STORYMIRROR

Yagnesh Rajput

Others

3  

Yagnesh Rajput

Others

મિ. વાર્ધક્ય

મિ. વાર્ધક્ય

9 mins
27.8K


રત્નાએ ટિફિનબોક્ષ બંધ કર્યું. એટલામાં કોમ્પ્યુટરરૂમમાંથી આયશાનો અવાજ આવ્યોઃ દાદી, હું મમા-પાપાને વિડિયોકોલ કરું છું. તમારે વાત કરવી હોય તો આવો…’ આયશાનો અવાજ સાંભળ્યો કે તરત જ રત્નાનાં ચહેરા પર ચમક આવી ગઈ! તેણે ટિફિનબોક્ષ બાજુમાં મૂકી તરત જવાબ આપ્યો, ‘આવું છું…..’ અને સાડીમાં હાથ લૂછતાં લૂછતાં તે રસોડામાંથી ઝડપથી બહાર નીકળી! રસોયણ કાનુ રત્નાને ઝડપથી બહાર નીકળતાં જોઈ ધીમું હસી.

વન વટાવી ચૂકેલી રત્ના એટલી વૃદ્ધ નહોતી લાગતી, જેટલી તે હતી! જે તે જમાનામાં લગ્ન માટે પોતાની પસંદગીને અવકાશ ન હતો, તેથી વડીલોનાં કહેવાથી માત્ર પંદર વર્ષની નાની ઉંમરે, સાત ચોપડી પાસ રત્નાએ જનક સાથે ઘર માંડેલું! પણ જનક ન તો સારો પતિ બની શક્યો કે ન તો સારો પિતા! ધંધામાં દેવું થઈ જતાં તેણે રત્ના અને નાનકડાં વિનોદને રેઢાં મૂકી આત્મહત્યા કરી! દુષ્કાળમાં અધિક માસની જેમ મોં ફાડતી મુશ્કેલીઓની વચ્ચે રત્નાએ પોતાની કોઠાસૂઝથી ધંધા અને વિનોદ  બંનેને સાચવીને મોટાં કર્યાં હતાં!

દુનિયાદારીનાં પોતાનાં અનુભવોથી ઘણું શીખી ચૂકેલ રત્ના, એક ઠરેલ અને પરિવર્તનશીલ વ્યક્તિત્વ હતું! તેનાં હોશિયાર દીકરા વિનોદે પોતાનો ધંધો હવે બીજા દેશોમાં પણ વિસ્તાર્યો હતો! ભાગીદારની પુત્રી માનિકા સાથે પ્રેમલગ્ન કરીને ધંધાર્થે મોટે ભાગે, તે કેનેડામાં જ રહેતો અને પૌત્રી આયશા, કૉલેજ કરવાની સાથે દાદી રત્નાએ શરૂ કરેલાં મહિલા ઉત્કર્ષ ફાઉન્ડેશનમાં સ્લમ વિસ્તારની મહિલાઓનાં ઉત્કર્ષનું સામાજિક સેવાનું કામ પણ કરતી હતી!

રત્ના ઝડપથી આયશા પાસે કોમ્પ્યુટરરૂમમાં પહોંચી. ‘ગુડ ઈવનિંગ મા વિનોદ રત્નાને જોતાં જ બોલ્યો, ‘પાય લાગું છું…’ ‘અહીં તો સવાર ક્યારનીયે થઈ ચૂકી છે, દીકરા! રત્નાએ કહ્યું. આ સાંભળીને આયશાએ હસતાં હસતાં કહ્યું, ‘ગુડ મોર્નિંગ પાપા, ગુડ મોર્નિંગ મમા.’ ‘ઓહ હું તો ભૂલી જ ગયો કે ઈન્ડિયામાં અત્યારે સવાર હોય! વિનોદે હસીને કહ્યું અને પૂછ્યું, ‘તમારી તબિયત કેમ છે, માએન્ડ આયશા, હાઉ આર યુ?’ ‘વી આર ફાઈન પાપા. ડુ યુ નો?…..’ આયશાએ એકસાઈટેડ થઈને કહ્યું, ‘એક ગુડ ન્યુઝ છે દાદીનાં મહિલા ઉત્કર્ષ ફાઉન્ડેશનને ગઈકાલે ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે!’‘…..અને આયશા ઈન્ટર કૉલેજ ડાન્સ કોમ્પિટીશનમાં રનર્સ અપ બની છે! રત્નાએ ખુશ થતાં વિનોદ સામે જોઈને કહ્યું, ‘આપણી આયશા ઘણી હોંશિયાર દીકરી છે. કૉલેજમાં ભણવાની સાથે મંડળનાં કામમાં પણ મને ઘણી મદદ કરે છે.

