STORYMIRROR

Ishoo Khatri

Others

4  

Ishoo Khatri

Others

શ્રધ્ધાનો હોય જો વિષય તો…

શ્રધ્ધાનો હોય જો વિષય તો…

9 mins
28.9K


વાતને અંદાજે પાંંત્રીસ ચોમાસા વીતી ગયાં છે. અમદાવાદને મૂછનો દોરો હજી તાજો-તાજો ફુટયો હતો. પટેલો અને વણીકો મા-બાપની પેઠે એ અમદાવાદને ઉછેરી રહ્યાં હતાં. અને મોટરો ત્યારે મીલ-માલિકોની મૉનોપોલી હતી. અમદાવાદથી ગાંધીનગર જવું એ બહારગામ જવું કહેવાતું.

ત્યારે...

એવા વખતમાં એક ચોમાસાની એક સાંજે... તમે કોઈને કંઈ જ કહ્યા વગર, કંઈ જ વિચાર્યા વગર તમારા કમ્પાઉન્ડમાં પડેલી એમ્બેસેડર લઈને નીકળી પડયા હતા. ક્યાં જઈ રહ્યા હતા એ તમને ખબર નહોતી, ને ક્યાં જવું હતું એ પણ ક્યાં તમને ખબર હતી. તમારા ઉપર તો ભૂત સવાર હતું. કંઈક ન કરવાનું કરી નાંખવાનું ભૂત.

તમે ક્યાં સપનામાં પણ વિચાર્યુ હતું કે આવું થશે. ત્રણ વર્ષનાં પ્રેમ બાદ તમારી સાથે જીવન-મરણનાં વાયદા કરવાવાળી ઉમા એના બાપુજીએ શોધેલા પોતાની જ્ઞાતિનાં છોકરા સાથે આવતાં અઠવાડીયે સગાઈ કરવાની હતી. તમારું મન આ આઘાતને સહન નહોતું કરી શક્યું. તમારા આખા અસ્તિત્વ પર તમારું ભાગ્ય જાણે ઘણ પછાડી રહ્યું હતું, શંકર.

આવી જ આવેશભરી નિરાશાવસ્થામાં તમને એ પણ ભાન નહોતું કે તમારા હાથ-પગ તમને ક્યાં લઈ જઈ રહ્યા હતાં. છેલ્લા અડ્તાલીસ કલાકથી જાગતી તમારી આંખો કાચની એક મીટર પાર શું છે, એ પણ નહોતી જોઈ શકતી. ને તમારી આ લાચારી જાણે કુદરતને પણ મંજૂર ન હોય, એ પણ ચોધાર વરસાદ રડતું હતું.

તમે ભાવાવેશનાં નશામાંથી ત્યારે બહાર આવ્યા જ્યારે તમારી મોટર એક ખાડામાંથી પસાર થઈને એક ઝટકા સાથે કોઈ અવાવરું જગ્યા પર આવીને બંધ પડી ગઈ. શું કરી રહ્યા હતા તમે? ક્યાં હતા તમે? શું ચાલતું હતું તમારાં મનમાં? આવા જ બધા પ્રશ્નો તમે તમારી જાતને પૂછવા માંડ્યા હતા.

ભયાનક વરસતાં વરસાદમાં જ્યારે તમે મોટરમાંથી બહાર નીકળ્યાં ત્યારે તમને ખબર ન પડી કે તમે કોઈ બીજાં ગામમાં હતા કે બીજી દુનિયામાં. આજુ-બાજુ નજર દોડાવતાં માટીનાં કાચા રસ્તાની આસ-પાસનાં ખેતરોમાં થોડે દૂર એક ઓરડી સિવાય કંઈ જ નજરે ચડતું નહોતું. કયારેય કોઈની પાસે હાથ લાંબો ન કરવાવાળા તમે કદાચ કોઈ મદદ મળી જાય એવી આશાએ તમારા પગ એ તરફ ઉપાડયા. માટીનાં ગારાને ખુંદતા તમે નીતરતી અવસ્થામાં ઓરડીની નજીક તો પહોંચ્યા પણ એ સાથે જ તમે બહાર પડેલો પથ્થરનો પોઠીયો જોઈને જાણી લીધું કે એ તો મંદિર હતું - શીવ મંદિર.

