STORYMIRROR

Neha Hardik Shah

Others

3  

Neha Hardik Shah

Others

પગફેરો

પગફેરો

6 mins
14.2K


આ શર્ટ તે કેમ પહેર્યો? ખબર છે ને કે નેહાને નથી ગમતો, એને ચિડવવા જ પહેર્યો ને?" મમ્મીએ મોન્ટુને ટપાર્યો. "હા ભાઇ હા... નવાઈની તારી દીકરી સાસરેથી આવે છે." "હાસ્તો... આજે એક અઠવાડિયે મારી દીકરીનું મોઢું જોવા મળશે... હંસાબેન હસતાં હસતાં બોલ્યાં.

નેહાનાં લગ્નને અઠવાડિયુ થયુ હતું. ને આજે પગ ફેરા માટે આવવાની હતી. લગ્નના બીજા દિવસે જ હનીમૂન પર નેહા અને હાર્દિક ઉપડી ગયા હતાં તો છેક આજે મેળ પડ્યો. ઘર સાફ કરતા કરતા ડ્રૉઈંગ રૂમની દીવાલ પર નેહાના નાનપણનો ફોટો પર નજર પડતા જ હંસાબેન એની નાનપણની યાદોમાં ખોવાઈ ગયાં.

"આ ફોટોમા પહેરેલું ફ્રોક હજી તે સાચવીને રાખ્યુ છે ને હંસા' પાછળથી મન્સુખ ભાઈએ આવીને હંસાબેનના ખભે હાથ મૂકતા કહ્યું. "હાસ્તો મારી દીકરી જાણે આમાં પરી જ લાગતી."

ત્યાં તો “મમ્મી મમ્મી” કરતી નેહા આવી. ટાઈટ સ્પગેટી ને જીન્સ પહેરેલી નેહા મેંદી રંગ્યા હાથે અજુગતી લાગતી હતી. ક્યારેય એમણે નેહાને ટાઈટ કે ટુંકા કપડાં પહેરવા નહોતા દીધા.

આજેય એમને એવું જ હતુ કે નેહા ડ્રેસ પહેરી રુમઝુમ કરતી આવશે, પણ નેહાના આ નવા રૂપરંગ જોઇને મનમાં ખુશ થઈ ગયા. "સારું ને, મારી દીકરીને એના ગમતાં કપડાં પહેરવા મળ્યાં. હાથમા કંકુની થાળી લઈ ને હંસાબેન દરવાજે આવ્યા "આવ બેટા, તારા કુમકુમ પગલાં પાડવાના છે. આ થાળીમાં પગ મૂકીને જમણા પગેથી શરૂઆત કર."

"શુ મમ્મી તું ય... જુનવાણી જ રહી.. મારું પેડીક્યોર બગડી જાય, મૂક આ લપ... ચાલ જલ્દી અંદર." નેહા પગ ખસેડી સોફા પર ધબ્બ દઈને બેસી ગઈ.

હંસાબેનને જરા અપમાન જેવું લાગ્યું, "હશે હંસા ચાલ, આ રિવાજ મૂકને દિકરીને શાંતિથી બેસવા દે." મન્સુખભાઈએ પરિસ્થિતિ સંભાળી લીધી. "કેવી રહી ટૂર બેટા..."મન્સુખભાઇ નેહાને પડખે બેસતા બોલ્યા. "બહુ સરસ પપ્પા, આપણી તો કલ્પના બહારની જ જગ્યા છે " નેહા ઉમળકાથી બોલી.

"આવો આવો મીસીસ શાહ, બહુ રાહ જોવડાવી." મોન્ટુ પણ બેનની પાસે બેસી ગયો. મમ્મી તો જાણે ગાંડી જ થઈ ગઈ. દે તાલી." મોન્ટુએ હાથ લંબાવ્યો. એ બધું તો ઠીક. જાને નીચે જઈને પાર્કિંગમાંથી સામાન લઈ આવ ને. હું તો નીચે જ મૂકીને આવી ગઈ."

"તુમ્હારા હુકુમ સર આંખો પે"

"મમ્મી ચા મૂકને જરા અને હા ચાર કપ, મારી ફ્રેન્ડ્સ હમણાં આવતી જ હશે"

"હા બેટા પણ તું જરા નાહી-ધોઈ ફ્રેશ થઈ જા...”

"એ બધુ થતું જ રહેશે..તું મૂકી દે ને..કેટલા દિવસ પછી બધી ચિબાવલીઓને મળીશ... નેહાએ હંસા બેનની વાત જ કાપી નાખી."

