STORYMIRROR

Pritesh Hirpara

Others

3  

Pritesh Hirpara

Others

પહેલા વરસાદનો પહેલો પ્રેમ...

પહેલા વરસાદનો પહેલો પ્રેમ...

13 mins
27.6K


આરજે રોહિત આવ્યો ત્યારે ઘડિયાળમાં સાંજના પોણાછનો ટાઇમ થયો હતો. પાણીની તરસ છીપાવીને સીધો તેના બોસને મળવા એમની કેબિનમાં ગયો. રોહિતને થોડુ અંગત કામ હતુ. પાંચ મિનિટમાં કામ પતાવ્યા બાદ તે પોતાના સ્ટુડિયોમાં ગયો. સ્ટુડિયોમાં  હજી આરજે ચૈતાલીનો શો હજી ચાલુ હતો.

“હાય રોહિત ગુડ ઇવનિંગ, કેમ છે મજામાને? મજા આવી ગઈ હશે વરસાદમાં કાર લઈને નીકળવાની નહી?” આરજે ચૈતાલીએ પુછ્યું.

“અરે ના હુ તો આજે બાઇક લઈને આવ્યો છું, બાઇક મારો પહેલો પ્રેમ છે. આ વરસાદમાં બાઇક ચલાવવાની મજા જ અલગ છે.” રોહિતે કહ્યું.

“જનાબ આજે કંઈ વાર્તા લઈને આવ્યા છો? આજે શનિવાર છે તો બીજુ કંઈ કામ નથી તો હું આજે અહી સ્ટુડિયોમાં રહીને તારી વાર્તા સાંભળીશ, તો ચલ તારો શો હવે ચાલુ કર.” ચૈતાલીએ રોફ જમાવતા કહ્યું.

આરજે રોહિત રેડિયો નજરીયા એક્સોસાત પોઇંટ આઠમાં કામ કરતો હતો. રેડિયો નજરીયા ચાલુ થયુ તેને એક વર્ષ થયું હતું. જ્યારે રોહિત આરજે તરીકે રેડિયો નજરીયામાં જોડાયો તેને હજી બે મહીના થયા હતા, પણ તેણે બે મહીનાના ટુંકા ગાળામાં સારી એવી પ્રસિધ્ધી મેળવી હતી. રેડિયો નજરીયાના સિનિયર અને એના સમકાલીન આરજે ને પણ તેણે પાછળ રાખી દીધા હતા. ગુજરાતના બેસ્ટ આરજેમાં રોહિતનો સમાવેશ થતો હતો. રોહિતના શોનો ટાઇમિંગ સાંજના છથી આઠનો હતો. તેના શોનું નામ “બે પળની જિંદગી”. એમાં તે રોજ એક નવી સ્ટોરી લઇને આવતો હતો જે યુવાન, તરૂણ અને વૃધ્ધ માણસની કે પછી બીજા કોઈની પણ હોઈ શકે. આ વાર્તા તે પોતે લખતો કેમ કે તે પોતે ખુબ સારો લેખક હતો અને તેને સંગીતનુ પણ સારું એવું જ્ઞાન હતુ. તેની વાર્તા કહેવાની રીત ખુબ જ અલગ હતી. રોહિતની વાર્તાઓ એની આજુબાજુ બનતી સત્ય ઘટનાઓ પર આધારીત રહેતી. એની વાર્તામાં કોઈને પોતાનો ખાસ મિત્ર મળી આવતો, કોઈ યુવતીને એનો પ્રેમી મળતો, કોઈ દાદાને એનો પૌત્ર કે પૌત્રી મળી આવતો. ટુંકમા આરજે રોહિતની વાર્તા દરેકને પોતાની વાર્તા લાગતી.