તમે ખિન્ન થઈને તમારા પગ પાછા વાળવાના જ હતા પણ ન જાણે શું થયું કે તમે મંદિરની નજીક ગયા. મદદ માંગવા? ના. દર્શન કરવા? ના. તમારી ઉમાની ભીખ માંગવા? ના. તમે ત્યાં ગયા જવાબ માંગવા માટે. તમારી દરેક પાછી ઠેલાયેલી યાચનાનો જવાબ માંગવા માટે. તમે એ પૂછવા ગયા કે જે અવિરત શ્રધ્ધાથી વરસોવરસ તમે આખા શ્રાવણનાં ઉપવાસ કરેલા એમાં શું કસર રહી ગઈ હતી. તમારી દરેક ફરીયાદ લઈને તમે એ ઓરડી સમક્ષ ઊભા હતા. ઘેરાયેલા આકાશમાં ઓરડીની અંદરનું કંઈ જ નજરે પડતું નહોતું પણ તમારી રોષભરી લાલ આંખો વડે તમે એ અંધકારને તાકી રહ્યા હતા.

તમારું મુખ ખામોશ હતું, પણ તમારો આત્મા ચીખી-ચીખીને ફરીયાદ કરી રહ્યો હતો. તમારી આંખો સ્થિર હતી પણ એ આંખોની અંદર ભયાનક લાવા બળી રહ્યો હતો. તમારું લોહી એ હદે ઊકળતું હતું કે તમારા કપાળ પર ત્રિપુંડ ઉપસી આવ્યું હતું. તમને ખ્યાલ નહોતો કે ઓરડીનાં એ અંધકારમાંથી બે આંખો તમે જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારની તમને જોઈ રહી હતી. ખાસ્સીવાર ત્યાં ઊભા રહ્યા પછી તમે જ્યારે એવું માનીને તમારી પીઠ એ ઓરડીને બતાવી કે આ પથ્થરની મૂર્તિ સમક્ષ નમવું તો શું, એને માનવું પણ વ્યર્થ છે; ત્યારે જ... બસ એજ ક્ષણે ઓરડીનાં અંધકારમાંથી અવાજ આવ્યો "અંદર આવતો રે, ભાઈ... એમ બાર પલળતો-પલળતો ક્યાં હુધી ઊભો રઈશ...?" ને તમારા પગ એ ગારામાં સ્થિર થઈ ગયાં. કોણ હતું એ? અને આવી ઘનઘોર સાંજે ત્યાં શું કરતું હતું? એ વિચાર સાથે તમે પાછળ ફરીને જોવું કે નહીં એ અસમંજસમાં હતા. ત્યાં જ એ અવાજ ફરીથી આવ્યો, "એ ભા...ઈ, તને કંઉ સુ... અંદર આવતો રે..." મન મક્કમ કરીને, હાથની મુઠ્ઠીઓ વાળીને તમે એ તરફ ફર્યા. જોયું તો મંદિરનાં દ્વાર પાસેથી કોઈ સફેદ સાડીવાળી ડોશી હાથ લાંબો કરીને તમને આવકારી રહી હતી.

તમે એ વૃધ્ધ સ્ત્રીનું અવલોકન કરતાં ધીમા પગલે આગળ વધ્યા. એના કાબરચિતરાં વાળ અકબંધ ઓળેલા હતા. આંખોમાં શીતળતા હતી. લલાટ ઉપર ચંદનનો ચાંદલો હતો. કોટનની સફેદ સાડી એની દિવ્યતાને ઓર પ્રભાવિત કરી રહી હતી. એક હાથમાં નાનકડી લાકડી હતી ને એક હાથમાં દીવો. એ જોઈને એવું લાગતું હતું કે જાણે કોઈ મોટા રજવાડાંની રાજમાતા ત્યાં કારાવાસ ભોગવી રહી હોય.

"બસ ભાઈ... આવી રીતે જોવેસ હું? હું કોય ભૂત-ભૂતાવળ નથ. દર્શન કરવા આવુસ ઐંયા રોઈજ. આ વરસાદમાં ભરાય ગય."

તમે મંદિરની અંદર પહોંચ્યા ત્યાં જ એણે સ્હેજ તીખાં અવાજે તમારું સ્વાગત કર્યું. તમારે શું બોલવું એ તમને ખબર ન પડી, પણ થોડાં ઝંખવાણા થઈને તમે બોલ્યા, "માફ કરજો, બા. પણ, આવી અવાવરું જગ્યાએ કોઈ મળશે એવી આશા નહોતી. પણ, આ જગ્યા છે કઈ?"

