Nijasth Bhimajiyani

Others

4.5  

Nijasth Bhimajiyani

Others

નિરવ અને નિશા - ઇમોશન્સ અને પ્રેમ

નિરવ અને નિશા - ઇમોશન્સ અને પ્રેમ

9 mins
23.5K


વહેલી સવારે ઊઠીને સૌથી પહેલાં જિમ જવાનું, આવી ને તરત જ ગ્રીન ટી પીવાની, પછી ફ્રેશ થઈ, ફ્રૂટ જ્યુસ અને થોડો નાસ્તો કરી પોતાના બિઝનેસ પર પહોંચી જવાનું. હોસ્પિટલ માટે વ્હીલચેર મેન્યુફેક્ચરિંગનો એનો બિઝનેસ હતો. ફરી સાંજે આવી ને અડધો કલાક બેડમિન્ટન, પછી જિમ અને થોડી વાર મેડીટેશન. રાત્રે સૂતા પહેલા પોતાના મિત્રોનું લીસ્ટ જોઈ અને અવશ્ય બે થી ત્રણ મિત્રો ને ફોન કરી દેવાનો...! સમયસર સૂઈ જવાનું અને વેહલી સવારે ઉઠી જવાનું. નિરવ માટે આ નિત્યક્રમ હતો પરંતુ એના મિત્રો એને જોઈને કહેતા 'વાહ, લાઇફ હોય તો નિરવ જેવી...!'

પૈસાની કઈ કમી ન હતી, દેખાવ માં પણ એકદમ સ્માર્ટ, વળી જિમ અને મેડિટેશન કરતો હોવાથી શરીર પણ એકદમ કસાયેલું હતું. સ્વભાવનો પણ સારો. કોલેજના સમયમાં તો છોકરીઓ એને જોઈ પાગલ થતી પરંતુ નિરવનું વિઝન એકદમ સ્પષ્ટ હતું કે ભણીગણીને બિઝનેસ કરવો અને એ માટે એણે પોતાની જાતને ક્યારે પણ ડિસ્ટ્રેક્ટ ન'તી થવા દીધી. નિરવની અંદર એક અદ્ભુત થનગનાટ હતો, જાણે એક છલાંગ મારે ને મસમોટા પહાડો કૂદી જાય, એ ક્યારે થાકતો નહિ, બિલકુલ રણવીર સિંહ ની જેમ જ...! ઉત્સાહ અને આત્મવિશ્વાસ જો આ બે વસ્તુ વ્યક્તિને સાથે મળી જાય તો એ જીવનમાં ક્યાંય અટકે નહિ...! નિરવને ઈશ્વરે આ બંને વસ્તુ આપી હતી. બસ એક જ તકલીફ હતી કે એ ખૂબ જ ઈમોશનલ હતો અને કયારેક કોઈ કોઈ એના આ ઇમોશનનો ફાયદો ઉઠાવી જતાં.

પિતાના અવસાન બાદ, ખૂબ નાની ઉંમરે જ એનામાં ઘણી પરિપક્વતા આવી ગઈ હતી. વળી એકનો એક સંતાન એટલે ઘરની જવાબદારી પણ આવી ગઈ. આજથી પચાસ વર્ષ પહેલા એના પિતાએ લવ મેરેજ કર્યા હતા એ વાત થી નારાજ એમના પરિવારો એ તેમની સાથે કાયમનો નાતો તોડી દીધો હતો. નિરવ પોતાની મહેનત અને લગનથી આજે એક પાવરફુલ બિઝનેસમેન બન્યો હતો અને સાથે સાથે મોસ્ટ એલિજિબલ બેચલર પણ બની ગયો હતો...! પોતાની મમ્મી સાથે એક સુંદર બંગલામાં પોતાના જીવનના ખૂબ સારા દિવસો પસાર કરતો હતો.

