Bakulesh Desai

Others

3  

Bakulesh Desai

Others

પેનમાંની રિફિલ

પેનમાંની રિફિલ

5 mins
14.5K


‘ક’ કલમનો ‘ક’... એવું લલિતે નાનપણથી જ ઘૂંટી ઘૂંટીને પાકું કરેલું. તે દિવસોમાં તો  કિત્તો ને શાહીવાળી ‘ઈન્ડીપેન’ની જ બોલબાલા હતી. એ તો ખરું જ પણ ‘ક’ પાકો કરવા કલમ ને કરવત પણ પ્રચલિત હતાં જ... છતાં લલિતને તો પેનની જ માયા.

છેક નાની વયે તેને જનોઈ પહેરાવાયેલું. ત્યારે, ‘બટુક’ મોટો થઈને શું બનશે? તેનો કાચોપાકો ઉત્તર મેળવવા ગોરબાપાએ તેની આગળ એક બાજોઠ પર સ્વચ્છ ને લાલ  કપડા પર  કલમ, અસ્ત્રો ને કડછી મૂકેલ.

સગાવહાલાંથી ચિક્કાર મંડપમાં લલિતને પૂછાયેલ, 'આ ત્રણમાંથી તને જે ગમે તે એક ચીજ ઉપાડ, જોઉં.’ આ આદેશ-કમ-કસોટીને પોતાના ભાવિ સાથે આ લોકો જોડવાના છે તેનાથી બેખબર લલિત કૌતુકવશ કડછી (જોવા ખાતર જ !) ઉપાડવા જતો હતો ત્યાં સામે ઊભેલી એક બાળાએ ઇશારાથી તેને તે રસોઈ - સાધન મૂકી દેવા જણાવ્યું અને તેણે પછી લાગલી કલમ જ ઉપાડેલી. ત્યારે જે તાળીઓનો ગડગડાટ થયેલો તેમાં પેલી બાળાનો ઉત્સાહ તેનાં ખાસ ધ્યાનમાં આવ્યો હતો.

નસીબજોગે પેલી બાળાની આ ‘અંચાઈ’ કોઈનાં ધ્યાનમાં નહીં આવેલી અને લલિતની જ સૂઝ-સમજ અને અક્કલનાં વખાણ થયેલાં. મામીએ પછી તેને ફળાહાર તરીકે આપેલ કેળું ખાવા તે એક બાજુએ બેઠો ત્યારે ન જાણે ક્યાંથી પેલી બાળા ટપકી પડેલી અને તેણે ‘બુદ્ધુ’નો સરપાવ આપી ભાગી જવાની ચેષ્ટા કરેલી.

લલિતે તેની પાછળ જરાક જ દોડીને તેને ઝટ્ટ દઈને પકડી પાડીને તેનો ગાલ ખેંચ્યો હતો. ‘ઓ માડી રે..’ એવી આછી ચીસ પડી ન પડી ને દબાઈ ગઈ કેમ કે લલિતે સમયસૂચકતા વાપરીને અડધું કેળું તેનાં મોંમાં ઠાંસી દીધું હતું. એ દરમ્યાન ‘બટુક’ની કોઈક વિધિ માટે બૂમ પડી. તેની માસી તેને વેદી પાસે ખેંચી ગઈ ત્યારે લલિતને પેલીનો અંગૂઠો જ જોવાં મળ્યો હતો !

જ્યારે ‘બડવા’ની રસમ પૂરી થઈ ને બધાંને આઈસ્ક્રીમ પીરસાયું ત્યારે ફરીથી પેલી બાળા પ્રગટ થઈ. આ વખતે વાતાવરણ કદાચ શાંત ને મૈત્રીભર્યું હશે. તેથી લલિતને તેણે પોતાનાં હાથમાંના બાઉલમાંથી એક ચમચી આઈસ્ક્રીમ આપવા માડ્યું જે તેણે હક્કથી લઈ લીધું હતું !

‘તારું નામ શું’?   ‘બીના’... ’મારું નામ...’ ખબર છે મને. લલિત લટૂડો પટૂડો..’ કહેતી ત્યાંથી તે નાસી ગઈ તો ખરી પણ તેનાં જીવનમાં લગભગ કાયમની જ ‘એન્ટ્રી’ થઈ ગઈ હતી જાણે.