આરજે રોહિતે પોતાનો શો ચાલુ કર્યો. “ગુડ ઇવનિંગ....અમદાવાદ.....” રોહિતે ખુશીના લહેકાથી સુર ખેંચ્યો. “કેમ છો મિત્રો મજામાં ને, તમે તમારા ખાસ મિત્ર રોહિતને સાંભળી રહ્યા છો રેડિયો નજરીયામાં તમારા દિલના શો “બે પળની જિંદગીમા.”

“આજ મૌસમ બડા બૈમાન હે... આજ મૌસમ બડા બૈમાન હે... ખરેખર આજે મૌસમ બૈમાન છે, જુઓને સવારે કેવો તડકો હતો અને અત્યારે મસ્ત ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે, ફુલો ખીલી ઉઠયા છે, ધરતી તો જાણે વરસાદ સાથેના મિલનથી મહેકી ઉઠી છે. ચારે બાજુ વરસાદની અલગ ખુશ્બુ છવાઈ ગઈ છે, મોર ટહુકા કરે છે કોયલ ગાય છે અને બીજી ઘણી વસ્તુ તમને જોવા મળે આ વરસાદની મૌસમમાં. આવામાં કોઈ હસીન સાથ હોય તો વરસાદમાં ચાલવા નીકળવાની  અલગ મજા આવે નહી? આ વરસાદ જોઈને કોઈ વિખુટા પડેલ પ્રેમીને એની પ્રેમિકા દેખાય, કોઈ દાદાને એની ગુજરી ગયેલી પત્ની યાદ આવે, તો કોઈ પતિને એની પિયર ગયેલી પત્ની યાદ આવે.”

“તમને થતું હશે કે આ વરસાદ છે એટલે તમારો મિત્ર ક્યારનોય વરસાદની વાત કરે છે, પણ ના મને થયુ કે આજે આટલો મસ્ત વરસાદ આવે તો તમને મારી વાર્તાના વરસાદમાં ભીંજાવી દઉં. મને ખબર છે મારી વાર્તા સાંભળવાની બહુ ઉતાવળ છે તમને બધાને પણ અગર કુછ પાના હે તો ઇંતજાર કરના તો જરૂરી હે. મારી વાર્તા શરૂ થશે એક સોંગ પછી અને સોંગ કયું છે? અરે આટલો મસ્ત વરસાદ પડતો હોય, રોહિતની વાર્તા પણ વરસાદ વાળી હોય તો પછી સોંગ પણ એવુ જ સંભળાય ને, ગીત છે મંજિલ મુવીનું, કિશોર કુમાર અને લતાદીના મસ્ત અવાજમાં ગવાયેલુ, “રિમઝીમ ગીરે સાવન સુલગ જાયે મન....” તો એંજોય કરો આ સોંગ.

"ચલો આ બ્રેક પછી પાછા તમે છો તમારા ખાસ મિત્ર રોહિત જોડે મારા શો ‘બે પળની જિંદગીમાં.’ આજના સમયમા પ્રેમ વિશે પુછીએ તો આજુ બાજુ ઘણા કિસ્સા જોવા મળી જાય, અરે આજકાલ દસ વર્ષના છોકરાને પણ ગર્લફ્રેંડ હોય, કોલેજમાં આવ્યા એટલે તમે સિંગલ હોવ તો તમને તમારા ફ્રેંડસ જાણે કોઈ ગુનેગાર હોય એવી રીતે જોવે, એક ગર્લફ્રેંડ કા તો બોયફ્રેંડ હોવો જોઇએ, પણ સાચા પ્રેમ વિશે પુછીએ તો કોઈ ઉત્તર ના મળે, કેમ કે સોના જેવો સાચો પ્રેમ માંડ જોવા મળતો હશે બાકી બધુ ખાલી આકર્ષણ અથવા બીજુ કંઈક."