નિરવ પોતાને મળેલા સૌથી પહેલા ઓર્ડરને યાદ કરી રહ્યો હતો, શું મહેનત કરી હતી, સતત બે દિવસ અને રાત જાગીને પ્રેઝન્ટેશન બનાવ્યું હતું, કેટલુંય નેગોશિયેશન કર્યા બાદ આખરે એને એકસો પચાસ વ્હીલચેર બનાવાનો પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો હતો...! એ દિવસથી લઇ આજ સુધી એણે ક્યારેય પાછું વળીને નથી જોયું. એ મનોમન જ મુસ્કુરાઈ રહ્યો હતો અને એવામાં જ ઘરના નોકર રાજુએ રૂમની બેલ વગાડી, નિરવની નિંદ ઉડી ગઈ, પોતાના ભૂતકાળની યાદમાંથી એ વર્તમાનમાં પ્રવેશ્યો. રાજુએ એને બેડ પરથી ઉંચકીને બાજુમાં પડેલી વ્હીલચેર પર બેસાડ્યો...! પછી એને લઈ જઈ બ્રશ કરાવ્યું, ચા અને નાસ્તો કરાવ્યો. એના કપડા ચેન્જ કરાવ્યા અને ગાર્ડનમાં લઈ ગયો. હવે આ જ નિરવનો રૂટિન હતો. દોઢ વર્ષ પહેલાએ જ્યારે એની મમ્મી સાથે મુંબઈ હાઇવે પર જઈ રહ્યો ત્યારે એક ટ્રક સાથે એક્સીડન્ટ થયું, બંને ગંભીર રીતે ઘાયલ થયા, લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. સદનસીબે નિરવને એર બેગ ખુલી જતા વધારે ઇંજરી ન થઈ પરંતુ એની મમ્મીને ગંભીર ઇજા થતાં એ મૃત્યુ પામ્યા...! નિરવ જ્યારે બે દિવસ પછી ભાનમાં આવ્યો ત્યારે ખૂબ રડ્યો. એ દિવસે મમ્મીએ એને ઘણું કહ્યું હતું કે આજે વરસાદ છે નથી જવું, પરંતુ નિરવે કહ્યું, 'મમ્મી હું કઈ પહેલી વાર વરસાદમાં નથી ડ્રાઈવ કરી રહ્યો, ડોન્ટ વરી'. શાયદ એને મમ્મીની વાત માની હોત તો આજે તે એની સાથે બેઠી હોત...!

નિરવ જ્યારે પણ એની મમ્મીના આ છેલ્લા શબ્દોને યાદ કરતો ત્યારે દડ દડ દડ એની આંખમાંથી આંસુની ધાર છૂટી જતી. એને સતત અફસોસ થયા કરતો કે જે કંઈ પણ થયું એ એના લીધે જ થયું છે.

નિરવની મમ્મી રોજ સાંજે શ્રીનાથજીની આરતી બોલતી, એનો અવાજ ખૂબ સુંદર હતો, નિરવ એ અવાજ માં એવો તો ખોવાઈ જતો કે મમ્મીનાં ખોળામાં માથું મૂકી ને સૂઈ જતો. પછી તરત જ મમ્મી અને માથામાં ટપાલી મારીને જગાડતી ને કહેતી કે 'સંધ્યા ટાઈમે ના સૂવાય, ચાલ ઉઠ...!' હવે રોજ સાંજે જ્યારે એના ઘરની બાજુમાં આવેલા મંદિરમાં આરતી થતી ત્યારે નિરવ એની મમ્મીના ફોટા સામે વ્હીલચેર પર બેસી ને જોયા જ કરતો. જાણે મનોમન જ એ કંઇક વાતો કરતો હતો મમ્મી સાથે, કે પછી શાયદ માફી માફી માગતો હતો, એની વાત ના માનવા બદલ...!

નિરવની મમ્મીએ એને ઘણો સમજાવ્યો હતો કે બેટા હવે લગન કરી લે, પરંતુ નિરવ હંમેશા કહેતો કે મમ્મી હમણાં નઈ, મને થોડો સમય જોઈએ છે. ખરેખર તો એ લગ્ન કરવાથી ખૂબ ડરતો હતો. એને ડર હતો કે જો એની વાઈફ એના મમ્મીને નહિ સાચવે તો...! અલગ રહેવાનું કહેશે તો...! મમ્મીને ઉંચા અવાજે બોલશે તો...! આ ડર એને લગ્ન માટે તૈયાર જ નહોતો થવા દેતો. ક્યારેક મમ્મી તેને મજાકમાં કહેતી કે, "કાલ હું નઈ હોવ તો સવારે તને ગ્રીન ટી બનાવી દેવા માટે કોઈક તો જોશે ને" પણ નિરવ તરત જ મમ્મી ના મોઠે હાથ મૂકી દેતો અને ઢીલો પડી જતો. 'મમ્મી આવું ના બોલ. પપ્પાના ગયા પછી તું એક જ છે મારી સાથે, તું જ મારા માટે ઈશ્વર છે, હું તને ક્યાંય નઈ જવા દવ' અને જોરથી તે મમ્મીને હગ કરી લેતો.

