STORYMIRROR

Navin Modi

Others

4  

Navin Modi

Others

સ્વર્ગ

સ્વર્ગ

3 mins
28K


જાણીતા ધર્મસંસ્થાનાં પ્રાંગણમાં સત્સંગ સભાનું આયોજન થયું હતું. સભામાં એક સંત શીરોમણી પ્રવચન કરી રહ્યા હતા. વિષય હતો સ્વર્ગ. વિષયની છણાવટમાં કર્મયોગ તથા ભક્તિયોગ બંનેનું સંકલન કરાયું હતું. આથી સહજ છે કે અંતિમ વિધાન હતું; “સત્કર્મ કરનાર અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારને સ્વર્ગની પ્રાપ્તિ થશે.” 

પ્રવચન પૂરું થતાં શ્રોતાગણ વિખેરાયો. મનોજ એ શ્રોતાગણમાંનો જ એક હતો. સૌ સાથે એ પણ સભા પ્રાંગણમાંથી બહાર નીકળ્યો. પરંતુ ‘સ્વર્ગ’ શબ્દે એના મનમાં સર્જેલ વિચાર વંટોળ હજુ વિખેરાયો નહોતો.

આમ તો સ્વર્ગ શબ્દો મનોજે આજે પ્રથમવાર જ નહોતો સાંભળ્યો. સ્વર્ગ વિશે એણે અગાઉ ઘણું સાંભળેલું અને વાંચેલું. એની જાણ મુજબ ‘સ્વર્ગ’ વિશ્વનું એવું સ્થળ મનાય છે જ્યાં સુખ, શાંતિ અને આનંદ હોય – એની વિરુદ્ધનું કશું જ ન હોય. એથી સ્તો પ્રત્યેક વ્યક્તિને એનું અદમ્ય આકર્ષણ હોય છે. પરંતુ એને એ નહોતું સમજાતું કે કશાજ દ્વંદ્વ વગરનું વિશ્વ સંભવી જ શી રીતે? સ્વર્ગ પ્રત્યક્ષ અનુભવ્યું હોય એવી કોઈ વ્યક્તિને અનુભવ પૂછી ખાત્રી થઈ શકે એ વાત શક્ય નહોતી. કારણકે સ્વર્ગનો ઉલ્લેખ મૃત્યુ બાદની સ્થિતિ માટે થતો હોય છે. આથી સ્વર્ગનો ઉલ્લેખ થતાં જ મનોજનાં મનમાં આંધી સર્જાતી.

ઘરે પહોંચ્યા બાદ ભોજન લીધા પછી પણ મનને બીજા કોઈ વિષયમાં પરોવવા મનોજે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એને સફળતા ન મળી. આમને આમ સ્વર્ગ વિશેનાં વિચારોમાં એ નિંદ્રાધીન થઈ ગયો.

માનસશાસ્ત્રનો નિયમ છે કે વ્યક્તિના મનમાં સતત ઘુમરાતા વિચારો નિંદ્રાવસ્થામાં બહુધા એને વિચિત્ર સ્વપ્નસૃષ્ટિ તરફ લઈ જતા હોય છે. મનોજ સાથે પણ આમજ થયું. એને એક અજીબ સપનું આવ્યું.

સપનામાં પોતે એક રેલ્વે સ્ટેશન પર ઊભો છે અને ખીચોખીચ ભરેલી એક ટ્રેન ઉપડવાની તૈયારીમાં છે અને તેનું ગંતવ્યસ્થાન લખેલું છે ‘સ્વર્ગ’. ત્યાં પહોંચીને સ્વર્ગનો અનુભવ કરવાની એને તીવ્ર ઇચ્છા થઈ. એ ઝડપથી ટ્રેનમાં બેસી ગયો. પહોંચી ગયો સ્વર્ગમાં.

ટ્રેનમાંથી ઊતરતાં જ મનોજને મનમાં કશા જ સ્પદંન વિનાની નિર્વિચાર સ્થિતિમાં પરમ શાંતિની અનુભૂતિ થઈ, જે તેણે જીવનમાં કેટલીય વાર માણી તો હતી જ પરંતુ ક્ષણભર. ક્ષુધાની અવસ્થામાં મનભાવન ભોજન મળતાં કે અત્યંત તરસની અવસ્થામાં શીતળ જળ મળતાં કે સંગીતનાં જલસામાં મનગમતો રાગ સાંભળતાં આવી જ અનુભૂતિ એને થતી, પણ ક્ષણ માત્ર માટે. આ અનુભૂતિ શાશ્વત થઈ જાત તો કેવું સારું!

પરંતુ આ વૈચારિક સ્પંદન થતાં જ એનું ધ્યાનભંગ થયું અને દ્રષ્ટિ આસપાસ કરી. એ દંગ થઈ ગયો. ત્યાં ન હતી ટ્રેન કે ન હતું પ્લેટફોર્મ. કોઈ વ્યક્તિ પણ નજરે ન પડી. નજર પહોંચે ત્યાં સુધી દ્રષ્ટિ ફેલાવી. તો પણ કશું ન દેખાયું – ન જળ, ન સ્થળ, ન આકાશ. આ અણધાર્યા અનુભવથી એ એવો તો હેબતાઈ ગયો કે એનું સ્વપ્ન ભંગ થઈ ગયું.

જાગૃતાવસ્થામાં આવતાં મનોજને સ્વપ્નનો અર્થ સમજાઈ ગયો. તેને સમજાયું કે ‘સ્વર્ગ’ કોઈ ભૌતિક યા અધિભૌતિક સ્થળ નથી. એ એક માનસિક અવસ્થા છે. પરમ તૃપ્તિની અવસ્થા. એ અવસ્થા સમજાવવા મહાપુરુષોએ જે કાલ્પનિક મનોવિશ્વ સર્જ્યું છે એ જ છે ‘સ્વર્ગ’. એ અવસ્થા દરમિયાન સત્કર્મ કરતી વખતે થતા આનંદ સમયે કે પરમ શ્રદ્ધામાં ડૂબકી મારતાં અનુભવાતી તૃપ્તિ સમયે સહજ પ્રાપ્ત થઈ જાય છે.  


Rate this content
Log in

More gujarati story from Navin Modi