STORYMIRROR

Girish Bhatt

Others

4  

Girish Bhatt

Others

નિયમોના જંગલમાં

નિયમોના જંગલમાં

6 mins
27.9K


ડૉક્ટર ઉમા સિંઘલે બેંકના સેવિંગ્સ વિભાગમાં જઈને કહ્યું : ‘મારું નામ ડૉ. મિસિસ ઉમા સિંઘલ. આગ્રા કેન્ટોનમેન્ટની તમારી શાખામાં મારું ખાતું છે. હવે મારી અને મારા પતિની અહીં ટ્રાન્સફર થઈ છે. 18મી મેએ અમે બંનેએ ત્યાંની શાખામાં અરજી આપી છે કે, તમારી આ શાખામાં અમારા તમામ એકાઉન્ટો ટ્રાન્સફર કરે. આજે ચોથી જૂન થઈ છે. મારે મારા ખાતામાંથી પૈસા ઉપાડવા છે.’

સેવિંગ્સ વિભાગ સંભાળતા મિ. રેડ્ડીએ કલાર્કને કહ્યું : ‘દેખો તો , આગ્રાસે કોઈ એકાઉન્ટ ટ્રાન્સફર હો કે યહાં આયા હૈ?’ અડધા કલાક પછી કલાર્કે આવીને કહ્યું કે એવો કોઈ એકાઉન્ટ અહીં ટ્રાન્સફર થઈને આવ્યો નથી. ડૉ. ઉમા સિંઘલે કહ્યું :
‘રીકરીંગ એકાઉન્ટની કાર્યવાહી સંભાળો છો?’
‘ના. પણ આજે ફિક્સ્ડ ડિપોઝીટ વિભાગના અધિકારી રજા પર હોવાથી એનો ચાર્જ મારી પાસે છે….’
‘જુઓ, કદાચ ત્યાં મારા એકાઉન્ટના કાગળ આવ્યા હોય તો’ કહી ડૉક્ટરે રીકરીંગ ડિપોઝીટની પાસ-બુક તથા પૈસા ભર્યાની તમામ પહોંચવાળી સ્લીપ-બુક બતાવી કહ્યું, ‘4થી જૂનના રોજ આ એકાઉન્ટ પણ મેચ્યોર થાય છે.’ ફરી એ ડિપાર્ટમેન્ટમાં તપાસ થઈ. ત્યાં કોઈ કાગળો આવ્યા ન્હોતા.

‘સૉરી.’ મિ. રેડ્ડીએ કહ્યું.
‘તો શું કરીશું?’
‘એકાઉન્ટ ટ્રાન્સફર થઈને ન આવે ત્યાં સુધી કશું ન થઈ શકે.’ ઉદાસીન વર્તણૂક દાખવી એ પોતાના કામમાં પરોવાયા.
‘એકાઉન્ટ ટ્રાન્સફર થઈ ક્યારે આવે?’
‘એ હું કેમ કહી શકું? એ શાખાના મેનેજર જ્યારે મોકલાવે અને જ્યારે અહીં આવે તે પછી જ તમારું ખાતું અહીં ખોલાય.’
‘પણ મારે તાત્કાલિક પૈસાની જરૂર છે. અમે આ શહેરમાં નવા છીએ. મારો તથા મારા પતિનો પગાર અમારી અહીંની ઓફિસે ચૂકવવો એવો હજુ સુધી કાગળ પણ અમારી આગ્રાની ઓફિસેથી આવ્યો નથી, એટલે પૈસાની અમને ખૂબ જરૂર છે.’
‘આઈ કાન્ટ હેલ્પ યુ.’
‘જુઓ, આ રીકરીંગ એકાઉન્ટની પાસ-બુક તથા કાઉન્ટર ફોઈલ્સ તા.4થી જૂનના રોજ એ ડિપોઝીટ મેચ્યોર થાય છે. આજે 4થી જૂન છે. તમે આ કાઉન્ટર ફોઈલ્સ જુઓ. દર મહિનાની પહેલી-બીજી તારીખ સુધીમાં પૈસા જમા કરાવ્યા છે.’
‘કરાવ્યા હશે. પણ તમે એ બધું મને શું કામ કહો છો ?’
‘જુઓ મિ. રેડ્ડી, મને પૈસાની ખૂબ જ જરૂર છે. મારો સેવિંગ્સ એકાઉન્ટ અહીં ટ્રાન્સફર થાય ત્યાં સુધીમાં આ રીકરીંગ એકાઉન્ટમાંથી મને પૈસા આપો. મને ખૂબ જ જરૂર છે.’
‘સૉરી, એ રીતે પૈસા ન આપી શકાય.’
‘બીજો કોઈ રસ્તો નથી?’
‘ના.’
‘હું તમારા મેનેજરને મળી શકું ?’
‘ખુશીથી મળો. પણ એથી કંઈ વળશે નહીં.’