આમ તો નિરવ સારીરીતે રિકવર થઈ શક્યો હોત, પરંતુ એના ઓવર ઇમોશન્સને કારણે એને મમ્મીનાં મૃત્યુ માટે સતત પોતાની જાતને જ જવાબદાર ગણાવતો રહ્યો. પરિણામે તેના પર દવાની અસર થવાની પણ બંદ થઈ ગઈ. એના મિત્રોએ એને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ એના ઇમોશન્સમાંથી બહાર આવાને બદલે વધારે જ ડૂબતો જતો હતો. અને આમ જ એક દિવસ એને રાત ના બે વાગ્યે પરેલીસિસનો એટેક આવ્યો. બસ ત્યારથી લઇ એ આ વ્હીલચેર પર જ જીવન જીવે છે. વ્હીલચેર અને વફાદાર નોકર રાજુ આ બે જ એના જીવનનો સહારો હતા. બિઝનેસ તો ત્યારથી જ બંધ છે. નિરવએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે પોતે જે પ્રોડક્ટનું મેન્યુફેકચરીંગ કરે છે એની જરૂરિયાત એને પોતાને જ એક દિવસ પડશે....!

લાગણી નો અતિરેક ખૂબ જ ભયંકર છે. તમારાથી અજાણતા જ થયેલી ભૂલ માટે તમે તમારી જાતને એકાદ વાર જવાબદાર ઠેરવી શકો પરંતુ એ માટે પૂરી જિંદગી અફસોસ કરવાનો કોઈ મતલબ નથી કારણ કે ઘણી વાર તમે માત્ર નિમિત્ત હોવ છો, બાકી ઈશ્વરનો પ્લાન હોય એ જ થતું હોય છે.

આજે પણ એના મિત્રો, એના ટીચર્સ એને મળવા આવતા ત્યારે વિશ્વાસ નહતા કરી શકતા કે, એકદમ સ્માર્ટ, હેલ્ધી, સક્સેસ ફૂલ નિરવની આજે આ હાલત છે. એના ફ્રેન્ડ્સ એને સાંજે ક્યારેક ક્યારેક મળવા આવતા, થોડી વાર તેની સાથે બેસતા અને ચાલ્યા જતાં. બસ પછી તો એ જ વ્હીલચેર અને રાજુ ના ભરોસે નિરવની જિંદગી જીવાતી હતી.

નિરવને ખરેખર જરૂર હતી, એક એવી વ્યક્તિની જે તેને હૂફ આપી શકે, મમ્મીનાં ગયા પછી કોઈએ એના માથે ક્યારે હાથ નથી ફેરવ્યો, તેની આંગળીમાં આંગળી નાખીને એના કપાળ પર કોઈ એ ચુંબન નથી આપ્યું. નિરવને માગવાની આદત નથી. એણે ક્યારેય રાજુને માથામાં તેલ નાખવા પણ નથી કહ્યું.

બે વરસ થવા આવ્યા હતા નિરવની આ પરિસ્થિતિને. એક દિવસ એ જ્યારે પોતાની વ્હીલચેર પર બેઠો હતો એવા માં એના ફોનની રીંગ વાગી, રાજુએ ફોન ઉપાડ્યો. સામેથી એક ફિમેલનો અવાજ આવ્યો,

'હેલો, નિરવ?'

'રાજુ વાત કરું છું, એમનો સર્વંટ. તમે કોણ?'

'હું, નિશા વાત કરું છું, નિરવની કોલેજ ફ્રેન્ડ. નિરવ સાથે વાત થઈ શકે?'

રાજુએ ફોન સ્પીકર પર કર્યો અને નિરવની પાસે ગયો

'હેલો નિર, હું નિશા વાત કરું છું, હું ઇન્ડિયા આવી ગઈ છું. તને મળવા માગું છું, સાંજે મળી શકીએ?'

નિરવને પહેલા તો કંઈ સમજાયું નહિ કે કોણ નિશા, પછી યાદ આવ્યું એના અવાજ અને લેહકા પરથી, એ હંમેશા નિરવ ને નિર કહી ને જ બોલાવતી.

