Poojan Jani

Others

3  

Poojan Jani

Others

સહારો

સહારો

8 mins
7.4K


ત્રણ દિવસ બાદ આ આંખનાં પોપચાએ સૂર્ય પ્રકાશ જોયો. સતત ત્રણ દિવસ અંધારાનાં સામ્રાજ્યને ભોગવીને આજે બોતેર કલાક બાદ તેને આઝાદી મળી હતી, પણ ખરેખર હજી સુધી એ જીવને પણ ખબર પડી ન હતી કે તે અંધારાની ગુલામી તે કરતો હતો. થઈ ગયેલા વિધ્વંસની નીરવ શાંતિ તેની ઉંઘમાં ખલેલ પાડતી ન હતી તો આજુબાજુ ભૂલેચુકે ફરકી જતું કોઈ માનવી એને જોવાની દરકાર કરતું ન હતું. સવારનો કુમળો તડકો ધીમે ધીમે ઉપર જતો હતો છતાં વાતાવરણમાં ગરમીની અસર ન હતી ઉપરથી કાતિલ ઠંડીમાંથી રાહત આપતી હતી.

એને હોઠમાં પ્રવાહી દાખલ થયાનો હલકો અહેસાસ થયો. તેનાં હોઠ એ પ્રવાહીનાં ટીપા પકડવામાં વ્યસ્ત થઈ ગયાં. મરણિયા પ્રયાસ કર્યા છતાં તેની આંખ ખુલવા તૈયાર ન હતી, તે આ મરણિયા પ્રયાસની સીમા પણ ઓળંગી ગયો અને આંખ ખોલી. આંખ ખુલતાં જ તે ડરીને છળી મર્યો. કોઈ કાળા રંગનું નાક તેને સૂંઘી રહ્યું હતું અને તેને જીભ તેને ચાટવા જતી જ હતી કે બાળકની હિલચાલથી તે પ્રાણી ત્યાંથી ખસકી ગયું. તે ગયું તે તરફ તેને નજર ફેરવી પણ આંખની સામે અંધારા આવતાં હતાં. અનાયસે તેનો હાથ રોજની જેમ જ આંખ ચોળવા માટે ગયો અને મોઢામાંથી સિસકાર નીકળી ગયો. "આહહહહહહહ.." કોઈ જાડી વસ્તુને તેનો હાથ અડ્યો હોય એવો અનુભવ આંગળીને થયો અને ફરી ત્યાં ધીમેથી આંગળી ફેરવી. લોહી જામ થઈ ગઠ્ઠો થઈ કાળું થઈ ગયું હતું, તેને વધારે પ્રયત્ન કરતાં ઉપરનું એક પડ ખરી ગયું અને ફરી એ જ ચિત્કાર નીકળી ગયો, ફરી એ જ ચીસ બહાર આવી.

ચીસનાં અવાજથી ત્રણ ચાર માણસ અધ્ધર જીવે ખેંચાઈને આવ્યાં અને પથ્થર દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

"મારો રોયો જીવતો નીકળ્યો હો, મુકે હેડો કી લગો દબઈ કે મરી વનધો." કચ્છીમાં આજુબાજુમાં પસાર થતાં લોકોએ ચિંતા વ્યક્ત કરી.

"આજ સવારથી બે ત્રણ કૂતરાઓ આ પથ્થરની આજુબાજુ ચક્કર મારતાં હતાં અને પગથી દૂર કરવાનો પ્રયત્ન કરતો હતો એટલે મને મેં તેને ખસકાવી જોયો તો આ ધમાનો દીકરો મનીષ નીકળ્યો." રવજી બોલ્યો.

"અરે ધમો! એના અને એની ઘરવાળી પર તો એનું ગમાણ જ પડી ગયું હતું ને"

"અને બેનાં માથા ફાટી ગયાં હતાં" રવજીએ વાત પૂરી કરી

સમ્રગ વાતાવરણ ફરી મૂક બની ગયું. એ જ શાંતિ છેલ્લા કેટલાય દિવસોથી આખાય પંથકને કોરી ખાતી હતી. ચારે તરફનો વિનાશ જોઈને હાથ માથે દઈ ઉભા હતાં. આખા ગામનો જ નહીં રાજ્યનો નકશો ફેરવાઈ ગયો હતો.