“ચલો હવે વાર્તા પર આવું. હું પુછું કે માત્ર દોઢ કલાકમાં સાથે રહીને નામ કે ઠેકાણુ જાણ્યા વગર સાચ્ચો પ્રેમ થઇ શકે ખરો, તો જવાબ મળશે આ બધી વાતો ખાલી ફિલ્મોમાં જોવા મળે રિયલ લાઇફમાં નહિ. જે પણ હોય પણ આવા પ્રેમમાં સહજ નિર્દોષતા તો હોવાની જ. આજે હુ આવી જ વાર્તા લઈને આવ્યો છું. પ્રશાંત અને નિશાની, વાર્તાનુ નામ છે ‘પહેલા વરસાદનો પહેલો પ્રેમ’ જેમનો પ્રેમ એકદમ નિર્દોષ છે.

“પ્રશાંત કે જે એક ત્રેવીસ વર્ષનો યુવાન છે. ઉંચાઈમાં મિડિયમ, આકર્ષક બાંધો, શબ્દોમાં ભાર આપીને બોલવાની એની આગવી છાંટ, આકર્ષક વ્યક્તિત્વ, ખુબ જ મળતાવડો સ્વભાવ અને ઉપરથી  પણ રૂપાળો. કેટલીય રૂપાળી છોકરીઓને એ પ્રેમથી ના પાડી ચુક્યો હતો. અરે આખા કોલેજના છોકરા જે છોકરી પાછળ ગાંડા હતા એ ક્રિશાના પ્રેમપ્રસ્તાવને પણ એ ના પાડી ચુક્યો હતો. વરસાદના લીધે આજે બાઇક લઈને એ વહેલો નીકળી ગયો. થોડે દુર આગળ ગયો ત્યાં વરસાદ વધી ગયો. પ્રશાંતે બાઇકની સ્પીડ ધીમી કરી, અડધો કિમી. આગળ ગયો ત્યાં તેને એક યુવતી દેખાઈ જે લિફ્ટ માંગી રહી હતી. આ યુવતીને આપણે નિશા નામથી ઓળખીશું. પ્રશાંત આમ તો કોઈ અજાણ્યાને લિફ્ટ નથી આપતો, કેમકે આજકાલ ઠગાઈના કિસ્સાઓ બહુ વધી ગયા છે. પણ પ્રશાંતે બાઇક ઉભી રાખી. જાણે પ્રશાંતને આજે અજાણી યુવતી પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો. સુંદર મુખડું, સાગર જેવી આંખો થોડી ડરેલી અને શરમાતી નજરો, લાલ અને આકર્ષક હોઠ. ભીંજાયેલા કપડા એના શરીરને ચોંટી ગયા હતા જેના લીધે તેના અંગોનો ઉભારો સ્પષ્ટ રીતે છતાં થતાં હતાં. બધી રીતે અપ્સરા જેવી લાગતી હતી પણ પ્રશાંતને ક્યાં આ બધાંમાં રસ હતો. એ તો આ છોકરીની આંખોમાં જ ખોવાયેલો હતો. જાણે કે એના હસીન નયને પ્રશાંતની નજરને સંમોહિત ના કરી દીધી હોય. બે ત્રણ વખત નિશાએ પ્રશાંતને બોલાવ્યો ત્યારે આપણા પ્રશાંતભાઈ ભાનમાં આવ્યા.

“હા બોલો ને..” પ્રશાંત થોથવાતા બોલ્યો.

“મારે મહાદેવનગર જવું છે, બસ અત્યારે મળતી નથી અને શટલીયા તો જવાની ના પાડે છે.” નિશાએ કહ્યુ.

પ્રશાંતને લક્ષ્મણનગર જવાનું હતુ જ્યારે મહાદેવનગરનો રસ્તો આખો ઉંધો પડતો હતો અને ત્યાં મહાદેવનગરમાં જ્યારે વરસાદ પડતો ત્યારે એટલું પાણી ભરાઈ જતુ કે કોઈ પણ વાહન  જાય તો બંધ પડી જતું, પણ પ્રશાંત ના ન પાડી શક્યો. કેમ કે પ્રશાંતને નિશા જોડે આપણે જેને પહેલી નજરનો પ્રેમ કહીયે છીએ એ પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમમાં પણ બહુ અજીબ લાગણી છે, કોને કોની જોડે ક્યારે થઈ જાય એ ખબર નથી પડતી. અને આ પ્રેમમાં જ્યારે નિર્દોષતા હોય ત્યારે તો કહેવુ જ શુ? પ્રશાંતના પ્રેમમા પણ આ જ નિર્દોષતા હતી.

