Aditya Desai

Others

2  

Aditya Desai

Others

પ્રકૃતિ ના સાનિધ્ય મા-પ્રકૃતિની સમિપ - માલશેજઘાટ અને ભંડારદારા

પ્રકૃતિ ના સાનિધ્ય મા-પ્રકૃતિની સમિપ - માલશેજઘાટ અને ભંડારદારા

8 mins
1.9K


અમસ્તું જ કહું છું કે આપણા બાપ-દાદા ઓ એ આ ભગવાનો ના સ્થાનકો અમુક ચોક્કસ જગ્યા એ બનાવ્યા એની પાછળ ઘણું મોટું કારણ હતું કે એ બહાને લોકો ઘરની બહાર નીકળે અને કુદરતે અઢળક પ્રાકૃતિક સંપત્તિ આપી છે તેનો લ્હાવો લે. એ બહાને કુદરતની નજીક રહે. પણ આપણે આપણી સગવડ માટે થઈને ગલી - મહોલ્લામાં ઠેક ઠેકાણે મંદિર - મસ્જિદ બનાવી દીધા, અને કુદરતને તો આપણાથી દૂર કર્યા જ પણ સાથો સાથ એક અમૂલ્ય એવી પ્રાકૃતિક સુંદરતાની સંપદાને આપણાથી અળગી કરી.

માનો કે ના માનો પણ, મંદિર - મસ્જિદ - ચર્ચ - ગુરુદ્વારા વગેરે બધી ધાર્મિક જગ્યાઓમાં ભગવાન-અલ્લાહ-ઈસા મસીહ કરતા મહત્વ ત્યાંની પ્રાકૃતિક આહલાદકતાનું છે અને ભગવાન તો કણકણ માં વ્યાપક છે, અત્ર તત્ર સર્વત્ર છે, તેને જોવા - શોધવા જો ત્યાં સુધી લાંબા થાવ તો ૧૦૦% તમને એ ના મળે.

દરેક ધર્મનો મુખ્ય ઉદેશ્ય આપણે જે પંચમહાભૂતથી બનેલા છીએ તેના સુધી પહોંચાડવા માટે માર્ગદર્શક બનવાનો છે. નહીંતર માટીનો મનુષ્ય પથ્થરનો થઈ જાય, અને એ જ થઈ રહ્યું છે.

જો કે, ધર્મ નો ઉપદેશ તો સંત મહાનુભાવો પર છોડીએ, મારે તો તમને લઈ જવા છે એક નવી જગ્યા એ, જ્યાં દૂર દૂર સુધી મોબાઈલ નેટવર્ક તો દૂર, મોબાઈલના ટાવર પણ ના દેખાય, અને દેખાય માત્ર અને માત્ર લીલીછમ અને પાણીની ધારાથી તરબતર ધરા અને વાદળો સાથે વાતો કરવાની એક અલગ જ અનુભૂતિનો અનુભવ.

કુદરતનું ટાઈમિંગ મેનેજમેન્ટ અને પ્લાનિંગ અદભુત છે, તેના પર શંકા કરવી એટલે મુર્ખામી જ કહેવાય. કુદરતે દરેક ઋતુને તેનો અલગ-અલગ કાર્યભાર આપેલો છે, અને ચોમાસાની ઋતુનું કામ છે, પ્રકૃતિને નવું જીવન આપવાનું. અને કુદરતે આપણી જોડે કોઈ ભેદભાવ નથી રાખ્યો, પણ આપણે જ છીએ કે ઘરમાં બેસી રહી બસ, સલમાન-શાહરુખની પિક્ચર કેટલું કમાણી, કઈ પાર્ટીનો માણસ કઈ પાર્ટીમાં જોડાયો. કોણે શું કૌભાંડ કર્યા, કોણે કોની હત્યા કરી, એ બધી વાતોમાં જ રસ છે.

અરે થોડું બહાર નીકળો, લટાર મારો, મફતની મજા લેવામાં પણ શું ડર છે, શરમ છે? ચોમાસામાં એકાદ વરસાદ પડે પછી ક્યારેક તસ્દી લેજો, તો ખ્યાલ આવશે કે તમારી આસપાસની દુનિયા જે હતી એ જ છે, પણ જેવી હતી એવી નથી રહી! કુદરત તમને સામે ચાલીને આમંત્રણ આપવા આવે તો થાય હવે!

