મારું ભારત
મારું ભારત
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપણે સૌ ઓળખીએ જ છીએ. તે આપણા પ્યારા બાપુના નામથી પણ ઓળખાય છે. તેમનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯મા ગુજરાતમાં પોરબંદર ખાતે થયો હતો. તેમનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પૂતળીબાઇ હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. બાપુ દેશને ખુબ જ ચાહતા હતા. તેમણે દેશ માટે અનેક સપના જોયા હતા.
મહાત્મા ગાંધીએ જે સ્વપ્નનું ભારત જોયું હતું. તેમાં ફક્ત રાજકીય સ્વતંત્રતા જ નહિ, પરંતુ સ્વચ્છ અને વિકસિત ભારતની કલ્પના પણ હતી. બાપુએ ગુલામીની સાંકળો તોડીને મા ભારતીને આઝાદ કરી હતી. હવે આપણી સૌની ફરજ બને છે, કે આપણે સ્વછતા રાખીને મા ભારતને ગંદકીથી મુક્ત કરીએ. એ માટે આપણે સૌ એક સંકલ્પ કરીએ. સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કે, ‘હું સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહીશ. અને તેના માટે સમય ફાળવીશ. હું પોતે ગંદકી કરીશ નહિ, અને બીજાને ગંદકી કરવા દઈશ નહિ.’
સ્વછતાની શરૂઆત સૌ પ્રથમ મારાથી, મારા કુટુંબથી, મારા મહોલ્લાથી, મારા ગામથી કરીશ. તો જ એમ કરતાં તાલુકો, જિલ્લો, રાજ્ય, અને દેશ સ્વચ્છ બનશે. આ વિચાર હું શેરીએ શેરીએ અને ગામડે ગામડે લઇ જઈશ. અને લોકોને સ્વચ્છ ભારત મિશન વિશે જાગૃત કરીશ. હું પ્રતિવર્ષ ૧૦૦ કલાક એટલે અઠવાડીયાના ૨ કલાક સ્વછતા પાછળ ખર્ચીશ. આ વાત હું ૧૦૦ લોકો સુધી પહોચાડીશ. અને તેમને કહીશ કે તેઓ આગળ બીજા ૧૦૦ લોકોને પહોચાડે.
૨૦મી સદીએ તો વિદાય લીધી. એકવીસમી સદીના પણ વીસ વરસ થવા આવ્યા. આ ૨૧મી સદીમાં દુનિયામાં ઘણા પરિવર્તન આવ્યા છે. વીસમી સદીમાં આપણો દેશ આઝાદ થયો. ત્યારે આપણા દેશની વસ્તી આશરે ૪૦ કરોડ જેટલી હતી. આજે ૨૧મી સદીમાં દેશની વસ્તી ૧ અબજ થઈ ગઈ છે. જો આજ રીતે વસ્તી વિસ્ફોટ થશે તો આપણે લોકો સુધી પાયાની સુવિધાઓ પહોચાડી શકીશું નહિ. માટે આપણે વસ્તી નિયંત્રણ પણ કરવું પડશે.
મારા સ્વપ્નના ભારતમાં કોઈ પણ નિરાશ નહિ હોય. કે કોઈ પણ વ્યક્તિ અભણ નહીં હોય. જેથી દરેક વ્યક્તિ દેશની સમશ્યાને સમજી શકે અને તેને ઉકેલવામાં પોતાનો સહયોગ આપી શકે. દેશનું હિત અને અહિત સમજી શકે. નેતાઓની લોભામણી જાહેરાતોમાં ફસાય નહિ. અને સાચો નેતા ચૂંટાઈ આવે.
બીજું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. એટલે મારા સ્વપ્નના ભારતમાં દરેક ખેડૂત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતો હશે. દરેક ખેડૂતને સારી ગુણવત્તાવાળા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની સગવડ મળશે. મારા સ્વપ્નના ભારતમાં કોઈપણ નાગરિક બેકાર હશે નહિ. દરેકને પોતાની આવડત શિક્ષણ અને કૌશલ્ય મુજબ નોકરી અને રોજગાર મળી જ રહેશે.
આમ મારા સ્વપ્નનું ભારત બેરોજગારી, મોંઘવારી, બેકારી અને વસ્તીવધારા જેવી સમસ્યાથી દેશ મુક્ત હશે. દેશના બધાજ લોકો સુખ-ચેનથી પોતાનું જીવન જીવી શકશે.
