STORYMIRROR

Nita Sojitra

Others

4  

Nita Sojitra

Others

મરીયમની આંખો

મરીયમની આંખો

6 mins
28.5K


પચાસ વર્ષની જૈફ વયે પહોંચેલા શેઠ નયનદાસ .નૈતિકલાલ.દેસાઈ એની વિશાળ જગ્યામાં ફેલાયેલી 'એકતા સ્કૂલ' ના પ્રાંગણમાં લાગેલા હીંચકા પર બેઠા બેઠા પોતાના ભૂતકાળને વાગોળી રહ્યા છે. જો કે છેલ્લા 20 વર્ષથી એમનો આ જ ઘટનાક્રમ રહ્યો છે. રોજ સાંજે શાળાના બગીચામાં રમતા બાળકોને જોઈને એના બત્રીસ કોઠે દિવા થતા એ વાતનો હવે હું એકમાત્ર સાક્ષી બચ્યો છું. જીવનની ઢળતી સંધ્યાએ વીતેલા વર્ષોની યાદો જ તો માણસની જણસ છે જેને યાદ કરી એ જુના દિવસો જીવે છે.     નૈતિકભાઈ દેસાઈ  સાવરકુંડલાના પ્રતિષ્ઠિત વેપારીઓ માંના એક ગણાતા. નાનપણથી જ પિતા સાથે પેઢીએ જવાની ટેવને લઈને નૈતિકભાઈ ધંધે ધાપે ખૂબ હોશિયાર, હા ભણતર પ્રત્યે પહેલેથીજ લગાવ ઓછો અને એ સમયે ભણતરનું મહત્વ પણ એવું નહિ તો નાની ઉંમરે પિતાના હાથ નીચે ઘડાયા ને જેમ કુંભાર માટીને ચાકડે ચડાવી ટપલી મારી મારીને ઘાટ ઘડે, તૈયાર થયેલું પાત્ર નિંભાડે નાખીને પકવે અને પછી રંગરોગાન કરી બજારમાં મૂકે એમ જ નૈતિકભાઈને પણ એમના પિતાએ ધંધા માટે જરૂરી ઘાટ ઘડ્યા, જુદી જુદી કસોટીઓના નિંભાડે પકવ્યા એ પછી ધંધાની આંટીઘૂંટીના રંગરોગાન કર્યા  અને પછી સંપૂર્ણ ભરોસો લાગ્યો એટલે ધંધાની બાગડોર નૈતિકભાઈને થમાવી દીધી આ તો  નૈતિકભાઈના લગ્ન પહેલાની વાત. એ પછી એમના માટે સુકન્યાની શોધ શરૂ થઈ અને અત્યન્ત ધાર્મિક અને સંસ્કારી એવી નિયંતા પર વડીલોની પસંદગીનો કળશ ઢોળાયો. આમ પણ એ સમયે મુરતિયાની પસંદગી જાણવાનો રિવાજ ન હતો. પછી તો નૈતિકનું લગ્ન લેવાયું અને નિયંતાને ઘરની જવાબદારી સોંપાઈ. નૈતિકના બાલ્યકાળમાં જ માતાનો સ્વર્ગવાસ થયેલો એટલે હવે સ્ત્રીનામે આ ઘરમાં માત્ર નિયંતા હતી. સમય પવનવેગે  ગતિ કરતો હતો અચાનક હૃદયરોગના હુમલામાં નૈતિકના બાળકને રમાડવાની ઈચ્છાઓ સાથે લઈને એમના પિતા અવસાન પામ્યા. એ પછીના એક વર્ષે નૈતિકભાઈ અને નિયંતાબહેનને ત્યાં પારણું બંધાયું અને નયન નામે પુત્રરત્ન નો જન્મ થયો પરંતુ વિધિની વક્રતા તો એ કે નયન દૃષ્ટિહીન હતો. એ પછી તો ડોકટર, વૈદ, હકીમ, દોરા-ધાગા બધુજ કર્યું પણ નયનને  દ્રષ્ટિ પાછી આવવાના કોઈ અણસાર ન હતા. હવે ધીમે ધીમે નયન પર નૈતિકભાઈને થોડો અભાવ જાગવા લાગ્યો. એ સતત કામધંધામાં વ્યસ્ત રહેવા લાગ્યા. હવે તો  નૈતિક 3 વર્ષનો થઈ ગયો હતો પણ કદાચ એની આ અંધારી જિંદગીમાં એકમાત્ર માતૃસુખ પણ ઇશ્વર જાણેકે જોઈ ન શક્યો અને બ્રેઇન હેમરેજ માં નિયંતાબહેન અવસાન પામ્યા. કાઈ જ નહીં સમજતો નયન વારંવાર માતા પાસે જવાની જીદ કરવા લાગ્યો. વિસ્તરેલો કામધંધો અને નાનપણથી જ અભાવ એટલે નૈતિકભાઈ માટે તો નયન માથાનો દુખાવો જ હતો. હવે નયન માટે એક આયાની શોધ ચાલી . ગામની પછીતે એક ઓરડીમાં રહેતી વિધવા મરિયમના કાને આ વાત આવી. પાછલી જિંદગીનો સહારો મોકલ્યો હશે ખુદાએ, એમ માની એણે નયનને સાચવવાની જવાબદારી સ્વીકારી. મરિયમ નયનને દિકરાથી વિશેષ સાચવતી પણ ક્યારેક નયન ખૂબ રડતો અને મા પાસે જવા જીદ કરતો ત્યારે મરિયમ પણ ચોધારઆંસુએ રોઈ પડતી. જો કે એણે કોઈ કમી નહતી રાખી નયનના ઉછેરમાં. સમયને વીતતા ક્યાં વાર લાગે છે... જોતજોતામાં તો નયન 13 વર્ષનો થયો, નૈતિકભાઈ હવે નૈતિકશેઠ બન્યા અને મરિયમ પણ વૃદ્ધત્વ તરફ ગતિ કરી રહી હતી પણ એણે નયનને ખૂબ સારી રીતે ઉછેર્યો, કેળવ્યો અને હોશિયાર બનાવ્યો સાથે રમવાથી લઈને એના કામ જાતે કરતો થાય એવો  તૈયાર કર્યો. પણ આ ગાળામાં એક પ્લેન અકસ્માતમાં નૈતિક શેઠ પણ મૃત્યુ પામ્યા. જો કે  એથી નયનની દુનિયા ન બદલાઈ એને કોઈ લગાવ જ ન હતો અને હોય પણ ક્યાંથી? મરિયમના આવ્યા પછીતો  નૈતિકશેઠ  ઘેર પર કામ સબબ જ આવતા અને એટલું જ રહેતા.એને નયનને જોવાની પણ મરજી ન થતી. જો કે મુનિમ નૈતિકશેઠના પિતાજીના સમયના જુના, અનુભવી  અને વફાદાર હતા એટલે એમણે ધંધો સારી રીતે સંભાળી લીધેલો.         હવે નયન પુરા 17 નો થયો હતો અને મરિયમને પણ ઘડપણ ડેલે હાથ દઈ ઉભું હતું. એક દિવસ મુનિમજી આવીને મરિયમ ને સમાચાર આપે છે કે વિદેશથી વિશ્વના શ્રેષ્ઠ eye surgen આવી રહ્યા છે  અને બસ પછીતો મરીયમની ખુશી સમાતી ન હતી. મરિયમ આમ પણ બહુ જ નેકદિલ હતી આખો દિવસ નયનની સાથે વિતાવતી એના સુખ,દુઃખ,ખુશી,આંસુ બધું જ નયન સાથે જોડાયેલું હતું. રાતે એકાંતમાં એ ઘણીવાર રોતી અને એના અલ્લાતાલાને પૂછતી કે આ નાનકડા બાળકનો શું કસૂર છે કે એને આવડી મોટી સજા.. પણ  આ સર્જન આવ્યાના સમાચાર સાંભળતા એ જાણેકે અડધી જંગ તો એમ જ જીતી ગઈ અને બાકી અડધી હતી એ ડોકટરના સ્ટેટમેન્ટે જીતાડી દીધી. એપોઇન્ટમેન્ટ લઈને મુનિમ અને નયનને સાથે લઇ  મરિયમ પહોંચી જાય છે  ડોકટર ડિસો'ઝા ને મળવા. ચેકઅપ અને બીજા રિપોર્ટ્સ અને ટેસ્ટ થાય છે. એ પછી ડોકટર મુનિમજી અને મરિયમને વાત કરે છે કે કોઈ આંખ આપવા તૈયાર થાય તો ઓપરેશન શક્ય છે અને  હવે મરિયમ આખી જંગ જીતી ગઈ. જો કે ડોક્ટરે જણાવ્યું એ વખતે મરિયમને મુખ પર લહેરાતા વિજયસ્મિતથી મુનિમ પણ આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. એ પછી તો ડોકટરની મુલાકાતો, ટેસ્ટ અને ઓપરેશન નો દિવસ નક્કી થયા ને નયનને ઓપરેશન થિયેટરમાં લઇ જાવાયો.ડોક્ટરને મળ્યા અને એને ઓપરેશન ની  આશા અને તૈયારી બતાવ્યા પછી મરીયમે નયનને માનસિક રીતે તૈયાર કરી દીધેલો કે હવે તારી દ્રષ્ટિ પાછી આવી જશે. તું  સૃષ્ટિને જોઈ શકીશ, માણી શકીશ અને નયન બસ કલ્પના કરતો રહેતો જગત ના જુદાજુદા રંગોની. મરીયમે  કહેલી વાર્તાઓ, વાતો બધું યાદ કરતો રહેતો . એ મરીયમને 'દાઇ મા' કહેતો.  એ સતત પૂછ્યા કરતો ..''