STORYMIRROR

Chandra Shah

Others

3  

Chandra Shah

Others

સમન્વય

સમન્વય

9 mins
28K


આજે પાંચ વર્ષ પછી જ્યારે હું દેશમાં આવ્યો છું; નવિનતાપણું તો ઘણું દેખાય છે, પરંતુ આશ્ચર્યભર્યું જે લાગ્યું તે છે વસુંધરાનું પરિવર્તન. વસુંધરા મારી બહેન છે. પાંચ વર્ષ પહેલાં ફ્રોક સ્કર્ટમાં રમતી બાર વર્ષની એ બાળા ચોળી અને ચુંદડીમાં ઘૂમતી દેખાય છે, ત્યારે વેલી અને વૃક્ષનો તફાવત સમજાય છે. બોલ્યા વગર પણ ગળે વળગીને ચુમી લઇ લેતી પેલી વસુમાં આજે નજીક આવવાનો પણ સંકોચ દેખાયો. જીભ ચગળવાની પ્રણાલિકા ભલે આજે પણ એણે ચાલુ રાખી હોય, છતાંયે એ ક્રિયા વખતે પડતા પેલા ગાલ પરનાં ગલને કેન્દ્ર બનાવી મુગ્ધ ભાવ દર્શાવતી પેલી શરમાળ લકીર તો પહેલીવાર જ જોવા મળી. એની વાણી, વ્યવહાર અને કાર્યદક્ષતાનો મરોડ પાંચ વર્ષના ગાળામાં એટલો તો બદલાઈ ગયેલો લાગ્યો કે ઘરમાં વને બદલે કો આવી જ વ્યક્તિ આવી હોય તેમ લાગે છે. પહેલા ભાવતી કે ન ભાવતી એવી કેટલીયે વાનગીઓ મારા મોમાં પરાણે ખવરાવતી વસુ આજે ભાણે બેસેલા મને પીરસવા પણ ન આવી. વસુના આ વર્તનથી ભાવ ઓછો થઇ ગયો છે એમ નથી લાગતું, પરંતુ નારી સ્વભાવની સુલુક્તા વ્યક્ત કરતી વસુમાં અણદીઠો એવો સ્નેહ પ્રગટ્યો છે, જે સંકોચના વાતાવરણમાં રોકી રાખે છે. એના આ વર્તનનો પડઘો મારામાં પણ પડતો હોય તેમ તુંકારે બોલાવતી વસુને માટે વસુબેન શબ્દનું ઉદબોધન વાણીમાં આવી જાય છે.

બપોરે મારી રૂમમાં એકલો બેઠો હતો ત્યારે વસુ એકાએક મારા રૂમમાં આવી અને બોલી “મોટાભાઈ, મને વસુને બદલે વસુબેન કહીને શરમમાં શા માટે નાંખો છો?“ અને મારા જવાબની એને જરૂર ન હોય તેમ આટલું બોલતાં જાણે હાંફી ગઈ હોય તેમ શ્વાસ દબાવતી રૂમ છોડી ગઈ.

સાંજે ગામનાં બે ચાર સગાં– સબંધીને ઘરે જઈ આવ્યો, તેમાંનાં બે જણાએ વસુ માટેનો ઉલ્લેખ કર્યો તેથી જરા વિચાર પણ આવી ગયો. રાત્રે બાપુજી પાસે એ ઘટના વિસ્તારસર જાણવા મળી.

બાપુજીએ કહ્યું, “આવ્યો છું ત્યારે વસુ અને ગગનને એક કરીને જ  જા.“

પહેલાં તો હું કઈ સમજ્યો નહિ, પણ બાપુએ જે વાત કરી એ દ્વારા સમજવું અઘરું નહોતું.