“નાહી ધોઈને ફ્રેશ થઈ જા તો પગફેરાના શુકન સચવાઈ જાય.." શબ્દો હંસા બેનનાં મનમાં જ રહી ગયાં.

“બળ્યું હું ય પાછું શુકન અપશુકન લઈને બેસી ગઈ” હંસાબેન કીચન તરફ વળતા બોલ્યા.

“એ મારો ય એક કપ” મનસુખ ભાઈ એ ટાપસી પુરી,”મારી દીકરી જોડે ચા પીશ.”

ત્યાં તો "નેહા નેહા "કરતી નેહાની ફ્રેન્ડ્સ આવી પહોંચી."પપ્પા, મમ્મીને કે જો કે ચા મારા રૂમમાં જ મોકલાવે અમે ત્યાં જ બેસીને પીશું.” એમ કહીને ફ્રેન્ડ્સ સાથે રૂમમાં ભરાઈ ગઈ.

સામાન લઈને મોન્ટુ પાછો આવ્યો, "આવી ગઈને પેલી ચિબાવલીઓ, મારી બેનને હું મળું એ પહેલાં તો આવીને બેસી ગઈ"

"હશે હમણાં જતી રહેશે,પછી તું ને તારી બેન વાતો કરજો." હંસાબેન કીચન માંથી બોલ્યાં,

"લ્યો હવે પીઓ એક્લા એક્લા ચા, તમારી દિકરી તો રૂમમાં ભરાઈ ગઈ, નેહા જરા દરવાજો ખોલજે તો."

"હા મમ્મી, નેહાએ દરવાજો ખોલ્યો. હંસાબેને જોયું ચારેય ફ્રેન્ડ્સ નેહાના કેમેરામાં ફોટોઝ જોતી હતી, કદાચ હનીમૂનના હશે...

હંસાબેન વિચારી રહ્યા, "મારી દિકરી કેવી ખુશ છે.

"મોન્ટુ ઓલો સામાન લાવજે તો...” નેહાએ બૂમ પાડી. મોન્ટુ સામાન લઈને રૂમમાં ગયો, "બેન તું ફ્રી ક્યારે પડીશ?"

"પડીશ ત્યારે બોલાવીશ, અત્યારે તારું જે કામ બાકી હોય એ પતાવ..." નેહાએ દરવાજો બંધ કરતાં કહ્યું.

મોન્ટુ છોભીલો પડી ગયો "બેન તો જો, જોતી ય નથી મારી સામે, એને ના ગમતો શર્ટ પહેર્યો તોય કાંઈ બોલી નહીં, ચીડાઈ પણ નહીં મારા પર"

“હોય હવે, આ બેન્પણા મળે એટલે બધું ભૂલાઈ જાય...જાવા દે એ બધાને પછી જો, તને કેવો રિમાન્ડ પર લે" હંસાબેને દિલાસો આપ્યો.

સવારની નવ વાગ્યાની રૂમમાં ભરયેલી નેહા બાર વાગ્યે બહાર આવી, "ચાલ બેટા, હવે જમી લે.. તારી બેન્પણીને ય જમવા બેસાડી દે.. પપ્પા તારી રાહ જુવે છે. તારા માટે થઈને આજ ઓફિસ પણ નથી ગ્યા..જો તારા માટે ગમતો શ્રીખંડ લાવ્યા છે."

"અરે મમ્મી હું તો કહેતાં જ ભૂલી ગઈ, મારે મારી ફ્રેન્ડ્સને પોસ્ટ વેડીંગ પાર્ટી આપવાની છે. એટલે અમે બધા બહાર પિત્ઝા ખાવા જઈએ છે.”

 

હંસાબેન મનોમન સમસમી ગયા.. હદ કરે છે આ છોકરી હવે, ગુસ્સો ય આવ્યો તોય સંભાળી લીધું, "સારું જા, તારે પૈસા જોઈએ છે?"

"ના છે મારી પાસે, ચાલ, બાય... ટપ ટપ કરતી નેહા ફ્રેન્ડ્સ જોડે ઊતરી ગઈ.

મન્સુખભાઈ ક્યારના આ બધું જોઈ રહ્યા હતા. ફરી પરિસ્થિતિ હાથમાં લેતા બોલ્યા,"હંસાગૌરી આજે રજા છે તો તમારા હાથની ગરમ ગરમ રસોઈ જમાડો."

“હા બેસો, હું પીરસી દઊં.”

