સમય
સમય
એણે નરેન્દ્રની કોઈ નિશાની ઘરમાં રાખી નહોતી. હમણાં જ એનો એકાદ રૂમાલ હાથમાં આવેલો. નવા જેવો હતો, તો તે બારી બહાર ફેંકી દીધો હતો. નક્કી જ કરેલું કે નરેન્દ્રની એક પણ વસ્તુ એના ઘરમાં જોઈએ નહિ. પતી ગયું બધું હવે. અને નરેન્દ્ર વગર જીવન પણ સારી રીતે ગોઠવાઈ ગયું હતું.
નોકરી કરવા જવાતું હતું, સાંજે ઘેર આવ્યા પછી ભૂખ લાગતી હતી, હજી પણ ગરમ ગરમ બટાકાંવડાં બનાવ્યાં હોય તો થોડું વધારે ખવાઈ જતું હતું.
કોલ્ડ કોફી પીતાં પીતાં છાપું વાંચવામાં કે ટી.વી. જોવામાં મઝા જ આવતી હતી, ગમતા રંગની સાડી પહેરવાથી આનંદ થતો જ હતો, અરીસામાં જોઈ પોતે હજી આકર્ષક છે એ વાતનો સંતોષ રહેતો જ હતો, તો પછી નરેન્દ્ર નથી એટલે જીવન કોઈપણ રીતે બદલાઈ ગયું છે એમ માનવાને કારણ જ ક્યાં હતું?
‘તમે ફલેટમાં સાવ એકલાં હો તો તમને બીક નથી લાગતી?’ એકદમ વાહિયાત સવાલ પૂછતાં મિસીસ દેસાઈને એણે કેટલીયે વાર જુસ્સાપૂર્વક કહેલું કે એકલાં રહેવામાં વળી બીવાનું શું? ને વાત પણ કંઈ ખોટી નહોતી. એને રાત્રે ઊંઘ આવતી હતી, ઘસઘસાટ ઊંઘ.
સપનાં પણ ખાસ આવે નહિ, ક્યારેક વળી એકાદું સપનું આવી જાય, પણ અર્થ વગરનું, સાવ અધ્ધર ને એમાં નરેન્દ્ર તો હોય જ નહિ. એટલે જીવવા માટે, સારી રીતે જીવવા માટે પણ નરેન્દ્ર જરૂરી છે એવું તો નહિ જ.
જોકે એ વાત સાચી કે છેક છેલ્લી ઘડી સુધી એને લાગતું હતું કે છૂટાછેડા સુધી વાત પહોંચશે નહિ. કંઈક એવું બનશે જેને લીધે ફરી પાછું જીવન વ્યવસ્થિત થઈ જશે. એકાદ જાદુઈ લાકડી ફરતાવેંત આખું તોફાન શમી જશે એવું બન્યું નહિ. પછી તો બા, બાપુજી, ભાઈ, ભાભી, ઑફિસમાં કામ કરતાં જશવંતીબેન, પંડ્યા, પારેખ, મિસીસ ભણસાળી – બધાં એક જ સલાહ આપતાં થઈ ગયેલાં, ‘છૂટાં થઈ જાવ, આટલું બધું સહન કરવાની જરૂર નથી.’
સુલભા જોષી તો પાછી ભારે ઉગ્ર. સ્ત્રીસ્વાતંત્ર્યની વાત આવે કે યાહોમ કરીને પડે. એણે વળી એના નારીસંગઠનની બીજી સ્ત્રીઓને આ વાત કરી એટલે એક રાત્રે આખું ટોળું આવ્યું બાપુજીને ત્યાં. બધાં એને વીંટળાઈ વળ્યાં.
‘તમે બોલશો જ નહિ. અમને બધી ખબર છે. આપણે પુરુષોની જોહુકમી ચલાવી લઈએ છીએ એટલે જ એમને ફાવતું જડે છે. તમારે નમતું જોખવાની જરાયે જરૂર નથી.’
‘અરે, એ સમજે છે શું એના મનમાં? મારો વર હોય ને તો ઘડીના છઠ્ઠા ભાગમાં ઠેકાણે લાવી દઉં. તમે તો બહુ નરમ છો એટલે સ્તો…’
‘ના, ના. એ તમારી જોડે આમ વર્તે એ તો કેવી રીતે માફ થાય ? તે તમે કંઈ એના પર નથી જીવતાં, પગ પર ઊભાં છો.’
