મધુ
મધુ
સવારથી જ આજે ઘરમાં કંકાસ ચાલી રહ્યો હતો... ઘરમાં બધા એકબીજા સાથે કૂતરાની માફક વાત કરતાં હતા.. કોઈના મોઢે જરાકે ય મીઠાશ નહોતી. ‘આતે ચેવું ઘર! જ્યાં કજિયા, કંકાસ સિવાય કોય નથી. હું તો આ હેંડી કોમ પર... ઓય ઘરમાં ગુડાઈ ન મરવા કરતાં, માર તો મારું કોમ હારુ.’ બબડાટ કરતાં કરતાં મધુ ઘરની બહાર પગ મૂકવા ગઈ કે બાવડામાથી ઝાલી કેશવે એને ઘરના ઉંબરે જ પછાડીને પટકી ‘ચ્યો જઉં સ? ઈ તારો ચીયો ભા રાહ જુવ સ?’ કહેતાની સાથે બે ચાર લાત પેટમાં ઠપકારી દીધી.. ’મારી હાહરી ન જરા છૂટ આલી કોમ પર જવાની તે હાવ ફાટી ન ધૂવાડે જઈ સ ..’ ફરી ઊભી થવા જતી મધુને કેશવે હાથથી ધક્કો મારી ને જમીન પર પછાડી.
‘આ બધાં તારો જ વઢોંણો સ કેશવડા.. હું ના કેતી’તી ક ઘરની બાયડી ન તો ખીલે જ બોંધી રખાય... લે અવ જો બધો ન હોમી થાય સ ન?’ કેશવની મા હાથ લાંબા કરી કરી કેશવને જાણે વધારે પારો ચડાવતી હોય તેમ કહેતી હતી.
‘હાચી વાત મા.. મી તારું કીધું મોન્યુ નઈ અન અવ આ શેઠાણીના ઘેર ચાર વાહણ અન કપડાં ધોઈ ન થોડા પૈસા ઘરમાં હું લાઈ તે આખા ઘર ન પોણી પાય સ...’ કેશવ હાંફતા હાંફતા ખાટલા પર બેઠો.
ડૂસકાં ભરતી, આંસુ લૂછતી અને હાથ પગ પંપાળતી, સાડ્લાનો છેડો સરખો કરી માથે ઓઢી દાંત વચ્ચે દબાવી મધુ બોલી,’એ... મા... શીદ ચડાવો સો તમારા સિયા ન ...આ મોંડ મોંડ ઘર મંડાયું સ.. હું કોમ દુશ્મન થોવ સો.'
‘લે હું દુશ્મન થાવ સુ? અલ્યા કેશલા જો તારી બાયડી મન હું કે’ સ ?‘ બઉ મોટી ઘરવાળી થઈ જઈ સ, તો લગન ન પોંચ વરહ થ્યોં, તોય ઓગણું તો ખાલીખમ અન ખોળો કોરો ધાકોર સ..’ તાકાત હોય તો ભરીદે મારા ખોળિયાં ન ટાબરિયોંના ભેંકડા થી.. કેશવની મા દાંત ઘચેડી, આંખો કાઢી , રાડો પાડી મધુને બોલતી હતી.
‘મા મારા કરમ ફૂટયા હસી તે આ ભટકાઈ. મારા હાથના જીત્યા ન અને ભિખા ન બે બે છોકરાં આઈ જ્યોં અન ઓય તો હજી ઠનઠન ગોપાલ સીએ હાથનો અંગુઠો મધુ સામે ધરી કેશવ એનું ધણીપણું બતાવતો હતો.
