Jugal Kishor

Others

2.8  

Jugal Kishor

Others

માધવ ક્યાંય નથી મધુવનમાં !

માધવ ક્યાંય નથી મધુવનમાં !

5 mins
16.3K


માધવ ક્યાં નથી?

માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.......માધવ ક્યાંય નથી.

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
"યાદ તને, બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી ?"
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં...માધવ ક્યાંય નથી.

કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં.....માધવ ક્યાંય નથી.

શિર  પર  ગોરસ  મટુકી  મારી  વાટ ન  કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !...માધવ ક્યાંય નથી.

-- હરીન્દ્ર દવે.

['માધવ ક્યાંય નથી મધુવનમાં!' કાવ્યનું રસદર્શન]                                                          

--જુગલકિશોર.   

રાષ્ટ્રીય કક્ષાએ રસખાન અને સુરદાસ કૃષ્ણગીતો ગાવા માટે જાણીતા છે. ગુજરાતમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા મહત્વના કવિ દયારામ પણ કૃષ્ણગીતોના સર્જક-ગાયક તરીકે જાણીતા અને માનીતા છે.

પરંતુ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણભક્તિ વહાવનારાંઓમાં હરીન્દ્ર દવે આગળની હરોળમાં બેસે છે. તેમની નવલકથા 'માધવ ક્યાંય નથી...' એ કૃષ્ણને શોધતા ફરતા નારદની એવી કથા છે જે વાચકને કૃષ્ણવિરહમાં તરબોળ કરી મૂકે છે. કૃષ્ણભાવમાં ભીંજાવા માંગતાં હોય તેમને માટે આ નવલકથાનું પાન કરવું અ-નિવાર્ય ગણાય.

હરીન્દ્ર દવેનું આ જ ભાવને વ્યક્ત કરતું એક ઊર્મિગાન "માધવ ક્યાંય નથી મધુવનમાં!" આપણાં કેટલાંક અત્યંત ગમતાં કાવ્યોમાંનું એક છે.

કાવ્યની પ્રથમ બંને પંક્તિઓમાં સમગ્ર કાવ્યનો કેન્દ્રવર્તી ભાવ સાવ સહજતાથી પ્રગટ થયો જ છે, છતાં ફૂલ-ભમરાના સંવાદથી મઢેલી બીજી પંક્તિ ખૂબ જ નજાકતથી કાવ્યમય બાનીમાં ધ્રુવપંક્તિને સબળ ટેકો આપીને પોતાનું કર્તવ્ય સુપેરે બજાવી ગઈ છે. ત્યાર પછીના ત્રણેય અંતરાઓ એક પછી એક અનુક્રમે કૃષ્ણવિરહના ભાવને ઘનીભૂત કરતા રહે છે. માધવનું ક્યાંય ન હોવું આ ત્રણેય અંતરાઓમાં સતત અને ક્રમશ: ઘુંટાતું રહે છે અને વાચક-ભાવકને કૃષ્ણમય બનાવીને જંપે છે.

આખા કાવ્યમાં માધવના ન હોવાનું દર્શાવતો રહેતો કવિ પોતે જાહેર થયા વગર કાવ્યમાં આવતાં પાત્રો દ્વારા કૃષ્ણવિરહની વેદના વહાવ્યાં કરે છે. આ બધાં પાત્રો તે, ક્રમશ: કદંબની ડાળી, જળની લહેરો, એમાંથી ઊભાં થતાં વલયો, નંદ-જશુમતી, માતાનાં વહાલ ઝરતાં લોચન અને છેવટ જતાં ગોપી અને તેનાં કાજળખરડ્યાં આંસુઓથી છલકતી આંખો....આ બધાં જ પાત્રો કૃષ્ણનું ક્યાંય ન હોવાનું દર્દ તારસ્વરથી પ્રગટ કરે છે. કાવ્યનો કેન્દ્રવર્તી ભાવ સમગ્ર કાવ્યમાં કૃષ્ણને ઝંખતાં પાત્રોના સંવાદો દ્વારા પ્રગટતો રહે છે. આ સંવાદોની વિશેષતા એ છે કે એક સંવાદમાંની વેદના બીજા સંવાદો ઊભા કરે છે ! અને એ રીતે માધવના ક્યાંય ન હોવાની વાત સમગ્ર વાતાવરણમાં પડઘાતી રહે છે.

