સંબંધોનું સાયટેશન .....!
સંબંધોનું સાયટેશન .....!


જિંદગીમાં ઘણું બધું એવું હોય છે જે આપણા હાથની વાત હોય છે. આપણા હાથની વાત હોવા છતાં ઘણી વખત આપણે હાથ લંબાવતા હોતા નથી. જેની ઝંખના હોય એ સામે હોય તો પણ મૂઠીઓ બંધ રાખીએ છીએ. સાવ નજીક હોય એની સાથે પણ બનતું હોતું નથી. ક્યારેક ભાઈ સાથે, ક્યારેક બહેન સાથે, મિત્ર સાથે, પ્રેમી કે પ્રેમિકા સાથે અણબનાવ બને છે. એવું થતું રહેવાનું છે. સંબંધની ફિતરત જ એવી છે. ક્યારેક કોઈ શહેરમાં જઈએ ત્યારે એવો વિચાર આવે છે કે, કેટલા બધા નજીકના લોકો આ શહેરમાં છે, પણ ક્યાંય જવા જેવું નથી. ક્યાંય જવાનું મન થતું નથી. જે ઘરે રોજ જવાનું થતું હતું એ રસ્તો જ જાણે બંધ થઈ ગયો છે. અમુક ગલીઓમાંથી કોઈ આહટ સંભળાતી હોય છે. અમુક સ્થળો સ્મરણો તાજાં કરી દે છે. અમુક સંવાદો કાનમાં ગુંજતા રહે છે. એ બધું જ હતું ત્યાં ને ત્યાં જ હોય છે. આપણને એમ થાય છે કે બધું જ છે, પણ એ સંબંધ હવે નથી. ઘણી વખત આપણને લાગતું હોય એવું હોતું નથી. ઘણું બધું આપણે માની લેતા હોઈએ છીએ. આપણે જે માનતા હોઈએ છીએ એમાંથી આપણે બહાર પણ આવતા નથી. ક્યારેય ચાન્સ પણ આપતા નથી, જોઈએ તો ખરા કે હું જે માનું છું એ સાચું છે કે નહીં?
સંબંધોના આ સ્તંભને મજબૂત કરવા માટે સંબંધોને ઉછેરવામાં વપરાતી સામગ્રી ઉપર્યુક્ત હોવી જોઈએ. નકારાત્મકતા અને અભિમાન જેવી તકલાદી સામગ્રી સંબંધોને ઉછેરવાના ખાતર-પાણી ન બની શકે. આજે અનેક લોકો એવું માને છે કે જીવનમાં અગર પૈસો છે તો એ સંબંધોને મજબૂત બનાવવામાં સહાયક બનશે. સંબંધોની નીંવ પૈસો તો નથી જ. પૈસાથી વેપાર-ધંધો થઈ શકે, પ્રોફેશનલ રિલેશન મેન્ટેઈન થઈ શકે, ક્યારેક નાની-મોટી ગિફ્ટ તથા સગવડો દ્વારા ખુશી આપી શકાય, પરંતુ એનાથી દિલના અંદર અંદર સુધી સ્પર્શી જનારા સંબંધો બનતાં નથી. પૈસા પર આધારિત સંબંધોમાં સુખ-દુઃખનું શેરિંગ નહીંવત્ રહે છે. પૈસાથી સુખ-સગવડો હરવું- ફ્રવું મળી શકે. જીવનની ઘણી મુશ્કેલીઓ આસાન થઈ શકે, પરંતુ અંદરનો ખાલીપો પૈસાથી ન ભરી શકાય. એના માટે દિલની કેમિસ્ટ્રીનું મેચ થવું જરૂરી છે. માત્ર પૈસા અને સ્વાર્થના આધાર પર જોડાયેલા સંબંધોમાં ખૂબ ઝડપથી વિખવાદ અને વિસંવાદ છલકાય છે.