ગગન મારો બાળપણનો મિત્ર હતો. સ્કૂલમાં હતા ત્યાં સુધી તો સાથે જ ભણેલાં. મેટ્રિક મેં તેના કરતાં એક વર્ષ વહેલી પાસ કરેલી. ગગન તેની માંદગીને લીધે અભ્યાસ ચાલુ ન રાખી શક્યો. મેં અમદાવાદ જઈને એમ.એની ઉપાધિ મેળવી. ગગને ગામમાં જ રહીને સેવાભાવી ડોક્ટર તરીકેની નામના મેળવી. ગગનની આ સેવા પ્રવૃતિએ વાસુના અંતરમાં સ્થાન જમાવ્યું. ધીમેધીમે એ પરાગ પ્રસરતો ગયો. સમાજે એને સારસ બેલડીનું નામ આપ્યું. તેમના સંબંધનાં સિંચનથી સમાજના કેટલાક ઘરમાં કાંટા પણ ઊગી નીકળ્યાં, પરંતુ એમની મહેકને આવકારનાર વર્ગ પણ નાનો તો નહોતો જ. ખુદ બા અને બાપુજી પણ એ ફૂલવેલને ઉછેરવામાં વિક્ષેપ ન નાંખતાં. કેટલાય કુટુંબીઓની સેવા ચાકરી કરીને ગગન-વસુએ આશિર્વાદનાં સર્ટિફિકેટો મેળવેલાં. બંનેનું પરસ્પર એકીકરણ અનેકને સહાયતારૂપ પૂરવાર થયેલું.

બાપુજીએ આપેલા મુદ્દાઓને બીજે દિવસે ગગને આવીને વધારે સમર્થન આપ્યું. એને મારા ઘર જોડેની વ્યવહારિકતા અને વસુ જોડેની વાતચીત દ્વારા મારા મનમાં એવું વ્યક્તિત્વ ઊભું કર્યું કે ગગન મને સગુણી લાગ્યો. બા અને બાપુજીને પ્રણામ કરીને એ સીધો મારા રૂમમાં આવ્યો. વ્યવહારિક જ્ઞાનનાં કોઈ ઊંડા અભ્યાસીની વાણીથી એણે મારા ખબરઅંતર પૂછ્યા. મારા ભવિષ્યના વિચારોને પ્રોત્સાહનના શબ્દોથી નવાજ્યા અને પછી એકાએક ઘડીયાળની સામે એક નજર નાખી એણે વસુ વિશેની પૃચ્છા કરી. બરાબર એ જ સમયે મંદિરથી પાછી ફરતી વસુ મને બારીમાંથી આવતી દેખાઈ. વસુએ આવીને અમને બંનેને પ્રભુનો પ્રસાદ આપ્યો. તુલસીનાં બે પાન અને ગુલાબની પાંદડીનું સંયોગીકરણ એ પ્રસાદમાં હતું. ગગને વાસુ સામે જોઇને કહ્યું, “મુળચંદની માને શહેરની હોસ્પીટલમાં લઇ જવી પડશે. એમ્બ્યુલન્સ હમણાં આવી પહોંચશે. આપ સાથે હશો તો મદદકર્તા થઇ પડશો. આવી શકશો?

ગગનની આટલી હદ સુધીની વસુ માટેની સહકારની માગણી મારે માટે જરૂર આશ્ચર્યરૂપ બની, પરંતુ વસુને અને બા બાપુજીને મન આ સામાન્ય હોય તેમ થોડીવારમાં જ એ તેની સાથે જવા તૈયાર થઇ જતા ગગને બાપુજીને કહ્યું પણ ખરું કે, “કાકા રાત રોકાવું પડે તો ચિંતા ન કરશો.”

તેઓ બંને ગયા પછી ઘણો સમય સુધી હું સ્થિર બેસી રહ્યો. વસુ અને ગગન વિશેનાં જ વિચારો ચાલતા રહ્યા.  

