પ્રિય સખીને
પ્રિય સખીને
પ્રિય સખી,
તારી સાથેની આપણી ખાટી મીઠી યાદો વાગોળવાનો એક પ્રયાસ કરું છું. જેને વાંચીને તું પણ તેને ફરીને જીવી જઈશ.
તું આજે પણ મારી સાથે જ છો અને ત્યારે પણ હતી. ફર્ક માત્ર એટલો જ છે કે ત્યારે હું મારો હાથ લાંબો કરું ને તને સ્પર્શી શકું એટલી નજદીક હતી અને આજે હું એ જ હાથ મારાં હૃદય પર મુકું અને તું મારી સાથે હોવાનો એક અદ્ભૂત સ્પર્શ હું અનુભવું. આનાથી કંઈ તું મારાથી દૂર છો એવું થોડું સાબિત થાય છે !
મારી નજર સમક્ષ તારું હોવું અને મારી નજરમાં તું હો એ બંનેમાં કોઈ અન્યને દૂરી કે ભેદ દેખાઈ શકે પણ મને તો નહીં જ ! તારી સાથે એ વરસાદી સવારમાં સ્કૂલે જતાં યુનિફોર્મ ભીંજાવાની કોઈ દરકાર વગર એ વરસાદી ફોરાંની મોજ મને આજે પણ યાદ છે. ભલેને એ યુનિફોર્મ આજે આપણી સાથે ન હોય પણ તારી સાથે એ ખાબોચિયામાં ઝપાક કરીને કૂદવાની આજે પણ મને અદમ્ય ઈચ્છા થઈ આવે છે. તારાં અને મારાં ખિસ્સાનાં ચિલ્લરોને એકમેકમાં ભેળવ્યા બાદ પણ ઘટતાં પૈસા અને છતાં પણ ઉધારી રાખી સાથે ખાધેલ ગરમાગરમ ભુટ્ટો મને આજે પણ યાદ આવે છે.
એ જ રસ્તો, એ જ સ્કૂલ અને એ જ આપણી હુંફાળી મિત્રતા હું આજે પણ બહુ મિસ કરું છું. સમયના બદલાવ સાથે કિશોરીઓ મટી યુવતીઓ બની અને રસ્તા બદલ્યા, સ્કૂલને બદલે કોલેજ ગયાં, યુનિફોર્મના બદલે ગમતાં પોશાકો આવ્યા પણ મૈત્રી ભરેલા હાથ તો એજ રહ્યા. મારી ખુશી નાની હોઈ કે મોટી, એમાં તું ન હોય તો મારી મજા મરી જતી. નવી લાવેલ કોઈપણ વસ્તુના તું વખાણ ન કર ત્યાં સુધી મને જરા પણ ચેન ન પડતું. તારું એ માટેનું મંતવ્ય મારાં માટે આજે પણ એટલું જ મહત્વનું અને કિંમતી છે. તને કોઈ પણ મુશ્કેલી હોઈ ત્યારે મને પણ તારી સાથે રડવું આવી જતું. આવી આ
પણી અમૂલ્ય મિત્રતાની અવિસ્મરણીય યાદોને વિસરી શકાય?
આજે પણ હું એ ખટમીઠાં રસમાધુર્યથી તરબોળ,બેફિકર દિવસોને વાગોળું છું ત્યારે મને તારો ચહેરો નજર સમક્ષ ખડો થાય છે. એ તારી નશીલી આંખો, વાંકડિયા વાળ અને ધનુષ સમા હોઠ પરનું એ ગુલાબી મધમીઠું હાસ્ય જોઈ આજે પણ હું તારા પર મોહી જાઉં છું.
બાળપણથી લઈને યુવાન થયાં, માતૃત્વ ધારણ કર્યું, તમામ ફરજો અને જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ જ્યારે આજ જીવનનાં અંતિમપડાવમાં પહોંચી ચૂક્યાં છીએ ત્યાં સુધીની સફરમાં તારી સાથે જીવેલી પળો, તારી વાતો,એ મસ્તી, તોફાન, ઝઘડા બધું જ મને નખશિખ યાદ છે અને તેને વાગોળવાથી હું આજે પણ તરોતાજા બની જતી હોઉં તો શું એ તારી સાથેનો મારો પ્રેમસંબંધ ન કહી શકું?
આ મારો એવો પ્રેમસંબંધ છે જેણે મને હરએક પળે પ્રેમ આપ્યો છે, હૂંફ આપી છે. ક્યારેય કોઈ દગાની ગંધ આવી નથી, લેશમાત્ર મારી ઈર્ષ્યા કરી નથી, હંમેશા મારી પ્રગતિ જોઈ હરખાતાં એ ચહેરાને હું કેમ ભૂલી શકું? જીવનના દરેક સંબંધો મને તારી સાથેના એક જ સંબંધમાં મળી જાય છે.
તારી સાથેના સંબંધમાં મને ક્યારેક મા જેવી મમતા જોવા મળી, તો ક્યારેક પિતા જેવું વાત્સલ્ય, ભાઈ જેવો આધાર તો બહેન જેવી ભોળપ. આવી વાતો હું તને રૂબરૂમાં ક્યારેય કહી ન શકી કે પછી કહી પણ ન શકું એટલે જ આ માધ્યમ પસંદ કર્યું છે.
મારી આવી અજોડ સખી બનવા માટે હું તારી અને ઈશ્વરની ખુબ ખુબ આભારી બની રહીશ અને એજ પ્રાર્થના કે મને જન્મોજન્મ આવી જ નહીં આ જ સખી મળે.
લી. તારી સખી.