STORYMIRROR

Rajesh Dave

Others

3  

Rajesh Dave

Others

મારી નાની

મારી નાની

10 mins
1.2K


દીના, સતા, રાજુ, વિમલ, રવા આવા શબ્દો કાનને અથડાય એટલે અમે બધા દોડીને ત્યાં હાજર, એવી એમની ધાક. સિંહના જેવી દહાડ સંભાળીને ત્યાં જઈ એ એટલે અમારા માટે કઈક ખાવાનું લઈને જ બેઠા હોય, આખા ઘરની ચિંતા, તે ખાધું, તારે શું ખાવું, તું તારે ચિંતા ના કર હું સાથે છું, અમારા બધાની તકલીફોનું એક જ ઉપાય અને એ મારી નાની.


નાનપણથીજ એનું જીવન તકલીફો ભર્યું રહ્યું. ભગવાન એ જાણે બધી જ તકલીફો સહન કરવા માટે એને જ પસંદ કરી હોય એમ, અને એ પણ એમ થોડી હાર માને એવી. ભગવાનની સામે દ્રઢ મનોબળથી ઉભી રહેલી. પોતાના પર આવેલી સમસ્યાઓને મનમાં દબાવીને. જેમ એક વૃક્ષ તડકો સહન કરીને પોતાના સાનિધ્યમાં બેઠેલા લોકોને છાયડો આપે એમ એ ભગવાનએ આપેલ દુઃખોને દિલમાં દબાવી અમને આખા પરિવારને એની છત્રછયામાં સમાવીને બેઠેલી. નાનપણમાંજ પિતાનો ચહેરો પણ બરાબર જોવા મળ્યો નહિ હોય, ને એણે પિતાને ગુમાવ્યા. ત્યારથીજ એના સંઘર્ષની શરૂઆત થઈ. મારા નાનીને એ બે ભાઈઓ અને ત્રણ બહેનો.જેમાં  મારા નાની સૌથી નાના.


નાના હોવા છતાં કામ હમેશા એમના મોટા. સાહસ, ધૈર્ય, બુદ્ધિ બધું જ ભગવાનએ આપેલું, પિયરમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભાઈઓ અને બહેનોની તાકાત બનીને રહ્યા. માડકા આવ્યા એટલે મારા નાના સાથેનું જીવન. મારા નાના એટલે ભગવાનનું બીજું સ્વરૂપ. શાંત અને ધિર ગંભીર, બંને સ્વભાવથી એક બીજાથી વિપરીત. એક પાણી તો બીજું આગ. પણ સમજદારીમાં બંને એક સમાન. સમય જતાં મારી મમ્મીનો જન્મ થયો. ત્યાર બાદ ત્રણ બહેનો અને બે ભાઈ એટલે કે મારા મામાઓ.અરુણાબેન, દિનેશભાઈ, શારદાબેન, સતીશભાઈ અને વર્ષાબેન એમ સંતાનો થયા.


ત્યારે ફરી ભગવાનને આ ખુશીઓ સહન ના થઈ. એમ મારી નાનીના ભાઈને ભગવાનએ બોલાઈ લીધા. હવે તો એમનું મન માડકા ઓછું ને લવાણા વધુ રહે. ત્યાં ભાઈઓના પરિવારમાં પણ બાળકો નાના, એટલે અહી મારા નાનાના ભરોસે બધું મૂકીને ગમે ત્યારે પિયર પહોંચી જાય. ત્યાં ભાઈઓના પરિવારના દીકરા, દીકરીઓના લગ્નના તમામ કામો ઉપાડી લે. તેમનો એક પગ માડકા તો બીજો પિયરમાં રહેતો. આ બાજુ પણ મારા નાનાને આ બધા સંયુક્ત કુટુંબમાં રહે, ઘર હોય એટલે આંતરિક મતભેદો પણ થાય, પણ મારી નાનીની સુજબુઝ એવી મતભેદને ક્યારેય મનભેદમાં પરિવર્તન ના થવા દે.