મુળચંદની માને હોસ્પીટલમાં પૂરી સગવડ નીચે મૂકીને સાંજની છેલ્લી બસમાં વસુ-ગગન આવી પહોચ્યાં. ગગન તે દિવસે અમારે ત્યાં જ જમવાનો હતો. બંને જણાએ ન્હાઈધોઈને સ્વસ્થતા મેળવી. અને ફૂલ જેવા હલકાં બની ગયાનો ભાવ બંનેનાં મુખ પર તરી આવ્યો. ગગને જમતા- જમતા આખા દિવસનો અહેવાલ કહી સંભળાવ્યો. રસોડામાં વસુ એની વાણી એકચિત્તે સાંભળતી દિવસનાં કાર્યને ફરી તાદૃશ્યતાનો ભાવ અનુભવતી બેઠી હતી.

મોડી રાત્રે ગગન એના ઘરે ગયો. વાસુ નિદ્રાદેવીને આધીન થઇ. હું વિચારોને વાગોળતો પાંપણ બીડીને એના પડળ પર એ યુગલને તાદૃશ્ય કરી મધરાત સુધી સમાજના મંતવ્યોને આધીન થતો ગયો.

સવારે મોડે સુધી હું ઊંઘતો જ રહ્યો. ઘરમાં તો ક્યારનોય દૈનિક ક્રમ શરૂ થઇ ગયો હતો. મારા રૂમના ટેબલ પર વસુએ રાખેલો પ્રસાદ પડ્યો હતો. મંજન ઘસીને મેં પ્રસાદ અરોગ્યો. તે પછીનો આખો દિવસ મારી નજર વસુના કાર્યક્રમ અને દૈનિક કાર્ય પર જ ફરતી રહી. કેટલી બધી વિનિમયતા અને નિયમિતતાના મને દર્શન થયા.

ગગન આખો દિવસ દેખાયો નહિ. છેક સાંજે એ આવ્યો ત્યારે વસુ તેની એક બહેનપણીને ત્યાંથી પાછી નહોતી ફરી. ગગને મને એક પુસ્તક વસુને આપવા માટે આપ્યું અને થોડીવાર પોતાની નિર્દોષ પ્રતિભાનો પરાગ પ્રસારી, જવા માટે ઉભો થયો. મેં બેસવા આગ્રહ કર્યો પરંતુ, “ આજે નહીં, ફરી કોઈવાર.” એટલા ટૂંકા જવાબ સાથે તે બારણા સુધી ગયો. બરાબર એ જ સમયે એકાએક વસુએ બારણામાં પ્રવેશ કર્યો. વસુ – ગગનની ભાવાત્મક અદા બારણાંની મઢેલી ફ્રેમમાં તાદૃશ થતી મેં નિહાળી. અંતરમાં એક ઝબકારો થયો.

 

ગગને વાસુને કહ્યું “મોટાભાઈને એક પુસ્તક આપ્યું છે, સમય મળે તો વાંચજો. વસુના વાણી વગરના હકારાત્મકને અનુભવતો ગગન વિદાય થયો. મેં વસુને હાથમાં ગગને આપેલું, “ સંસ્કારના દર્શન“નું પુસ્તક મુક્યું. આપતા પહેલા એ પુસ્તકના પાનાં પર દ્રષ્ટિપાન કરવાની ઈચ્છા થઇ છતાં એનો અમલ ન કરી શક્યો.

 

 બીજે દિવસે ગગન દેખાયો જ નહિ. દિવસ દરમ્યાન એકાદ વાર મેં વસુને ગગન વિષે પૃચ્છા પણ કરી, પરંતુ એના જવાબમાં કે ચહેરા પર કોઈ જાતનો ઇન્તેજારનો ભાવ પણ ન જોવા મળ્યો.

“કામ હશે ત્યારે જ નહિ આવ્યા હોયને?“ આટલા ટૂંકા જવાબમાં કેટલી મક્કમતા?

ત્રીજે દિવસે સવારે ગગન આવ્યો. ત્યારે સહસા જ મેં પૂછી નાખ્યું, “ કેમ ભાઈ, કાલે દેખાયો નહિ?”

 

“ મૂળચંદની માને ખબર કાઢવા ગયો હતો. તબિયત સુધારા પર છે, છતાં પંદર દિવસ હોસ્પીટલમાં રાખવા પડશે.”