આગળ શું થયું  એ જાણવા માટે મારી જોડે જ જોડાયેલા રહો, ક્યાંય જતા નહી અને હવે સાંભળો બેક ટુ બેક ત્રણ સોંગ.

પહેલું “મોહોબ્બ્ત બરસા દે ના તુ સાવન આયા હૈ..”અરિજીતના  મસ્ત અવાજમાં.. બીજુ પણ અરિજીતના જ અવાજમાં “કભી જો બાદલ બરસે..” અને ત્રીજું કુમાર સાનુના અવાજમા “દો દિલ મીલ રહે હે..” અને આરજે રોહિતે કોફી પીતા પીતા ગીતો ચાલુ રાખ્યા, સાથે બેસેલી આરજે ચૈતાલીને પણ એ વાર્તામાં ખુબ રસ પડ્યો.

“સુહાના સફર ઔર યેહ મૌસમ હસીન અને અહીયા તો હમસફર પણ હસીન છે તો પછી સફર તો સુહાનો જ બનવાનોને..”

ફરી એક વખત તમે છો તમારા દોસ્ત રોહિત જોડે અને હું હમણાં વાત કરી રહ્યો હતો મારી વાર્તા “પહેલા વરસાદનો પહેલો પ્રેમ” વિશે. તો આપણે છેલ્લે ક્યાં  હતા કે આપણી વાર્તાનો હિરો આપણી વાર્તાની હિરોઇન નિશાને મહાદેવનગરમાં છોડવા જઈ રહ્યો હતો, જેમ નિશા વરસાદમાં ભીંજાઈ ગઈ હતી એમ પ્રશાંત પણ ભીંજાઈ ગયો હતો. પ્રશાંતે પોતાની હોંડા સાઇન ચાલુ કરી અને નિશા પાછળ બેસી ગઈ, થોડીવારમાં તો જાણે બાઇક પવન સાથે વાત કરવા લાગી.

મહાદેવનગર હજુ સાત કિમી દુર હતું, એક કિમી હજી બાઇક ચાલી હશે ત્યા મનહર ચોકડી આવ્યું જ્યાં ક્યારેય પાણી ભરાતું ન હતું પણ આજે ત્યાંય પાણી ભરાઈ ગયઈ. થોડીક ગાડી આગળ ચાલી ત્યાં ગાડી બંધ થઈ ગઈ, કેમ કે રોડ ઉપર  પાણી ભરાઈ ગયું હતું.

“મારા નસીબ જ આજે ફુટેલા છે પહેલા તો કોઈ ત્યાં સુધી આવવા તૈયાર નહોતું અને તમે આવ્યા તો  બાઇક બંધ પડી ગયુ હવે શુ કરીશું?” નિશા મુંજાઈ ગઈ.

“ચિંતા ના કરો હું તમને મુકી જઈશ છેક સુધી.” પ્રશાંતે આજુબાજુ નજર દોડાવી ત્યાં એક મોટું મૉલ ટાઇપનુ સુપર માર્કેટ દેખાયું અને બાજુમાં પાર્કિંગ હતું.

“મેડમ હું તમને ઘરે સુધી પહોચાડી દઈશ પણ આપણે ચાલીને જવું પડશે કેમ કે મારું બાઇક આ પાણીમાં ચાલશે નહી, તો હું બાઇક સામે પાર્કિંગમા મુકીને આવું છું.” પ્રશાંત થોડીવારે બાઇક મુકીને આવ્યો.