ઘડિયાલ આઠ વાગ્યાને પાર કરી ગઈ હતી અને ધીમે ધીમે તે આઠ વીસ તરફ ગતિ કરતી હતી. કાશ એ દિવસે આઠ વીસ ન થઈ હોત તો કેટલીય જાન ન ગઈ હોત. હજારો લોકો એક જ દિવસે જન્નતમાં મળ્યા ન હોત. પરંતુ કાળને કોણ રોકી શકે છે? અને એ દિવસે પણ એમ જ થયું કે ઘડિયાલનાં કાંટાઓ આઠ વીસ પર છેવટે એક થયાં અને ધરતી ધ્રુજી ઉઠી. ભયંકર ગેબી ધડાકાઓએ મરણચીસો દબાવી લીધી. ઉચીં ઈમારતો જમીન ચૂમવા માટે તલપાપડ થતી હતી, કેટલી જગ્યાએ ધરતી ફાટી ગઈ હતી અને એ તારીખ ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગઈ હતી અને એ હતી ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧.

"આનો પગ ભાંગી ગયો છે રવજી જો તો જરા. એની ચડ્ડી આખી લાલ થઈ ગઈ છે બાપ રે..'' વિનુએ કહ્યું.

ખરેખર ચડ્ડી બ્લુ હતી અને તેમાં રાતો કલર ભળી તે કોઈ ત્રીજા જ કલરની થઈ ગઈ હતી વળી રેતીનું આવરણ અને તેનાં પેશાબની ભીનાશથી થયેલાં સફેદ ડાઘ પણ તેમાં ઉમેરાયાં હતાં. લોહી વહી જવાથી શરીરે તેની રાતાશ ગુમાવી દીધી હતી અને બે માણસોએ તેને હોસ્પિટલ લઈ જવા ઉચક્યો ત્યાં અચાનક તેમણે ડાળી તૂટે તેવો અવાજ મનીષનાં પગમાંથી સાંભળ્યો. બે મિનિટ માટે આ ક્ષણે અવાચક કરી દિધાં. તેને વહાનમાં બેસાડાયો અને ગામથી દુર કોઈ અસ્પતાલમાં લઈ જવાયો. રવજી, વિનુ ફરી કોઈ આવી જીવતી લાશને ખોળવા નીકળ્યાં.

સૌથી વધુ માણસો હોસ્પિટલ સિવાય ક્યાંય જોવા મળતાં ન હતાં. પથારીઓ ઓછી પડતી હતી, વિકૃત ચહેરાઓથી હવે બધાં ટેવાઈ ગયાં હતાં, કોઈનાં હાથ ન હતાં તો કોઈ લોહીનાં બાટલા લઈ ઊભાં હતાં. મનીષને પગમાં તકલીફ હોવાથી તેને જમીન પર ગાદલુ પાથરી અને વ્યવસ્થા કરી દેવાઈ. પોતાનું કહી શકાય તેવું કોઈ ન હતું અત્યારે મનીષની બાજુમાં તેને લાવનાર ગામનાં બે જણ ડૉક્ટરને કહી ત્યાંથી નીકળી ગયાં. ડૉક્ટરે સાંભળ્યું કે ન સાંભળ્યું એ તો એ જ જાણે પણ એમાં ડૉક્ટરનો કંઈ વાંક ન  હતો પરિસ્થિત જ એવી હતી. ડૉક્ટર લોહીનું પરીક્ષણ કરી બોટલ ચડાવી ચાલ્યા ગયાં. ધીમે ધીમે તેને દર્દીઓનાં સિસકારા અને તેમનાં બચેલા કોઈ એકલ દોકલ સગાઓની બૂમાબૂમ સંભળાવા લાગી.

એક બોટલથી આટલો જ સુધારો થયો. તેની સફાઈ કરવામાં આવી ત્યારે ફરી વાર પીડા અનુભવાઈ અને તેનાંથી બોલાઈ ગયું, "માડી દુ:ખે છે" નર્સનાં હાથનો અનુભવ તેને થયો પણ તે આંખ ખોલી ન શક્યો.

નર્સ અનુભવી હતી તેને પગને જરા ભારી હાથે અડ્યું અને છેવટે પીડાની કળ વળી હોય તેમ તેને બૂમ પાડી અને છેવટે ચાર કલાક બાદ તેને ખબર પડી તે ક્યાં હતો.

"અધ્ધા ક્યાં?" તે પૂછવા લાગ્યો.

"માડી..... માડી.... " નામની તેણે રટ પકડી અને આખા વોર્ડને શાંત કરી નાખ્યો પણ કોઈ પાસે ઉત્તર ન હતો.

"મા...... દૂધ લેવા ગઈ'તી....... મને કઈ ગઈ આવીને ચાય કરી દઈશ અને સુવડાવી ગઈ." એણે અચાનક દશ પંદર મિનિટ રહીને નર્સને કહ્યું.

