શાંતિ
શાંતિ
1 min
337
વહેલી સવારે ગામનાં ચૉરે આવેલ પાણીના નળ પાસે સ્ત્રીઓ હાથમાં બેડાં, ડોલ, માટલાં લઈને પાણીની કાગડોળે રાહ જોઈ રહી હતી. ચર્ચાનો ખડકલો જામે એ પહેલાં જ નળમાંથી ગંગા વહેવાની શરૂ થઈ ગઈ !
"હું પહેલાં આવી એટલે પહેલો વારો મારો..." - એક સ્ત્રી બોલી. જાણે આ શબ્દો નહોતા, ઝઘડાનાં બીજ હતાં ! જોતજોતામાં પાણીપતનું યુદ્ધ શરૂ ! પછી તો કોણ હું ને કોણ તું...! બેડાં ને માટલાંય સામસામે...! શિવનું તાંડવ પણ ફિક્કું લાગે એવું વિકરાળ સ્વરૂપ ! જે સ્ત્રીએ આગ ચાંપી હતી એ મોટેથી બૂમો પાડીને જાણે જીતવાનો પ્રયાસ કરતી હોય એમ ગૌરવપૂર્વક કહેતી હતી: "ઝઘડો કરવામાં પાછી પડું તો મારું નામ 'શાંતિ' નહીં...!"