ત્યારબાદ ક્રમાનુસાર બધા સંતાનોના લગ્ન કર્યા. બધા સંતાનો હવે સારી રીતે સેટ થઇ ગયા હતા. બધાના ઘરે બાળકોના કિલકિલાટ જોઈ મારી નાની અને નાનાને સ્વર્ગનો અનુભવ થવા લાગ્યો. એને હવે એવું લાગ્યું કે ભગવાનએ હવે સારા દિવસો આપ્યા. પણ એમને કામ છોડ્યું નહિ. મારા નાના અખો દિવસ ભગવાનની ભક્તિ કરે અને પુસ્તકોનું વાંચન કરે. અને નાની અમારા આખા સંયુક્ત પરિવારની જવાબદારી ઉપાડીને દોડ્યા કરે. એને નિરાંતે બેસેલી અમે કોઈ એ નહિ જોઈ. ગામમાં બધા ગોરાણી કહે અને આખા ગામમાં એમની સાહસ અને બુદ્ધિ ક્ષમતાની બધાને ખબર, અહી ઘરે પણ નાની વહુ ઓ છોકરાઓ અને બધા જ એમનાથી ડરે. ગમે એને સાચું કહેવાથી પાછી પાની ના કરે. અમે રાજપૂત વાસમાં રહીએ ત્યાં બધા એમને નામથી જ બોલાવે, ભગવતી.


અને એમનો સ્વભાવ દૂધમાં સાકરની જેમ ભળી જાય એવો. દરેકને એમ જ લાગે કે આ તો મારું ખૂબ રાખે. મારા નાનાને એ ચાર ભાઈઓ જેમાં ત્રણ પરિવાર અહીંયા રહે અને એક થરાદ રહે. પણ ચારે ઘરમાં કોઈ પણ તકલીફ આવે ત્યારે પેલા મારી નાની પહોંચી જાય અને એ જાય એટલે એવો ન્યાય કરે કે બધાને સંતોષ થઈ જાય. ખબર નહિ ભગવાનએ કઈ માટીથી બનાવી હતી. ક્યારેય કંટાળેલા જોવા ના મળે. અમારે શ્રાવણ મહિના માં ચાંદરવામાં પૂજા અને જમવાનું ચાલે તો ત્યાં એ મહિનો રહે એટલામાં તો ત્યાં એ લોકોના દિલમાં એવી ઉતરી જાય કે મહિનો પૂરો થાય તો એ બધા કે ગોરાણીમાં તમે હજી રહી જાઓ. એની જિંદગીમાં પરોપકાર સિવાય મે ક્યારેય કઈ જોયું જ નહિ. જમવાનું બધા નું એકલા હાથે બનાઈ દે. નાની વહુઓ ઘરમાં આવી પણ એમણે ક્યારેય કહ્યું નહિ કે તું આ કામ કર.


ત્યારે અમે રાજસ્થાન એટલે કે મારું મૂળ વતન કાલોડી. ધંધો પપ્પાનો  શિણધરી એટલે ત્યાં રહીએ. અમે ત્રણ ભાઈઓ મોટા ભાઈની ઉંમર ૮ વર્ષ જેવી હસે હું પાંચ વર્ષ જેવો અને નાનો ભાઈ બે વર્ષ જેવો હસે અને એ કાળી ડીબાંગ રાત્રે અમારા ખુશખુશાલ નાના પરિવારને ગ્રહણ લાગ્યું. બહુ જ જ્ઞાની, વિદ્વાન મારા પિતાશ્રીને ભગવાન પોતાની દુનિયામાં લઇ ગયા. અમારા પરિવારના સંપૂર્ણ આધાર એવા પિતાશ્રીની છત્રછાયા ગુમાવી દીધી. વહાણમાં નાવિક વગરનું નાવ મધદરિયે જેમ ફસાય એમ મારો પરિવાર કોઈ સહારા વગર હોય એવું લાગ્યું. કાકાઓ અને મારા દાદા એમને પણ ભગવાન એ એ વખતે કુબુદ્ધિ સુજાડી હોય એમ સાથ આપવાની જગ્યા એ પોતાનામાં મશગુલ થઈ ગયા. ઘણીવાર તો મારા નાના અને નાનીએ રાહ જોઈ કે જ્યાં સુધી સારું થઈ જાય ત્યાં સુધી સારું પણ પરિસ્થિતિ દિવસે દિવસે વધારે બગડતી જતી હતી. મારી મમ્મીને બહુ જ ઘેરો આઘાત લાગ્યો હતો. અને મને અને નાના ભાઈને તો પિતાશ્રી સાથે સમય પસાર કરવા જ ના મળ્યો. મોટાભાઈને એમનો ચહેરો યાદ આવે. અમે બધા બહુ જ અપસેટ થઈ ગયા હતા, કઈ જ સુજે ના.