 

ગગનની વાત એકચિત્તે સાંભળતી વસુએ તુરત જ ટહુકો કર્યો.

“મારી જરૂર તો નહોતી પડીને? સારું થયું ચાલો, મૂળચંદની માં કામ કરતી થઇ જાય તો ઈશ્વરનો ઉપકાર.”

મારે ગગન જોડે ઘણી વાતો કરવી હતી, પરંતુ એવી કોઈ અનુકૂળતા મળતી નહોતી. આજે ગગનને ફરવા આવવાનું આમંત્રણ આપ્યું. ગગન મારા એ આમંત્રણને બહુધા આચરવાનો પ્રયત્ન કરશે એવા જવાબ પછી બા, બાપુજીને મળીને વિદાય થયો.

ગામથી દૂર એક હરિયાળી જગ્યાએ હું અને ગગન બેઠા હતા. વાતની શરૂઆત મારે કેમ કરવી એ બાબત અંગે ગુચવાતો હતો. ગગને જ શરૂઆત કરી.

“હજી હમણાં તો દેશમાં રોકાવાના છો ને?“

“ના ગગન, એક મહિનાની રજા તો મુશ્કેલીથી મળી છે. મહિનો તો આમને આમ પૂરો થવા આવશે. પરંતુ એ પહેલાં મારે એક કામ પતાવવાનું છે.” મેં કહ્યું.

ગગને જવાબમાં કહ્યું, “હું કઈ મદદ કરી શકું તેમ છું?”

“તારી મદદની તો પહેલાં જ જરૂર પડશે, ગગન. બા-બાપુજીની ઈચ્છા છે કે તને અને વસુને અપનાવે છે?”

 

ગગન એકદમ ગંભીર થઇ ગયો. થોડીવાર સુધી તેણે કઈજ જવાબ ન આપ્યો, પરંતુ આખરે હૃદયમાંથી વલોવાઈને કોઈ શબ્દો બહાર પડતા હોય તેમ તેણે પોતાનો વાણી પ્રવાહ વહાવ્યો.

“માફ કરજો મોટાભાઈ, કોઈ અવગણના કરતો હોઉં તો. વસુબેનના આંતરિક સહકાર અને ઉજ્જવળ પ્રેમની પ્રતીતિથી આજે જે કઈ હું મેળવી શકું છું, એમાંનું સર્વસ્વ કદાચ હું એમને અપનાવીને ગુમાવી બેસીશ એમ લાગે છે. ઊંડા વિચાર પછી મારા મનને એવો ઉત્તર મળે છે કે અંતરની એકરૂપતા સાધ્યા પછી દૈહિક ક્ષણોપાસના સાધવાનો અર્થ શો? સમગ્ર સમાજની સેવા માટેની વિશાલ દૃષ્ટિ સંકોચાઈને સ્વાર્થવૃત્તિ જન્માવી કેવળ એકબીજાનાં પ્રશ્નોની ઘટમાળમાં જ ગુંથી જવાય એથી ફાયદો શું? અનેક વાર મનમાં એવા પણ વિચાર આવે છે કે હું કાઈ દ્રોહ કરી રહ્યો છું. સેવાની મારી આત્મશ્લાધા હું તો ભલે ફના થઇ જાઉં, પણ મારી એ ઘેલછામાં હું એક નારીનાં કોઈ દિવ્ય સ્વપ્નનો ભંગ તો નથી કરી રહ્યો ને? મારા વસુબેન જોડેના વ્યવહારથી સમાજનો કોઈ યુવાન એમને સ્વીકારવા તૈયાર નહિ પણ થાય અને તેથી તેમનાં જીવનને પણ પરાણે મારી ઘેલછાનાં દોરમાં બાંધી રાખતો હોઉં.. છતાંએ કોને ખબર કેમ... કેમ પણ, વસુબેન જોડે જે સંબંધ અત્યારે છે તેમાં સુધારો કરવાનું મન નથી થતું. પ્રસંગો એવા અનેક આવ્યા છે કે જેમાં કલાકોનાં કલાકો વસુબેનનું સાંનિધ્ય અનુભવ્યું છે, પરંતુ બંનેમાંના કોઈના દિવ્ય પ્રકાશથી સ્પર્શ્માત્રની કાલીમા અમે અનુભવી નથી. સમાજે અમારા સંબંધને ગમે તે બીબામાં ગોઠવ્યો હોય, પણ અમે કદીએ તેની પરવા નથી કરી. તે માટે ખરી હિંમતનો યશ તો વસુબેનને જ જાય છે. વસુબેન ઉપરના કયા હક્કના દાવાથી હું કહી શકું છું એ નથી જાણતો! પરંતુ જ્યારે જ્યારે કોઈ ક્ષણે અંતરમાંથી ધ્વનિતરંગ જન્મે છે કે વસુબેનને મારે છોડવા જોઈએ, ત્યારે ત્યારે કોઈ ઊંડો આઘાત થતો હોય તેવું લાગે છે. છતાં મને કહી દેવા દ્યો કે વસુબેન પોતે પોતાનું જીવન બીજે જોડવા માંગતા હોય તો તે આઘાતને ગમે તે રીતે સહન કરી લઈશ. મારા શ્વાસ સુધી એ પહોચી ગયો છે. રહેવું કે જવું હું એમના પર છોડું છું.’’