ફૂલ-ભમરાના સંવાદ બાદ પ્રથમ અંતરામાં જાણે કોઈ ચીતારાએ ન દોર્યું હોય એવું સુંદર અને સુરેખ ચિત્ર જોવા મળે છે : કાલિંદીના જળ ઉપર સહેજ ઝૂકીને એને કાનમાં કહેતી હોય એમ કદંબની ડાળી યાદ કરાવે છે,"તને યાદ છે ને, અહીં જ બેસીને આપણા વનમાળી વેણુ વાતા'તા?" કદંબની ડાળીનો આ સવાલ જમુનાજળની લહેરોને એવો તો ઝણઝણાવી મૂકે છે કે એ સવાલ પછી કદંબનો જ ફક્ત ન રહેતાં લહેરો અને એના દ્વારા વમળમાં સ્પંદિત થઈ જાય છે! "અહીં જ તો હતા, હજી હમણાં સુધી, ને જે હવે ક્યાંય નથી.."નું દર્દ કદંબની ડાળીનું એકલીનું ન રહેતાં સૌ કોઈનું બનીને મનની ભીતરનાં ઊંડાં વમળોને સ્પંદિત કરી મૂકે છે.

બીજું ચિત્ર સૂના ઘરમાં સાવ સુનમુન બેઠેલાં મા-બાપનું છે! નંદ ફરિયાદ – ફરી ફરી યાદ – કરતાં કહે છે કે હવે ગોપીઓનું દાણ ઉઘરાવનારું કોઈ ન રહ્યું; રસ્તે જતી ગોપીઓ ઉપર કોઈની આણ પણ ન રહી ને હવે તો કોઈ રાવ કરવાય આવતું નથી!  શબ્દલીલા જુઓ: રાવ, એનાંય પાછાં સંકોચ-લજ્જા; અને તેય હસતાં હસતાં! ફરિયાદોમાંય કેટલા ભાવોની ગૂંથણી થઈ છે! નંદબાવાની ફરિયાદનો પડઘો જઈને જશુમતીનાં લોચનીયે પડે છે; નંદજીએ જગાડી મૂકેલી કૃષ્ણસ્મૃતિ માતાને લોચનીયેથી વહાલ થઈને ઝરી રહે છે. માતાને તો આંસુય વહાલપનાં જ હોય ને?

ત્રીજા ચિત્રમાં તો સંવાદ માટે એક જ પાત્ર છે. સંવાદ તો બે પાત્રો વચ્ચે જ સંભવે. અહીં તો ગોપી પોતાની જાત સાથે જ વાત કરે છે. માથે મટુકીને મૂકી કૃષ્ણની રાહ જોતી તે માંડ માંડ આખી વાટ ખુટાડવા મથે છે. રસ્તો કૃષ્ણની કાંકરી વિના ખૂટતો નથી. આ પંક્તિઓ મારી પ્રિય પંક્તીઓ છે. 'અબ લગ કંકર એક ન વાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી !' મટુકીને બદલે ભાગ્યને ફોડી નાખનારો આ વિરહ કેવી ઉંચાઈને આંબે છે! હિન્દીના શબ્દો 'અબ લગ કંકર'  સહજ આવી ગયા છે; એણે વ્રજનારીની ભાષામાં ત્યાંનું વાતાવરણ સાવ સામે લાવીને ખડું કરી દીધું છે. 'ખૂટી' અને 'ફૂટી'નો પ્રાસ પણ ઘણું કહી જાય છે. એક જ પાત્ર દ્વારા થતો આ સંવાદ પડઘાઈને ગોપીના કાજળને સ્પર્શી જાય છે; કાજળ એનો ચેપ આંખોને લગાડી આપે છે, ને આંખો તો જાણે બહાનું મળતાં જ છલકાઈ પડે છે.. ને અહીં જે પ્રાસયોજના થઈ છે તે તો ધ્રુવપંક્તિના 'મધુવનમાં' સાથેનો ઉત્તમ પ્રાસ બની રહે છે. 'અંસુવનમાં' વાત વહેવડાવીને સર્જકે આંસુની વિપુલતા સૂચવી આપી છે.

ઉપરનાં ત્રણેય ચિત્રોનો ક્રમ જોઈશું તો જણાશે કે કૃષ્ણવિરહ સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિ કરે છે. પ્રથમ ચિત્રમાં પ્રકૃતિ છે; બીજા ચિત્રમાં પુરુષ છે જ્યારે ત્રીજા ચિત્રમાં તો શરીર પોતાના અંતર સાથે સંવાદ રચીને વિરહને સૂક્ષ્મતમ સ્તરે લઈ જાય છે.

