લોકડાઉન - જીવનની એક શીખ
લોકડાઉન - જીવનની એક શીખ
હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીના આતંકથી ત્રસ્ત છે. પણ ખરું પૂછો તો આજે કુદરત નવપલ્લવિત બની રહી છે. નદી, નાળા, ઝરણાં, સમુદ્રના કિનારાઓ નવું જીવન પામી રહ્યા છે. માણસોને ઘરે બેસાડીને જ કદાચ આ કામ શક્ય બન્યું હોય. પણ માણસ તો પોતાનું માણસપણું છોડતો જ નથી. આજે ઘરે રહીને પણ લડાઈ ઝઘડા કરે છે. ખરા અર્થમાં તો કુદરત લોકડાઉનનું પાલન કરી રહી છે. એ પોતાની રીતે શુદ્ધ થઈ રહી છે, પરંતુ માણસ પોતાની જાતે શુદ્ધ નથી થઈ શકતો. માણસે કુદરત પાસેથી ઘણું બધું હજી શીખવાનું બાકી છે. માણસ ક્યારે પોતાની ભીતર છુપાયેલા દ
ોષોને દૂર કરશે અને એ દ્વારા આખી માણસજાતનું કલ્યાણ કરશે. પરસ્પરના સંબંધોને ક્યારે એ સમજશે ? કુદરતતો પોતાની જાતે સેનિટાઈઝ થઈ ગઈ છે પરંતુ માનવ હજી પણ ભીતરથી સેનિટાઈઝ નથી થઈ રહ્યો !
આજે કુદરત જાણે કે માણસથી જ સોશીયલ ડિસ્ટન્સ જાળવતી હોય તેવું લાગે છે. માણસે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું. એનું પરિણામ એ આવ્યું કે આજે માણસ એકબીજાને સ્પર્શી પણ નથી શક્તો. એકબીજાના સ્પર્શથી ફેલાતો આ રોગ ઘણું બધું શીખવી જાય છે. આજે ચાંદ સુધીનું અંતર કાપવાવાળો માણસ એકબીજાનાથી અંતર રાખતો થઈ ગયો છે !