સમાજનું ઉમદા કાર્ય
સમાજનું ઉમદા કાર્ય
સુનિતાબેન અને સુનિલભાઈનો લાડકો પુત્ર રૂપેશ. એકનો એક દીકરો. રૂપેશ મોટો થવા લાગ્યો. ભણી-ગણીને હોંશિયાર થયો. પરણવા લાયક થયો.
સુનિલભાઈ અને સુનિતાબેને રૂપેશ માટે કન્યા શોધવાનું શરૂ કર્યુ. રૂપેશ કહે, મમ્મી ! હું લગ્ન કરવાનો નથી. સુનિતા બેનને ચિંતા થવા લાગી. સુનિલભાઈ પણ ચિંતામાં પડી ગયા કેમ, બેટા ! તું લગ્ન કરવાની ના પાડે છે ? અમારા ગયા પછી તારું કોણ ? અમારે પણ પુત્રવધુ તો જોઈએ ને ?
જેમ-તેમ કરીને દીકરાને છોકરી જોવા માટે મનાવ્યો. હવે પુત્રની શરત હતી કે, હું લગ્ન કરું પણ મારી એક શરત હશે કે હું અલગ નહીં રહું મારે એવી છોકરી જોઈએ કે જે મને મારા મા-બાપથી દૂર ના લઈ જાય અથવા તો હું જ્યાં રહેવા માટે જાઉં ત્યાં તમે પણ મારી સાથે જ રહો. બસ આજ કારણોસર પુત્ર રૂપેશ લગ્ન નહોતો કરતો. તેને એવો ડર હતો કે હું લગ્ન કરીશ અને મારા માતા- પિતાથી મને કોઈ છોકરી અલગ કરી દેશે તો ?
શરત પ્રમાણે રૂપેશની સગાઈ થઈ. લગ્નની તારીખ આવી. સુનિતાબેન અને સુનિલ ભાઈનો હરખ સમાતો નથી. કેમકે, પુત્રએ લગ્ન કરવાની હા પાડી. ખૂબ ધામ-ધૂમથી રૂપેશના લગ્નમાં આગલા દિવસની વિધિ પતાવી બીજે દિવસે સૌ જાનમાં જવા તૈયાર થયા. જાન કન્યા ઋચા ને માંડવે આવીને ઊભી રહી. વરરાજા ઉતારે થી ઘોડે ચડીને, એટલે કે વરઘોડો કાઢીને આવી રહ્યા હતા. કુદરતની ક્રૂરતા તો જુઓ ! કેવો એ વખત કે, જે સમયે કોડભરી કન્યા ઋચા પોતાના હાથમાં ફૂલહાર લઈને રૂપેશ ને પહેરાવવા ઊભી છે. એ રૂપેશની રાહ જોઈ,સુંદર સ્વપ્ન સજાવી, રૂપેશ નું સ્વાગત કરવા વાટ જોતી હોય એમ ઊભી રહી.
માંડવા આગળ થોડીક દૂર જ્યાં વાહનોની અવર-જવર હતી. એવી જગ્યાએ વરઘોડો રોકાયો. રૂપેશ ના મમ્મી પપ્પા અને જાનમાં આવેલ સૌ કોઈ ગરબા ગાવા માટે અધીરા થયા. અહીં ગરબાની રમઝટ જામી અને કુદરતનો ખેલ તો જુઓ. દૂરથી એક ગાડી પુરપાટ આવી રહી હતી. સુનિતાબેન અને સુનિલભાઈ આ ગાડીની સાથે દૂર- દૂર સુધી ઘસડાયાં, કચડાયાં. રૂપેશના મમ્મી-પપ્પાનું પ્રાણ પંખેરું ઊડી ગયું. રૂપેશ ત્યાં જ ઢગલો થઈને પડી ગયો. હવે તેને લગ્ન કરવાનો કોઈ ઉત્સાહ રહ્યો નહીં. કેમકે તેને તો તેના માતા -પિતા સાથે રહેવું હતું ને ! હવે તો મા- બાપ પણ રહ્યા નહીં. કુંવારી કન્યાના કોડભર્યા સપના અધૂરા રાખી રૂપેશ ત્યાંથી સૌ સંબંધીઓ સાથે ઘરે આવી ગયો. માતા-પિતાની ઉત્તર ક્રિયા પતાવી પછી તો સૌ કોઈએ રૂપેશ ને ખૂબ સમજાવ્યો. રૂપેશ લગ્ન કરવા માટે તૈયાર નહોતો થતો.
સંબંધીઓ પણ થાકી ગયા. એવામાં જ માતા- પિતા વગરના રૂપેશની જિંદગીનો વિચાર કરી સમાજના સૌ લોકોએ એક સભા ભરી રૂપેશને બોલાવ્યો. સભાના સૌ કોઈએ રૂપેશ ને સમજાવ્યો. કેમેય કરીને રૂપેશને મનાવ્યો.
થોડાક સમય પછી મહિને બે મહિને રૂપેશ અને ઋચાએ પ્રભુતામાં પગલાં માંડ્યા.જેવી ઈશ્વરની ઈચ્છા ! એમ કરીને રૂપેશે મન વાળી જિંદગી તરફ આગળ વધવા પ્રયાણ કર્યું.
આમ, સમાજે સભા ભરી રૂપેશને માતા-પિતાની વિરહ-વેદનામાંથી બહાર કાઢી નવું જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડી.