જે રીતે પૈસાથી જોડાયેલાં સંબંધો લાંબા સમય ટકતાં નથી એ જ રીતે માત્ર દિમાગથી બનાવેલા સંબંધોમાં પણ ખૂબ ઝડપથી ભૂકંપ સર્જાય છે. જેમ કે કોઈ છોકરી પોતાની કરિયરમાં બુસ્ટ મળે એ માટે બોસ કે કલીગ સાથે સંબંધ બાંધે કે લગ્ન કરે તો સમય જતાં બની શકે લાગણી જન્મી શકે, પરંતુ પ્રેમની ગેરન્ટી નથી..બીકોઝ એ યુવતીનું ધ્યાન એનાં સ્વાર્થની પૂર્તિમાં જ રહે છે અને સ્વાર્થ ન સધાય તો સંબંધો તૂટી જાય…કદાચ ટકે તો પણ એમાં ઉષ્માના અભાવની અધૂરપ રહેવાની જ. અને એ સામી વ્યક્તિને ખૂબ ઝડપથી ફીલ થાય છે. દિલથી બનેલા સંબંધો હાર્ટ- બીટની જેમ હંમેશાં ધબકતા રહે છે. જ્યારે દિમાગથી બનેલા સંબંધો વિચારો સાથે બદલાતા રહે છે.
આજકાલ મોટા ભાગનાં લોકો રિલેશનશિપને પ્રોફિટ-લોસથી તોલે છે. જે સંબંધોમાં ફયદો વધારે થાય છે એનાથી જોડાયેલા રહે છે. જ્યારે જે સંબંધોમાં નુકસાન વધારે હોય છે એને તોડી નાંખે છે. ઈટ્સ નોટ ફેર…સંબંધ એ છે કે જેમાં પ્રેમ-લાગણી મહત્ત્વના છે, લાભ- નુકસાન…જેમ જીવનમાં ચડતી-પડતી, સુખ-દુઃખ આવતાં રહે છે એ જ રીતે સંબંધોમાં પણ લાભ-નુકસાન થયા કરે. જયારે તમે કોઈના દુઃખમાં સાથ નથી આપતા, તન- મન- ધનથી ઘસાવાની તૈયારી નથી રાખતા તો તમારા માટે પણ કોઈ ન ઘસાય..અને આ દુનિયામાં ચપટી ધૂળની પણ જરૂર પડી શકે તો સંબંધીની પણ પડી શકે. સંબંધોમાં ક્યારેક આપણને ફયદો થાય છે તો ક્યારેક બીજાને…પરંતુ આ પ્રોફ્ટિ- લોસની તુલના એ સાચા સંબંધોની નિશાની નથી.
દરેક સંબંધોમાં સચ્ચાઈ અને વિશ્વાસ એ મજબૂત પાયા છે અને એ ટકે છે. સંબંધોમાં આપેલા વચનો પૂરા કરવાથી. વારંવાર બોલીને ફ્રી જવાથી, છેલ્લી ઘડીએ બહાના બાજી કરીને હાથ ઊંચા કરી લેવાથી કે સિફ્તથી ચાલાકીપૂર્વક વચન તોડવાથી સંબંધોને જે ધક્કો લાગે છે તેની પીડા ખૂબ કારમી હોય છે. અગર તમે માંદગીમાં હોસ્પિટલમાં રહેવાની પ્રોમિસ કરી છે તો એ માટે કપાતા પગારે રજા લેવી પડે તો લેવી પડે એ જ રીતે અન્ય કોઈ પૈસાની કે કામ કરી આપવાની તૈયારી બતાવી છે તો પીછેહઠ ન કરો. હેલ્ધી રિલેશન માટે જેટલા પાળી શકાય એટલા જ કમિટમેન્ટ કરો. વચનેષુ કીં દરિદ્રતા? જેવી માનસિકતા સંબંધોને તોડે છે એટલું જ નહીં તમારી છાપ જુઠ્ઠા- ગપ્પાંબાજ વ્યક્તિ તરીકેની સ્થાપિત થાય છે.
સંબંધો દિલથી- ભાવનાથી- લાગણીથી બને છે હોશિયારી કે નોલેજથી નહીં. એક હોશિયાર અને બીજી ભોળી કે એક એકદમ નોલેજવાળી સ્માર્ટ અને બીજી નોલેજમાં સાવ ઝીરો હોય એવી વ્યક્તિ વચ્ચે મૈત્રી- પ્રેમ કે અન્ય સંબંધો હોય છે. બંને વ્યક્તિ એકબીજાને જેવી છે તેવી સ્વીકારી લે તો સંબંધનો ઘોડો લાંબા સમય સુધી દોડતો રહે છે, પરંતુ પોતાનું નોલેજ, પોતાની જાણકારી સામી વ્યક્તિ પર થોપતાં રહી એમને ડફેળ સાબિત કરવાનો પ્રયત્ન કરે તો સંબંધોમાં અદ્રશ્ય તિરાડ જન્મે છે. સામી વ્યક્તિ લઘુતાગ્રંથિ ફીલ કરે છે. નોલેજ- હોશિયારીથી પૈસા મેળવી શકાય, કદાચ સંબંધો જોડી પણ શકાય, પરંતુ ટકાવવા માટે દિલદારી જોઈએ, દોસ્તીથી છલકતું હૈયું જોઈએ, સંબંધીને હર્ટ કરતી હોશિયારી નહીં.
