Asmita Shah

Others

3  

Asmita Shah

Others

સ્નેહ્નનું સિંચન

સ્નેહ્નનું સિંચન

5 mins
14.3K


नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ।।

સુખી સંપન્ન પરિવારમાં જન્મેલી ઋજુ હૃદયની, કોમળ સ્વભાવની, અતિશય સંવેદનશીલ સ્વભાવ ધરાવતી શિક્ષાની ઉંમરની વસંત ઢળી ચુકી હતી. નિરાશ વદને ગયેલા સમયને પંપાળતી, ચાહતી યાદોના સ્મરણમાં શિક્ષા ઝોલા ખાઈ રહી હતી. શિક્ષાના સંતાનો પોતપોતાનો સંસાર માંડી પોતાના સંસારમાં ખુશ હતાં.શિક્ષાને સમાજ કે કુટુંબ તરફથી કોઈ ફરિયાદ ન હતી. સંતાનો પણ સુસંસ્કાર વાળા, ‘મા’ ઉપર ખૂબ હેત રાખતા. વર્ષમાં એકવાર ‘મા’ને આવી મળી જતાં. બાળકો આવતા એટલો સમય શિક્ષાનું જીવન હર્યુભર્યુ રેહતું. બાળકોનાં ગયા પછી એ જ સુનકાર વ્યાપી રેહતો.

ગયા વર્ષની ચૌદમી ફેબ્રુઆરીએ શિક્ષા પણ દરેક પ્રેમી યુગલની જેમ મિહિર સાથે વેલેન્ટાઈન મનાવવાના મૂડમાં હતી. શિક્ષા અને મિહિરનો પ્રેમલગ્ન નહોતા પણ સમજદાર યુગલની જેમ એકબીજાની ખામીને સ્વીકારી એકબીજાની નબળાઈ પર અંગુલી નિર્દેશન કર્યા વગર નબળાઈને દૂર કરવાના પ્રયત્નોમાં રહેતાં. મિહિર સ્વભાવે સમજદાર અને ઠાવકો હતો. જયારે શિક્ષા ખૂબ સંવેદનશીલ હતી ઘણી વખત નાની વાતમાં કે પારકાનું દુઃખ જોઈ દુ:ખી થઈ જતી પણ મિહિર તેને સમજાવી લેતો અને તેમનો સંસાર પાછો કિલ્લોલ કરતો થઈ જતો.

ચૌદમી ફેબ્રુઆરી એટલે શિક્ષા – મિહિરનાં જીવનનો ઉત્તમ દિવસ. ચૌદમી ફેબ્રુઆરીએ શિક્ષાનો જન્મદિવસ,  શિક્ષા –મિહિરનો લગ્ન દિવસ પણ ખરો. એટલે એમના ઘરે સૌ ભેગા મળી ખૂબ રંગેચંગે વસંતને વધાવતા. તેમના ઘરમાં ફેબ્રુઆરી મહિનો ચાલુ થાય ત્યારથીજ ખુશહાલી છવાઈ જતી .બાળકો ઘણીવાર શિક્ષાને કેહતા પણ ખરા, “મમ્મી તારી ઉપરવાળા જોડે લાગવગ ચાલે છે, બધી મહત્વની તારીખો તારી ચૌદમી ફેબ્રુઆરી જ?” અને ઘરમાં હાસ્યની છોળો ઉડી રેહતી.

ગયા વર્ષની ચૌદમી ફેબ્રુઆરીની સાંજ કંઈક જુદી જ વાત લઈને આવી હતી. દર વર્ષની માફક કુંજ આ વખતે પણ નવતર યુગલની જેમ ‘થીમ કેક’ લઈને આવ્યો હતો. ‘થીમ કેક’ એટલે કેકની ઉપર એક યુગલ મુકવામાં આવે એમનો ડ્રેસ કોડ પણ જે તે વ્યક્તિનાં ડ્રેસ નાં કલરનાં મુતાબિત હોય. કુંજ... શિક્ષા અને મિહિરની પ્રેમની ડાળી ઉપર ખીલેલું પ્રથમ ફુલ. જોકે અત્યારે તો કુંજ પણ પિતા બનવાની તૈયારીમાં હતો... ઘરની ખુશીમાં એક ખુશી વધારે ઉમેરાવાની હતી. ઘરનાં સભ્યો પુરા જોશમાં હતાં. રાબેતા મુજબ શિક્ષા અને મિહિરે કેક કાપી... “બાર બાર દિન યે આયે.. બાર દિલ યે ગાયે.. તુમ જીયો હજારો સાલ….” ગીત સાથે સેમ્પેઈનની બોટલ ખુલી.

