પ્રીત ના જાણે રીત
પ્રીત ના જાણે રીત
કાર્યક્રમ શરૂ થવામાં હજુ વાર હતી. પાર્કિંગ એરિયામાં કાર પાર્ક કરી સ્નેહા અને વીણા હોલમાં પ્રવેશ્યા.હોલ આખો પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલો હતો.બંને પોતાની બેઠકો પર ગોઠવાઇ. દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો. શરૂઆતમાં પ્રાર્થના અને બીજા બે ત્રણ ગીત રજૂ થયા બાદ સંચાલકે એનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું,
“દોસ્તો, હવે આપની સમક્શ એવી વ્યક્તિને રજૂ કરવા જઇ રહ્યો છું, જેના વખાણ હું કરીશ તો મજા નહીં આવે .તમે પહેલાં તેમને સાંભળો બાદમાં તમારી તાળીઓના ગડગડાટ રૂપે તમારો પ્રતિભાવ આપશો! તો આપની સમક્ષ આવી રહ્યા છે કર્ણપ્રિય સૂરના સ્વામિ એવા પ્રીત પ્રકાશ !’’
સ્ટેજ ઉપર લાઇટસનો ફોકસ વધુ થયો. કાળા શુટમાં સજ્જ આંખો ઉપર કાળા ગોગલ્સ પહેરેલો એક યુવક સ્ટેજના મધ્ય ભાગમાં પ્રવેશ્યો. એનાઉન્સરે તેના હાથમાં માઇક્રોફોન આપી સ્ટેજ બહાર જતા જણાવ્યું. “તો મિત્રો, પ્રીત પ્રકાશ પાસેથી માણીએ સરસ મજાની એક ગઝલ ’’ અને હોલમાં પ્રીતનો સ્વર ગુંજી ઉઠ્યો,
“ હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ,
પણ, ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ ’’
ગઝલ પૂર્ણ થતા જ સંપૂર્ણ હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. તે પછી ઉપરા ઉપરી ત્રણ ચાર ગુજરાતી ગીત અને ગઝલ રજૂ કરનાર પ્રીત પ્રેક્ષકોના દિલમાં છવાઇ ગયો. ખાસ કરીને સ્નેહાના દિલને તેનો સ્વર વધુ સ્પર્શી ગયો. કાર્યક્રમ પૂર્ણ થતા વીણાને સ્નેહાએ કહ્યું,
“મારે પ્રીત પ્રકાશને મળવું છે ’’
“ચાલ મળીએ’’ કહી વીણા, સ્નેહાનો હાથ પકડીને સ્ટેજ પર ગઇ. પ્રીતની આજુબાજુ ચાહકોનું ટોળું જામ્યુ હતુ. વીણાએ પ્રીતની સાથે ઉભેલા યુવકને સંબોધી કહ્યું.
“હાય સારંગ! ’’
“વીણા!કેમ,તું તો ન્હોતી આવવાની ને! લુચ્ચી મને બનાવતી હતી!’’
સ્નેહાએ વીણાની સામે પ્રશ્નાર્થ નજરે જોયું (કોણ છે આ?) વીણાએ આંખથી ઇશારો કરી શાંતિ રાખવા જણાવ્યું.
“મીટ માય ફ્રેન્ડ સ્નેહા!’’ વીણાએ સ્નેહાની ઓળખ આપી.
“હાય માયસેલ્ફ સારંગ!’’ સારંગે હાથ લંબાવ્યો.
“હાય!’’ સ્નેહાએ પણ હાથ લંબાવી હસ્તધુનન કર્યું. દરમિયાન વીણાએ પ્રીતને મળવાની વાત સારંગને કરી. પ્રીત પાસે જઇ સારંગે કહ્યું“ભાઇ,મારા ફ્રેન્ડસ તમને મળવા માગે છે ’’ કહી પ્રીતને ખભેથી પકડી વીણા અને સ્નેહા તરફ ફેરવ્યો.
“હલ્લો,કેમ છો? ’’ પ્રીત પ્રકાશે જવાબની આતુરતા સહ જણાવ્યું. સારંગે ઓળખ આપી,“આ મારી મિત્ર વીણા!’’ વીણાએ પ્રીતની સાથે હાથ મિલાવ્યો.“અને આ વીણાની મિત્ર સ્નેહા! ’’ સારંગે પ્રીતનો હાથ પકડી આગળ ધર્યો.. સ્નેહાએ પણ હાથ લંબાવી હસ્તધુનન કરતા કહ્યું, “ તમારા અવાજમાં જાદુ છે.ખરેખર, ખૂબ મજા આવી! ’’
“ આભાર!ઇશ્વરની દેન છે અને આપના જેવા સંગીત રસિકોની મહેરબાની છે’’ પ્રીતે જવાબ વાળ્યો.
ત્યાં સારંગ બોલી ઉઠ્યો “ ભગવાન પણ કમાલ કરે છે. કોઇને ખામીની સાથે સાથે ખૂબી પણ ભરપૂર આપે છે . ભાઇને આંખોની રોશનીની ખામી આપી, પરંતુ જીભ ઉપર સ્વયં સરસ્વતીજી બિરાજમાન કરી આપ્યા છે અને આ વિશિષ્ટતાના કારણે જ ભાઇ નેત્રહીનતાની ખામી સામે પોતાના અવાજની ખૂબીથી પોતાને ભાગ્યશાળી માને છે. પ્રજ્ઞાચક્ષુ હોવાનું તેમને કોઇ દુઃખ નથી. ભાઇ નેત્રહીન છે, પણ દ્રષ્ટિહીન નથી! દુનિયાને પ્રેમની દ્રષ્ટિથી જોવાનો તેમનો નજરીઓ સૌને તેમના તરફ આકર્ષે છે!’’