હવે આ બધું મારી નાનીથી સહન ના થયું. તેમણે મારા મામા અને માસીને ત્યાં મૂક્યા. પરિસ્થિતિ વધુ બગડે એવું લાગતા જ મારી નાની ખુદ ત્યાં આવી અને સંઘર્ષ કરી અમને ત્યાંથી માડકા લાવી દીધા. ત્યારથી અમે માડકા જ રહીએ. વડ એવા ટેટા, હોય એમ મારી મમ્મી પણ મજબૂત મનોબળ વાળી હતી. કારણ કે મારી નાનીના સંસ્કારો બધા ભાઈ બહેનોમાં ઉતરેલા, બધા ભાઈઓ અને ભાભીઓ બધા એકબીજા સાથે હળી મળીને રહેવા લાગ્યા. મારા મામાઓ અને નાના-નાનીએ એ પ્રકારે રાખ્યું કે ક્યારેય ખ્યાલ જ ના આવે કે આ મામાનું ઘર છે.


અમે મામા અને ભાણેજ એવી રીતે રહી એ કે લોકોને લાગે કે આ સગા ભાઈઓ છે અને આ બધાને એક તાંતણે બાંધીને રાખ્યા મારી નાની એ. બધોભાર એકલી પોતાના માથે લઈને ફરે. કોઈની તાકાત ના હોય કે અમને એક શબ્દ પણ બોલે. અમે પણ અહી સેટ થઈ ગયા હતા. મોટા ભાઈ ડોક્ટર, હું શિક્ષક અને નાનો ભાઈ પણ શિક્ષક, મામા ઓ પણ મોટા મામા શાસ્ત્રી થઈ ગયા હતા એમને મારા નાના જોડેથી બહુ શીખવા મળ્યું, તો નાના મામા પણ ધંધામાં પાવરધા થઈને વાવમાં જોરદાર દુકાન ચાલે.


એવામાંજ નાનીના બીજા ભાઈનું પણ દેહાવસાન થયું. આ સાંભળતા જ મારી નાનીને મોટો આંચકો લાગ્યો અને પેલો હદયનો હુમલો તેને ત્યારે જ આવી ગયો. પણ એને કોઈને ના કહ્યું. હદય હુમલાની તકલીફ બહુ ભયંકર હોય છે, એની પીડાએ કોઈને કહ્યા વગર આંખો મીંચીને સહન કરી. છાતી પર હાથ રાખીને ત્યાં પહોંચીને બધાને સાંત્વના આપવા લાગી. ત્યારથી એની તબિયત અવાર નવાર ખરાબ રેવા લાગી. એને ડાયાબિટીસ, બ્લડ સુગર રહેવા લાગ્યા. એનું ડાયાબિટીસ અને બ્લડ સુગર એટલા ઊંચા હોય કે રિપોર્ટ ડોક્ટર જોવે એટલે પેલા જ બોલે કે દર્દી એમ્બ્યુલન્સમાં છે અને મારી નાની હસતા મોઢે કહે હું જ છું દર્દી, દવા કરો. આ સાંભળી ડોક્ટર માનવા જ તૈયાર ન થાય. ડોક્ટરો પણ કહેતા કે માજીનું મનોબળ હિમાલય જેવડું છે. હોયજને આટલી ભગવાનએ આપેલી ઠોકરો સામે આ દર્દ એને ક્યાં અસર કરે. ડોક્ટર કહે રોજનું ઇન્જેક્શન લ

ેવું પડશે અને મારી નાની હસતા મોઢે કહે કે હોય એ લાવો હું લઈ લઈશ અને એમને રોજ ડાયાબિટીસનું ઇન્સ્યુલીનનું ઇન્જેક્શન લેવા પડતા, અને એ પણ જાતે જ લઈ લે, ડર તો એને લાગતો જ નહિ.