વાઉ મા, કોન્ગ્રેચ્યુલેશન્સ….’ વિનોદ ખુશ થતાં બોલ્યો, ‘એન્ડ આયશા, યુવ ડન અ ગ્રેટ જોબ…’ અને તેણે આયશા તરફ થમ્સઅપ કરી ફલાઈંગ કીસ કરી! થેંક્સ પાપા. આયશાએ ખુશ થઈ હસતાં ચહેરે હાથ હલાવ્યો. તમારી તબિયત કેમ છે, બેટા? બિઝનેસ તો બરાબર ચાલે છે ને? રત્નાએ પૂછ્યું. મા, આપના આશીર્વાદથી જ તો અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ. વિનોદે બાજુમાં બેઠેલ માનિકા સામે જોઈ કહ્યું.

આ વખતે તમે ઘણો સમય કેનેડામાં રહ્યા છો અને હવે તમારી સાથે આમ રોજ કોમ્પ્યુટરમાં વાત કરવી નથી ગમતી! તમે ઘરે ક્યારે આવો છોમારે તમારી બંનેની રૂબરૂમાં થોડી અગત્યની વાત કરવી છે. રત્ના થોડી ભાવુક થતાં બોલી. હરહંમેશ પ્રેમને ઝંખતી રહેલી રત્નાનો પુત્રપ્રેમ સીમાડાઓ ઓળંગી વિનોદને સ્પર્શી રહ્યો હતો અને તેનાં મમતાથી ભીંજાતા શબ્દો વિનોદને ભોંકાઈ રહ્યા હતા! તે કશું જ બોલી ન શક્યો. છેવટે માનિકાએ સહેજ થોથવાઈને જવાબ આપ્યો : અંઅમમ્મી અમે બહુ જલદી અહીંનું કામ પતાવીને ત્યાં આવી જઈશું.માનિકાનો ફોસલાવતો જવાબ સાંભળી રત્ના કંઈ જ ન બોલી! થોડીવાર સુધી માની લાગણી અને દીકરાની લાચારી વચ્ચે મૂંગો સંવાદ રચાયો, અને રત્નાની આંખોનાં ખૂણા ભરાઈ ગયા! અચાનક રત્નાએ હસતાં ચહેરે આયશાનાં માથે હાથ મૂકતાં કહ્યું, ‘હંઅઅ જો કે હું અને આયશા અહીં ઘણાં ખુશ છીએ. તમે શાંતિથી ત્યાનું કામ પતાવીને આવો. મારે કોઈ ઉતાવળ નથી. આ તો જરા અમથું…..’ તે આગળ ન બોલી શકી અને આંખો લૂછવા લાગી! થોડીવાર પછી સ્વસ્થ થઈ ગળું સાફ કરતાં બોલી, ‘અહીં તો અમે ભલાં ને અમારું મહિલા મંડળ ભલું! અને પાછું આ વર્ષે મંડળમાં થોડી વધારે મહિલાઓને જોડવી છે. જો બની શકે તો…. મંડળના વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપશો તો વધુ સારું રહેશે….’ ‘અમે જરૂર આવીશું મા…’ વિનોદ હર્ષભેર બોલી ઊઠ્યો અને તેની વાતમાં માનિકાએ પણ સૂર પુરાવ્યો, ‘હા, મા અમે જરૂર આવીશું.