હેં દાઇ મા, મારી મા કેવી દેખાતી? અને બાપુ? " અને હવે વિચારતો કે મારા દરેક સવાલોનો હવે અંત આવશે, હું બધું જાતે જોઇશ. મરિયમને પણ કહેતો કે હવે જોજે તારા હાથમાં લાકડી આવશે ત્યારે હું તને ટેકો આપીશ અને મરીયમની આંખો ભીની થઇ જતી. આખરે ઓપરેશન થયું અને પટ્ટી ખોલવાનો સમય આવ્યો. નયનની એક જ ઈચ્છા હતી કે સૌ પહેલાં એ મરિયમને જોવે.  બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. ડોકટર, નર્સ, બીજો સ્ટાફ, મુનિમજી અને હું-આખી જીવનયાત્રાનો મુકસાક્ષી..  ધીમે ધીમે પટ્ટી ખુલે છે અને  નયનની સામે એક સ્ત્રી સૂતી છે. નયન કાંઈક રઘવાટ સાથે બધાને જોવે છે અને એની દાઇ મા વિશે પૂછે છે.  બધા જ નયનને સમજાવે છે કે એમના દાઇ માની તબિયત થોડી નાદુરસ્ત હોવાથી એમને ઘેનનું ઇન્જેક્શન અપાયું છે અને આરામ માં છે પણ નયન હજી કૈક ઉચાટ અનુભવતો હતો એને દુનિયા, એના રંગો , મા બાપના ફોટા..આ બધા કરતા એના દાઇ માને જોવા હતા એમના આશીર્વાદ લેવા હતા. લગભગ 2 થી 3 કલાકની ધીમી સમજાવટ પછી એને આખરે એ સત્ય જણાવાય છે કે એની દાઇ મા એ જ એને પોતાની આંખોની રોશની આપી હતી અને કદાચ એની આંખોએ તારી દુનિયા રોશન કરી એ ખુશીમાં જ એ હૃદયરોગના હુમલામાં દુનિયા છોડી ગયા.     હવે નયનની હાલત વિશે કાઈ પણ કહેવાની જરૂર ખરી?? પોતાનો જીવનદીપ ઓલવીને પણ નયનની દુનિયા અજવાળનાર આ મરીયમડોસી જાતેતો મુસ્લિમ હતી. રોજ થતા કોમી રમખાણ અને હિન્દૂ-મુસ્લિમ વર્ગવિગ્રહને જોઈ ને નયન સળગી જાય છે.    પણ નયન હવે નયન મટીને શેઠ નયનદાસ થયો છે.  જિંદગીએ નાની ઉંમરમાં બતાવેલા તમામ ટેકરાળા રસ્તાઓ પરથી  દાઇ મા ની  દ્રષ્ટિથી એક સાફ સુથરા અને સપાટ રસ્તા પર આવી ચુક્યો છે. હા ,  શેઠ નયનદાસ તો એ ગામ નો બાકી મારો તો એ જ નાનકુડો બાળ ગોઠીયો નયન. હવે એકલા રહી સમાજસેવા કરવી. દાન-પુણ્ય કરવું અને દાઇ માની દ્રષ્ટિએ દુખિયાઓના દુઃખ ઓળખી તેને મદદરૂપ થવું બસ એ જ એક નેમ હતી.  માતાના નામે મોટી હોસ્પિટલ અને શાળા બંધાવી. મુસ્લિમ બાળકો માટે મદ્રેસા પણ. પરંતુ વર્ષોથી એક ક્રમ આજે પણ એણે જાળવ્યો છે અને એ છે નેત્રદાન કેમ્પ.     જો કે આ બધાથી વિશેષ નયને જે કાર્ય કર્યું છે એ દુનિયા માટે એક પ્રેરણાદાયી પગલું છે. ગામની બહાર પોતાની મોટી જગ્યામાં એણે એક એવી શાળા બનાવી છે જ્યાં હિન્દૂ અને મુસ્લિમ બંને બાળકો સાથે ભણેછે, સાથે રમે છે, અને સાથે જમે પણ છે. આ 'એકતા સ્કૂલ' માં નિરાધાર બાળકો માટે અનાથાલય પણ ચાલે છે. ત્યાંનું દરેક બાળક પોતાના નામથી નહિ એના નંબર થી ઓળખાય છે કારણકે નામને લઈને પણ બાળકમાં હિન્દૂ-મુસ્લિમ ભાવ આવે એવું નયન નથી ઇચ્છતો..    એ નક્કી કરવું મુશ્કેલ છે  કે મરીયમની દ્રષ્ટિ મહાન છે કે મરિયમ ના સંસ્કાર અને કેળવણી....   મરિયમ ને ન જોઈ શકવાના અસંતોષ વચ્ચે પણ નયનને એ વાતનો સંતોષ છે કે મરિયમ પોતાની આંખો વડે  સીંચેલા સંસ્કારથકી સમાજને પોતે અમૃત પીરસતો જોઈ શકે છે.

     


Rate this content
Log in