વરસાદ પડે એટલે અવની એક નવું જ રંગ રૂપ ધારણ કરે છે, તેમ છતાં વિશેષ કરીને પશ્ચિમ ઘાટનો પર્વતીય વિસ્તાર મારા મતે શ્રેષ્ઠ વિસ્તાર છે, ચોમાસાની ઋતુનો અનુભવ કરવા. જો હું તમને એમ કહું કે તમારી આજુબાજુ વાદળો હોય અને ચોતરફ લીલીછમ ઊંડી ખીણ, અસંખ્ય ધોધ અને બીજું કશું જ ના હોય તો તમે કહેશો કે આવું કોઈ સ્થળ વાસ્તવિકમાં ના હોય...પણ એવું જ એક સ્થળ છે. જે વડોદરાથી માપવામાં આવે તો, લગભગ ૪૭૦ કિલોમીટર દૂર આવેલું છે. નામ છે : માલશેજ. અને ઘાટ હોવાને કારણે આ જગ્યા માલશેજ ઘાટના નામથી મુંબઈકરોમાં અને ખાસ કરીને પર્વતારોહકો તેમજ સાહસિકોમાં જાણીતી છે. અહીં પહોંચવા માટે રસ્તો પસંદ કરવો હોય તો શ્રેષ્ઠ રસ્તો છે, વાપી-મનોર-વાડા-અઘઈ-મુરબાદ થઈ માલશેજ પહોંચવાનો.

વધુ લાબું લખવા કરતા, આવો ફરીયે કુદરતના સાનિધ્યમાં!

ત્રણ દિવસની સ્વતંત્રતા દિવસની રજાના મેળમાં ખરેખર આઝાદીનો અનુભવ કરવા અમે શુક્રવારે રાત્રે નવ વાગ્યે વડોદરા થી શરુ કરી ૧ ના ટકોરે વાપી પહોંચ્યા, જ્યાં પ્રથમ રાત્રી વિરામ લઈ આગળની ખેપ માટે તૈયાર થયા. રસ્તા માં કોસંબા પાસે આવતું ચોકલેટ નું ફેક્ટરી આઉટલેટ મારુ સૌથી પસંદીદા મીની રોકાણ છે...

વાપીથી બીજા દિવસે સવારે આઠ વાગ્યે શરૂ કરી મુંબઈ હાઈવે પર યાત્રા આગળ વધારી.

આમ તો ગણદેવી ચીખલી પછી નો રસ્તો જ અલગ રંગ રૂપમાં ઢળી ઉઠે છે, પણ વાપી પછીનો મુંબઈ હાઈવે સાવ અલગ જ અનુભવ આપે છે...

રસ્તામાં વહેતી નદીઓ ચોમાસામાં પોતાની આગવી સુંદરતાની ઓળખ છતી કરે છે અને તમને મળે છે એક નવી જ પૃષ્ઠભૂમિ જે તમે સપનામાં વિચારી હોય...!!!

ચારે તરફ ડુંગરો અને ટેકરીઓ અને એની ઉપર લીલીછમ ચાદર, વચ્ચેથી પસાર થતા લાંબા અને વાંકાચૂકા તેમજ ઉત્તર ચઢાવ વાળા રસ્તા, એક અનોખો અનુભવ આપે છે.

ત્યાંથી મનોર-વાડા રસ્તે ચઢો પછી બદલાવનો બીજો તબક્કો આવે, અને એમાં ખુલ્લા લીલાછમ ખેતરો, નદીઓ અને ઝરણાં, ડુંગર અને ગ્રામ્ય જીવનનો ધબકાર.

ત્યાંથી અઘઈ નારસ્તે આગળ વધો એટલે શરૂ થાય જંગલ યાત્રા.

હા, જંગલ જેવી જગ્યામાં વચ્ચે અદભુત પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) સાથે મનમોહક દ્રશ્યો પ્રત્યક્ષ થાય.

જંગલ વચ્ચે ખળ ખળ વહેતા ઝરણાં અને આજુબાજુ ઘટાદાર વૃક્ષો દિવસના કોઈ પણ સમયે તમને તમારી દુનિયાથી અલિપ્ત થવાનો અણસાર આપ્યા વિના ના રહે...