“યુહીં કટ જાયેગા સફર સાથ ચલને સે, કે મંજીલ આયેગી નજર સાથ ચલને સે..” પ્રશાંતે ગીત ચાલુ કર્યુ અને નિશા હસી પડી.

નિશાના હાસ્યને પ્રશાંત જોઈ રહ્યો, એને નિશાનું હાસ્ય ખુબ મનમોહક લાગી રહ્યુ હતું. પ્રશાંત નિશાને જોઈ રહ્યો, એણે અત્યાર સુધી ખાલી એની આંખો જોઈ હતી અને તેને નિશા જોડે પ્રેમ થઈ ગયો હતો. સુંદર ચહેરો, સાગર જેવી આંખો, માપના પ્રમાણસર ને આકર્ષક હોઠ, કામનિય કાયા. જાણે કે અપ્સરા જ જોઈ લો અને ઉપરથી નિશા વરસતા વરસાદમાં ભિંજાયેલી હતી. પ્રશાંતે હજી સુધી કોઇ છોકરીને આ નજરે જોઈ ના હતી. પ્રશાંત થોડો થોડો મદહોશ થઈ રહ્યો હતો.

નિશા પણ થોડી થોડી પ્રશાંતથી આકર્ષિત થઈ હતી. પ્રશાંતનુ વ્યક્તિત્વ જ આકર્ષક હતું. હેંડસમ તો એ લાગતો જ હતો પછી એનો કેરીંગ નેચર અને બીજું ઘણું. નિશા ક્યારેય માણસને ઓળખવામાં થાપ નહોતી ખાતી એણે પ્રશાંતને થોડીવારમાં સારો એવો જાણી લીધો હતો. નિશાને પ્રશાંતની આંખોમાં એક પ્રકારની નિર્દોષતા દેખાતી હતી. એટલે જ એ પ્રશાંત જોડે જવા તૈયાર થઈ હતી.

“જનાબ તમે તો બહુ સારું ગાવ છો, ખુબ આગળ જશો તમે તો.” નિશાએ પ્રશાંતના વખાણ કર્યા. “દુઆ છે તમારા જેવા ચાહવાવાળાની.” હવે પ્રશાંત પણ નિશા જોડે ફ્રેંડલી થવા લાગ્યો હતો. ધીરે ધીરે વાતો વાતોમા તે બંને ફ્રેંડ બની ગયા. તેઓ હવે ચાલતા ચાલતા વિરપુર પહોંચી ગયા હતા. ત્યાં જ નિશાની નજર અચાનક એક ડોડાવાળા ઉપર પડી. પ્રશાંતે જોયુ કે નિશાની નજર બીજે ક્યાક છે, પ્રશાંતે પણ એ બાજુ જોયું તો એક ડોડાવાળો ઉભો હતો. અત્યાર સુધી તેઓ આટલા ભરેલા પાણીમાં એક કિમી જેવું ચાલ્યા હતા, પણ ત્યાં ખુબ પાણી ભરેલા હતા એટલે આ રસ્તા પર અવરજવર ઓછી હતી જ્યારે અહિંયા પાણી એટલુ બધું ન હતું, અહીં આ ડોડાવાળો જોવા મળી ગયો. પ્રશાંત જઈને બે ડોડા લઈ આવ્યો. બંનેએ મજાથી વાતો કરતા કરતા ડોડા ખાધા.

“થેંકસ હો દોસ્ત, મારી ઘણા ટાઇમથી આવા વરસાદમાં મકાના ડોડા ખાવાની બહુ ઇચ્છા હતીજે તે આજે પુરી કરી.” નિશાએ કહ્યુ. “એમા થેંકસ શેનું, દોસ્ત પણ કહે છે અને થેંક્સ પણ કહે છે, દોસ્તી મેં નો સોરી નો થેંક્યુ.” પ્રશાંત શાહરૂખ ખાનની સ્ટાઇલમાં બોલ્યો.