‘તે જ તો હું કહું છું ક્યારની? સ્વમાન વગર આમ કોઈની ગુલામી કરવાનો અર્થ શો છે?’
જે મોડું મોડું પણ થવાનું જ હતું તે જરા વહેલું થયું. ‘તારે હિંમત રાખવી જોઈએ.’ ‘હવે તો તું એકલી જીવીને બતાવી આપે ત્યારે ખરી,’ ‘એમ રોતલ થવાય તારાથી?’ ‘અરે, એ નહિ ને બીજો, તારી હજી ક્યાં ઉંમર વહી ગઈ છે?’ – બધાં એને ટેકો આપી આપીને ટટ્ટાર રાખવાનો પ્રયત્ન કરતાં. સ્વમાનની વાત ને મુક્તિની વાત ને વ્યક્તિસ્વાતંત્ર્યની વાત – એ તો જાણે ખરું, પણ એકાએક આવી પડેલી આ વિચિત્ર પરિસ્થિતિને સ્વીકારી લેવામાં એને સારી એવી તકલીફ પડી, એ તો કબૂલ કરવું પડે.
ઘરનાં બધાંએ જરા જરા મદદ કરી એટલે ફલેટ લઈ શકાયો. અહીં પૂરેપૂરી મોકળાશ હતી, સ્વતંત્રતા હતી છતાં રોજ સવારે સાડા દસ થાય એટલે… બાકી આખો દિવસ તો કામમાં એવી ઝડપથી પસાર થઈ જાય કે કશું વિચારવાની ફુરસદ જ ક્યાંથી મળે? ઑફિસનું કામ પણ એવું જ ને, ડોકું નીચું કરી એકધારું ચાલ્યા જ કરે…
‘કેમ, ફાવી ગયું ને હવે? હું તો કહેતી જ હતી ને કે એકવાર એકલાં રહેવાની શરૂઆત કરીએ પછી કોઈ પ્રોબ્લેમ નડતા નથી. લોકો તો અમથાં ગભરાવે…’
‘ચાલો, આજે મારે તો જરા જલદી જવું છે. સુરેશને તાવ આવે છે એટલે બિચારો એકલો જ ઘેર છે. કોને ખબર તાવ ઊતર્યો હશે કે નહિ. રજા જ લેવાની હતી તો એ કહે કે આજનો દિવસ કાઢી નાખ, કોને ખબર, કાલે વધારે તાવ આવે એવું યે બને…’
‘આજે રાત્રે અમારે તો પાર્ટીમાં જવાનું છે. ઘનશ્યામની ઑફિસમાંથી કોઈ અમેરિકા જવાનું છે. આજે તો નક્કી જ કર્યું છે કે બ્યુટીપાર્લરમાં જ હેર-સ્ટાઈલ કરાવું… હું પણ ભાગવાની જ હવે, નહિ તો મોડું થશે.’
સુલભા જોષીના વિવાહ થયા. કોઈને વાત જ નહોતી કરતી. ખબર પડી એટલે બધાંએ એને ખૂબ પજવી. પારેખ તો કહે કે તારા વરની દયા ખાવા અમે બધાં આવીશું… શોક કરવા જેવો જ પ્રસંગ છે ને. ‘યુ ટુ, સુલભા?’ મહેન્દ્ર તો જ્યારે સુલભા દેખાય ત્યારે આટલું જ બોલે છે અને સુલભા હસી હસીને બેવડ વળી જાય છે, આંખોમાં કોઈ જુદી જ ચમક દેખાય છે. એ કહેતી ફરે છે કે સંદીપ તો જુદા જ પ્રકારનો માણસ છે.