હવે શાહપુર મુરબાદ રસ્તો આવે એટલે તમારી જિંદગીની રોજબરોજની દોડધામમાંથી અલગ થવા માટેનો અંતિમ તબક્કો આવે, અને એમાં પણ જોવા તો મળે હરિયાળી જ હો!

નજર પહોંચે ત્યાં સુધી જતા રસ્તા અચાનક બે ડુંગરોની વચ્ચે અલિપ્ત થઈ જાય ત્યારે એમ લાગે કે જાણે આ દુનિયા માટે રસ્તો અહીં પૂરો થઈ જાય અને ત્યાંથી એક નવી દુનિયાનો પ્રારંભ થશે!હરિયાળીના અફાટ સમુદ્રમાં મંદ મંદ વાતો પવન અને એમાંથી ઉત્પન્ન થતો લહેરખીનો અવાજ એ પેલા ઘુઘવાટ મારતા સમુદ્રથી ઓછો ભલે હોય પણ કર્ણપ્રિય જરૂર હોય અને ત્યારે જ તમારી ત્વચાને સ્પર્શ કરતો એ પવન જાણે પ્રેમિકાના સુંવાળા હાથનો સ્પર્શ થતો હોય એવો અનુભવ કરાવે...

મુરબાદ પછીનો રસ્તો તમને લઈ જાય માલશેજ અને ત્યાંથી આગળ અષ્ટવિનાયક ગણપતિ મંદિરોમાંના બે ઓઝર અને લેણ્યાદ્રી તેમજ , શિવાજીનું જન્મસ્થળ એવો શિવનેરી કિલ્લો અને ભગવાન શંકરનું એક જ્યોતિર્લિંગ એટલે કે ભીમાશંકર જય શકાય.
આ રસ્તે શરૂ થાય એક અલગ જ દુનિયાનો અનુભવ અને તમે સ્વર્ગમાં પહોંચી ગયાની અનુભૂતિ પણ થઈ જાય તો નવાઈ નહિ!
ખળ ખળવહેતી નદી અને પડતો ઝીણો ઝરમર વરસાદનો રવ તમારા જીવનના શોરબકોરને દાબી દે અને તમે દુનિયાથી અલિપ્ત થઈ જાઓ એવી શુભકામના પાઠવે.

વાદળોથી ઢંકાયેલા ઊંચા પર્વતો અને તેમાંથી ઠેક ઠેકાણે વહી નીકળતા ઝરણાં જે ધોધ સ્વરૂપ ધારણ કરે છે, તેનું દ્રશ્ય જ એક અલગ અહેસાસ કરાવે છે. અને આ અનુભવ લેવા જરૂરી નથી કે તમારે કોઈ દૂરદરાજની જગ્યા એ જવું પડે.
એક એક ડગલું તમને તમારાથી વધુને વધુ સમીપ લઈ આવે અને અહેસાસ કરાવે કે રોજબરોજની જિંદગીમાં દોડભાગથી ખરેખર તમે કશું નથી મેળવ્યું, પણ ગુમાવવા માટે અફસોસ જરૂર થાય...

જ્યાં નજર ફેરવો ત્યાં ધોધ સ્વરૂપે પડતું મુકનાર પાણી અને તમારી ચારે તરફ બસ હરિયાળી જ હરિયાળી, ઊંડી કોતરો, ખીણ અને ઊંચા ડુંગરા, તો ક્યારેક એ ડુંગરાની પાછળથી ડોકિયાં કરતો ઝીણો સૂર્યપ્રકાશ...
અને ઠંડકની એક આહલાદક અનુભૂતિ જે જીવન ઉર્જાને એક નવો જ આયામ આપે.

અહીંથી જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ અમારી સ્વર્ગમાં હોવાની અનુભૂતિ વધતી જ ગઈ, અને એની પાછળ કારણ તમારી સામે છે. તમારી નીચેથી પસાર થતા વાદળો, તમારી સાથે વાતો કરવા આતુર હોય તેમ દોટ મૂકે છે.
વાદળો જયારે તમારા શરીર ની આરપાર નીકળવા લાગે ત્યારે ખરેખર બે ઘડી માટે માનવું પડે કે હું આ જ દુનિયામાં જીવી રહ્યો છું કે મારી દુનિયા બદલાઈ ગઈ છે? વાદળોની વચ્ચે રહીને તમે ક્ષણ પૂરતી એમ કલ્પના કરી લો કે તમે કૃષ્ણ અને એ ગોપીઓ હોય, તો આ દ્રશ્ય કૃષ્ણલીલાથી કમ નહિ હોય.