પ્રશાંત અને નિશા અડધો કલાકમાં સાથે સાથે ચાલતા એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. એમ કહો ને કે પ્રેમમાં પડી ગયા હતા, પણ આ બંને પ્રેમમાં એવા પડ્યા હતા કે તેઓને એકબીજાના નામ પણ જાણવાની દરકાર નહોતી. પછી પાછા વરસાદમાં તેઓ ચાલવા લાગ્યા. હવે તેઓ હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યા હતા.

આજુબાજુ જતા લોકો ઇર્ષાભાવથી તેમને જોઈ રહ્યા હતા. પ્રશાંત અને નિશા પુરી રીતે એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. હવે વરસાદ થોડો ધીમો પડ્યો હતો. આજુબાજુનું વાતાવરણ ખુબ ખુશનુમા બની ગયું હતું. ઝાડના પાન પરથી પડતી પાણીની બુંદોનુ સંગીત છવાઈ ગયું હતું. એકદમ નિરવ શાંતિ હતી. દેડકાને તિતરનો અવાજ સંભળાતો હતો. ભીની માટીની સોડમ મનને તરબોળ કરતી હતી. અને એવામાં આ પહેલા વરસાદમાં બંને માટે પહેલો પ્રેમ હતો. અચાનક પ્રશાંતની નજર ચાની કિટલી પર પડી, “ચલને યાર આ વરસાદમા ચાની ચુસકીની મજા લઇએ.” પ્રશાંતે નિશાને પુછ્યુ તેના જવાબમા નિશાએ માથુ હલાવી હકારમા જવાબ આપ્યો. “કાકા બે કટીંગ ચા ફુદીનાવાળી અને મસ્ત બનાવજો.” પ્રશાંતે ચાનો ઓર્ડર આપ્યો. કાકાએ ચાની બે પ્યાલી આપી અને પછી નિશા અને પ્રશાંતે ગરમા ગરમ ચાની ચુસકીની મજા લેવા લાગ્યા. કાકાએ ચાની લારી પર વિવિધ ભારતી ચાલુ કર્યુ ત્યારે ‘નુરી’ મુવીનુ ટાઇટલ ટ્રેક કે જે નિતિન મુકેશ અને લતા મંગેશકરના અવાજમાં વાગી રહ્યુ હતું. “આજા રે આજા ઓ મેરે દિલબર રાજા, દિલ કી પ્યાસ બુજા જા રે” અને એ સોંગ પુરુ થયુ ત્યારે પ્રશાંત અને નિશા ચા પી ચુક્યા હતા. પછી તેઓ કિટલીથી જવા લાગ્યા ત્યારે અચાનક રાજ કપુરના મુવીનું “શ્રી ચારસોવીસ”નું સોંગ વાગી રહ્યુ હતું.

“પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યુ ડરતા હૈ દિલ, કહેતા હૈ દિલ રાસ્તા મુશ્કિલ, માલુમ નહી હૈ કહા હૈ મંજિલ.” અને પ્રશાંતે નિશાનો હાથ માંગ્યો, નિશાએ હાથ આપ્યો પછી ખાલી આંખોની ભાષાથી બંનેએ વાત કરી. અહી હોઠ ભલે ચુપ હતા પણ કશું કહ્યા વિના બંને વચ્ચે સારી એવી વાત થતી હતી. આ છે પ્રેમની ભાષા જ શબ્દો ઓછા ને આંખોથી ઘણુ બધુ કહેવાઈ જાય. નિશાનો હાથ પોતાના હાથમાં લઈને તેને અસલ જિંદગીમા ઝરમર ઝરમર વરસાદમા ભીંજાતા ભીંજાતા કપલ ડાંસ કર્યો. પેલા ચા વાળા કાકાને તો મોજ પડી ગઈ જાણે કે રાજ કપુર અને નરગિસ એની સામે આ વરસાદમાં ડાંસ કરી રહ્યા હતા. બસ માત્ર છત્રીની કમી હતી. સોંગ પુરુ થયુ પછી પ્રશાંત બોલ્યો, “ઇંડિયન કલાસિકલ સોંગ મારા ફેવરીટ છે, એમાંય જો મુકેશજી, રફીજી કે પછી કિશોરદા હોય તો તો મોજ પડી જાય.”