"પૈંણીને આયવી તે'દુંની આંય દર્શન કરવા આવું સું. તું તો આયજે આ બાઝુ આંય ભૂલો પયડો." વૃધ્ધ સ્ત્રી બોલી. "હા, બા. સાચી વાત છે. ભૂલો જ પડી ગયો છું. આ અમદાવાદ જ છે ને? કે કોઈ બીજું ગામ છે?" તમે તમારી લાચારી પ્રગટ કરી. "સરખેજનો સેડો સે આ. તને ખબરેય નથ તો તું આંય હું ગુડાણોસ? ને તું સો કોણ?" એ સ્ત્રી બોલી. "શંકર છે બા મારૂ નામ. મોટર લઈને ફરવા નીકળો'તો, ને મોટર બંધ પડી ગઈ." તમે ઘડીક વિચારીને જવાબ આપ્યો.

"હાય... રોયા. તારૂ નામેય સંકર સે... મોટર લઈને આયવોસ, તો હા'લ મને ઘીરે મેલી ઝા. હંધાય વાઈટું ઝોતા હહે... કે ગંગાબા કેમ હઝી આયવા નંય. વરસાદેય હવે રે'વાનો ઝ થ્યોસ." એ વૃધ્ધ ડોશી જાણે તમારા પર પોતાનો હક્ક થોપતી હતી.

"પણ... બા, મોટર જ બગડી ગઈ છે. ને મેં રસ્તો પણ નથી જોયો, પાછા જવાનો." તમે એટલું બોલો ત્યાં જ વરસાદ એકદમ ધીમો પડી ગયો, જાણે એ પણ વૃધ્ધ ડોશીનાં કહ્યામાં હોય. "હાંઈઠ ને માથે સ થ્યા. ને પસ્સા વરહથી આંય આવું સું. મેં હંધાય રસ્તા ભાયળાસ. હમણાં એક લાકડી મારીહ... તારી મોટરેય સાલુ થય ઝાહે." એટલું બોલતાં જ એ દીવો કોડીયા-ઘરમાં મૂકીને મંદિરની બહાર ચાલતી થઈ.

તમે ત્યાં વિચારતાં જ ઊભા રહ્યા કે એ ડોશી છે કોણ. તમે પહેલા ક્યારેય મળ્યા નહોતા, તો પણ કેમ તમારી સાથે એવી રીતે વર્તતી હતી કે જાણે એ તમારી કોઈ પોતાની હોય. અને તેની આંખો કેમ આટલી મંત્રમુગ્ધ હતી. તમે મંદિરની અંદરથી જ એને જોઈ રહ્યા હતા. લાકડી તો એણે ફકત શોભા ખાતર પકડી હતી, બાકી એ તો કોઈ ટેકા વગર એકદમ ટટ્ટાર ચાલી રહી હતી.

"હા'લ હવે... ઝટ્ ક'ર..." ની બૂમ સાથે એણે તમારી વિચારતંદ્રા તોડી, ને તમે એની પાછળ દોરાઈ ગયા. મંદિરથી પરત ફરતા અજાણ્યા કાચા-પાકા રસ્તામાં તમે બસ એજ વિચારતા હતા કે ગમે ત્યારે વાવાઝોડું આવી જાય એવી પરિસ્થિતિમાં વરસાદ વરસતો કેમ બંધ થઈ ગયો. બંધ પડી ગયેલી મોટર કેમ ચાલુ થઈ ગઈ. જ્યારે તમે સાવ ભૂલા પડી ગયા, ત્યારે અચાનક તમને રસ્તો બતાવવા આ ડોશી ક્યાંથી આવી ગઈ. શું ચાલી રહ્યું હતું એ બધું? શું એ ડોશી કોઈ પ્રેતાત્મા હતી? કે કોઈ દૈવી શક્તિ? કે પછી કોઈ ડોશી જેવી ડોશી? શું તમે કોઈ સપનામાં તો નથી ને? આવા જ વિચારો કરતાં તમારી હિંમત ન થઈ, બાજુમાં બેઠેલી એ ડોશી તરફ જોવાની.