ગગનનો શ્વાસ જાણે ગૂંગળાતો હોય તેમ તે અટકી ગયો. એની આંખ આડે આંસુના પડળ બંધાઈ ગયાં. ઢોંગ, ધ્રુષ્ટતા કે દંભ વગરના પુરુષના એ અશ્રુબિંદુમાં જે ભાવ તરવરતો હતો એ એના હૈયાની શુધ્ધતા પ્રગટ કરવાને પૂરતો હતો. વાણીનો પ્રવાહ જાણે આંખો વાટે વહી ગયો, નિઃસ્તબ્ધતા પથરાઈ ગઈ. આગળ કઈ પણ વાતચીત ન લંબાવતા અમે ઘરે પાછા ફર્યા. ગગનના ઘર તરફથી અમે ચાલ્યા. ઘર આવતા ગગન જુદો પડ્યો. હું પણ મારી રૂમમાં જઈને પથારીમાં પડ્યો. મને લાગ્યું કે હું કોઈ શિકારેથી પાછો ફર્યો છું. ગગનનું હૈયું આજે મારાથી વીંધાઈ ગયું છે.

ત્રણ દિવસ આમને આમ વીતી ગયા. ગગન દેખાયો જ નહિ. ચોથે દિવસે હું વસુને નિષ્ઠુર બનીને કહી ઉઠ્યો. “વસુ, તારે ગગનને ભૂલવા પ્રયત્ન કરવો જોઈએ. તને એ અપનાવી શકે એમ નથી. એના માટેની હૃદયમાં જો કોઈ આશ કેળવી હોય તો હવે એને ધોઈ નાંખજે. એ તારી જોડે એક થવા નથી માંગતો.’’ હજી આગળ હું કેટલું બોલતો રહીશ તેની મને ખબર નહોતી. મારામાં આટલી બધી કઠોરતા ક્યાંથી આવી ગઈ. તે મને જ પોતાને ખબર ન પડી. પણ વસુએ મને અધવચ્ચે જ અટકાવી દીધો.