સ્નેહા,સસ્નેહ પ્રીત તરફ જોઇ રહી!
વીણાને ઘરે છોડી સ્નેહા ઘરે ગઇ. ઉંઘવા પ્રયાસ કર્યો, પરંતુ આંખમાં જાણે નિંદર નહીં, પ્રીતનો નિર્દોષ ચહેરો તરવરતો હતો અને કાનમાં તેનો મધુર સ્વર!
દરમ્યાન સ્નેહાને પ્રીત સાથે અવાર નવાર ફોન ઉપર વાતચીત થતી રહી.ઘણાં કાર્યક્રમોમાં મળતા રહ્યા . સ્નેહાને પ્રીતના અવાજ પ્રત્યે આકર્ષણ તો હતું જ .. અને એ આકર્ષણ તેના હૃદયમાં પહોંચીને “પ્રેમ’’નું સ્વરૂપ ક્યારે ધારણ કરી લીધું તેની સ્નેહાને ખબર જ ના પડી ! તે પ્રીતને મનોમન ચાહવા લાગી.
એક દિવસ પ્રીતને પોતાની કારમાં બેસાડી શહેરના એક બગીચામાં લઇ છે. પ્રીત ત્યારે બોલી ઉઠે છે “અરે ! તમે મને બગીચામાં કેમ લઇ આવ્યા?’’ત્યારે સ્નેહા અચંબામાં પડી ગઇ. અને પ્રીતને પૂછ્યું,“તમને કેવી રીતે ખબર પડી કે આપણે બગીચામાં છીએ?’’
“સ્નેહાજી! મને નેત્ર ભલે નથી, પણ દ્રષ્ટિ જરૂર છે, અહીં આવતા જ પુષ્પોએ પમરાટ ફેલાવી આપણું સ્વાગત કર્યું તે મારા મન:ચક્ષુએ જોયું ! ’’
“ કહેવું પડે પ્રીતજી તમારી દ્રષ્ટિને!આવો આપણે અહીં બેસીએ ’’
એક બાંકડા ઉપર બેસી સ્નેહાએ પ્રીતનો હાથ પોતાના હાથમાં લીધો. પ્રીત કંઇ સમજી શકે કે શું થઇ રહ્યું છે. ત્યાં તેના કાને સ્નેહાનો અવાજ રણક્યો, “પ્રીતજી! હું આપન કંઇ કહેવા માંગુ છું !’’
“ચોક્કસ, કહોને! ’’ પ્રીતે નિર્દોષ પ્રત્યુત્તર વાળ્યો.
“પ્રીતજી!હું..હું..હું! ’’ સ્નેહા અટકી અને ફરી બોલી.
“હું તમને ચાહું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આજે વસંત પંચમી છે અને મારૂં હૈયું આ પુષ્પોની મહેંકની જેમ મહેંકતા આપનાં દિલને સ્પર્શી ગયું છે.. અને પુષ્પનો રસ પીધા પછી મધુકરને જેમ પ્રેમનો કેફ ચઢે છે તેમ મને પણ “પ્રીત’’નો કેફ ચઢ્યો છે. શું મારો પ્રસ્તાવ સ્વીકાર કરશો? ’’
પ્રીત, સ્નેહાની વાત સાંભળી ખળભળી ઉઠ્યો.
“આ શું કહો છો તમે? તમને ખબર છે ને કે હું આંખથી જોઇ નથી શકતો, મારી અંધકારમય જિંદગીમાં શું કામ તમારા જીવનને વેડફી નાખવા માગો છો.તમને તો સર્વાંગ સુંદર યુવક મળી શકશે! ’’
“પ્રીતજી!મને “ના’’ કહેશો નહીં. હું તમારા અંધકારમય જીવનમાં “જ્યોતિ’’ બની અજવાસ પાથરવા ચાહું છું . તમે મને “તું’’ કહીને બોલાવશો તો ગમશે! આ વેલેન્ટાઇન – ડે ના દિવસે જ હું તમારી સાથે કોર્ટ મેરેજ કરવા ચાહું છું . “ સ્નેહાએ દિલની વાત જણાવી.
“પણ તમારા! સોરી! તારા પરિવારજનો માનશે ખરા? ’’
“મેં તેમને મનાવી લીધા છે. ’’
“પણ સ્નેહા મને પ્રેમ બ્રેમ કરતા નથી આવડતું. કારણ કે પ્રેમનો રંગ કેવો હોય તે મારી કાજળઘેરી જિંદગીએ કદી જોયો જ નથી. એટલે હું ઘણીવાર મારી જાતને જ કહું છું કે, “પ્રીત ના જાણે રીત! ’’
ત્યારે સ્નેહાએ ખુશખુશાલ સ્વરે જણાવ્યું ..
“વાંધો નહીં પ્રીત! પણ મને તો આવડે છે ને! કારણ કે, “પ્રીત’’ એ જ છે મારી રીત,પ્રીતજી! ’’