કોઈ ડર પેશી રહ્યો હતો તમારા મનમાં. પણ કેમ? અને સામે પક્ષે એ ડોશી પણ ગંભીર ભાવમુદ્રા ધારણ કરીને બેઠી હતી. શું હતું એના મનમાં? શું ઈચ્છતી હતી એ તમારી પાસેથી? તમને રસ્તો દોરવા સિવાય એક હરફસુધ્ધા એ નહોતી ઉચ્ચારી રહી. જે ભગવાનને તમે થોડી ક્ષણો પહેલાં કોસતા હતા, એને જ ફરીથી યાદ કરવા લાગ્યા. અમદાવાદનાં પાદરે પહોંચતા જ એ ડોશી બોલી, "બસ ભાઈ... આંય ઉતાર દે મને. આંયથી તો હું વય જાઈહ." ને તમે એક રાહતની લાગણી સાથે બ્રેક મારી. દરવાજો ખોલીને એ તમારી તરફ મોઢું ફેરવીને બોલી, "હે ઉમાપતિ...!" ને અટકી ગઈ. એ કદાચ આગળ કંઈક બોલવા માંગતી હતી, પણ એવું લાગતું હતું કે એને ગળે ડુમો આવી ગયો હોય. એ ફકત તમારી સામે તાકી રહી. એની આંખોમાં કોઈ ચમક હતી, એક દિવ્ય ચમક. ને એનું સંપૂર્ણ વદન એના દિવ્ય અહોભાવની સાક્ષી પૂરતું હતું. થોડીવાર આપની સમક્ષ જોયાં પછી "હા'લ લે... હું હા'લી..." કહી મોટરમાંથી નીકળી ચાલતી થઈ ગઈ.

તમે છુટકારાની લાગણી સાથે મોટર ભગાવી મૂકી.

કમ્પાઉન્ડમાં પહોંચતાજ તમને ખબર પડી કે એ ડોશી પોતાની લાકડી તમારી એમ્બેસેડરમાં જ ભૂલી ગઈ હતી. એ લાકડીનું શું કરવું એ ન સુઝતા, તમે એ લાકડી મોટરમાં જ છોડીને ઘરમાં પ્રવેશી ગયા. એ ઘટનાને એકાદ મહિનો વીતી ગયો હતો. મને-કમને રોજિંદા ક્રમ મુજબ તમે તમારા દિવસો ગાળવા માંડયા હતા.

દિવસે પિતાજીની ફેકટરીનો કારભાર જોઈ લેતા અને રાત્રે તમારા ઓરડામાં શાંતિથી રોઈ લેતા. એવા જ દિવસોમાં એક પરોઢીયે તમે તમારા કમ્પાઉન્ડમાં તમારી મોટર સાફ કરી રહ્યા હતા, ગંગાડોશીની લાકડી તમારી નજરે પડી. તમે એ લાકડી બહાર ફેંકવા જ જઈ રહ્યા હતા અને ત્યારે જ એક ઘોડાગાડી તમારા કમ્પાઉન્ડનાં ઝાંપા પાસે આવીને ઊભી રહી. તમે તમારા કમ્પાઉન્ડમાં પ્રવેશી રહ્યા નવાગંતુકોને જોઈ રહ્યા. ઉમાનાં બા-બાપુજી ધીમા પગલે ચારે દિશાનું અવલોકન કરતાં તમારી તરફ આવી રહ્યા હતા.

"આ લોકો અહીં ક્યાંથી...?"નાં વિચારને દાબીને "આવો વડીલ, જય શ્રીકૃષ્ણ..." કહી તમે આગળ વધીને થોડા કચવાટથી એ લોકોનું સ્વાગત કર્યું.

"જય શ્રીકૃષ્ણ, બેટા. તમારા માતા-પિતાને મળવા આવ્યા હતા." ઉમાનાં બાપુજી બોલ્યા.

"આવો... અંદર આવો." કહીને તમે એ લોકોને અંદર લઈ ગયા. પછી એ જ થયું જે બહુ પહેલાં થઈ જવું જોઈતું હતું. ચારેય વડીલોએ દોઢેક કલાકની ચર્ચા-વિચારણાં પછી એકમેકની રાજી-ખુશીથી તમારુંં અને ઉમાનું સગપણ નક્કી કર્યું. તમે ખુશીથી નાચી રહ્યા હતા પણ તમને સમજમાં નહોતું આવતું કે એ બધું શું થઈ રહ્યું હતું.