ડૉ. ઉમા સિંઘલ મેનેજરને મળ્યાં. એની વાત સાંભળી એણે મિ. રેડ્ડીને બોલાવ્યા. મિ. રેડ્ડીએ બધા નિયમો ટાંકીને કહ્યું : ‘આ રીતે આપણાથી પૈસા આપી ન શકાય.’ મેનેજરે રેડ્ડીનું વાક્ય દોહરાવ્યું, ‘આ રીતે અમારાથી પેમેન્ટ ન થઈ શકે.’
‘તમે આગ્રા ફોન કરી પૂછાવી જુઓ – એટ માય કોસ્ટ. મારા ખર્ચે.’
‘એવી રીતે ફોન કરીને ટેલિફોન પર અમે સૂચના ન લઈ શકીએ.’ મેનેજર બોલે તે પહેલાં જ મિ. રેડ્ડી બોલી ઊઠ્યા. એણે બેંકના નિયમોનો એમની સામે ઢગલો કરી દીધો.
‘તો પછી મારે કરવું શું?’
‘તમે બધી વિગતો સહિત એક અરજી આપો. તે અરજી પર આધારિત અમે આગ્રા બ્રાંચને કાગળ લખીએ, તમે દસ-પંદર દિવસ પછી અમારો કોન્ટેકટ કરો.’
‘મને જલદી પૈસા મળી શકે એવો કોઈ બીજો ઉપાય નથી ?’
‘નહિ.’ રેડ્ડીએ મેનેજર વતી જવાબ આપી દીધો. એ હવે આવા ચીટકુ ઘરાકથી નારાજ થઈ ગયા હતા. પોતે બેંકના બધા નિયમોના જાણકાર હોવા છતાં આ બાઈ મને બેંકીંગ શીખવાડે છે, એવું રેડ્ડીના મનમાં ઠસી ગયું. મેનેજર પણ મિ. રેડ્ડીના પક્ષમાં જઈ બેઠાં.

ડૉ. મિસિસ ઉમા સિંઘલને તે દિવસે પૈસા ન મળ્યા તે ન જ મળ્યા. બે દિવસ પછી આગ્રાથી એનો એકાઉન્ટ ટ્રાન્સફર થઈને આવી ગયો છતાં રેડ્ડીએ ફોન કરી ડૉક્ટરને જણાવ્યું નહિ. એણે પત્ર દ્વારા જ કલાયન્ટને જણાવવાનું મુનાસીબ માન્યું. છઠ્ઠે દિવસે ડૉક્ટરને એ પત્ર મળ્યો ત્યાં સુધીમાં એમના પગારનો પત્ર આવી જતાં એમની ઑફિસે એમને પગાર ચૂકવી દીધો હોવાથી એમને પૈસાની જરૂર રહી નહિ.

ડૉ. મિસિસ ઉમા સિંઘલ મિલિટરી કેમ્પના ડૉક્ટર હતાં. એમના પતિ મિલિટરી કેમ્પના ઉચ્ચ વહીવટી અધિકારી હતા. એમની આ શહેરમાં બદલી થવાથી ડૉ. ઉમા પણ અહીં બદલી પામીને આવ્યાં હતાં. એમને મિ. રેડ્ડીના વર્તાવથી ખૂબ જ દુઃખ થયું હતું. મિલિટરી કેમ્પમાં ડૉક્ટરનો હોદ્દો ઉચ્ચ સરકારી અધિકારી જેવો ગણાય છે. આ હોદ્દાની કે એની પ્રતિષ્ઠાની પણ મિ. રેડ્ડીએ પરવા ન કરી અને જે વર્તાવ કર્યો એનાથી એમને ખૂબ જ દુઃખ થયું. એમણે પોતાનો એકાઉન્ટ બીજી બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધો.