ગાઢ ધુમ્મસ નહિ પણ ખરેખર વાદળોની વચ્ચે જાઓ ત્યારે વગર વરસાદે પલળી જવાનો અનુભવ થાય અને એ પોતાનામાં કોઈ જેવો તેવો અનુભવ નથી.
અહીં પર્વતોમાંથી નીકળી પડતા ઝરણાંની સંખ્યા ગણી ના શકાય એટલી છે... એટલા માટે અહીંયા આવીને કઈ જગ્યા એ ફોટો પાડવો, એના માટે કેટલી વાર વાહન રોકવું, એ મનમાં પણ પૂછવું જરૂરી નથી...
અને પર્વતોમાંથી નીકળી પડતો ધોધ જયારે પડતું મૂકે ત્યારે નીચે તમે તમારા વાહનમાં હોવ એનાથી વિશેષ રોમાંચક ઘટના કોઈ ના હોઈ શકે. અને એ લ્હાવો એક વાર તો અચૂક લેવો ઘટે...
માલશેજ ઘાટની ખરી રોમાંચકતા જ તેની આ તસ્વીરમાં હૂબહૂ પ્રકટ થાય છે, અને જરા વિચારી જુઓ, જયારે તમારી ૩૬૦ ડિગ્રીના વર્તુળમાં ચોતરફ આવું જ વિહંગમ દ્રશ્ય નજર સમક્ષ આવે તો તમારી અંદર કેવી લાગણી આવે? રોમાંચકતાની? કે પછી સત્યતાની કે ભૌતિકતાની પાછળ મુકેલી આંધળી દોટમાં તમે ઘણું ખોઈ રહ્યા છો? કે પછી એવું લાગે કે સમય અહીંયા થંભી જાય તો કેવું સારું?
અસંખ્ય ઝરણાં-ધોધ જોઈ ને તમારું મન ધરાઈ નહિ ત્યાં સુધી અહીં રહેવાનું મન થાય અને ત્યાંથી નીકળવું એ કોઈ લગનની વિદાય વેળા સમાન નીવડે.

ત્યાંથી આગળ વધી અમે લોકો વાયા જુન્નાર થઈ નારાયણગાઉંમાં રાત્રી વિરામ કર્યો, જ્યાંથી બીજે દિવસે ભીમાશંકર માટે પ્રયાણ કર્યું.

ભીમાશંકર જવા માટે આમ તો પુનાથી ખુબ વાહનો મળી રહે પણ પોતાના વાહનમાં વાયા માલશેજ થઈ જુન્નાર ના રસ્તે પહોંચવાનું સહેલું રહે. અને ચોમાસાની ઋતુમાં અવિસ્મરણીય તો ખરું જ.

દિવસના અગિયાર વાગ્યે તમારી નજર સામે એવું કોઈ દ્રશ્ય હોય તો તમને બે ઘડી વિશ્વાસ જ ના આવે કે તમે સપનું જોઈ રહ્યા છો કે હકીકત છે...

ભીમાશંકરમાં અમને જે અનુભવ થયો એ ભાગ્યે જ કોઈ જગ્યા એ થઈ શકે, ...
જ્યાં તમે સતત વાદળોની વચ્ચે ભીના થતા રહો, પલળતા રહો અને વાદળોની વચ્ચોવચ તમારું અસ્તિત્વ હોય...
મેં મન માં પૂછ્યું : પ્રભુ, આટલી સુંદર જગ્યા એ, આવા સરસ વાતાવરણમાં, અમૂલ્ય લ્હાવો લેવાનો લાભ ચુકીને પણ લોકો તમારા દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહે છે એનું શું કારણ?

