Prakashkumar Patel

Children Stories Inspirational

4.5  

Prakashkumar Patel

Children Stories Inspirational

લક્ષ્ય

લક્ષ્ય

18 mins
916


મોરબી પાસે એક ગામ હતું ત્યાં એક ગરીબ ખેડૂત પરિવાર રહેતો હતો. ગામમાં તેનું ઘર તેને લીમડાના, કપાસના, એરંડાના અને સાંઠના લાકડાથી બનાવેલું હતું. ખેડૂત ગામમાં રહેતા લોકોના ખેતર અર્ધા ભાગે વાવીને મજૂરી કરતો. ખેતરનો વિસ્તાર એવો હતો જ્યાં ઘણું ખરું સમતલ જમીન તો અમુક પહાડી ડુંગરવાળો વિસ્તાર હતો જેથી વાઘ, વરુ કે દીપડો જેવા જંગલી પ્રાણીઓ ક્યારેક આવી જતા હતા. પણ ખેડૂતને એની બહુ બીક નોહતી લાગતી કારણકે એ આ બધાથી ટેવાઇ ગયો હતો. ખેડૂત મજબૂત સાહસી, ઈમાનદાર અને દયાળુ હતો તેના પરિવારમાં તે અને તેની પત્ની અને એક દીકરો હતો. દીકરો શ્રેય સાતમા ધોરણમાં પાસ થઈને આંઠમાં ધોરણમાં આવ્યો હતો. ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યુ હતુ. દીકરાને ખેડૂત અમુક અમુક વાર ખેતરમાં લઇ જતો જેથી દીકરાને ખેતરના કામની સમજ પડે.


એક દિવસ ખેડૂતે વિચાર્યું કે મારે ખેતરના કામમાં આજે મારા દીકરાની થોડી જરૂર પડશે તો દીકરાને ખેતરમાં લઈ ગયો અને કહ્યું કે શ્રેય બેટા મારે તારા કામની આજે જરૂર છે તો તું મને મદદ કરજે અને થાક લાગે તો તું આ અંબાના ઝાડ નીચે બેસીને આરામ કરજે. દીકરાએ જવાબ આપી કહ્યું હા બાપુજી હું તમને જરૂર તમને મદદ કરીશ. દીકરો અને ખેડૂત બંન્ને કામે લાગ્યા કામ કરતા-કરતા દીકરાને થાક લાગ્યો. દીકરો અંબાના ઝાડ નીચે જઇ બેઠો આરામ કરતો હતો. આરામ કરતાની સાથેજ દીકરો સુઈ ગયો. થોડી વારમાં ત્યાં એક દીપડો આવી ગયો. ખેડૂત કામ કરતો હતો ત્યારે તેને એક અવાજ આવ્યો અને તેને લાગ્યું જરૂર કોઈ જંગલી પ્રાણી આવી ચડ્યું છે. ખેડૂતે જોયુ તો દીપડો આંબાની નજીક હતો. ખેડૂત લાકડી લઈને દોડીને કૂદકો મારીને દીકરાને ઉચકી દિપડાથી દૂર ફેંકી દીધો. તેથી શ્રેય ઝબકીને જાગી ગયો જોયું તો પપ્પા દીપડાનો સામનો કરતા હતા. આ ઘટના એને જોઈ અને તેના પપ્પા કઇ રીતે દીપડાનો સામનો કરતા હતા તેને જોયું એટલામાં દીપડો કૂદકો મારીને પપ્પાની ઉપર ચડી બેઠો તો દીકરાએ તરત જ પપ્પાની જેમ દીપડાનો સામનો કર્યો તો દીપડો પપ્પાને છોડીને ભાગી ગયો અને તેના પપ્પા બચી ગયા. પિતાએ શ્રેયને શાબાશી આપીને તેનો બરડો થબથબાવ્યો. આ બધી વાત ખેડુતે તેની પત્નીને કહી સંભળાવી. તેથી પત્નીને પોતાના દીકરા શ્રેય પર ગર્વ થવા લાગ્યો.