આ વાતને દોઢેક વર્ષ થઈ ગયું. ડૉ. ઉમા સિંઘલ આ વાતને ભૂલી ગયા હતા. ત્યાં રાત્રે પોણા બે વાગે જ્યારે એમના કવાર્ટરની બેલ વાગી ત્યારે એમના પતિ મેજર સિંઘલે બારણું ખોલ્યું. બારણું ખોલતાં જ આગંતૂકે કહ્યું : ‘સર, મારા મધરને હાર્ટ-એટેક આવ્યો હોય એમ લાગે છે. કૃપા કરી તમારા ડૉકટર પત્નીને ઉઠાડશો? હું સ્કૂટર લઈને તેડવા આવ્યો છું. પાછો મૂકી જઈશ.’ મેજરને દયા આવી. એણે પત્નીને ઉઠાડી બધી વાત કરી. ડૉ. ઉમા સિંઘલ તુરત જ કપડાં બદલી, બેગ લઈ બહાર આવ્યાં. મેજર સિંઘલે પોતાની કાર ગેરેજમાંથી બહાર કાઢી અને દોઢેક કિલોમીટર દૂર આવેલા આગંતૂકને ઘેર ગયા. એમણે જ્યારે પંચાવન વર્ષના મિસિસ રેડ્ડીનો ઈલાજ કર્યો ત્યારે એમણે મિ. રેડ્ડીને કહ્યું :
‘થેંક ગોડ, તમે તાત્કાલિક આવ્યા. પંદર-વીસ મિનિટ મોડું થયું હોત તો કેસ ખલાસ થઈ ગયો હોત. તમે હવે એક કામ કરો. મારે ઘેર આવી તમે થોડી ટીકડીઓ લઈ જાઓ. દર બે કલાકે વારાફરતી ટીકડીઓ આપજો. અત્યારે મધરાતે કોઈ મેડિકલ સ્ટોર ખુલ્લો નહિ હોય, એટલે મારે ઘેરથી દવા આપું છું.’ મિ. રેડ્ડીએ ડૉ. ઉમા સિંઘલને ઘેર જઈ દવાની ટીકડીઓ અને સૂચનાઓ મેળવી. પછી ગજવામાંથી પાકિટ કાઢી એમણે ડૉક્ટર સામે પૈસા ધર્યા. ડૉ. ઉમા સિંઘલે હસીને પૈસા લેવાની ના પાડી અને કહ્યું :
‘મિ. રેડ્ડી, આ દવાના પૈસા હું લઈ શકું નહિ અને મિલિટરી હોસ્પિટલના કાયદા પ્રમાણે મિલિટરી કેમ્પની વ્યક્તિ સિવાય કોઈને આ દવાઓ મારાથી આપી જ ન શકાય. આ દવાઓ કેમ્પની બહાર જાય એ ગુનો બને છે. બીજું, આ રીતે હું તમારે ત્યાં આવી અને એક પ્રાઈવેટ પેશન્ટને તપાસ્યા એટલે નિયમ પ્રમાણે મેં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરી ગણાય અને માત્ર આ જ કેસના આધારે મને સર્વિસમાંથી ડિસમિસ પણ કરી શકાય.’

‘પણ મેડમ, રાત્રે કોઈ બીજા ડૉક્ટર આવવા તૈયાર ન હતા. મારા મધરની કન્ડિશન એવી નહોતી કે હું એમને કોઈ વાહનમાં હોસ્પિટલમાં લઈ જઈ શકું. રાત્રે ડૉક્ટર મેળવવાના ખૂબ ફાંફાં માર્યા પછી અહીં તમારી પાસે આવ્યો છું.’
‘સારું થયું કે તમે અહીં આવ્યા. જો મોડું થયું હોત તો મિ. રેડ્ડી, તમે તમારા મધર ગુમાવી બેઠાં હોત. આ મેસીવ હાર્ટ-એટેક હતો. કાલે તમારા ફેમિલી ડૉક્ટરને કહીને કે પછી હોસ્પિટલનો કેન્ટેકટ કરી તમારા મધરને ત્યાં અઠવાડિયું ચેકઅપ માટે રાખજો. તમારે રાત્રે હવે ચિંતા કરવાની જરૂર નથી, પણ કાલે કાર્ડિયોગ્રામ લેવરાવી, કોલેસ્ટરલ અને બી.પી. ચેક કરાવી લેજો. ઓ.કે.?’
‘થેંક્યુ ડૉક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર.’
‘ઈટ્સ ઓલ રાઈટ.’
‘સૉરી ડૉક્ટર, એકાદ વર્ષ પહેલાં તમે મારી બેંકમાં પૈસા લેવા આવ્યાં ત્યારે હું તમને મદદ ન કરી શક્યો.’