‘અવ તમે રેવાદો, આ મન બધાની હોમે બોલાવશો નઈ. અન વધારે હેરોન ના કરો નકર .. મધુની વાત વચ્ચેથી કાપતા કેશવ બોલ્યો...’ નકર હું કરી લઈશ બોલ... બોલ... મન ય ખબર પડ ક તું ચેટલી હુશિયાર સ, અન પોચેલી સ ...’ ચહેરા પર શાહી રેડાઈ હોય એવું મોઢું રાખી કેશવ બોલ્યો. કેશવનો ચહેરો વાંચતી મધુ થોડી ઢીલી પડી. એને એની પોતાની જ આબરૂ ઓછી થતી હોય તેવું લાગ્યું.
‘માર કુની આગળ હુશિયારી બતાવાની?’ થોડી શાંત પડતાં મધુ બોલી. હું તો મારુ ઘર અન મારા મોણહો હમજી ન કોમ પર જઉં શું.. તમો ન બે પૈસાનો ટેકો થાય, ખાટલામાં પડેલા બાપાની દવા દારૂ નેકડ એટલ ..’ મધુ પોટલું વળી ગઈ હોય તેમ ખૂણામાં બેઠા બેઠા નાક ખેચી જમીન ખોતરતા ખોતરતા બોલી. ‘એ બધુ બરાબર સ પણ, મારા કેશવ ન ચાણ સિયો આલ સ? એ મન કે ?’ માંડ વાતાવરણ શાન્ત પડ્યું હતું ત્યાં ડોસી એ ફરી ઉપાડો લીધો અને કેશવના નાકના ભૂગળા પાછા ભૂરાયા થયા.
‘મા નસીબમાં હશે તાણ ભગવોન આલશે ..’ મધુ એ ધીમા અવાજે ડોસીને કીધું.
‘અવ રેવાદે ન. અમારાં નસીબ તો હારોં હતાં, તે મારા છોરા ન હારા હારા ઘરનાં માગોં આવતાં ‘તાં પણ, ઈના કરમમાં આ ઓઝણી લખી હશે..’આમ બોલી ડોસી એ કપાળે હાથ પછાડ્યો. 'ઓઝણી' શબ્દ સાંભળી મધુની છાતીમાં મોટો ખીલો ભોકાયો... એના મોઢામાથી રાડ પડી ગઈ,’મા આ આ આ..’
‘તે હું ખોટું કે’સ મા? તારા તો કોઈ શુકન ય ના લે...’ કેશવે માની વાતમાં મોયણ ઉમેરી કરુણતાની હદ વટાવી.
મધુની આંખમાં લોહી ઉતારી આવ્યું, એની છાતીમાં જાણે ધમણ ભરાયું એ એકાએક ઊભી થઈ ગઈ અને જોગમાયાનું રૂપ ધારણ કર્યું હોય તેમ બોલી,’ ચ્યારની ઈમ હમજતી હતી. ક ઘર સ હેડયા કર. પણ, અવ તો હદ થઈ ગઈ સ. ડોસી હું ચૂપચાપ આબરૂની મુઠ્ઠી બોંધી ન બેઠી હતી ક મારી આબરૂ એ તમારી. પણ, અવ બઉ થયું. અન એ કેશવ મોટો ધણી થઈ ન ફર સ ન, તો કે તારી મા ન ક છોકરાં ચમ નથી થતાં ?’ બે હાથ વડે કેશવને ખભેથી હચમચાવતા મધુ કાળઝાળ અગ્નિ ઓકતી હોય તેમ બોલી.
‘તું હું કે’વા નો?’ કેશવને ધક્કો મારી આઘો કરતાં મધુ ડોસીના ખાટલા આગળ જઈ અને ઘર બહાર અવાજ ના જાય એ રીતે બોલી,’મા દૂધમાં મેરવણ નોખીએ તો જ દહી થાય....હમજ્યો? ટૂકમાં હમજી જોવ..’
મધુ સાડલાનો છેડો ખેંચી માથે ઓઢી ઘરની બહાર નીકળી ગઈ.. જતાં જતાં કહેતી ગઈ,'અવ મા દીકરો કૂટો કરમ તમારું.. મારી શેઠોણી રાહ જોતી હશે... કોમ કરી ન આવું સુ..'