કપલ ડાન્સનું ધીમું માદક સંગીતમાં લોકો એ પોતપોતાની જોડીમાં માણ્યો. હવે રાબેતા મુજબ વારો મિહિરનો હતો. વર્ષોના ક્રમ મુજબ મિહિરે ગીત છેડ્યું, મિહિર વર્ષોથી એક જ ગીત ગાતો, પ્રાર્થના જેવું જ લાગે પણ શિક્ષા એ જે પ્રેમની જ્યોત એના જીવનમાં પ્રગટાવેલી હતી અને અખંડ રહી હતી એ શિક્ષાને લીધે જ હતી. બાળકોનાં જન્મ પછી પોતાની વ્યવસાયિક કારકિર્દીને ધ્યાનમાં ન રાખી ઘર અને બાળકો પ્રત્યેની ફરજ નીભાવી અને બન્ને બાળકોમાં, ઘરમાં સંપ અને પ્રેમનું વાતાવરણ શિક્ષાને આભારી હતું. મિહિરે ગીત શરૂ કર્યું...

“તુ પ્યાર કા સાગર હૈ.. તેરી એક બૂંદ કે પ્યાસે હમ..”

શિક્ષાને કાયમ થતું મિહિર ગીત બદલતો હોય તો... પણ ચુપ રેહતી… એને ગમે છે ને.. હસીખુશીમાં સમય ક્યાં પસાર થયો કોઈને ખબર ન પડી. રાત્રે ૧ વાગ્યે બધાં છૂટાં પડ્યાં.

શિક્ષા - મિહિર કપડા બદલી સુવાની તૈયારી કરતા વાતો એ ચડ્યા ક્યા સમય ગયો... ક્યાં આપણા ઘરે કુંજનું આગમન થયું અને પછી પ્રેક્ષા. આજે કુંજ પણ પિતા બની જશે થોડા દિવસમાં વાતો કરતા બન્ને ઊંઘી ગયા. ખરેખર સમય.. સમય જ છે.. મિહિરને રાત્રે છાતીમાં થોડું દુખ્યું.. પણ હમણાં ક્યાં શિક્ષાને જગાડું? હમણાં જ ઊંઘી છે આખા દિવસની થાકેલી ...એ.સી.ડી.ટી. હશે એમ સમજી ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હમણાં થોડા દિવસ ઉપર જ યોગની શિબિરમાં એક્યુપ્રેશર ઉપર વ્યાખ્યાન હતું. હાથના અમુક ભાગ પર દબાવાથી હૃદયની તકલીફ જાણી શકાય છે એવું જાણ્યું હતું પણ કોણ ધ્યાન આપે? એ તો બોલ્યા કરે, હવે આજે આ હૃદયમાં દુ:ખે જ છે અને ખરેખર મિહિરને તીવ્ર દુખાવો ઉપાડ્યો અને શિક્ષાને જગાડવી જ પડી. દવાખાને જતા સુધીમાં તો મિહિરનું પ્રાણપંખેરું ઉડી ગયું. વિધાતા ક્રૂર બની કે પોતાનું આળસ.. કોણ નક્કી કરે? ઘટના તો ઘટી ગઈ.

આજે ફરી એ જ દિવસ આવી ને ઉભો છે. ચૌદમી ફેબ્રુઆરી શિક્ષાનો જન્મ દિવસ મેરેજ એનિવર્સરી અને આમ જોવા જાવ તો મિહિરનું મૃત્યુ ચૌદમીએ ગણો કે ૧૫મી એક જ ગણાય. શિક્ષા નિરાશ વદને ઉદાસીને ઓઢી વરંડામાં બાળકોની રાહ જોતી બેસી રહી. કુંજ અને પ્રેક્ષા આવતા જ હશે. મિહિર વગર આજે આખું નભ મૂંગું બની ગયું હોય એવું લાગ્યું.

