મસ્તીખોર છોકરો
મસ્તીખોર છોકરો
એક નાનકડું સુંદર ગામ હતું. તે ગામમાં એક નાનકડી સુંદર મજાની પ્રાથમિક શાળા હતી. આ શાળામાં અનેક બાળકો ભણતા હતા. આ શાળાના શિક્ષકો ખુબ જ મહેનતુ અને પ્રેમાળ હતા. તેઓ બાળકોને ખુબ પ્રેમ કરતાં હતા. આ શિક્ષકોમાં એક મોહનભાઈ નામના શિક્ષક હતા. તે ખુબ જ પ્રેમાળ અને હસમુખા હતા. શાળા બધા જ બાળકોને મોહન સર ખુબ જ ગમતા હતા.
હવે એક વખત આ મોહનભાઈ સાહેબનો જન્મદિવસ આવ્યો. એટલે શાળામાં બાળકોએ સાથે મળીને મોહનભાઈ સાહેબનો જન્મદિવસ શાળામાં ઉજવવાનું નક્કી કર્યું. તેમણે ભેગા મળીને સાહેબ માટે કેક લાવવાનું ગોઠવી દીધું. અને કેક લઇ આવવાની જવાબદારી ઉમેશ નામના બાળકને આપી. હવે આ ઉમેશ ખુબ જ તોફાની અને મસ્તીખોર છોકરો હતો. તેણે મજાક કરવાની ખુબ જ ટેવ હતી. મોહન બજારમાં કેક લેવા ગયો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. તે વિચાર મસ્તી કરવાનો હતો.
તેણે બજારમાંથી કેક લઈને પેક કરવી દીધી. પછી તેણે એક મોટો ફુગ્ગો લીધો. એ ફુગ્ગામાં હવા ભરી અને પછી તેની પર કેકના જેવી ડીઝાઈન બનાવી લીધી. દુરથી જોતા એ કેક જેવી કેક જ લાગે. પણ તેની નીચે હવા ભરેલો ફુગ્ગો હતો. તે બંને કેક લઈને શાળામાં આવ્યો. ફુગ્ગાવાળી કેકને ટેબલ પર ગોઠવી દીધી. અને સાચુકલી કેક બાજુમાં સંતાડી દીધી. પછી મોહનભાઈ સાહેબ કેક કાપવા આવ્યા. તેમણે જેવી કેક કાપવા ચપ્પુ કેકને અડાડયું કે નીચે વાળો ફુગ્ગો ધડામ કરીને ફૂટ્યો. અને તેની ઉપરની કેક આજુબાજુમાં ઉડી. કેકની આજુબાજુ ઉભેલા બધાજ શિક્ષકો અને બાળકોના કપડાં કેકથી બગડી ગયાં.
બધા ઉમેશ સામે જોવા લાગ્યા ઉમેશ દુર ખૂણામાં ઉભો ઉભો હસી રહ્યો હતો. પછી તેણે સાચુકલી કેક બધાને આપી. બધા બાળકોએ ઉમેશને સાહેબની આવી મજાક કરવા બદલ ઠપકો આપ્યો. પણ પ્રેમાળ મોહનભાઈ સાહેબે તેને માફ કરી દીધો. ઉમેશે પણ ફરી ક્યારેય આવી મજાક નહિ કરે તેની ખાતરી આપી. પછી મોહનભાઈ સાહેબે સાચુકલી કેક કાપી અને બધા બાળકોએ સાથે મળીને કેક ખાધી. બધાને ખુબ જ મજા આવી ગઇ.