એક વખત એની તબિયત વધારે બગડી. કોઈને વાત ના કરી પણ એક બાજુ સૂતી રહે અને મારી નાની સુવે એટલે જાણે આખું ઘર બીમાર હોય એવું લાગે એટલે પરાણે મામાને એ દવા કરવા લઈ ગયા. પણ થરાદ બતાયું તો કે આ તો તકલીફ વધારે છે આગળ લઈ જાઓ અને એ હસતા મોઢે કહે કઈ નહિ મટી જશે. પણ આ વખત તો મારા મામાને એ મહેસાણા બતાવવા લઇ ગયા. ત્યાં ગયા તો ડોક્ટર કહે એમને નળીઓ બંધ છે બલૂન મૂકવું પડશે. એ ના પાડતા હોવા છતાં પરાણે ડોક્ટરને ઓપરેશન માટે કહ્યું. ઓપરેશનની તૈયારી થઈ કપડાં ચેન્જ કર્યા, હોસ્પિટલના કપડા પહેર્યા. સંપૂર્ણ તૈયારી થઈ બાટલો ચાલુ કર્યો અને ભગવાન એ જાણે એને કઈક ખરાબ થયાનો સંકેત કર્યો. ચાલુ બાટલે બાટલો હાથમાં લઇને ઓપરેશન થીએટરમાંથી બહાર આવતી રહી અને કે મને ઘરે લઈ જાઓ. મારે ઘરે જવું છે. બધાએ બહુ સમજાયું પણ ના માની, અંતે ડોક્ટરથી વાત કરી તો ડોક્ટર કહે 'આ ઓપરેશન ના કરાયું તો માજી ત્રણ મહિના ઉપર નહિ જીવે.' આવું સાંભળી અમે ત્યાં હાજર બધા બહુ ચિંતા કરવા લાગ્યા. તો એ ડોક્ટરને કહે મને કઈ જ ના થાય. એમ કહી ગાડીમાં આવી ને બેસી ગઈ અને કહે ઝડપી તું ગાડી ઘરે લઈ જા બસ.


એને દિલમાં ખબર પડી ગઈ હતી કે શું ! એમએ લોકો મહેસાણાથી આવતા હતા અને આ બાજુ માડકામાં દશરથભાઈ (મામાના કાકાના ભાઈનો દીકરો) જે બહુ જ રમુજી માણસ હતા. એમના જોડે બેસીએ એટલે સમય ક્યાં જાય ખબર જ ના પડે. આખા ગામમાં બધાને એમના પ્રત્યે બહુ પ્રેમ. એ અને ગામના બહુ જ ભલા માણસ અને જેમને નાની ઉંમરમાં જ લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. એવા રાજેન્દ્રસિંહ બંનેનો અકસ્માત થયો અને ભગવાન એ બંનેને અમારા જોડેથી છીનવી લીધા. ફરી અમારા ઘર પર મોટું સંકટ આવી પડ્યું. દશરથ ભાઈને પણ નાના બે બાળકો, એટલે ફરી આ પરિસ્થિતિનો સામનો મારી નાનીએ પરિવાર ની હિંમત બનીને કર્યો. ખબર નહિ ભગવાન એ કેવા કેવા દુઃખ જોવાના લખ્યાં હશે. પોતે બેઠા હોય અને સગા ભાઈ, જમાઈ, અને દીકરા સમાન દશરથભાઈનું આવું જોવું એટલે એવું લાગે કે તકલીફો એના જીવનનો એક ભાગ બની ગઈ હતી. રોજ ડાયાબિટીસના ઇજેકશન લે, ખરાબ તબિયત હોય તો ખૂણામાં બેસીને કોઈ ને કહ્યા વગર બેસી રહે. અને તોય મોઢા પર અમને હસાવવા કાલ્પનિક હાસ્ય રાખે.


