સખી ને પત્ર
સખી ને પત્ર
જોષી જ્યોતિકા બેન
તા.24-7-2020
ભરૂચ
પ્રિય સખી, કલ્પિતા,
તને હર ઘડી યાદ કરનાર તારી આત્મીય સખી જ્યોતિકાના જય ગાયત્રીમાં. વિ. અમો સર્વે અહીંયા કુશળ છીએ. તેમ આપ સર્વે કુશળ હશો તેવી અભ્યર્થના.
વિ. તારી મોટી દીકરી ચિ. કલ્પાના વેવિશાળ કર્યા. તે વાત જાણીને ખૂબ આનંદ થયો. આ શુભ અવસરે આપ સૌ પરિવારજનોને અને ખાસ કરીને ચિ. કલ્પા દીકરીને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. અને ભાવિ લગ્નજીવન સરસ સફળ રહે તે માટે ખાસ અભિનંદન.
વિ. ખાસ લખવાનું કે, તારા પિયરની પરિસ્થિતિને કારણે તે તો તારા લગ્ન સમયના સંજોગો સાથે સમાધાન કરીને તો હાલમાં સફળ લગ્ન જીવન વ્યતિત કરી રહી છે. પરંતુ હાલની સદ્ધર પરિસ્થિતિને કારણે ભગવાને તને દીકરીના લગ્ન પ્રસંગને મહાલવાનો સરસ અવસર આપ્યો છે. જોકે હાલમાં કોરોના મહામારી સંકટને આ સંજોગોમાં તારી દીકરીના લગ્ન પ્રસંગને ટૂંકમાં પતાવવાનો તારો નિર્ણય ખૂબજ આવકારદાયક છે. અમે સૌ ટેલીફોનના મેસેજથી વ્હાલા દીકરી-જમાઇને આશીર્વાદ પાઠવીશું. તું જરાય ફિકર કરીશ નહીં. પછી સમયાંતરે રૂબરૂ મળશે ત્યારે ચોક્કસ મળીશું. નાની દીકરી ચિ. ખનક ને ખૂબ વ્હાલ. જીજાજી મજામાં હશે. મારા લાયક કામકાજ જણાવજો. પત્રનો જવાબ જરૂરથી લખશોજી. તબિયત સાચવીને કામકાજ કરશોજી. મારા પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
અંતમાં ચિ. કલ્પા ને
'ધન્યો ગૃહસ્થાશ્રમ'ની શુભેચ્છા તથા સૌભાગ્યવતીભવઃના આશિષ પાઠવું છું
જ્યોતિકાના જય ગાયત્રીમાં.