“આપણી પસંદ બહુ મળે છે હો, મને પણ ખુબ જ પસંદ છે, પણ મને રફીસાબ પ્રત્યે વિશેષ પક્ષપાત છે, એમાં પણ જો લતા રફી કે આશાકે રફીનું ડ્યુએટ હોય તો આજુબાજુનું બધુ ભુલી જાઉ.” નિશાએ ખુબજ ઉત્સાહથી પોતાની પસંદ જણાવી. અરે દોસ્તો તમે વાર્તામાં ખોવાઈ ગયા પણ એક બ્રેક તો જરૂરી છે ચલો ત્યાં સુધી તમે આ સોંગ સાંભળો,“પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ..”

“ચલો હવે પાછા તમે છો તમારા ખાસ દોસ્ત રોહિત જોડે ‘બે પળની જિંદગીમા’ અને તમે અત્યારે સાંભળી રહ્યા છો આજની વાર્તા જેનું નામ છે ‘પહેલા વરસાદનો પહેલો પ્રેમ’ વાર્તા શરૂ કરું એની પહેલા મને ગુલઝાર સાહેબની એક ખુબ સરસ રચના યાદ આવે છે.”

“મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ,

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ,

સાવન કે કુછ ભીગે ભીગે દિન રખે હૈ,

ઔર મેરે ઇક ખત મૈ લિપટી રાત પડી હૈ,

વો રાખ ભુલા દો, મેરા વો સામાન લૌટા દો,

વો રાખ ભુલા દો, મેરા વો સામાન લૌટા દો..”

ખુબ સરસ લાઇન છે નહિ? ગુલઝાર સાહેબની કવિતાઓની વાત જ અલગ છે, ચલો પાછા વાર્તા પર આવીએ.

પછી પ્રશાંત અને નિશાએ પોતાના ચપ્પલ પ્લાસ્ટિકની બેગમાં નાખીને તેઓ ખુલ્લા પગે ઘાસવાળા રસ્તા પર ચાલવા લાગ્યા. અહિંયા જાણીતા રામબાગ કે જેનું અત્યારે સમારકામ ચાલી રહ્યુ હતું એટલે ત્યાંથી રસ્તો નીકળતો હતો. આથી નિશા અને પ્રશાંત લીલા ઘાસમાં ચાલવાની મજા લઇ રહ્યા હતા. ત્યાં વરસાદ વધી ગયો આથી પ્રશાંત અને નિશા એક મોટા ઝાડ નીચે ઉભો રહ્યા. અચાનક જોરથી વીજળીનો કડાકો થયો અને નિશા ડરીને પ્રશાંતની બાહોમાં છુપાઇ ગઇ. અત્યારે બંને એકબીજાની ખુબ નજીક એટલા નજીક કે એકબીજાના શ્વાસના ઘોંઘાટમાં બીજા અવાજ જાણે ખોવાઈ ગયા હતા. નિશા પોતાના હોઠ પ્રશાંતના હોઠની નજીક લઈ ગઈ, હવે પ્રશાંત નિશાના ભીના હોઠ ચુમવા પોતાના હોઠ નિશાના હોઠની નજીક લઈ ગયો.

“ભોઉ....ભોઉ....” કુતરાના ભસવાના અવાજથી બંને ઝબકી  ગયા. બંને હોશમા આવી ગયા. વરસાદ ધીમો પડ્યો હતો હવે, પાછા બંને ચાલવા લાગ્યા. આમને આમ મહાદેવનગર આવી ગયુ. છુટા પડતા પહેલા બંને એકબીજાને ખુબ ભાવથી ભેટયા અને વિખુટા પડ્યા.

