લોકડાઉન
લોકડાઉન
તીવ્ર ગતિ એ પોલીસવાન સોસાયટીના ગેઈટ પાસે આવી અને કંઈજ બોલ્યા વગર સીધી એફ ટાવર પાસે પહોંચી ને એમાંથી ધડાધડ પોલીસ પલટન ઉતરી અને પાછળ દોડતા દોડતા આવી રહેલા સિકયુરિટી ને પ્રશ્નો પૂછવા લાગી... પાંચમાં માળ પર કોણ રહે છે ? સોસાયટી ના પ્રમુખ, મંત્રી ક્યાં છે ? એમને બોલાવો વિગેરે વિગેરે. ૨૦ મિનિટ સુધી પાંચમા માળે જઈને તપાસ પૂર્ણ કરી ને પોલીસ નીચે ઉતરી અને અર્ધા કલાકમાં ડોક્ટર ની ટીમ આવી અને પાંચમા માળે રહેતા પરિવાર ને તપાસી ને એમને, સિકયુરિટી ને અને અમને બધા ને જરૂરી સૂચના આપી ને બધા રવાના થયા.
સોસાયટી માં ચર્ચા થવા લાગી. બધા ને તાલાવેલી થઈ કે શું થયું? કોરોનાની બીકથી સમગ્ર ટાવર અને સોસાયટી હચમચી ગઈ. સોસાયટી સંચાલકો પર પ્રશ્નો નો મારો થવા લાગ્યો પણ પ્રમુખ અને મંત્રી બંને એક સરખી રાશિવાળા અને આવી બધી બાબતોમાં શાંત ચિત્તે કામ કરવાવાળા એટલે કોઈ વધારે ભય ફેલાય એ પહેલાં ખૂબ શાંતિથી બધા ને સમજાવી ને શાંત પાડયા અને બીજે દિવસે કોર્પોરેશનની ટીમ આવી ને લાલ કલરનું લેબલ પેલા ફ્લેટ પર મારી ગયા અને એ પણ પૂરા ૧૮ દિવસ માટે. અમે જે તે ટાવરના સભ્યોને કોરેન્ટાઈન થયેલા પરિવાર ની જરૂરિયાત વિશે સમજાવ્યું અને ભોગ બનેલા પરિવાર ને પણ હૈયા ધારણા આપી કે સોસાયટી તમારી સાથે છે માટે ચિંતા કરશો નહિ. સમગ્ર સોસાયટી ને સેનીટાઈઝ કરાવી... એ પરિવારની વાપસી દુબઈથી લૉકડાઉનના થોડા દિવસ પહેલા જ થઈ હતી પણ કોઈ જ બીમારી ના હોવાથી ૧૮ દિવસ હેમખેમ પસાર થઈ ગયા.
હા, આ મારી સોસાયટી અને હું સાહિલ. એકમેવ સેક્રેટરી આ સોસાયટીનો. પહેલેથી જ કોઈ ને પણ મદદરૂપ થવાનો અભિગમ મને ગળથૂથીમાં એટલે સદાય પોતાના અને અન્ય પરિવારજનો ને મદદ કરવા આતુર.
થોડો ઘણો હું કલા અને સાહિત્યનો જીવ. એટલે જ આપણી ભાતીગળ ગરબા કલામાં પારંગત એવી શ્રાવણી ને મારું સમગ્ર જીવન અર્પણ કરી બેઠો.
શ્રાવણી કામ કાજ માં ખૂબ જ ચોકસાઈ વાળી અને ૨૦ થી પણ વધારે વર્ષો ના સહજીવનથી મને પણ ઘણી બાબતોમાં ખુશી ખુશી ચોકસાઈ રાખવી ગમવા લાગી.
સલોની એટલે અમારો વહાલ નો દરિયો હવે કૉલેજના પ્રથમ પગથિયાં પર ડ
ગ માંડવા ને સક્ષમ થઈ ગઈ હતી. પર્યાવરણ સાથે પ્રેમ એટલે સલોની એ તે વિશે ભણવાનું શરૂ કર્યું. શ્રાવણીએ પણ બાળપણને પાછું માણવા નાના ભૂલકાંઓની શાળામાં નોકરી શરૂ કરી હતી અને તદ્દન નવી જગ્યા એ તુરત જ જાત ને પુરવાર કરવા માંડી.
હું આમ તો સાહિત્યનો જીવ પણ ગીતાના કર્મના સિધ્ધાંતોની જેમ ફળની આશા વગર લોકોની સેવા કરવાનું અને દુઆ જ મેળવવાનું લખ્યું હશે એટલે પ્રતિષ્ઠિત બેંકમાં લોન વિભાગમાં નોકરી. મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોના જીવનમાં આવતા પડકારોને પહોંચી વળવામાં મારા જેવા ઘણા અધિકારીઓનો પરોક્ષ ફાળો કહી શકાય અને એના માટે ભગવાન નો ઘણો આભાર. બેંક ની નોકરી એટલે બદલીઓ પણ થાય.
આમ, ઘાટ ઘાટ ના પાણી પી ને, કુદરત ના પ્રકોપ એવા ધરતીકંપ ને પણ હિંમતથી પચાવી ને હાલ અમે મહારાજાની મહાનગરીમાં સ્થાયી થયા. મારા માતા પિતા, શ્રાવણી અને અમારા બધા ની લાડલી એવી સલોની એમ પાંચ લોકોનો પરિવાર અને સાથે સોસાયટી ના ૨૦૦ પરિવારની હુંફથી જિંદગી રંગે ચંગે ઉજવાતી હતી…ત્યાં જ આ લૉકડાઉન આવ્યું અને બધું એકદમ ઠપ્પ.
લોકડાઉન જોકે અમારા જેવા પ્રાઈવેટ જોબવાળા માટે આશીર્વાદ રૂપ બન્યું કેમકે પરિવાર સાથે રહેવા અને પોતાના શોખ પૂરા કરવાનો સમય મળ્યો. ઘર ના કામકાજમા અમે બંને લગભગ સાથે હોઈએ પણ સલોની એ આ લૉકડાઉનનો લાભ લઈ ને રસોઈ અને વિવિધ વાનગીઓ શીખવી શરૂ કરી.
સાહિલ પોતાની પર્સનલ, પ્રોફેશનલ અને સામાજિક જવાબદારીઓ નિભાવવામાં રત છે અને રાત્રે થ્રિલર વેબ સિરીઝ અને લુડો રમી ને અંબાણી ગ્રુપ ને નેટવર્થ વધારવામાં મદદ કરે છે. હા , એ બાબતે શ્રાવણીનો ફાળો પણ નાનો સુનો ના કહી શકાય.
આમ અચાનક આવેલા લૉકડાઉનમાં પણ શ્રાવણી અને સલોનીના સાથથી અને પરિવારની હુંફથી જિંદગીના મધદરિયે પહોંચેલી નાવ ને એના મનગમતા સાહિલ સુધી પહોંચાડવા સદા તત્પર એવો હું જરા પણ વિચલિત નથી, ભ્રમિત નથી.
નિશ્ચિંત છું સર્જનહાર એ લીધેલા આ નાનકડા વિરામ માટે કેમકે સાથ અંગત લોકોનો છે. મિત્રો નો છે અને સમગ્ર પરિવારનો છે.