આ પછી થોડા વખતમાં જ તેને જાણવા મળ્યું હતું કે બીના તેના મામાનાં પાડોશીની દીકરી છે અને તે નમાઈ છે. તેનો અડ્ડો મોટે ભાગે મામાને ત્યાં જ રહે છે. નિઃસંતાન મામા-મામીની તે લાડકી છે ને ‘ડહાપણનો ભંડાર’ છે.

ત્યાર પછીનાં બે વેકેશનોમાં દિવાળી તેમજ ઉનાળાનાં વેકેશનોમાં લલિત, મામાને ત્યાં રહેવા જતો ત્યારે બીનાનો ઠીકઠીક પરિચય થયેલો.

બીનાએ પોતે ચા કે બટેટા-પૌઆં શરૂશરૂમાં પહેલી-બીજી વાર બનાવેલાં ત્યારે લલિતે જ ચાખનાર-કમ-પરીક્ષક તરીકેની ભૂમિકા ભજવેલી... કહો કે ભજવવી પડેલી.

બહુ જલદીથી ને સહેલાઈથી કોઈનાં વખાણ ન કરવાં આવું જ્ઞાન લલિતને બસ, એમ જ લાધી ગયું હતું. પરિણામે બોલાચાલી.. બહાનાંબાજી અને આક્ષેપોનું... બસ, આ જ ક્રમમાં.. અવતરણ થતું.

ગાજવીજ પછી વરસાદ પડે જ ને ? તેમ બીનાના કંઠેથીથી.. ના, ના... અંગેઅંગથી જાણે કે રુદન-ધારા જ વરસતી જાણે. એવામાં મામા કે મામીનો ચંચુપાત થતો ને ‘વરસાદ’ પછીની શીતલતાને સુગંધસભર તાજગી ફેલાઈ જતી.

ગરજ પ્રેરિત સ્વાર્થવશ કે ‘નમાઈ દીકરીને હું નહિ ઘડું તો બીજું/બીજી કોણ ઘડાશે?’ના ઉમદા વિચારથી બીના રસોઈકામ તેમજ બીજી ગૃહસંચાલનની બાબતોમાં કુશળતા પામતી ગઈ.

લલિત જ્યારે જ્યારે બીનાને મળતો, ખાસ તો મામી સાથે હોય ત્યારે ‘શું શીખી? બીજું શું શું શીખી? બસ આટલું જ? આવું જ?' શું તારે મામીનું નામ બોળવું છે?' જેવાં ઠપકા-વચન ઉચ્ચારતો.

બધા જ પ્રશ્નોને ખુલાસાની પરાકાષ્ઠા બીના-રુદનથી જ આવતી. લલિતની મા ઉચ્ચારતી, "બેસ, મૂઆ... ન જોયો હોય મોટો જમાદાર ! બીના, તારે કપાળે તો કૂવા જ છે, કેમ ? કહી દે એને ચોખ્ખું કે મારું ઘરકામ નહિ ગમે. રસોઈ નાપસંદ હોય તો મને નહિ પરણતો ! તને તો કોઈ ભણેસરી પણ અણઘડ જ મળવી જોઈએ..."

ધીમેધીમે બેઉ વધુ ઠરેલ ને સમજુ બનતાં ગયાં. બાલિશ તકરારોને બદલે એકમેકને સહાયરૂપ બનવાનું વલણ વધતું ગયું. લલિતના અક્ષરો પહેલેથી જ ગડબડીયા. પહેલી લીટી સારા અક્ષરોમાં ને છેકછાક વગરની હોય. પછી લખવામાં ઉતાવળ થવાં લાગે. છેકાછેક શરૂ થઈ જાય અને ઉતાવળે તેમજ ઉપરઉપરથી જ તપાસનાર પરીક્ષકો, કોઈ અણઘડ ગૃહિણી ચપટી, મૂઠ્ઠી કે ખોબો ભરીને આશરે આશરે ગળપણ, ખટાશ કે મરચું ધમકાવી દે તેમ લલિતને જે તે વિષયોમાં પાસિંગ માર્ક્સ મળતા. કોઈ વાર તો તેનાં પેપરોમાંથી કોપી કરીને લખનારને વધારે માર્ક્સ મળતા.