અત્યારે પણ ઘરમાં મદદ કરવાની એને આદત છે, બીજા પુરુષો જેવો બિલકુલ નહિ. આમ એની નજર અદેખી નહિ. કોઈને ધબ્બો મારીને વાત કરવા જેવી દોસ્તી હોય ને તો પણ એને કંઈ લાગે નહિ. કોઈ ખટપટ નહિ. ટોટલ ફ્રીડમ…
જશવંતીબેનને એમના વરનું વળગણ છે. આખો દહાડો ‘મિ. પટેલ આમ ને મિ. પટેલ તેમ’નું ગીત ચાલ્યા કરે છે. એમના છોકરાને પણ લાડ કરી કરીને ફટવી મૂક્યો છે, આ બે પુરુષોને એ ખમ્મા ખમ્મા જ કરતાં ફરે છે ને પાછાં સલાહ વ્યક્તિસ્વાતંત્ર્ય અને અધિકાર અને ન્યાયની આપે છે. તે દિવસે વળી એમના મિ.ની વર્ષગાંઠ હતી તે એમને સરપ્રાઈઝ આપવા જાતજાતનાં નાટક કર્યાં. ઢગલો ફૂલ ને પેન્ટનું કપડું ને કંઈ ગઝલની કેસેટ, જોડે પાછી કૃષ્ણમૂર્તિની ચોપડી.
એક વર્ષગાંઠમાં આટલી બધી ભેટો. તો ગળગળા સાદે કહે કે ‘તને ખબર નથી મિ. પટેલે મારે માટે કેટલું કર્યું છે તે… એમના ઘરનાં બધાં જુનવાણી, પરણી ત્યારે હું તો ભણતી હતી. થયું કે હવે ભણી રહ્યાં. પણ ના, મિ. પટેલે બધાં જોડે લડી-ઝઘડી મને ભણાવી, નોકરી કરવા દીધી, અરે, પરીક્ષા હોય ત્યારે રાત્રે ચા-કૉફી બનાવી મારી સાથે જાગે… ને તે દિવસોમાં કોઈ ડિમાન્ડ નહિ એમની, આવો માણસ તો…’
ખરેખર તો સાડા દસનો સમય કામનો ગણાય. એણે કેટકેટલાં કામ પતાવવાનાં હોય છે. રસોડું સાફ કરવાનું, બધું વ્યવસ્થિત કરવાનું, જમી લેવાનું, કામવાળી જલદી કામ પતાવી લે તે જોવાનું, તૈયાર થવાનું, ઘર બંધ કરવાનું… અને છતાં સાડા દસે… કેટલીયે વાર નક્કી કર્યું છે કે સાડા દસનો સમય પસાર થઈ જવા દેવો. ટકોરો પડે પણ ધ્યાન આપવું જ નહિ. જમવાનું તો જાણે દસ વાગે પતાવવું જ પડે, ઑફિસનો ટાઈમ સચવાય. એટલે સાડા દસે એ ક્યાં તો માથું ઓળતી હોય અથવા તો કબાટ ખોલીને ઊભી હોય, આજે શું પહેરવું એની વિમાસણમાં, અથવા તો સાડી સાથે મેળ ખાય એવું બ્લાઉઝ શોધવાની મથામણમાં પડી હોય, કે પછી માથું ભારે લાગતું હોય અને એકાદ ગોળી ગળવાનો વિચાર ચાલતો હોય, જે હોય તે, સાડા દસે કંઈનું કંઈ કામ તો હોય જ છે, તો પછી શા માટે સાડા દસે એણે આમ…
ભાભી પિયર ગયાં છે ડિલીવરી માટે. ભાઈનો ફોન આવેલો ને ઘેર બોલાવે છે એટલે એકાદ દિવસ જવું પડશે. ખબર નહિ કેમ, ઘેર જવાનું બહુ મન નથી થતું. બા એકની એક વાત કર્યા કરે છે, ‘એકલાં તો શી રીતે જીવાય છેક? જરા પણ વિચાર હોય તો હવે નક્કી કરી લે. નરેન્દ્ર તો ફરી પરણવાનો એ નક્કી જ છે. એટલા માટે જ તો એણે આ બધું… તું તારી વાત કરને. અમે તો કંઈ કાયમ બેસી નથી રહેવાનાં, પછી તને એવું ન થવું જોઈએ કે કોઈએ સલાહ ન આપી. ને તારી ઉંમર હજી કેટલી. આમ જીવવામાં તો…’ હવે ભાભી પાછાં આવશે એટલે બાની જીભ વધારે ચાલશે. કહેશે કે એકાદ છોકરું હોય તો એને માટે મહેનત કરવાની, કોઈ ટેકો તો જોઈએ જ ને માણસને. છોકરું હોય ને તો દિવસ ભર્યો ભર્યો લાગે. એની ચિંતામાં ને કાળજીમાં વખત ક્યાં જાય તેની ખબર જ ન પડે.
