સોનેરી પોપટ
સોનેરી પોપટ


વરસો પહેલાની આ વાત છે. એક રાજા હતો. તેને ચાર રાજકુમાર હતા. તેમાં સૌથી નાનો રાજકુમાર ખુબ હોંશિયારઅને સંસ્કારી હતો. ચારેય રાજકુમાર ખુબ આનંદથી રહેતા હતા. આ રાજાની પાસે એક સુંદર મજાની વાડી હતી. કહેવાતું હતું કે આ વાડી રાજાના પિતાએ તેને જન્મ વખતે ભેટમાં આપી હતી. આ વાડીમાં સુંદર મજાના ફળાઉ વૃક્ષો હતા. આ વૃક્ષોમાં એક દાડમનું વૃક્ષ હતું. આ દાડમ ખુબ જ જાતવાન દાડમ હતી. આ દાડમ પર દરરોજ સો દાડમ આવતી હતી. રાજા રોજ જાતે જઈને આ વાડીની સાર સંભાળ રાખતા હતા.
હવે એક દિવસની વાત છે. રાજાજી વહેલી સવારે પોતાની વાડીમાં દેખરેખ માટે લટાર મારવા ગયા. ત્યાં તેમના ધ્યાન પર આવ્યું કે વાડીમાં જે દાડમ હતી, તેના પર સો ને બદલે માત્ર નવ્વાણું જ દાડમ હતી. મતલબ કે એક દાડમ ઓછી હતી. આ જોઈ રાજાને નાવાઈ લાગી. તેમણે છોડની આજુબાજુ ખુબ તપાસ કરી. પણ ક્યાય તૂટેલી દાડમ પડી નહતી. એનો અર્થ એમ થયો કે નક્કી કોઈ દાડમ ચોરી જ ગયું હતું. બીજા દિવસે તેમણે એ વાડીના પહેરેદાર વધારી દીધા. અને ફરી ત્રીજા દિવસે એ વાડીમાં જઈ તપાસ કરી. તો આજે પણ નવ્વાણું જ દાડમ હતી. એટલે રાજાએ નક્કી કર્યું કે આજે તો હું જાતે જ જઈને આ વાતની તપાસ કરી.
આમ નક્કી કરી રાજા રાતે જ એ વાડીમાં જઈને એક જગ્યા એ છુપાઈને બેસી ગયા. અને જોવા લાગ્યા કે દાડમ તોડવા કોણ આવે છે ? અડધી રાતનો સમય પસાર થયો. રાજા ચોકી રાખીને બેઠા હતા. એટલામાં એક પોપટ આકાશમાંથી ઉડતો ઉડતો આ વાડીમાં આવ્યો. રાજા એ જોઈ રહ્યા. પણ આ પોપટ બધા પોપટ જેવો સામાન્ય પોપટ નહતો. પણ સોનેરી પોપટ હતો. રાજાજી કશું જ બોલ્યા વગર છાના માના બધું જોઈ રહ્યા. પોપટ આવીને પેલા દાડમના છોડ પર બેઠો. અને દાડમ ખાવા લાગ્યો. એક દાડમ ખાઈને તે ઉડી ગયો. રાજાજી તેની પાછળ ગયા. પણ તેને પકડી શક્યા નહિ. પણ હા જતા જતા તેનું એક પીંછું નીચે પડી ગયું. રાજાએ તે લઇ લીધું જોયું તો તે સોનાનું હતું.
રાજા મહેલમાં આવ્યા. અને પોતાના ચારેય દીકરાઓને આ વાત કરી. અને કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે પોપટ કોઈ સામાન્ય પોપટ નથી. પણ કોઈ વિશિષ્ટ પોપટ છે. એ જ્યાંથી આવે છે ત્યાં ખુબ ધનદોલત હોવાની શક્યતા છે. માટે તેમને પોતાના ચારેય રાજકુમારોને એ પોપટનો પીછો કરી તેનું રહસ્ય શોધી લાવવાનો પડકાર ફેંક્યો. આ પડકાર સૌથી નાના રાજકુમારે સ્વીકાર્યો. રાજાને પણ સૌથી નાના રાજકુમાર પર જ ભરોસો હતો. નાનો રાજકુમાર રાજાની જેમ જ રાતે વાડીમાં જઈ સંતાઈ ગયો. અડધી રાત થઇ એટલે પોપટ આવ્યો. રાજકુમારે પહેલા પોપટને ધરાઈને દાડમ ખાવા દીધી. પછી જયારે પોપટ ઉડ્યો ત્યારે ઘોડા પર સવાર થઇ તેનો પીછો કર્યો.
પોપટ ઉડતો ઉડતો દૂર પહાડોમાં ચાલ્યો ગયો. રાજકુમાર પણ તેની પાચલ પાછળ તે પહાડોમાં ગયો. ત્યાં જઈને પોપટ એક ગુફામાં ગાયબ થઇ ગયો. રાજકુમાર પણ તેની પાછળ પાછળ એ ગુફામાં ગયો. ત્યાં જઈને જોયું તો એ ગુફામાં એક જાદુઈ મહેલ હતો. એટલામાં તેને ‘બચાઓ બચાઓની બુમ સંભળાઈ. એ અવાજ કોઈ સ્ત્રીનો હતો. રાજકુમાર અવાજની દિશામાં ગયો. તો ત્યાં એક સુંદર રાજકુમારી પિંજરમાં પુરાયેલી હતી. રાજકુમારે તેને આઝાદ કરી. અને પેલા પોપટનું રહસ્ય પૂછ્યું. રાજકુમારી એ કહ્યું, ‘હું જ એ પોપટ છું. એક જાદુગરે મારા પિતાજીને મારી નાખ્યા અને તેમની બધી સંપતિ લઇ લીધી. મને પણ પોપટ બનાવી અહી કેદ કરી દીધી. ખાલી રાત્રીના સમયે મને પોપટ બનાવી બહાર ખાવા માટે મોકલતો.
રાજકુમાર આખી વાત સમજી ગયો. તે ગુફામાં સંતાઈ ગયો. જયારે જાદુગર આવ્યો. ત્યારે તેની સાથે યુદ્ધ કરી તેને પરાજીત કર્યો. અને રાજકુમારીની સાથે બધી જ સંપતિ લઈને ઘરે આવ્યો.
રાજા પણ પોતાના નાના રાજકુમારના આ પરાક્રમથી ખુશ થયો. અને પોતાનું રાજ પણ આ જ નાના રાજકુમારને આપ્યું. રાજ્કુમાંરેતે રાજકુમારી સાથે લગ્ન કર્યા અને સુખેથી જીવન જીવ્યા.