આજે સંબંધોમાં સમયનું મહત્ત્વ ખૂબ વધ્યું છે. વધારે સમય પસાર કરવાથી સંબંધ મજબૂત નથી બનતા, પરંતુ સાથે પસાર કરેલાં સમયની સ્વીટ મેમરીથી મજબૂત બને છે. જ્યારે સાથે મળીને ગપ્પાં- બાજીની સાથે મીનિંગફૂલ સમય પસાર કરો છો ત્યારે સંબંધોમાં સકારાત્મકતા આવે છે. સંબંધોમાં સકારાત્મકતાની સાથે નિષ્ઠાવાન બનવું પણ એટલું જ આવશ્યક છે. પીઠ પાછળ બુરાઈ, ખોટી-ખોટી ભૂલો કાઢવી, સફ્ળતા વગેરે બાબતથી જલન મહેસૂસ કરવી કે દુઃખમાં અસંવેદનશીલ રહેવું એ સંબંધોની અપ્રમાણિકતા છે. સમય આવ્યે સહજ રીતે નિષ્ઠા- વફદારી અને સહાયની લાગણી ખીલી શકે એ સંબંધની સચ્ચાઈ છે. એ જ રીતે તમે એમને તમારી લાઈફ્માં કેટલી જગ્યા આપો છો એ પણ મહત્ત્વનું છે. સંબંધીને એવું લાગવું જોઈએ કે તમે એમનાં વિના અધૂરા છો. તમે એમને એવું ફીલ કરાવી શકો કે જ્યાં સુધી તમારી એમની સાથે વાત ન થાય ત્યાં સુધી ચેન નથી પડતું.
કુદરત બહુ જ કરામતી છે. કુદરત માણસને જિંદગીમાં બધું જ કરવાની તક આપે છે. સાચું કરવાની તક અને ખોટું કરવાના મોકા પણ કુદરત આપતી રહે છે. સંબંધો બાંધવાની, સંબંધો તોડવાની અને સંબંધો સુધારવાની તક પણ કુદરત આપે જ છે. જે ડાળી પરથી ફૂલ મૂરઝાઈને ખરી ગયું હોય છે એ જ ડાળી પર નવી કળી પણ ખીલે છે. દરેક ફૂટતી કૂંપળ એ વાતની સાબિતી છે કે કુદરત સક્રિય છે. કુદરત ક્યારેય એનો ક્રમ તોડતી નથી.
સૂરજ રોજ ઊગે જ છે. ક્યારેક વાદળ છવાઈ જાય અને સૂરજ ન દેખાય તો એમાં વાંક સૂરજનો નથી હોતો. સૂરજ તો હોય જ છે. આપણામાં વાદળ હટવાની રાહ જોવાની આવડત હોવી જોઈએ. ક્યારેક કોઈ દુ:ખ ચડી આવે છે. એ પણ હટવાનું જ હોય છે. થોડીક રાહ તો જુઓ. સંબંધ પણ ક્યારેક નાજુક તબક્કામાંથી પસાર થવાના જ છે. કુદરત ક્યારેય એકધારું કંઈ આપતી નથી. ન તો સુખ એકધારું આપે છે ન તો દુ:ખ. એકસામટું કંઈ મળતું નથી. પહેલી જ મુલાકાતમાં કોઈ આત્મીય બની જતું નથી. ધીમે ધીમે કોઈ નજીક આવે છે. દિલના દરવાજા ફટાક દઈને ખૂલી જતા નથી. આપણે પણ તરત જ કોઈને દિલ સુધી આવવા દેતા નથી. દિલના રસ્તા પર દિમાગનો પડાવ આવે છે. પામતાં પહેલાં આપણે ઘણું બધું માપતા હોઈએ છીએ. આની સાથે ફાવશે? આ મારાં નખરાં ઉઠાવશે? હું એની ઇચ્છાઓને પૂરી કરી શકીશ? અમારો સંબંધ લાંબો ટકશે? કોઈને નજીક લાવતા પહેલાં આપણે આપણી જાતને જ અનેક સવાલો કરીએ છીએ, જવાબો મેળવીએ છીએ. 'પાસિંગ માર્ક્સ' હોય તો જ એને પાસે આવવા દઈએ છીએ.