અહીં બીનાની ભૂમિકા શરૂ થતી. તે સારી ‘ઈન્ડીપેન’ લાવી આપતી. સારી શાહીનો નવો ખડિયો પણ તે લાવી દેતી. મહાવરા ખાતર તે જ્યારે ઘરે ‘રાઈટીંગ પ્રેક્ટીસ' કરતો ત્યારે બીના તેનાં પર બરાબર નજર રાખતી. લલિત સમયનું ધ્યાન રાખવા એલાર્મ ક્લોક પાસે રાખતો અને બીના એ ટાઈમ-પીસ લઇને નાસી જતી. તે તેને અચૂક કહેતી. "કેમ,રનીંગ રેસમાં ઉતાર્યો છે ? કે પછી પરીક્ષકને ત્યાં પહોંચીને તારા અક્ષરો ઉકેલી આપવાનો છે?"

જો કે લલિતનાં લખાણમાં કે ટકાવારીમાં બહુ ફરક ન પડ્યો. જે ફરક પડ્યો તે બીનાની આવજામાં. અંગત દેખભાળમાં ને તે નિમિત્તે ડોકાતા તેનાં પ્રેમમાં. પ્રેમનાં સૂકામણામાં પડ્યો. તેને ક્યાંક પરણાવી દેવાની અને એ રીતે વયોવૃદ્ધને આજાર થયેલા મામાની ખટપટ વિશે લલિતને કાને વાત આવતી. પણ લલિતને થયું કે એમાં હું શું કરું ? એનાં પર મારો શું હક-અખત્યાર?

થોડાં વર્ષ લલિત ઉચ્ચ અભ્યાસમાં પડ્યો. મેડીકલમાં પ્રવેશ મળી ગયેલો અને તેનું બધું ધ્યાન, બધો સમય અભ્યાસમાં જ જતો. હા, તેના અક્ષરોમાં કોઈ ફેર ન પડ્યો તે ન જ પડ્યો. ‘ઈન્ડીપેન‘ને બદલે બોલ પોઈન્ટ પેન, જેલ પેન આવી. પણ અક્ષર એવા ને એવા જ.

ક્યારેક તેને એ રીતે બીના યાદ આવતી કે જાણે તે કહેતી ન હોય, 'હા, તું ડોકટર જ બને ને ! બીજું શું બની શકે? આવા અક્ષરો જ તો ડોક્ટરોની ખાસ લાયકાત ગણાય ને?'

એક વાર છેલ્લેછેલ્લે ગામથી માનો સંદેશો આવેલો, "તારા મામીને સિવિલ હોસ્પીટલમાં દાખલ કર્યાં છે. તું તો મામા ગુજરી ગયાં ત્યારે પણ નહિ આવેલો. મામીની ખબર કરવા ને કંઈક મદદની જરૂર હોય તો પૂછજે, મૂઆ. અત્યારથી આમ કરે છે તો ડોક્ટર થઈને ન જાણે તું કેવોક થઈ થશે?"

પરિણામે તેને સિવિલમાં જવું પડ્યું. જનરલ વોર્ડમાં તેને ખાસ્સું ભટકવું પડ્યું. માંડ મામીનો બેડ શોધીને તે નર્સ, મુલાકાતીઓ, દર્દીઓની ભીડમાંથી માર્ગ કરતોકરતો મામીનાં બેડ સુધી પહોંચ્યો ન પહોંચ્યો હશે ત્યાં તો એક વૃદ્ધ માજીએ તેને રોકીને કહ્યું, "ભાઈ... સાહેબ.... આ એક પત્તું લખી દેશો મારી દીકરીને? જલદી મનીઆર્ડર કરે. ખરચી ખૂટી ગઈ છે... લો ને ભાઈ આ 'પત્તું'ને આ પેન.... શાઈ ખલાસ થવામાં છે પણ આટલા બે શબ્દો તો લખાઈ જશે.’ લલિતને થયું કે માજીની આંખોમાં આંસુઓની કમી હતી કે રિફિલમાં શાહીની?

માજીને તેણે કહ્યું, ’થોભો, હું મારાં મામીને મળીને આવું છું.’ લલિતને લાગ્યું કે મામીની ઊંડે ઊતરી ગયેલી આંખોમાંથી મૂંગા આશિષ વરસી રહ્યાં છે. ‘ક’ કરુણા’નો પણ હોઈ શકે છે.


Rate this content
Log in