ડોરબેલ રણકી ઊઠી. અંઅ લાગે છે દરવાજે મંડળનાં ટિફિન લેવા કોઈ આવ્યું છે. મારે જવું પડશે. રત્નાએ વિનોદ અને માનિકા સામે જોયું અને તરત જ કોમ્પ્યુટરરૂમમાંથી બહાર નીકળી ગઈ! રત્નાને આમ અચાનક જ નિરાશ થઈને જતાં જોઈ આયશાને થોડી નવાઈ લાગી! રત્ના ગઈ કે તરત જ વિનોદે આયશાને પૂછ્યું : આયશા, વોટ ઈઝ હેપનીંગહમણાં હમણાંથી મા અમને ત્યાં આવવાનું ઘણું કહે છે. એવી તો કઈ અગત્યની વાત છે કે મા પર્સનલી કહેવા માંગે છે? આયશાએ વિનોદ તરફ જોયું અને ધીમેથી તેનાં ચહેરા પર હાસ્ય રેલાયું, ‘પાપા, હજુ એક ગુડ ન્યૂઝ આપું? અને આયશાએ એકદમ એક્સાઈટેડ થઈને કહ્યું, ‘દાદી ઈઝ ઈન લવ પાપા દાદી ઈઝ ઈન લવ…!’ … અને વિનોદનું મોં ખુલ્લું રહી ગયું! તેણે આશ્ચર્યથી માનિકા સામે જોયું અને બંનેએ એકસાથે આયશાને જોરથી પૂછ્યું : વ્હોટ…?’

આયશાએ પૂરા વિશ્વાસથી કહ્યું, ‘યસ પાપા દાદી હેઝ ફૉલન ઈન લવ!
મા ને….’ વિનોદ થોડો ખચકાયો. તેણે મીઠી મૂંઝવણ સાથે પૂછ્યું, ‘મા ને લવ થઈ ગયો છેબટહાઉ?’ ‘…એન્ડ વિથ હૂમ? માનિકાએ પણ એક્સાઈટેડ થઈને પૂછ્યું.

મિ. વાર્ધક્ય! આયશાએ કહ્યું, ‘મિ. વાર્ધક્ય નામ છે કદાચ એ પણ દાદીની જેમ એકલાં જ છે, અને હમઉમ્ર પણ લાગે છે! દાદી એમની સાથે રોજ ચેટ કરે છે, અને એ પણ રાતે એકલાં….’ આયશા અત્યંત તોફાની શબ્દો સાથે બોલી! આ સાંભળી વિનોદ અને માનિકાને વધુ આશ્ચર્ય થયું! તેમણે હસતાં હસતાં કહ્યું, ‘વેલ એટલે કે મા હવે મીંગલ થવા માંગે છે, રાઈટ? જવાબમાં આયશાએ હસતાં હસતાં કહ્યું: ‘…મે બી!’ ‘અંઅઆયશા લુક….’ માનિકાએ રસ દાખવ્યો, ‘તું રત્નામા અને મિ.વાર્ધક્યની મીટીંગ ગોઠવને! રત્નામા મિ. વાર્ધક્યની સાથે જો ખરેખર ઈન્ટરેસ્ટેડ હોય તો.’ માનિકા અટકી, અને વિનોદ સામે જોઈને પૂછ્યું, ‘વ્હોટ ડુ યુ સે, વિનોદ?

હુ એમ આઈ ટુ સે સમથિંગ અબાઉટ ધીસ મેટર, માનિકા?…. આઈ મીન….’ વિનોદ મૂંઝાયો અને આયશા તરફ જોઈ થોડી વાર પછી કહ્યું, ‘ગો અહેડ…. આઈમ રેડી.’ ‘ઓ.કે. ધેન….’ આયશા ખુશ થઈ ગઈ, ‘આઈલ એરેન્જ ધ મીટીંગ સૂન!