આ અમારા પરિવાર પર આવી પડેલી તકલીફોમાંથી માંડ અમારો પરિવાર બહાર આવ્યો. ત્યાં મારા માશી અરુણા બેન (નાનીના દીકરી) ને માથાના ભાગે કેન્સર થયું. ઘણી વાર તો બધાએ નાના અને નાનીથી છુપાયું. પણ એની સમજદારી સામે અમારી સમજદારી ક્યાં ચાલે ? અને એ સામેથી જ બોલી કે અરુણાને કેન્સર છે, કેમ કહેતા નથી. ફરી એના મોઢાની દશા ફેરવાઈ ગઈ. મોઢા પર દુઃખની કરચલીઓ દેખાવવા લાગી. અને એ ગોલપમાં એમની સાથે વધારે સમય પસાર કરવા લાગ્યા. એમની હિંમત વધારવા લાગ્યા. કેન્સરએ માસીને પૂરી રીતે પોતાના વશમાં કરી લીધા. અને અંતે કુદરત સામે લાચાર બનીને એ પણ અમને મૂકીને જતાં રહ્યાં. હવે તો મારા નાના અને નાની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. સંપૂર્ણ પણે ભાગી પડ્યા, ભગવાન પણ જેને દુઃખ આપવા બેસે ત્યાં કઈ બાકી જ નથી રાખતો.


આ સદમાં માંથી બહાર આવવું એમના માટે ખૂબ જ કપરું હતું. છતાં પરિવાર ભાગી ન પડે એટલે નાનીએ આ દુઃખને પોતાના શરીરમાં દબાવી દીધું, તે અંદરો અંદર રડી રહ્યા હતા, પણ દુનિયા સામે બીજાને હિંમત આપે. તબિયત એક બાજુ બહુ ઓછો સાથ આપે પણ તોય એને પોતાના શરીરની તો ક્યાં પડી જ હતી ! અવાર નવાર દુખાવો ઉપડે, ઉલ્ટી થાય, પણ આ મગજમાંજ ના લે. ઘણીવાર પરાણે દવાખાને લઈ જઈએ તોય ત્યાં ડોક્ટરને કહે, 'આ મારા છોકરઓને સમજાવો, કહો કે આ ડોશીને કઈ ના થાય અને એ પેલી વાત અમને યાદ કરાવે કે મહેસાણામાં ડોક્ટરએ શું કહ્યું હતું, હું ત્રણ મહિનાએ નહિ રહું, થાય છે મને કઈ ? આ ડોશીને કઈ ના થાય !'આવું કહેતા ડોક્ટર પણ હસી પડે.


એક દિવસ અચાનક મારી નાનીની થતી ઉલ્ટીઓનો અવાજ અમને ઘરમાં સંભળાયો. અમે બધા પોતપોતાના કામો મૂકી દોડતા મામાના ઘરે આવ્યા. ત્યારે મામાને બધા દવાખાને જવાનું કહે અને એ બોલાય ઓછું, ઉલ્ટીઓ ચાલુ એટલે હાથથી 'ના ના' ઈશારાઓ કરે. અંતે બહુ સમજાવટ બાદ અમે પરાણે એને ગાડીમાં બેસાડી, હું ઘરે જ રહ્યો. અમને એમ કે હમણાં તરત દવા લઈ રોજના જેમ પાછા આવશે. પણ કોને ખબર કે આ મારી નાનીની જીવંત શરીરની ઘરથી અંતિમ વિદાય હશે. વાવ ગયા ત્યાં તો તબિયત વધારે બગડતા થરાદ ગયા. દવા કરાવી ત્યારે એ બોલવા લાગી. ત્યારે અંતિમવાર મે અને મારી મમ્મીએ વીડિયો કોલમાં એનાથી વાત કરી, ત્યારે પણ એના એ જ શબ્દો, 'હમણાં આવું હો બેટા.'