રાતે ઘરે પહોચ્યા પછી પ્રશાંતને એક અફસોસ થવા લાગ્યો કે આટલા ફાસ્ટ યુગમાં તે પેલી છોકરીનો નંબર તો શું નામ પુછવાનું પણ ભુલી ગયો. પણ એણે નિશ્ચય કર્યો કે કાલે એ પેલી છોકરીને મહાદેવનગરમાં જરૂર શોધશે, ક્યાંક  તો એ મળી જ જશે ને આમેય આ દુનિયા પ્રશાંતને નાની લાગતી હતી. પણ પછી પ્રશાંતે નિશાને શોધવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ નિશા પ્રશાંતને ના મળી. અને આમ એ દોઢ કલાકમાં થયેલો પહેલા વરસાદનો પહેલો પ્રેમ અધુરો રહી ગયો.

“અહીં વાર્તા પુરી થાય છે. આ વાર્તા કેવી લાગી એનો પ્રતિભાવ જરૂર આપજો, મારો નંબર તો ખબર જ છે ને..”

પછી તો આરજે રોહિતના રેડિયોના નંબર પર ફોનનો મારો ચાલુ થઈ ગયો. બધાની એક ફરિયાદ હતી કે વાર્તા અધુરી કેમ રાખી. છેલ્લે રોહિતે એમ કહેવુ પડ્યુ કે આ વાર્તા એકદમ સાચી વાર્તા છે અને એના એક મિત્રની છે. અડધો કલાક પછી રોહિત ખુબ ખુશ હતો કેમ કે રોહિતની વાર્તાને ખુબ સરસ પ્રતિભાવ મળી રહ્યો હતો, માત્ર વાર્તા અધુરી રાખ્યાની ફરિયાદ સિવાય. ત્યા મૃગેશ રોહિતને બોલાવવા આવ્યો કે કોઈ છોકરી એને મળવા માંગે છે, એને બહુ જ સમજાવી પણ જિદ્દ પકડીને બેઠી છે. રોહિત બહાર આવ્યો અને પેલી છોકરી તરફ જોયું અને બંનેની આંખોમાથી આંસુ આવી ગયા. પેલી છોકરી રડતી રડતી રોહિતને ભેટી પડી અને થોડીક શાંત થયા બાદ બોલી,“તો મિ.પ્રશાંત ઉર્ફ આરજે રોહિત.. મારું નામ કશીષ છે. મારે પછી એ જ દિવસે અચાનક મહાદેવનગરની બહાર જવાનું થયું અને એમાં આપણે પાછા મળી ના શક્યા. આ દુનિયા કેટલી મોટી છે અને આજે અનાયાસે રેડિયો સાંભળવાનુ મન થયું અને એમાં તારો અવાજ હું તરત ઓળખી ગઈ. અને  તરત જ મારી કાર લઈને નિકળી પડી ને આજની તારા અવાજમાં વાર્તા પણ સાંભળતી રહી.”

જાણે કે વર્ષોના વિરહ બાદ એકબીજાને મળી રહ્યા હોય એમ આંસુભર્યા ચહેરા સાથે રોહિત અને કશિષ એકબીજાને ભેટી પડ્યા. આસપાસનો સ્ટાફ આ પ્રેમીઓને નિહાળી રહ્યુ હતું, પણ આ બેને ક્યાં પરવાહ હતી.

કશિષે આંખો બંધ કરી અને હોઠ આગળ કર્યા. રોહિતે બે હાથથી કશિશના ચહેરાને સંભાળ્યો અને પોતાના હોઠ કશિશના હોઠ પર મુક્યા અને કિસ કરવા લાગ્યો. ત્યાં જ ઉભા રહેલા સ્ટાફના લોકો આશ્ચર્ય અને આનંદની લાગણીથી આ ‘પહેલા વરસાદ નો પહેલો પ્રેમ’  જોઈ રહ્યા હતા.


Rate this content
Log in