મિ. વાર્ધક્ય, આજે ફરી વિનોદને મેં અહીં આવવાનું કહ્યું, જો કે હું જાણું છું કે તેઓ અહીં નહીં જ આવી શકે! રત્ના મિ. વાર્ધક્ય સાથે મોડીરાતે કોમ્પ્યુટર પર વોઈસકોલ કરી રહી હતી, ‘હું જ એવી અભાગી છું કે યુવાનીમાં પતિને ખોયો, અને ઘડપણમાં પુત્રને ખોઈ રહી છું! મહિનાઓ વીત્યા છતાં વિનોદ અહીં આવવાનું નામ પણ લેતો નથી!’ ‘….પણ તમે ઘડપણ વિશે આવું ઘસાતું શા માટે બોલો છો?રત્નાએ મિ.વાર્ધક્ય સામે હૃદય ખોલ્યું, ‘શું કરું મિ.વાર્ધક્યયુવાનીના સંઘર્ષકાળમાં પણ આવો વલોપાત નથી થતો, જેવો અત્યારે થાય છે! વય વધવાની સાથે એકલતા પણ વધતી જાય છે, એટલે નિરાશ થઈ જવાય છે.’ ‘તમારે એ યાદ રાખવું જોઈએ કે વધતી જતી વય એ કોઈ આફત નથી, પણ અનુભવોનું ઉચ્ચતમ એવરેસ્ટ છે! એ એક એવી કલા છે કે જે ઘડપણમાં પણ હૃદયને યુવાન રાખે છે, અને આ કલા દરેક વૃદ્ધોએ જાતે જ શીખી લેવી જોઈએ. આપણું ઘડપણ વ્યથા, વેદના અને વલોપાતમાં જ પૂર્ણ થાય એ જરૂરી નથી, પણ જરૂરી એ છે કે આપણા બાળકોએ કરેલા નિર્ણયો પર આપણે કેટલો વિશ્વાસ મૂકીએ છીએ? રાતની એકલતા અને સન્નાટામાં મિ. વાર્ધક્યનો ઘેરો અવાજ જાણે રત્નાને પરિવર્તિત કરી રહ્યો હતો. બદલી રહ્યો હતો! રત્ના વિચારમાં પડી ગઈ! 

આખી જિંદગી એકલતા દૂર કરવા હું હંમેશા કોઈકને ઝંખતી રહી છું, મિ. વાર્ધક્ય! મારા પતિને, પુત્રને અને…’ રત્ના ચૂપ થઈ ગઈ થોડીવાર પછી તે બોલી, ‘બધી રીતે સુખ મળ્યું હોવા છતાં પણ એમ લાગે છે કે જાણે હવે હૃદય કોઈક અંગત હોય એને ઝંખી રહ્યું છે!

થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ રહી! પછી…. ‘રત્નાજી, શું હું તમારો અંગત મિત્ર બની શકું? અને રત્ના ચૂપ થઈ ગઈ! તેનું હૃદય ભરાઈ ગયું. આંખો ભીંજાઈ અને આંસુ ગાલવાટે થઈ વહી રહ્યા. મિ. વાર્ધક્ય! એકમાત્ર તમેજ તો છો કે જેણે મને છેલ્લા છ મહિનાથી સંભાળી છે, સમજાવી છે….’ તેનો અવાજ રૂંધાઈ ગયો, છતાં પણ તે હૃદયથી બોલતી રહી, ‘…એક સાચા મિત્ર બનીને આજ સુધી મને જેણે સાચવી છે, બદલી છે…. એ તમે જ તો મારા અંગત છો, મિ. વાર્ધક્ય! અને રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ! દાદી….’ આયશાએ રત્નાનાં ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ‘શું આપણે વાર્ધક્ય અંકલને મળી શકીએ?

નવરંગપુરાની એક જાણીતી કોફીશોપમાં રત્ના અને આયશા, મિ. વાર્ધક્યની રાહ જોતા બેઠાં હતા. અડધો કલાક વીતી ચૂક્યો હોવા છતાંપણ મિ. વાર્ધક્ય ક્યાંય દેખાતાં ન હતા! વેઈટર ત્રીજી વખત ઓર્ડર લેવા આવ્યો, તેથી આયશાએ ઓર્ડર આપ્યો, ‘ટુ કોલ્ડ કોફી…’