મને અંતરમનમાં થી જ જવાબ મળ્યો: વત્સ, મેં તો તને પણ ક્યાં બોલાવ્યો છે મારી પાસે? નજર સામેની વસ્તુ છોડીને લોકો અભૌતિક વસ્તુ પાછળ કતાર લગાવે એમાં મારો શું વાંક. મેં તો મારો અંશ પેલા પર્વતમાં પણ મુક્યો છે ને પેલી નદી સરોવરમાં મૂક્યો છે, પેલા ગાંડી દોટ મૂકતાં વાદળોમાં હું જ છું, પણ ખબર નહિ કેમ ખાલી આ પથ્થરમાં જ કેમ મને લોકો શોધવા આવે છે... મારુ મુખ તો એ પથ્થરમાં પણ ક્યાં દેખાય છે, તો પણ લોકો દર્શન થયા-દર્શન થયા કહીને પોતાની જાત ને આશ્વાસન આપે છે...

આવું અદભુત દ્રશ્ય તમારી આંખોમાં ભરી લો તો એનાથી ચડતો નશો મહિના ઓ સુધી ઉતરે નહિ...

આખા દિવસનો અદભુત અનુભવ આંખોમાં અને મનમાં ભરી અને અમારા માટે એક નવી જ નો ઉર્જા સંચય થયો.
ત્યાંથી નીકળી જુન્નાર ખાતે શિવનેરી કિલ્લો અને ઓઝર ગણપતિની મુલાકાત લીધી, અને વાતાવરણના સાથને કારણે અનુભવ અવિસ્મરણીય રહ્યો. અને રાત્રી વિરામ લેણ્યાદ્રી ખાતે કર્યો. જ્યાં બીજે દિવસે સવારે ગિરિજાત્મજ ગણપતિ ના દર્શન માટે પર્વતના ૩૨૦ પગથિયાં ચડવાના હતા.
બીજે દિવસે સવારે અમે લેણ્યાદ્રી પર્વત પર ગણપતિના દર્શનનો લ્હાવો લીધો અને બૌદ્ધ ગુફા સમૂહની સંરચના તપાસી. અને વિચાર તો સહેજ પણ આવે કે અહીંથી રચાતું અદભુત દ્રશ્ય જોવા બૌદ્ધ ભિક્ષુકો એ કેવી રીતે ગુફા કંડારી હશે.
ત્યાંથી નજર સમક્ષ આવતો શિવનેરીનો કિલ્લો કે જે શિવાજીનું જન્મસ્થળ છે એ એકદમ જાજરમાન રીતે તાદ્રશ થાય છે...
આવી કોઈ જગ્યા એ એકાદ ઘર વસાવા જેવું ખરું ...ખરું કે નહિ...!!!

ભંડારદારા જતા પહેલા રસ્તા માં રંધા વોટરફોલ ખાતે અમે થોડું રોકાણ કરી, અદભુત, અતિશય ઘુઘવાટા મારતો ધોધ નિહાળ્યો. આ ધોધથી મને જબલપુર ખાતેનો ધૂઆંધાર ધોધ યાદ આવી ગયો.

ત્યાંથી અમે નીકળ્યા યાત્રાના અંતિમ ચરણમાં. ભંડારદારા આમ તો ત્યાંની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે, જેમાં આર્થર લેક અને ડેમની આગળ રચાતો અમ્બ્રેલા ધોધ માટે પ્રખ્યાત છે...

પણ સાથોસાથ કળશુબાઈ પર્વત, રામગઢ જેવા અદભુત ટ્રેક માટે...

તેમજ રિવર્સ વોટરફોલ માટે પ્રખ્યાત છે. રિવર્સ વોટરફોલ માં પાણી ધોધ સ્વરૂપે નીચે પડવાને બદલે હવા ના જોર થી ઊંધો ઉડે છે, જે ખુદ માં એક અચરજ નો વિષય છે. પરંતુ રોમાંચ ને ક્યારેય ત્રાજવે તોલી ના શકાય.

આખરે યાદ ગાર સંસ્મરણો સાથે અમે ત્યાંથી વાયા ઘોટી - નાસિક થઈ અમે વડોદરા પાછા ફર્યા... 

અને તમને લોકોને હજી પણ કહી જોવ કે રજામાં આરામ કરવા કરતા પ્રકૃતિ ને માણવા નીકળી પડો, કેમ કે પલંગ પર સૂતા રહેવું કે મગજ બગડતી ફિલ્લમ અને સમાચારો જોવા, અને રજાનો દુરુપયોગ કરી જીવવું અંતે તો અર્થવિહીન છે! હવે આગળ મળીએ કોઈ અલગ જગ્યા એ નવા અનુભવ સાથે, ત્યાં સુધી મને રજા આપશો.


Rate this content
Log in