તમે દરેક વાતચિતનાં સાક્ષી હતા પણ તમે ક્યાસ નહોતા કાઢી શકતા કે એવું કઈ રીતે શક્ય બન્યું. ત્યારે જ ખુશીનાં આવેગની વચ્ચે તમને ખ્યાલ આવ્યો કે પેલી લાકડી તો અજાણતા જ તમે તમારી સાથે અંદર લાવ્યા હતા, ને હજી પણ તમારા હાથમાં જ હતી. તમે વિચારતાં જ રહી ગયા કે એ લાકડીની કોઈ કરામત હતી કે પછી ગંગાડોશી કોઈ દૈવી સ્ત્રી હતી!

તમે એજ સાંજે ફરીથી તમારી મોટર એ મંદિર તરફ હંકારી મુકી. પણ, જઈને જોયું તો એક ખંઢેરીયા ઓરડીની વચ્ચે એક નાનો શિવલીંગ જેવો પથ્થર પડયો હતો, ને બહારનો પોઠિયો મૂક સાક્ષી બનીને બધું જોઈ રહ્યો હતો.

કોડીયાઘરમાં માટીનું એ કોડીયું એમનેમ સૂકાઈને પડયું હતું. એવું લાગતું હતું કે એ સાંજ પછી કોઈ કયારેય ત્યાં ગયું જ નહોતું. એ લાકડીને હજી પણ તમે અતૂટ શ્રધ્ધાથી કોઈ અસબાબની જેમ સાચવીને રાખી છે.

આવતીકાલે સવારે તમે એ મંદિરનો 'ગંગેશ્વર મહાદેવ'નાં નામે શિલાન્યાસ કરવા જઈ રહ્યા છો પણ હજુ પણ પાંત્રીસ ચોમાસા પછીયે એ સવાલ તમને સતાવે છે, શંકરશેઠ કે 'કોણ હતી એ ગંગાડોશી?' ઘણું બધું બનતું હોય છે એક સાથે એક સમયે. એમાંથી એક સામાન્ય જીવને ફકત એક તણખલાં ભારની ખબર પડે છે, ને એમાંથી એક રજ ભારની સમજ પડે છે.

એ સાંજે જ્યારે તમે ગંગાડોશીને ઉતારીને તમારા ઘર તરફ રવાના થયા ત્યારે ગંગાડોશીએ પોતાના ઘર તરફ દોટ મૂકી. એ પોતે નહોતી માની શકતી કે લાકડીનાં ટેકા વગર પગ ન માંડી શકનારી પોતે દોડી રહી હતી. અને ઘરે પહોંચતાં જ એણે બુમરાણ મચાવી મુકી. "હે મારો સંકર મને મલી ગ્યો... હાંઈઠ-હાંઈઠ વરહે દરસન દીધા, પણ આયજે મારો જનમારો હધરી ગ્યો." ને ઘરનાં દરેક સભ્યો અચંબામાં જ જોઈ રહ્યા. કંઈક અજુગતૂં ભાળીને એની પુત્રવધુએ સામે ધસીને પૂછ્યું, "બા, શું થ્યું? ને તમારી લાકડી..." એને અધૂરેથી જ કાપીને ગંગાડોશી બોલી, "રે તેલ લેવા ગય લાકડી... મારો મા'દેવ મારી હાયરે સે, હવે મારે સેનીયે ઝરૂર નથ." જમીન પર ફસડાઈ પડી, પણ એનો બકવાટ બંધ ન થયો. "કેવો ફુટળો દેખાતો'તો... રૂપનો અંબાર હતો... મને કયે મોટર લયને ફરવા આયવો સુ... પણ હું થોડી ઓયળખા વીનાની રવ... આંય મને સકલા હુધી મેલી ગ્યો ધોળી મોટરમાં... પાસો મારો રોયો મને કયે મારું નામ સંકર સે..." એટલું બોલતાં જ એણે આંખો મીંચી લીધી. ગંગાડોશીનાં નિધનથી એ ઘરમાં એક શુભ પ્રસંગ થતો અટકી ગયો.

ગંગાડોશીનાં સૌથી નાના દીકરાનાં મોટા દીકરાની સગાઈ કે જે ઉમાની સાથે થવાની હતી. એ વચગાળામાં સમયનું ચક્ર ફર્યુ અને ઉમા તમને દગો દેવા બદલ પસ્તાવા લાગી.

રોજ ભૂખ્યા રહીને પોતાનાં માતા-પિતા સમક્ષ શરત મૂકી, "શંકર સાથે મારું સગપણ પાક્કું કરતા આવો, પછી જ અન્નનો દાણો મોઢામાં મૂકીશ." - તોખલી


Rate this content
Log in