ઓ.કે. મે….’ વેઈટર જતો રહ્યો અને આયશાએ રત્ના સામે જોઈ પૂછ્યું, ‘દાદી, એક વાત પૂછુંતમે વાર્ધક્ય અંકલને જોયા છે ખરા? રત્નાએ નકારમાં માથું હલાવ્યું, ‘ના. આયશાને આશ્ચર્ય થયું, પણ તે કશું ન બોલી અને આજુબાજુ જોવા લાગી. થોડીવાર પછી તેણે ફરી પૂછ્યું, ‘દાદી, મને એક વાત કહેશોતમારી અને વાર્ધક્ય અંકલની મિત્રતા કેવી રીતે થઈઆઈ મીન એકબીજાને જોયાં વગર?
આયશાની આતુરતાથી રત્નાનાં ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું!

તેણે કહ્યું, ‘અમારી મૈત્રી આજના જેવી થોડી હોય, દીકરીઅમારી મિત્રતા તો બસ થઈ ગઈ! મિ. વાર્ધક્યએ મારી સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી અને અમે ઘણી બધી, કલાકો સુધી વાતો કરતાં થઈ ગયા…! મિ. વાર્ધક્ય પોતાની વાતોથી મારી એકલતા, નિરાશા બધું જ ભુલાવી દેતાં. ઘડપણમાં કેમ જીવાય, એ એમણે મને શીખવ્યું! એક વાત કહું દીકરી? રત્નાએ આયશા તરફ જોઈ ભાવથી કહ્યું, ‘તારો ખૂબ ખૂબ આભાર, કે તેં મને કોમ્પ્યુટર શીખવાડ્યું જેના કારણે હું મિ.વાર્ધક્ય જેવાં દોસ્તને મળી શકી!

આયશાને રત્નાદાદીની આંખોમાં નિર્દોષ મિત્રપ્રેમ દેખાઈ રહ્યો હતો! થોડીવાર પછી તેણે ચહેરા પર સ્મિત કરી કહ્યું, ‘યૂ નો દાદી, થોડીજ વારમાં આપણે વાર્ધક્ય અંકલને મળવાના છીએ. હું તો ઘણી એકસાઈટ છું, તમને કશું નથી થતું? રત્નાએ આયશા સામે જોઈ શાંતિથી જવાબ આપ્યો, ‘ના, મને એવું કશું પણ નથી થતું. પણ ડર લાગે છે કે….’ રત્ના અટકી અને થોડી નિરાશાથી કહ્યું, ‘….એ નહિ આવે તો?

દાદી, મને લાગે છે કે…..’ આયશાએ એક વૃદ્ધઅંકલને પોતાની તરફ આવતા જોઈ કહ્યું, ‘વાર્ધક્ય અંકલ આવી ચૂક્યા છે! રત્નાએ તરત જ, આયશા જે તરફ તાકી રહી હતી, તે તરફ જોયું. સપ્રમાણ બાંધાવાળું શરીર, તદ્દન કલીનશેવ તથા ઉંમરને અનુરૂપ ગોગલ્સ અને લાઈટ રેડ કલરનું ચેક્સવાળું ઈન કરેલું શર્ટ પહેરી પાંસઠેક વર્ષની એક પ્રભાવશાળી વૃદ્ધ વ્યક્તિ સ્ફૂર્તિલી ચાલે તેમના તરફ આવી રહી હતી! શું આ જ મિ. વાર્ધક્ય હશે? રત્નાનું અંતરમન પૂછી રહ્યું….. પણ ના! એ વ્યક્તિ તો સડસડાટ તેમની બાજુમાંથી નીકળી ગઈ આયશા અને રત્ના તેમને જતાં જોઈ રહ્યા!

સ્ક્યૂઝ મી, શું આપ જ રત્ના આંટી છો? અચાનક જ કોઈનો અવાજ સાંભળી રત્ના અને આયશાએ તે તરફ જોયું. એક હેન્ડસમ યુવાન, ચહેરા પર સ્મિત સાથે, તેમને પૂછી રહ્યો હતો.