નર્સ અવાચક બની ગઈ તે કાંઈ ન બોલી પરંતુ મનિષનાં હાથ તેને સ્પર્શ થયો એટલે તેને બોલવું જ પડ્યું કે આવે છે મા હો.. એટલું બોલી તે ઊભી થઈને ચાલી ગઈ અને તેને પોતાનાં આંસુ લુછી નાખ્યાં.

તેને પ્લાસ્ટર બાંધવામાં આવ્યું હતું અને એની મુદ્દ્ત એટલી જ હતી કે જ્યાં સુધી કોઈ અન્ય દર્દી આવી ન જાય. મનીષ પોતાની નાની આંખોથી ચારે કોર થતું આક્રંદ જોતો હતો પણ ક્યાંય પણ તે પોતાનાં પરિવારને શોધી શકતો ન હતો. એકવાર તે શોધવા ઊભો થઈ ચાલવા ગયો પણ નર્સની આંખથી બચી ન શક્યો અને પડી ગયો. હવે તે એ જ પ્રશ્ન આંખથી પૂછતો હતો અને નર્સ એ જ જવાબ આંખથી આપતી હતી. ફરી તે નિરાશ થયો. તેને આ કાળ કઈ રીતે બધું  હતું ન હતું કરી ગયો એ પણ ખબર ન હતી. તેને આંખ બંધ કરી અને સુઈ ગયો.

સાંજ તેનાં અંતિમ  ધ્યેય તરફ હતી અને મનીષનાં પગ પર હળવો સ્પર્શ થયો. તેને પીડા થઈ અને પીડા ક્યારેય શાંતિ નથી આપતી. એ જાગ્યો અને એને પગ તરફ જોયું. કોઈ દેખાયું નહીં અને ફરી સુવાની ઈચ્છાને માન આપીને તે સુવા ગયો પણ ફરી એ જ સ્પર્શ અને તે જાગી ગયો. તેને કોઈ દેખાયું નહીં આથી કુતુહુલવશ તે ઉભો થવા ગયો અને જોયું તો કેસરી ફ્રોક્ તેને દેખાયો અને માથા પર ચહેરાની સરખામણી ઘણો જ મોટો  પટ્ટો હતો. ખરેખર એ પીળો ફ્રોક હતો પણ લોહીનાં લાલ રંગે તેને કેસરી કરી દિધેલું.

"એ અડ નહીં દુ:ખે છે. ત્યાં મારા હાડકાં તૂટી ગયાં છે એમ પેલાં બેન કે છે"

અચાનક આવેલાં અવાજથી બેબીનાં હાથ હટી ગયાં અને તે હટી ગઈ પણ તેનાં માથ પરનો પટ્ટો જોઈને મનીષ બોલ્યો, "તારા ત્યાંનાં હાડકાં તૂટી ગયાં લાગે છે. હે ને?" આટલું કહી તે ત્યાં અડવા ગયો.

બેબી પોતાની આંખથી બધું ટગર ટગર જોતી હતી તે કાંઈ સમજતી ન હતી પણ ડર અને દર્દ બંને એવી વસ્તુ છે જેને સમજણની જરૂર ન હોય અને તે દિવાલ તરફ ખસકવા લાગી.

"એની પણ માં દૂધ લેવા ગઈ હતી." "હાં" નર્સે કહ્યું.

"બધાની મા દૂધ લેવા ગઈ તી, બધાનાં હાડકાં ભાંગી ગયાં અને બધાને ક્યાંકને ક્યાંય સફેદ પટ્ટા બાંધી દીધા છે."

નર્સે ફરી માત્ર માથું જ હલાવ્યું અને આગળ બોલી, "આ અમી છે અને બધું ભુલી ગઈ છે. જો એને માથે બહું વાગ્યું છે."

નર્સ ત્યાંથી અમી પાસે ગઈ અને એ એને પણ વ્હાલ કરવા લાગી. અમી હસી પણ કાંઈ બોલી નહી. મનીષ માટે આ બધું નવું હતું તે બધું જોતો હતો. નર્સે તેનો પટ્ટો બદલાવી આપ્યો. તે બોલી, "આને જો જે હો.." બાકી અત્યારે તો માણહ માણહને ખાઈ જસે આટલું મનમાં બોલી તે આગળ નીકળી ગઈ.

'આને જો જે હો' આ શબ્દો જાણે તેનાં કાનમાં રહી ગયાં અને મનીષને બહુ દિવસ પછી કોઈ અલગ જાતનો અનુભવ થતો હતો. તેણે સાચવીને પોતાનું ગાદલું અમીનાં ગાદલાની બાજુમાં લીધું.