મોન્ટુએ પણ ચુપ્ચાપ આવીને જમી લીધું... ત્રણેયમાંથી કોઈ કાઈ બોલ્યું નહીં...જમી કામ પતાવી હંસાબેન નેહાના રૂમમાં આવ્યા.. સામાન પથરાયેલો પડ્યો હતો. થેલો અડધો ખાલી હતો. હશે ફ્રેન્ડ્સ માટે ગિફ્ટ લાવી હશે. બીજા ઘણા પેકેટ્સ પડ્યા’તા, "જોયુ મારી દીકરી એમ પિયર ન ભૂલે...આવ્વા દે.. વઢીશ એને કે આવા ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર હતી.” ને ત્યા જ હંસાબેન આડા પડ્યા થોડીવાર.

બપોરના ત્રણેક વાગ્યા હશે ને નેહા પાછી ફરી, "મમ્મી ચાલ ઉઠ તો...મને ચા તો પીવડાવ.” નેહાએ એની મમ્મીને ઉઠાડી.

"હા દિકરા.. બહુ વાર થઈ તને પાછા ફરતા...થાકી ગઈ?..જરા આડી પડ.”

ચા લાવ્યા ત્યારે નેહાએ ગિફ્ટ પેકેટ હંસાબેનના હાથમાં મૂકતાં કહ્યું, “લે મમ્મી, આ મોન્ટુને આપી દેજે"

"તે તું જ આપજે ને તારા ભાઈને સાંજે આવે એટ્લે"

"અરે યાર મમ્મી હમણાં હાર્દિક મને લેવા આવે છે. સાંજે એના ફ્રેન્ડ્સ સાથે બહાર ડિનર પર જાવાનુ છે..."

“અરે પણ તું આવી શું ને રોકાઈ શું?મારી જોડે તો ટાઈમ જ ના મળ્યો. મારે તારી સાથે...”

"પિપ પિપ..." નીચેથી ગાડીનો હોર્ન સંભળાયો.

ચાનો કપ નીચે મૂકતા નેહા બોલી "ચાલ એ આવી ગ્યા હું નીકળું... હજી ઘરે જઈને રેડી થાવાનું છે,

દોડીને રૂમમાંથી સમાન લઈ આવી, રસ્તામાં બે જણને ગિફ્ટ આપતાં જાવાનું છે."

"અરે દિકરા... ઊભી તો રે... તારા પપ્પાને ઊઠાડવા તો દે...તું કેમ ટાઈમ લીધા વગર આવી, હજી મારે તારી સાથે ઘણીય વાતો..."

"ઓફ્ફો મમ્મી,આમ ઘરેથી નીકળતી વખતે શું ટોકે છે... થોડી સુધર હવે... મારા સાસુને જોઈને કૈક શીખ, એમના જેવી થોડી મોર્ડન થા... અહીંયા જ તો છું. આપણા જ સીટીમાં...આવતી જતી જ રહીશ ને ચલ બાય." છણકો કરીને નેહા ઉપડી ગઈ.

"મારે હજી ઘણીય વાતો કરવી છે બેટા તારી સાથે, તને ખબર છે તારી વિદાય વખતે તારા પપ્પા તને ખબર ના પડે એટલે બાથરૂમમાં આવી ને રડ્યાતા, તારો ભાઈ તું ગઈ એ દિવસથી સુનમુન રહેતો તો.. આજે તું આવવાની હતી એટલે કાંઈક મૂડમાં હતો, ને હું... હું તો રોજ તારા ફોટોને જોઈને યાદ કરતી ને તારા ફોટોને વહાલ કરતી. દિકરી તારી બહુ યાદ અવે છે.”

હંસાબેન મનમાં ને મનમાં બોલતાં જ ફસકી પડ્યા..

"હંસા, નેહા ગઈ?” રૂમમાથી બહાર આવીને મનસુખ ભાઈ બોલ્યા,

"હા, બળ્યુ સવારથી નેહાના આવવાની લહાયમાં કપડાનું મશીન જ ચાલુ કરવાનુ રહી ગયું." હંસાબેન બાથરૂમ તરફ વળ્યા,

મશીનમાં પાણી ચાલુ કર્યુ ને એક ડુસકું મૂકાઈ ગયું... ક્યાંક મોન્ટુ કે એના પપ્પાને ખબર ના પડી જાય.

"દિકરી તો પારકી થાપણ કહેવાય હંસા,” મન્સુખભાઈએ મર્મમાં કહ્યું, "ચાલ તો હવે મનને વાળી લે... આપણે જોડે ચા પીએ.”


Rate this content
Log in

More gujarati story from Neha Hardik Shah