રત્ના તે યુવાનની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. આયશાએ પૂછ્યું : તમે કોણ?’ ‘જી. મારું નામ વિવાન છે. તે યુવાને પોતાનું નામ જણાવી દૂર ઈશારો કરતાં કહ્યું, ‘એક વૃદ્ધ અંકલ મને ત્યાં મળ્યા, એમણે આ કવર તમને આપવા કહ્યું છે. તેણે ખિસ્સામાંથી એક કવર કાઢી સામે ધર્યું. રત્ના વિવાને બતાવેલી જગ્યા તરફ મિ.વાર્ધક્યને શોધવા લાગી.

આયશાએ વિવાને ધરેલું કવર હાથમાં લીધું. કવર પર લખ્યું હતું, ‘મારી અંગત મિત્ર, રત્નાજી માટે….’ ‘….અને આ કવર તમારા માટે છે! વિવાને બીજું કવર આયશા તરફ ધર્યું. આયશા વિવાન સામે જોઈ રહી. તેણે બીજું કવર હાથમાં લીધું. તેની પર લખ્યું હતું : જસ્ટ ફોર, આયશા…’ ‘બાય…. સી યુ સૂન.. આટલું બોલતાંની સાથે જ બીજી જ પળે વિવાન નામનો હેન્ડસમ યુવાન આયશાની નજરોથી અદશ્ય થઈ ગયો. 

વેઈટર આવ્યો અને બે કોલ્ડ કોફી ટેબલ પર સર્વ કરી જતો રહ્યો. રત્નાએ સજળ આંખોથી આયશા તરફ જોયું. પછી ધીમેથી કવર હાથમાં લીધું અને વાંચ્યું, ‘મારી અંગત મિત્ર, રત્નાજી માટે…’ થોડીવાર પછી તેણે એ કવરમાંથી કાગળ કાઢ્યો…. તેમાં લખ્યું હતું;

પ્રિય મિત્ર રત્નાજી,

છે વાર્ધક્ય એક અહેસાસ, 
નથી એ કોઈ વ્યક્તિ જીવંત,
રોજ મળીશું, રોજ બોલીશું, 
જ્યારે દુઃખ આવી પડે અનંત!

એકલતા છે રત્ના માંહી; 
વ્યથા, વેદના અને વલોપાત,
યુવાન મન, યુવાન હૃદય, 
એને જ શોધી કાઢો તમે આજ!

વાર્ધક્ય કોણ છેશું છે
ક્યાંય ન શોધવા જશો ફરી,
વાર્ધક્ય એટલે જ છે વૃદ્ધત્વ, 
મળીશું આપણે વારે ઘડી! 

આપનો અંગત મિત્ર,

મિ. વાર્ધક્ય.

બીજી તરફ આયશા પોતાના કવરમાંથી કાગળ કાઢી વાંચી રહી હતી.

આયશા,

મારું નામ વિવાન છે. ઈન્ટર કૉલેજ ડાન્સ કોમ્પિટિશનમાં તમને પહેલીવાર જોયા. અને બસ જોતો જ રહી ગયો! તમારા જેવી સુંદર યુવતી મેં ક્યારેય જોઈ નથી અને હવે જોવા પણ માંગતો નથી! મારી ઈચ્છા આ ઓળખાણને પ્રેમમાં ફેરવવાની છે, અને બની શકે તો પરિણયમાં પણહજુ વાતો તો ઘણી કહેવી છે પણ હવે જો કરીશું તો રૂબરૂ જ. કારણ કે સમય અને સ્થળની નજાકતને જોતાં અત્યારે કહેવું અયોગ્ય રહેશે. બીજી અગત્યની વાત એ છે કે રત્ના આંટીનાં અંગતમિત્ર મિ.વાર્ધક્ય ક્યારેય તેમની સામે નહિ આવે. કારણ કે આ ત્રેવીસ વર્ષનો વિવાન જ મિ.વાર્ધક્ય છે, અને મિ.વાર્ધક્યને રત્ના આંટીના સાચા મિત્ર જ બની રહેવું વધુ પસંદ છે! આયશાનાં પ્રેમને પામવા ઈચ્છુક વિવાન.


Rate this content
Log in

More gujarati story from Yagnesh Rajput