સંવાદોની રચના પણ કેવી મધુર અને કાવ્યમય બની છે! એક તત્વ કૃષ્ણ ન હોવાની ફરિયાદ કરે છે ત્યારે સંવાદ બનતો નથી. સાંભળીને બીજું તત્વ ક્યાંય સામો ઉદ્ગાર પણ કાઢતું નથી. કદંબની ડાળીની વાત, નંદની ફરિયાદ કે ગોપીની સ્વગતોક્તિનો જવાબ કોઈએ જીભેથી આપ્યો જ નથી!  આ ત્રણેય સંવાદોની ખૂબી જ એ છે કે એમાં આરંભનો એકાદ બોલ કે ઉદ્ગાર બીજા પાત્ર પાસે અને ત્યાંથી ત્રીજા, ચોથા પાત્ર પાસે જઈને પડઘાતો રહે છે, જાણે પ્રથમ ઉદ્ગારનો જવાબ આપવાની તાકાત જ હણાઈ ગઈ ન હોય !

પછી તો ફરિયાદ ફરી ફરીને પડઘાતી જ રહે છે ને  કોઈ ને કોઈ વિરહચેષ્ટાઓમાં પરિણમતી રહે છે. પ્રથમ ચિત્રમાં તે વમળનાં સ્પંદનોમાં સ્મરાતી રહે છે; બીજામાં માતાનાં લોચનથી ઝરતી રહે છે ને ત્રીજામાં આંખોના અંસુવનમાં વહેતી રહે છે...!

બીજી રીતે જોઈએ તો –

ક્યાંકથી એક ભાવ ઓચીંતો સ્ફુર્યો કે, "માધવ હવે ક્યાંય નથી!"  એ ભાવ ફૂલ-ભમરા વચ્ચે પડઘાયો; કદંબની ડાળ દ્વારા યમુનાજળ પાસે ને ત્યાંથી લહેરો દ્વારા છેક વમળો સુધી વલોવાયો. નંદની રાવરૂપે માતા જશોદાનાં લોચનીયે જઈને ઝર્યો અને છેવટ ગોપીના ભીતરે જઈને વેદનાના તીવ્રતમ સ્તરે પહોંચ્યો! મટુકીને બદલે ભાગ્યને ફોડનાર, 'કર્મના સિદ્ધાંત'ને દોષિત  કરી મૂકતો તે છેવટ અંસુવનરૂપે વહેતો વહેતો પડઘો/ભાવ ધ્રુવપંક્તિના 'મધુવન' સાથે અનુસંધાન કરી આપે છે અને એ રીતે વિરહના કેન્દ્રવર્તી ભાવને પાછો નવેસરથી વાચકને કાવ્યના બીજા વાચન તરફ દોરી જાય છે!

કૃષ્ણના વિરહનું આ ગાન ખરેખર તો સ્મૃતિદંશની વેદનાનું કાવ્ય છે. સ્મૃતિનો આ ડંખ મનુષ્યજાતીને જ નહીં પણ પ્રકૃતિને પણ વાગી જાય છે.  સૌ કોઈ "કૃષ્ણ હવે નથી"ની વેદના મમળાવ્યા કરે છે. આ વેદનાનું એકથી અન્ય તરફ વહેતું રહેવું, પડઘાતું રહેવું, ઝરતું રહેવું  એ જ જાણે કાવ્યની ખૂબી છે.

પરંતુ છેલ્લે કહેવાનું મન અવશ રીતે થાય છે કે આટઆટલા પડઘા પાડતી "માધવ ક્યાંય નથી"વાળી વાત એ રીતે રજૂ થઈ છે કે માધવ ન હોવાની વેદના ચારે બાજુ ફેલાઈ જઈને માધવની સતત હાજરીનો અનુભવ કરાવી જાય છે!

કાવ્યનું કેન્દ્ર જાણે "માધવ ક્યાંય નથી!"માંથી ખસીને "માધવ ક્યાં નથી ?"  બોલાવી દે છે!

[બીજી પંક્તિમાં વેદનાને 'ગુંજન' શબ્દ દ્વારા વહેતી દર્શાવાઈ છે તે અહીં ગુંજન શબ્દને લીધે શોભતું નથી. ગુંજન શબ્દ વેદનાના સંદર્ભે યોગ્ય નથી. આટલી વાત કૃષ્ણકાવ્યના સૌંદર્યને કોઈની નજર ન લાગી જાય એ માટેના કાળા ટપકારૂપે  સ્વીકારવી રહી!]

 


Rate this content
Log in