શન એટલે કે શુભદ્રષ્ટિ ને ઘણું મહત્વ આપેલ છે. તત્ત્વજ્ઞાન સંબંધી પુસ્તકો કે વિચારોને પણ દર્શન કહે છે.
હોમ કે હવનમાં દેવને ઉદ્દેશીને મંત્ર બોલીને અગ્નિમાં ઘી વગેરે દ્રવ્યને આહુત કરવાની વિધી. હુત દ્રવ્યનું અગ્નિમાં પ્રક્ષેપણ; હોમવાનું કર્મ અને તેને લગતો વિધિ કે યજ્ઞ છે. હોમ એ હિંદુ ધર્મની મહત્વની ધાર્મિક ક્રિયા છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ આ ધાર્મિક ક્રિયા ઘણી જ પ્રચલિત છે.
યજ્ઞ એ સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચિન અને મહત્વપૂર્ણ ક્રિયા છે. પ્રસાદ એટલે ધાર્મિક વિધિ કે પૂજન દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા થાળમાં મુકાતા ખાદ્ય પદાર્થો, જેને વિધિ કે પૂજન પત્યાબાદ ભક્તગણમાં વહેંચવામાં આવે છે. આ ખાદ્ય પદાર્થ તરીકે વિશેષતઃ ગોળધાણા, સાકર, લાડુ, પંજરી, શીરો અથવા કોઇપણ પકવાનનો ઉપયોગ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર તિલક કરવામાં આવે છે. વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે. ભગવાનના ગુણગાન કરવા ગવાતા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. અને જ્યારે ભજન સાથે લયબદ્ધ રીતે સંગીત કે વાદયનો સંગમ થાય ત્યારે એને કીર્તન કહેવાય છે.
મંત્ર એ ધ્વનિ કે શબ્દોનો સમૂહ છે જેને રૂપાંતર નિર્માણની ક્ષમતા ધરાવતો હોવાનું ગણાય છે. મંત્રોનો ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલી વિચારશ્રેણી અને તત્ત્વમીમાંસા અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. મંત્ર નો ઉદ્ગમ ભારતની વૈદિક પરંપરામાં થયો હતો. વ્રત એટલે નિયમ અનુસાર આચરાતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિંદુ ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે.
હિંદુ ધર્મમાં વ્યક્તિગત કે સામુહિક રીતે ઉપાસના હેતુ કરાતાં ધાર્મિક સ્થાનોના પ્રવાસને યાત્રા કે જાત્રા કહેવાય છે. ધર્મમાં યાત્રાને આગવું સ્થાન અપાયેલ છે.
શુભમ ભવઃ