સમય છે નહિ? એક વર્ષ થઈ ગયું... કુંજની મેઘા ૯ મહિનાની થવા આવશે. રાબેતા મુજબ કુંજ આવ્યો એ જ પ્રમાણે ‘થીમ કેક’ લઈને. બસ, મેહમાનોની આજે કમી હતી પણ એની જગ્યા એ  ઉદાસી હતી ને..શિક્ષા ધૂંધવાઈ ઉઠી... રીતસર બરાડી ઉઠી... કુંજ... થીમ લઈને આવ્યો છે? કુંજ પોતાની માતાના પરગજુ સ્વભાવથી સુપેરે પરિચિત હતો. પાસે બેસાડી વહાલ કરી કહ્યું, ‘મા,  આજે આપણે વેલેન્ટાઈન અલગ રીતે ઉજવીશું તને હંમેશા રોડ પરના ગરીબ નાગા ભૂખા બાળકોની દયા આવતીને? આજે આપણે આ કેક અને થોડા નવા કપડાં લઈ એ બાળકોને આપવા જઈશું. એ લોકોનો આનંદ જોઈ તું ખૂબ ખુશ થઈશ.

કુંજ, શિક્ષા ,પ્રેક્ષા, મિતાલી, અને શીતાંશુ, નાની મેઘા પણ જોડે જ હતી બધા ગાડીમાં બેસી અનાથાશ્રમમાં ગયા. ઘણાં માબાપ વિનાના નિરાધાર બાળકો આવી. કેક, જાતજાતનો નાસ્તો અને કપડાં જોઈ રાજીના રેડ થઈ ગયા. બધાએ ભેગા મળી બધા બાળકોને આ બધું આપ્યું. અનેરી ખુશી શિક્ષાએ અનુભવી.

મિહિરે જે પ્રેમ એને આપ્યો હતો એ પ્રેમ આજે છલકાઈ રહયો હતો. એક તરસ્યાને એક તરસ છીપાવાની જે તક મળે તેવી તક શિક્ષા આજે અનુભવી રહી. એના આત્મા સાથે એને એક ગજબની શાંતિનો અનુભવ થયો. ફરી એ જાણે આ બાળકોમાં સ્નેહનું સિંચન કરી રહી હોય એવું લાગ્યું. મનોમન એણે નિર્ણય લીધો આમ પણ મારે હવે કશું કામ ઘરે હોતું જ નથી હું રોજ બે કલાક આવી આ બાળકોને શિક્ષણ આપું તો? કોઈની જિંદગી સુધારી શકું અને મિહિરનાં આત્માને પણ શાંતિ મળે હું ખુશ રહું તો મારો મિહિર પણ ખુશ રહેશે. આમ પણ આત્માને છેદી શકતો નથી, બાળી શકાતો નથી, વાયુ એને સુકવી શકતો નથી, પાણી એને ઓગાળી શકતું નથી. આત્મા તો અમર અને અવિનાશી છે. શાસ્વત છે તો બસ પ્રેમ અને કરુણા. એ જ કર્મ છે ગીતામાં પણ કૃષ્ણ આજ તો સમજાવે છે. જીવનમાં ઉત્તમમાં ઉત્તમ કર્મ છે.

શિક્ષાને આજે ખરેખર સ્નેહનું સિંચન થયું એવું લાગ્યું એણે મનોમન કુંજનો આભાર માન્યો, સાથે સંતોષ પણ થયો એનાં ઉછેરમાં કઈ ખામી નથી રહી ગઈ. દિલમાં મિહિરને યાદ કરી બોલી, “મિહિર કાલથી હું આ બધાની માતા બનીશ પિતા તરીકે આશીર્વાદ આપવા આવીશને?”

सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ ।
तयोस्तु कर्मसन्न्यासात्कर्मयोगो विशिष्यते ॥

 


Rate this content
Log in