મા
મા
મા ! કેટલો અનોખો શબ્દ. આ શબ્દ સાથે જોડાયેલી લાગણીઓને ખાલી અનુભવી શકાય. એવી કોઈ જ કલમ નથી કે જે માની મમતા ને કાગળ પર પૂરેપૂરી ટપકાવી શકે. એ શક્ય જ નથી. ખુદ ઈશ્વર પણ જ્યાં નમે એ ' મા '. મા નો પેહલો સ્પર્શ બાળક અનુંભવે ને સમજી જાય કે આ વ્હાલ સોયો સ્પર્શ કોનો છે. ના બોલતું, ના ચાલતું હોય, માત્ર ને માત્ર અનુંભવતું હોય, એ બાળક ક્યાં કોઈ લાગણીને કાગળ પર ટપકાવી શકવાનુંં કે કોઈ રાગ માં ગાઈ શકવાનું કે કોઈ નાટક માં ચિત્રીત કરવાનુંં, એ તો માત્ર અનુંભવવાનુંં. એક જ અહેસાસ કે
' દુનિયા સ્વાર્થની સારી,
બીજું કોઈ જ નહી
મારી મા જ મારી '.
છાતી સરસો ચાંપી ને સુવડનારી પણ મા જ ને બાળક ના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શરીરે ડામ દેનારી પણ મા જ. એમ જ નથી કહેવાયું કે ' નારી તારા નવલાં રૂપ '. સૌથી પહેલા દીકરી પછી બહેન, પછી પત્ની અને પછી મા. આમ દરેક રૂપમાં, મા નુંં રૂપ એટલે જાણે નિર્મળ નદી. ક્યારેય ખૂટે નહીં એવો પ્રેમ નો અખૂટ સ્ત્રોત. સ્વયં સ્ફૂરિત ઝરણાંમાંથી જેમ અનેક નાની મોટી ધારાઓ વહે તેમ મા એના દરેક બાળક પર ક્યારેય ખૂટે નહીં એવી પ્રેમની ધારાઓ વહેડાવતી જ રહે છે.
હંમેશા લાગણીઓ ને પરવશ રહેતી, દિમાગથી વિચારવાનુંં કાયમ દિલથી વિચારતી ને જરૂર પડ્યે પોતાના બાળક પર આવેલી વિપત્તિ માટે અંબા - જગદંબાનુંં રૂપ ધારણ કરતી.
મે આ બધું માત્ર જોયું જ નથી પણ અનુભવ્યું છે. મારી મા ના ચહેરા પર ટપકતી દરેક લાગણીઓનુંં બુંદે - બુંદ મે પીધું છે. એ ચહેરા પર ઉભરાતી ચિંતાઓની કરચલીઓ પણ મુજથી છાની નથી રહી. એમના સ્વભાવમાં રહેલી નીડરતા, નિઃસવાર્થભાવ, સેવાભાવ, ઉદારતા, ક્ષમા કોઈ ની તોલે ના આવે. જીવનમાં એકાએક આવી પડેલા દુઃખ ના દરિયા પણ એકલે હાથે ઓળંગતી. મક્કમતા તો એવી કે મેરુ ને પણ ડગાવે.
ઉપરવાળા ને એવી ચિંતા તો રહેતીજ હશે કે મારી ખુરશી છીનવનારું એક પાત્ર મે પૃથ્વી પર મોકલી તો દીધું છે, પણ હવે શું ? એની એ ગૂંચવણમાંથી બહાર આવવા, ને એની સરકાર ના પડે એટલે એણે એ પાત્ર ને જુદા - જુદા વિષયો માં વિચલત કરી ને દરેક સબંધ ને તાંતણે બાંધીને એવું વિહવળ બનાવી દીધું કે એની આંટી-ઘૂંટીમાંથી ક્યારેય બહાર જ ના અવાય. પણ એને ક્યાં ખબર છે કે એ આંટી-ઘૂંટીની મથામણમાં ગૂંચવાયેલું રહેતું એ પાત્ર ' મા ' એના આપેલા દરેક દર્દ ને સહીને પણ એનાથી તો પહેલું જ પૂજાય છે. અને એટલે જ લખનારા એ લખ્યું છે કે ' જનનીની જોડ સખી નહી જડે રે લોલ ' અને બીજી રીતે કહીએ તો ' મા તે મા બીજા બધા વગડાના વા.'
