માણસની ખરી કિંમત
માણસની ખરી કિંમત
"જગુ ઊઠ નેણસીબાપાને ત્યાં જવાનું છે આજે સવારનાં વહેલાં આવ્યાં હતાં." જેઠીમા જગુને ઊઠાડતાં કહ્યું.
જગુ આશ્ચર્યથી, "નેણસીબાપા ? મને બો..લા.વવા."
"હા જગુ હા, નેણસીબાપા નહિં ભગવાન કહે ભગવાન" જેઠીમા હર્ષભેર બોલ્યા.
લાકડાં વાઢીને પેટિયું રળતા જગુનાં ઘરે નગરશેઠ એટલે બહું મોટી વાત !
નેણસીબાપા શ્રીમંત દાતાર અને ગરીબોના બેલી પ્રકૃતિ પ્રેમી અને જીવદયાના જાણે પર્યાય એમને સેવા કાર્યોમાંથી ફુરસદ ન મળતી છતાં સવારનાં જગુના ઘરે આવ્યાં એ જગુ માટે ભગવાનનાં આગમન જેવું લાગ્યું.
જગુ અવરુ સવરુ મોઢું ધોઈ દોડતો નેણસીબાપાની ડેલીએ ગયો.
જેવો જગુએ ડેલીમાં પગ મૂક્યો કે, "આવ દીકરા આવ બેસ." હીંચકા તરફ ઈશારો કરતાં નેણસીબાપા બોલ્યાં.
દીકરા જેવો મીઠો શબ્દ સાંભળી જગુ તો હર્ષઘેલો થઈ ગયો, વળી હીંચકે બેસવાનું કીધું જે જગુ માટે અપાર માન બરાબર હતું.
"ના બાપા હું અહીં નીચે જ બરાબર છું." જગુ બે હાથ જોડીને બોલ્યો.
"અરે અહીં આવ મારી પાસે મુદાની વાત કહેવી છે." નેણસીબાપા મીઠો ઠપકો આપતાં બોલ્યા.
મુદાની વાત સાંભળી જગુ વિસ્મયતાથી હીંચકા પર બેસી ગયો.
નેણસીબાપા: "જો દીકરા હું પાકો પાન કયારે ખરી પડું, તને તો ખબર છે મારે કોઈ મોહ, માયા કે લાલચ નથી ભગવાને બધું જ આપ્યું છે. એક દીવો બાળવાવાળો નથી, પણ મારી દીકરીને હું એવો સાથી આપવા માગું છું જે મારી મિલકતમાં નહિં પણ મારી કંડારેલી કેડી પર ચાલે."
જગુ બધી વાત સમજી ગયો, "પણ બાપા એવો જમાંઈ ગોતવો મુશ્કેલ છે, આજે માણસને પૈસા સિવાય કાઈ દેખાતું નથી."
"એ તો મે દસ વર્ષ પહેલાં જ ગોતી લીધો છે બસ તને પૂછવાનું બાકી હતું." મલકાતાં નેણસીબાપા બોલ્યા.
"મને પૂછવાનું ? કોણ છે, કયાં ગામનો છે ? એવો મને તો કોઈ સુજતો નથી." આશ્ચર્યથી જગુએ કીધું.
"એ આ જ ગામનો અને તું બરાબર ઓળખે છે. મારી સામે બેઠો છે." પ્રેમભર્યા સ્મિત સાથે નેણસીબાપા બોલ્યા.
આ પ્રેમભર્યા શબ્દો જગુ માટે ભગવાનના આશિષ વરસી રહ્યા હતાંં. જગુ તો બાગો જ રહી ગયો કાંઈ જવાબ આપી ન શકયો.
જગુ પણ ઈમાનદાર પરોપકારી અને જીવ પ્રેમી પણ ગરીબ યુવાન હતો. જેઠીમાને જગુના લગ્નની ચિંતા હતી પણ ગરીબ મજૂરને છોકરી આપે પણ કોણ ?
નેણસીબાપા: "અરે જગુ કયા ખોવાઈ ગયો."
જગુ: "બાપા કયા તમે ને કયા હું, મોટાં જોડામાં નાનું પગ કેમ શોભે ! "
"જગુ તું બહું વિચાર કર મા હું તને બરાબર ઓળખું છું, બેયનું બરાબરીનું કામ થાય."
"બાપા પણ...... "
"પણ બણ કાઈ નહિં જેઠીમાને પણ બોલાવ્યા છે એ પણ હમણાં આવતાં જ હશે, હું મારી ફૂલ જેવી દીકરી અને લક્ષ્મીને સારી જગ્યાએ ગોઠવવા માગું છું."
જગુ પર માલિકની ધોધમાર મહેર વરસતાં અચાનક રંકમાંથી રાજા બનવા જઈ રહ્યો હતો.