હવે ડૉક્ટરે ચોપડાવ્યું :
‘જુઓ મિ. રેડ્ડી, તમે ધારતા તો એ વખતે તમે મને બધી મદદ કરી શક્યા હોત. આગ્રાની તમારી બેંકની શાખાનો મેનેજર મારા સગામાં છે. એમની પાસેથી વારંવાર હું બેંકના નિયમો જાણી આવું છું. તમે તે દિવસે ફોન કરી ટેલિગ્રાફથી પૈસા ટ્રાન્સફર કરાવી મને આપી શક્યા હોત અથવા તમારા મેનેજરને એમની સત્તાની રૂએ મારા કાઉન્ટર ફોઈલ્સ પરથી મને ચૂકવણી કરાવી શક્યા હોત પણ હું મિલિટરી કેમ્પની ડૉક્ટર છું. શિસ્તમાં જ અમે ઊછર્યાં છીએ એટલે તમારી સાથે વધુ ચર્ચા કર્યા વિના હું બેંકમાંથી બહાર નીકળી ગઈ હતી. તમે એ દિવસે તમારા બેંકીંગ નિયમો જ મારી સામે આગળ ધરતા જતા હતા. ધારો કે, મેં પણ આવા જ મિલિટરીના નિયમો તમારી સામે ધર્યા હોત તો તમારી માતા અત્યારે જીવતી રહી શકી હોત? નિયમો શિસ્ત માટે છે. આપણે કશું મનમાન્યું કે અણછાજતું ન કરી શકીએ એટલા માટે નિયમો બનાવ્યા છે. નિયમો માર્ગદર્શન અને મદદ માટે છે પણ એને ચુસ્ત રીતે વળગી રહેવાથી કે જડપણે અમલ કરવાથી કેવી કેવી મુશ્કેલીઓ સર્જાય એ તમે જોયું ને? એની હાઉ, અત્યારે એની ચર્ચા કરવાનો અર્થ નથી. અત્યારે ઘેર જઈ તમારી માતાને આ કેપ્સ્યુલ આપી દેજો….’

મિ. રેડ્ડી ઘેર આવ્યા. માતાને કેપ્સ્યુલ આપી આખી રાત જાગતા બેઠાં રહ્યાં. બીજા બે કલાક પછી બીજી ટીકડી આપી અને કૉફી બનાવી જાગરણની તૈયારીઓ આરંભી. આ ચાર કલાકનો ઉજાગરો મિ. રેડ્ડી માટે આશીર્વાદ રૂપ બન્યો. ડૉ. ઉમા સિંઘલે નિયમોની જે વાત કરી એ મનમાં ઘોળતા રહ્યા.

‘…. આજે આ ઉચ્ચ હોદ્દાનું પ્રમોશન મને મળ્યું છે ને તમે મને જે બહુમાન આપો છો ત્યારે આ પ્રસંગ કહ્યા વિના હું રહી શકતો નથી.’ ડેપ્યુટી જનરલ મેનેજર મિ. રેડ્ડી સ્ટાફને સંબોધી રહ્યા હતા, ‘ડૉક્ટર ઉમા સિંઘલની જેમ મારે પણ તમને કહેવાનું છે કે નિયમો આપણને માર્ગદર્શન આપે છે, શિસ્તમાં રાખે છે. ક્યારેય એને જડની જેમ વળગી રહેશો નહિ. કદાચ હું ન્હોતો વળગી રહ્યો એટલે આ ખુરશી પર આવ્યો છું, એમ મારું માનવું છે…


Rate this content
Log in