 

“બસ કરો મોટાભાઈ, આખરે તમે પણ એક સમાજનું પાત્ર છો. તમને પણ એવી જ દૃષ્ટિ મળે એ સ્વાભાવિક છે. ગગનભાઈ માટે મારા અંતરમાં કોઈ ઊંડી આશા નથી. મારી એમના પ્રત્યે ચાહના જરૂર છે. પરંતુ હૃદયમાં એમના પ્રત્યેની ઝંખના કદી નથી સેવી. કોઈ દૈવી શક્તિથી એમના કાર્યમાં હું સમર્પણ થઇ ચુકી છું. પણ દૈહિક વિકાર અમારાંથી હંમેશા દૂર ભાગતો રહ્યો છે. લગ્ન કરીને એકરૂપ બની પછી વિકારી મોહપાશમાં લપેટાઈ દઈ, એક સામાન્ય યુગલ અમને બનાવવા ઈચ્છો છો?  ગગન અને વસુંધરાનું મિલન જગતમાં સંભવિત જ નથી.“

વસુ જરા અટકી. મેં તેણે કુદરતમાં રહેલી એક સત્યતા બતાવી. “વસુ, ગગન અને વસુંધરા વચ્ચે ભલે અંતર પડ્યું હોય, પણ ક્ષિતિજની રેખામાં તો બંને કેવા એક બીજાની આલિંગતા હોય છે?’’ વસુએ તેના જવાબમાં કહ્યું “ત્યાં જ ભૂલ થાય છે મોટાભાઈ, માનવીની દૃષ્ટિ જ્યાં અટકી જાય છે, જે રેખાથી પર માનવી પોતાની નજરને નથી પહોંચાડી શકતો, એ દૃષ્ટિમર્યાદાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. પરંતુ, વાસ્તવમાં એવો કોઈ છેડો નથી. માનવીની મનોક્લપ્નાનો એ તો માત્ર એક આભાસ છે. મારા અને ગગનભાઈ માટે પણ એમ જ બન્યું છે. સમાજ માને છે કે અમે એક બીજાને આધીન થઇ ગયા છે. લગ્નની ક્ષિતિજ રેખા પર અમે એક થઇ જવું જોઈએ. હું કબુલ કરું છું કે ગગનભાઈ માટે મારા હૈયામાં ચાહના છે, તેમને પણ મારા માટે સ્નેહ છે. વસુંધરાની આંખો જેમ ગગનને એકીટશે નીરખી રહી છે અને ઝળૂંબતું ગગન વસુંધરાને જે સ્નેહરસનું પાન કરાવી રહ્યું છે. એ જ કુદરતનું પ્રતિબિંબ અમારા જીવનમાં પણ પ્રગટયું છે. સમાજની આંખો અમને કલ્પનાનાં ક્ષિતિજ પર એકરૂપ જોવે તેમાં અમને જરાપણ રંજ નથી. અમે તો આમ જ જીવન જીવવાનાં શપથથી બંધાયેલા છીએ કે અમારા એ સ્નેહ સંબંધને અંતપર્યંત અખંડ રાખે. વસુ આગળ બોલતી અટકી ગઈ. અને થોડીવારમાં જ ચાલી ગઈ. વસુ અને ગગનનાં હૈયામાંથી જન્મેલાં સમાન વિચારના સ્વાર્થી મને જીવંત મુક્તક હાથ લાગી ગયું. બે હૈયાનાં પ્રાસાનુપ્રાસનો અહિયાં કેવો સમન્વય થયો હતો? સમાજમા, બા કે બાપુજીની દૃષ્ટિમાં એ દિવ્યતા ક્યાંથી પ્રગટવાની હતી? બાપુજીએ મને સોંપેલા કાર્યની અપૂર્ણતામાં પણ મને પૂર્ણ આનંદ દેખાયો.

પલકારા મારતા પાંપણનાં દ્વાર બંધ થયા ત્યારે અંતર પટ પર બારણાની ફ્રેમમાં માંધાયેલા ફરી એકવાર તાદૃશ્ય થયા. પહેલીવાર અંતરમાં કેવળ ઝબકારો થયેલો, આજે મારા એ અંતરનાં દ્વાર ઉઘાડી ગયા અને દિવ્યતા પ્રસરી ગઈ. અંતરની એકતા સાધેલા એ યુગલને બંધ નજરે હું નીરખતો રહ્યો. નીરખતો રહ્યો.

 

       


Rate this content
Log in

More gujarati story from Chandra Shah