હમણાં વાંચવાની પણ ખાસ ઈચ્છા થતી નથી. એકદમ રસ પડે એવું કંઈ હાથમાં હોય તોય ભળતાસળતા વિચારો આંટાફેરા મારતા હોય. તે દિવસે રાત્રે વળી કેતકી એના વર જોડે આવી ચઢી. માથું ખાઈ ગઈ. નવો ફલેટ લીધો છે તે ક્યાં શું રાખવું ને કેમ મૂકવું એની માથાફોડમાંથી ઊંચી નથી આવતી. એના વરે કહ્યું એટલે એણે વાળ કપાવ્યા ને વરે કહ્યું એટલે પંજાબી પહેરે છે – એવી ને એવી વાતો કર્યા કરી. વાળ કપાવવાનો તો આખો ઈતિહાસ કહ્યો. ક્યારે, ક્યાં, કેવી રીતે ગઈ, વાળ કપાવ્યા પછી એને કેવું લાગ્યું, પડોશીએ શું કહ્યું… રજેરજ વિગત કહી સંભળાવી. ને એનો વેવલો વર એની પીઠ થાબડતો હોય, દાદ આપતો હોય એમ ડોકું હલાવતો, વારે વારે હો હો કરીને હસતો, બેસી રહ્યો. એકલી છું એમ જાણીને ગમે ત્યારે ગમે તે ધસી આવે છે ને પાછાં ઉપકાર કરતાં હોય એમ કહે છે કે અમને થયું કે ચાલો, તમને જરા કંપની આપીએ. આ જરા તકલીફની વાત તો ખરી. જાણે સતત કંપનીની શોધમાં એ હોય એવી રીતે જ બધાં વર્તે છે. તે દિવસે હદ થઈ ગઈ.
પેલો દોઢડાહ્યો શૈલેષ કહે કે નાટકની ટિકિટ છે મારી પાસે, તમે આવતાં હોય તો ચાલો. તમે એકલાં કંઈ નીકળી ન શકો એટલે થયું કે તમને જ કહું સાથે આવવા…. ઘસીને ના પાડી દીધી. હવે તો વિચાર છે જ વાહન ખરીદી લેવાનો. એકાદું સ્કૂટી હોય તો જખ મારે છે બધાં. પછી એકલાં નાટક જોવાયે જવાય ને બધે જ જવાય… કંઈ જોડીમાં જ ફરવું એવો નિયમ છે? આપણા લોકોય જરા વિચિત્ર તો ખરા જ…
આજે સાડા દસનો સમય આમ જ ચાલી ગયો તેથી ખરેખર તો સારું લાગવું જોઈતું હતું પણ આખો દિવસ કંઈક ચૂકી જવાયું હોય એવો ચચરાટ થયો. રસોડામાં બાઈએ બરણી ફોડી, એટલો મોટો અવાજ થયો કે કાંસકો ફેંકી દોડવું પડ્યું. આ બન્યું બરાબર સાડા દસે એટલે… રોજ સાડા દસે સામેના ફલેટમાંથી જયંત શાહ અને એની પત્ની નંદિની બહાર નીકળે છે. બંને વાતો કરતાં કરતાં જ બહાર નીકળે, એવું એણે નોંધ્યું છે. પછી ફલેટને તાળું મરાય, બંને નીચે આવે, જયંત સ્કૂટરને કીક મારે, પાછળ નંદિની ગોઠવાય, જયંતની કમર પર હાથ વીંટાળી દે અને સ્કૂટર વેગથી આગળ વધતું જાય.
પાછળ નંદિનીના હવામાં ફરફરતા વાળ દેખાય. થોડા સમય પહેલાં એ અને નરેન્દ્ર પણ આમ જ, બરાબર સાડા દસે...