પણ કાળને આ વખતે કઈક અલગ જ મંજૂર હતું. ફરી એ રાત્રે તબિયત વધારે બગડી. ડોક્ટરએ આગળ લઈ જવાનું કહ્યું. નાનો ભાઈ રવી અને મામા સતીશ એ બધા પાલનપુર ખાતે લઇ ગયા. એમ્બ્યુલન્સમાં પણ એ ઘરે જવું એ વાત પર જ અડગ હતી. શરીર માં ઑક્ષિજનની કમી સર્જાઈ ગઈ હતી. ત્યાં જતાં જ ઇમ્મરજન્સીમાં લેવામાં આવી, બસ આ છેલ્લી વખત ત્યારે એને બોલતા બધા એ જોઈ. એક દિવસ વીત્યો. દવાઓ ચાલુ બે ટાઈમે મળવા જવાય. એ જ સ્થિતિ બીજા દિવસે પણ એ જ સ્થિતિ, ત્રીજા દિવસે હું પણ હોસ્પિટલ પહોંચ્યો. મે જ્યારે એને જોઈ ત્યારે ઘાયલસિંહ સૂતો હોય એવી પ્રતીતિ મને થઈ. બહુ પગ દબાવ્યા, બોલાવી 'નાની,નાની, બાઈ, બાઈ એ ઉઠ બાઈ.' હું અને મારા મામા અને મમ્મી બધા એ બહુ બોલાવી ત્યારે એને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો અને હોઠથી બોલવાનો પ્રયત્ન પણ કર્યો. પણ કાળમુખો શેનો આંખો ખોલવા દે. પ્રેમ અને વાત્સલ્યભરી આંખો ફરી બંધ થઈ ગઈ. અમે નિરાશ મોઢે બહાર આવ્યા, સાંજના સમયે મુલાકાતના સમયે ગયા એ જ સ્થિતિ.

         

ત્યારે અચાનક જ ત્યાંથી બુમ પડી, ભગવતી બેનના સંબંધી અને અમને બધાને દિલ માં ધ્રાસકો પડ્યો. અમે દોડીને જતાંજ મારી નાનીના પ્રેમ અને હિમ્મતની ભગવાન ઇર્ષા કરી ચુક્યો હતો. અમે બહુ જ એને જગાડવાનો પ્રયત્ન કરતા રહ્યા, 'બાઈ ઉઠ, બાઈ જાગો..નાની એ નાની, નાની જાગ, એકવાર કઈક બોલ.' પણ એ બહુ લાંબી સફર પર નીકળી ચૂકી હતી. જ્યાંથી ફરવું મુશ્કેલ છે, બાકી અમે બોલાઈએ અને એ ના બોલે એ અશક્ય છે.


 અમારા જોડે હવે રહી ગયું હતું તો એની યાદો એનો પ્રેમ, એની બહાદુરી અને એનું બુદ્ધિચાતુર્ય. અને એના છેલ્લે સમયની આંખો અને એણે કરેલ બોલવાના પ્રયત્નો.

          

એ ત્યારે એ જ બોલી હસે કે 'તમે હિંમત ન હારતા, હું શરીરથી જઉં છું, બાકી હમેશા આત્માથી તમારા સાથે જ છું.' આમ મારી નાની સાથે જ એક પરોપકારી યુગનો અંત થયો. જાણે આ અમારા આખા પરિવાર માટે એક એવું પાત્ર હતું કે જેના માટે અમે જેટલું લખી એ એટલું ઓછું પડે. અંતે એટલું જ કહીશ કે હે ભગવાન એ જ્યાં પણ હોય એને દુનિયાની તમામ ખુશીઓ આપજે

અને અમારી પાસે તો રહી છે તો માત્ર એની યાદ.. .યાદ... યાદ...


Rate this content
Log in

More gujarati story from Rajesh Dave