"લે ખા તો આ ચાલ.." મનીષ પોતાનાં ખોળામાં બેસાડીને તેને જમાડતો હતો અને અમી પ્રેમથી જમતી હતી. આ દ્રશ્ય સૌને તેમની મુશ્કેલી બે મિનિટ માટે વિસરાવી દે એવું હતું.

"જો એક બાજુ કોળિયો કાઢી લેવા માટે ધારિયા ઉપડે છે ને અહીં બે અણસમજુ એકબીજાનાં સહારો બન્યાં છે." નર્સ આ બધું જોઈ વિચારવાં લાગી.

રોજ આ બંનેને જોઈ આખી હોસ્પિટલ રાજી થતી હતી અને ધીમે ધીમે બંને સાજા થતાં હતાં. આજુબાજુનું વાતાવરણ ધીમે ધીમે શાંત બન્યું હતું. ડોક્ટરને હળવાશ મળતી હતી અને તેઓ હંમેશા અમીને બોલાવાની કોશીશ કરતાં પણ છેવટે તે નિરાશ થઈને ચાલ્યાં જતાં. અમી હસતી ખરી પણ એ માત્ર મનીષ સામે જ બાકી ટગર ટગર આંખે જોતી રહેતી.

"એ ક્યાં ગયાં બે?" આખી હોસ્પિટલમાં એક જ ચીસ સંભળાતી હતી. દરેક ડોક્ટર આકાશ પાતાળ એક કરી આજે એનાં દર્દીને શોધતો હતો પણ એ મળતાં ન હતાં. બંનેની ગાદલા એમ જ  હતાં, પાણીની બોટલ એમ જ હતી પણ બંનેમાંથી કોઈ તે પથારી પર ન હતું.

" આ હરામી લાખાનું જ કામ છે, ઉપાડી ગયો એ બંનેને જોવો" ડોક્ટરે અચાનક કહ્યું

આ વાત સાંભળતા ફ્લોર પર નીરવ શાંતિ છવાઈ ગઈ. "હવે આ બે ફુલ ભીખ માંગશે અને આપણે કાંઈ નહીં કરી શકીયે."

"બે દિવસથી લાખો આવતો અહીં મને એમ કે કોઈ એનું કોઈ હશે અહીં પણ આવા નરાધમોનાં સગા ભગવાનને પણ નથી જોતાં એ કેમ હું ભુલી ગયો." ડૉક્ટરે નિશાસો નાખ્યો.

૨૬મી જાન્યુઆરી ૨૦૧૬

સફેદ ઈનોવા કાળા ડામર પર  હવાને વિંધતી દોડતી હતી. ઉષાનાં રંગો અસ્ત થઈ ધીમે ધીમે સૂર્ય નારાયણ પોતાનું અસ્તિત્વની ઓળખ કરાવા ઉદય પામી રહ્યાં હતાં. એકધારી અચળ ગતિએ કાર આગળ વધતી હતી. ૪૩૦ કિ.મી.નું અંતર કારે માત્ર સાત કલાકમાં કાપ્યું હતું અને હવે બસ પાંચ મિનિટમાં કાર ઊભવાની હતી.

ધીમી પડતી જતી સ્પીડ અંતે શૂન્ય પર સ્થિર થઈ અને કાર ઉભી રહી. પોલીસ અધિકારીએ દરવાજો ખોલ્યો અને સેલ્યુટ કર્યું, "ગુડ મોર્નિંગ સર વેલકમ ટુ યોર હાઉસ એંડ ગુડ લક ફોર યોર કરિયર." ગુલદસ્તો આપતાં તેણે કહ્યું.

કારમાંથી એક છ ફૂટ બે ઈંચ ઉંચાઈ, ભરાવદાર અને સુડોળ કાયા બહાર આવી અને નેમ પ્લેટ પર નામ વાચ્યું,   "આઈ.એ.એસ. મનીષ." અને બે મિનિટ મૌન રહ્યો.

"અમી, બહાર આવ." મનીષે દરવાજો ખોલ્યો.

અમીની સાથે એક પ્રૌઢ સ્ત્રી બહાર આવી. અમી પોતાનું મંગલસૂત્ર સરખું કરવા લાગી અને ત્યાં મનીષ બોલ્યો, "એ રાતે જો તેં સાહસ ન કર્યું હોત તો આવા જ કોઈ ઓફિસરની ગાળો ખાતો હોત." 

પ્રૌઢ સ્ત્રી હસતી રહી.....


Rate this content
Log in

More gujarati story from Poojan Jani