'હાય નિશા, યસ વિ કેન મીટ'

નિશા નિરવની કોલેજ ફ્રેન્ડ હતી. નિરવ પર પાગલ થનારી ઘણી બધી છોકરીઓમાં નિશા પણ એક હતી, પરંતુ નિશા થોડી અલગ હતી, એ નિરવ સાથે પૂરી જિંદગી પસાર કરવા માગતી હતી, નિરવના હરેક સુખ દુઃખ માં સાથ આપવાએ તૈયાર હતી. નિરવને પણ તે ગમતી પરંતુ પોતાની જવાબદારી અને ડરને કારણે એણે ક્યારે પણ નિશા સાથે સબંધ આગળ વધારવાનો વિચાર ના કર્યો. નિશા વેલેન્ટાઈન ડે ના દિવસે જ એને પ્રપોઝ કરવાની હતી, પરંતુ એ પહેલા જ એની મોટી બહેને તેના ઓફિસના જ કલીગ સાથે ભાગીને લગન કરી લીધા, ઘરનું વાતાવરણ એટલું તંગ થઈ ગયું કે નિશા હિંમત જ ના કરી શકી, નિરવ ને પ્રપોઝ કરવાની. પછીના વરસે, તે જર્મની ચાલી ગઈ, ડોક્ટરનો અભ્યાસ કરવા. ત્યાર પછી કોલેજના કોઈ મિત્ર સાથે તેના કઈ ખાસ કોન્ટેક્ટ ન રહ્યા. આજે ચાર વરસ પછી એ જ્યારે ઇન્ડિયા પછી આવી તો એને નિરવની હાલત વિશે ખબર પડી, તરત જ એણે નિરવ નો નંબર મેળવ્યો અને કોન્ટેક્ટ કર્યો.

બીજી તરફ, આટલા વર્ષો બાદ નિશાનો ફોન આવતા, નિરવ અંદરથી ખુશ હતો, જાણે કોઈ પોતાનાએ એને યાદ કર્યો હોય તેવું એને લાગ્યું. બપોરના ચાર વાગ્યાથી એ નિશાના આવાની રાહ જોઈ રહ્યો હતો.

સાંજે છ વાગે નિશા આવી, એ આજે પણ એટલી જ સુંદર લાગતી હતી, જાણે ચાર વરસમાં એની ઉંમર જ ના વધી હોય.

'હાય નિરવ, હાઉ આર યુ?'

'બસ જો, બેઠો છું, આ વ્હીલચેર પર' નિરવે સ્મિત કરી જવાબ આપ્યો. આ સ્મિત લગભગ બે વરસથી ખોવાઈ ગયું હતું તે આજે પાછું આવ્યું. નિશાને નિરવની આ હાલત જોઈ ખૂબ દુઃખ થયું.

બંને એ ખૂબ વાતો કરી, એ દિવસે ફરી પાછી નિરવે નિશા સાથે ગ્રીન ટી પીધી...!

નિશા હવે હરરોજ નિરવ ને મળવા આવા લાગી, નિરવ હવે ભૂતકાળમાંથી બહાર આવા લાગ્યો હતો છતાં એ પોતાને સંપૂર્ણ રીતે માફ ન'તો કરી શકતો. એક દિવસ એણે નિશાને આ વિશે વાત કરી,

'નિશા, તને પણ એમ જ લાગે છે કે મારા મમ્મી ના ડેથ માટે હું જ જવાબદાર છું?'

'ના, જરા પણ નહિ. આપણે ઈશ્વરની કતપૂતળી માત્ર છીએ.જે પણ થાય છે કે આપણે જે પણ કરીએ છીએ એ ઈશ્વરની ઈચ્છા માત્રથી જ થાય છે'

'પણ ત્યારે જો મે મમ્મી ની વાત માની હોત તો એ આજે શાયદ તે મારી સાથે હોત'

'નિર, એવું તને લાગે છે પરંતુ એમાં તારો કઈ જ વાંક નથી, તારું બહાર જવું, વરસાદ આવવો, ટ્રક ડ્રાઈવરનું બેલેન્સ જવું આ બધું જ નિયતિનો હિસાબ છે. જો નિર, તે તારા બે વરસ માત્ર તારી જાતને જ જવાબદાર ઠેરવીને વિતાવ્યા છે, તું શું હતો અને આજે શું છે? તને લાગે છે કે તારી મમ્મી તારી આ હાલત જોઈને ખુશ હશે? એને તારો હસમુખ ચેહરો જોવો છે નિર, એને તારા ઉત્સાહ, તારી મહેનત પર ખૂબ ગર્વ છે. અને આમ ને આમ તું ક્યાં સુધી જીવીશ, આમાંથી બહાર નિકળ અને ફરી તરો બીઝનેસ શરૂ કર'

નિરવને નિશાની વાત અંદર સુધી ઉતરી ગઈ. એ થોડો વધારે સ્વસ્થ થયો.