આપણે ક્યારેક એટલું બધું પકડી રાખીએ છીએ કે કોઈ આવી જ ન શકે. બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. બંને દૂર થઈ ગયાં. એક વખત ત્રીજા મિત્રને ઘરે એક મિત્ર આવ્યો. ત્રીજા મિત્રએ ફોન કર્યો કે આવ ને, અમે ભેગા થયા છીએ. મિત્રએ કહ્યું, મારે મળવું નથી એને મળવું હોય તો પૂછી જો. બીજા મિત્રને પૂછ્યું, તો એણે એવું કહ્યું કે, એને મળવું હોય તો મને વાંધો નથી. વચ્ચે જે મિત્ર હતો એ અડધું વાક્ય કાપીને એટલું જ બોલ્યો કે એને વાંધો નથી. બધા મિત્રો મળ્યા અને દોસ્તી પાછી હતી એવી ને એવી થઈ ગઈ. દોસ્તી કે સંબંધ તો આપણે પણ રાખવા જ હોય છે. બસ, ઇગોને દૂર થવા દેવો હોતો નથી. ઇગો આપણા દિલની ઘણી બધી જગ્યા રોકી લે છે. એ બીજા કોઈને આવવા દેતો નથી. કોઈને આવવા દેવા માટે જગ્યા તો કરવી પડે ને! ઇગો હટાવી દો, જગ્યા થઈ જશે!
સંબંધો સાચવવા અને સંબંધો બચાવવા માણસે પોતાની વ્યક્તિ શું કરે છે એ નહીં, પણ પોતે શું કરે છે એનો વિચાર કરવો જોઈએ. મોટાભાગના અભાવ સ્વભાવના કારણે સર્જાય છે. ઘણા લોકો તો પોતે જ છટકબારી શોધે છે. એક યુવાનની આ વાત છે. એક નંબરનો તોછડો. ઘડીકમાં મગજ ગુમાવી દે. ગમે તેવું સંભળાવી દે. થોડા સમય પછી સામેથી વાત પણ કરે. એક છોકરી તેની દોસ્ત હતી. કંઈ વાત થાય કે છોકરો એનું મોઢું તોડી લે. એક વખત છોકરીએ કહી દીધું કે આપણી દોસ્તી પૂરી. થોડો સમય થયો પછી છોકરાએ ફરીથી તેની ફ્રેન્ડને ફોન કર્યો. સોરી કહ્યું. પછી તેણે કહ્યું કે, તને તો મારા સ્વભાવની ખબર છે ને! હું બોલી દઉં છું, પણ પછી મારા મનમાં કંઈ હોતું નથી! છોકરીએ કહ્યું, હા મને તારા સ્વભાવની ખબર છે, પણ તનેય તારા સ્વભાવની ખબર છે ને? તો પછી તું કેમ તારો સ્વભાવ સુધારતો નથી? તું કહી દે પછી તારા મનમાં કંઈ હોતું નથી, પણ બીજાના મનનું શું? તું બોલી દે એનાથી અમારા મનમાં જે થાય છે એનું તને ભાન છે? તારા મનમાં કંઈ હોતું નથી, પણ અમારા મનમાંથી એ ઘડીકમાં નીકળતું નથી. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણે જે બોલીએ કે જે વર્તન કરીએ એની અસર બીજાના મન પર કેવી થાય છે? સંબંધ સાચવવા માટે આપણને માત્ર આપણા મનની જ નહીં, આપણી વ્યક્તિના મનની પણ દરકાર, ખેવના અને પરવા હોવી જોઈએ. સંબંધો બગડે ત્યારે આપણને આપણો વાંક દેખાતો હોતો જ નથી. વાંક ગમે તેનો હોય, તમને જો તમારા સંબંધની જરાયે પડી હોય તો તમારી જીદને તમારા પર હાવી થવા ન દો. સંબંધ સુધારવાની તક જિંદગી આપતી જ હોય છે. સંબંધ સુધારવાની તક ન મળે તો તકને ઊભી કરો. સાત્ત્વિક સંબંધો ક્યારેય સુકાતા નથી, એ લીલાછમ જ હોય છે. બસ, એને સીંચતા રહેવાની સજાગતા આપણામાં હોવી જોઈએ!
'પોતે કદી પકડાવાનો નથી એ જાણ્યા પછી માણસ શું કરે છે એ ઉપરથી એનું ચારિત્ર્ય મપાય છે'. -થોમસ મેકોલે.'