'પરંતુ નિશા, હવે મેડિકલ ફિલ્ડમાં ઘણા પરિવર્તન આવી ગયા છે, હવે મારી કંપનીની વ્હીલચેર કોણ ખરીદશે? મને એડવાન્સ ટેકનોલોજી સમજવી પડશે, આ બધું હું મારી આ પરિસ્થિતિ સાથે કેમ કરીશ?'

નિશા નિરવની થોડી વધારે નજીક આવી, એના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, 'નિર હું મુંબઈમાં જ જોબ સર્ચ કરી રહી છું, જો તું ચાહે તો મને તારી કંપની માં જોબ આપી શકે છે, હું ડોક્ટર હોવાને નાતે એમની રિકવાયારમેન્ટ સારી રીતે સમજી શકું છું'

નિરવ હવે પોતાની જાતને રોકી ના શક્યો. આજે પેલી વાર એને હિંમત કરી અને નિશા ને કહ્યું, 'જોબ નહિ, હું તને પાર્ટનરશીપ ઓફર કરવા માંગુ છું, પચાસ ટકા. બોલ બનીશ પાર્ટનર?'

નિશા પહેલા તો કંઈ સમજી નહિ, 'નિર તારા બિઝનેસમાં હું ડાયરેક્ટ પાર્ટનર તરીકે??'

'નિશા, હું બિઝનેસ પાર્ટનર નહિ, લાઇફ પાર્ટનર માટે વાત કરું છું! બનીશ મારી લાઇફ પાર્ટનર? સુખ અને દુઃખ બંને પચાસ પચાસ ટકાના આપણે ભાગીદાર. બોલ મંજૂર છે તને??'

નિશા એક સેકંડ માટે જાણે હ્યદય નો ધબકાર ચૂકી ગઈ, એની ખુશીનો પાર ના રહ્યો, જાણે એને બધું જ મળી ગયું, એ જોરથી નિરવને વ્હીલચેર પર જ ગળે વળગી પડી...!

બસ પછી તો શું, સવારથી નિશા આવી જાય ઘરે, દવા લેવડાવે, ગ્રીન ટી પીવડાવે, એને થોડું હસાવે, નીરવને ભાવતી રસોઈ બનાવવામાં રાજુને થોડી મદદ કરે, સાથે સાથે, એ પોતે કંપની પર જાય, નિરવની સલાહ અને પોતાની આવડત પ્રમાણે ફરી મેન્યુફેક્ચરિંગ યુનિટ બેઠું કર્યું. લગભગ છએક મહિના પછી દવા અને પ્રેમ ની અસરથી નિરવ સ્વસ્થ થવા લાગ્યો, ધીમે ધીમે વ્હીલચેર છોડી ચાલવા લાગ્યો. બીજા છએક મહિના પછી બંને એ મેરેજ કર્યા. ખોવાયેલો નિરવ આજે ફરી બેઠો થયો, પોતાની કંપની પર આવતો થયો. હા, સાંજે અચૂક એ શ્રીનાથજીની આરતી વગાડતો એને મમ્મીનાં ફોટો સામે જોઈ ને મનોમન વાતો કરતો, શાયદ હવે એ માફી નહોતો માંગતો પરંતુ જાણે કહેતો કે 'જો મમ્મી મારી ચિંતા ના કરજે, મને રોજ ગ્રીન ટી પીવડાવનાર હવે આવી ગઈ છે...!'

પ્રેમમાં ખરેખર અદ્ભુત શક્તિ છે, માણસ પૈસાના સહારે ટકી શકે છે પરંતુ જીવવા માટે તો પ્રેમ જ જોઈએ. જ્યારે આપણને સમજનાર કોઈક મળી જાય ત્યારે જીવનના મોટા મોટા આઘાતને પણ સહન કરવાની એક અદ્ભુત શક્તિ આપણામાં આવી જાય છે. સુકાયેલ પુષ્પને પણ નવપલ્લવિત કરી શકે એ પ્રેમ.


Rate this content
Log in

More gujarati story from Nijasth Bhimajiyani