બીજા દિવસથી સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી. સ્કૂલમાં બધા વિધાર્થીઓ આવવા લાગ્યા ટીચરે બધા વિદ્યાર્થીઓને જણાવ્યું કે બે દિવસ પછી સોમવારથી બધાજ વિધાર્થીઓ ગણવેશ પહેરીને ફરજિયાત આવવું રહેશે. તો શ્રેય સિવાયના બધા વિદ્યાર્થીઓએ ટીચરને જવાબ આપ્યો "હા ટીચર અમે ગણવેશ પહેરીને આવીશું. " આ બધા વિધાર્થીઓ જે સ્કૂલ ચાલુ થયાના પહેલાજ નવો ગણવેશ દુકાનેથી ખરીદી લીધો હતો. પણ શ્રેય પાસે ન હતો તેથી શ્રેયે તેના પપ્પાને વાત કરી કે એને ગણવેશ જોઈએ છે. પપ્પાએ દીકરાને જવાબ આપ્યો કે અત્યારે તેમની પાસે પૈસા નથી તો ટીચરને કહેજે કે આપણા એરંડાનો પાક આવતા અઠવાડિયામાં વેચીશું પછી એમાંથી જે પૈસા આવે તેમાંથી તને હું ગણવેશ લઈ આપીશ. બીજા દિવસે શ્રેય ટીચર પાસે ગયો અને પપ્પાએ કહેલી બધી વાત ટીચર ને કરી તો ટીચરે એને ખખડાવ્યો હતો તો ઘરે જઈને શ્રેયે રડતા રડતા પપ્પાને બધી વાત કરી. ખેડૂત એટલો ગરીબ હતો કે ગામના લોકો કે કોઈ તેને મદદ નોહતું કરતું. પપ્પાએ શ્રેયને આશ્વાસન આપતા કહ્યું કે બેટા ચાલ હું આપણા શેઠ- ખેતરના માલિકને કહું કે એરંડા વેચી નાખીએ જેથી આપણા ઘરના ખર્ચા પુરા થાય અને તારો ગણવેશ પણ આવે જેથી ખેડુતે શેઠને ફોન પર વાત કરી કે શેઠ મારે પૈસાની જરૂર છે તો આપણા એરંડા વેચી નાખીએ તો એ પૈસા મારા કામમાં આવી જાય. તો શેઠે એવો જવાબ ખેડૂતને આપ્યો કે અત્યારે હું મારા ધંધા અર્થે બહાર ગામ ગુજરાત બહાર છું તેથી મારે આવતા દસ દિવસ જેવું લાગશે તે પછીજ બધું થશે. ખેડુતે કહ્યું સારું શેઠ. હવે ખેડૂત મૂંઝવણમાં મુકાઈ ગયો સાલુ હવે શુ કરીશું? દીકરો સ્કૂલે ગયો અને ખેડૂત ગામના અમુક લોકો પાસે ઉછીના પૈસા લેવા ગયો પણ તેને કોઈએ પણ પૈસા ના આપ્યા. ખેડૂત નિરાશ થઈને ગામની બહાર હાઈવે પાસે આવેલ ડુંગર પર બેઠો હતો સાંજનો સમય હતો દીકરો સ્કૂલથી ઘરે આવ્યો અને પપ્પાને શોધતો હતો. વાસણ ધોતી મમ્મીને પૂછ્યું કે પપ્પા ક્યાં છે. મમ્મીએ જવાબ આપ્યો કે તારા પપ્પાએ શેઠને વાત કરી હતી પણ એતો બહાર ગામ ગયા છે તો હાલ શેઠ નહી આવે એટલે તારા પપ્પા ગામમાથીં કોઇની પાસેથી ઉછીના પૈસા લઈને આવશે પછી તને ગણવેશ લઇ આપશે. દીકરાએ પપ્પા આવે એની રાહ જોઈ પણ પપ્પા ના આવ્યા તેથી તે ગામમાં ગયો તો ના મળ્યા પછી તેને એક ભાઈને પૂછ્યું કે તમે મારા પપ્પાને જોયા છે તો તેમને કહ્યું કે તારા પપ્પા ગામના બધા લોકો પાસે ઉછીના પૈસા માંગતા હતા પણ કોઈએ એમને ના આપ્યા પછી એ હાઇવે પર ડુંગરા પર જઈને બેઠેલા હતા એ મેં જોયા. તો દીકરો ફટાફટ હાઈવે પર ગયો તો એના પપ્પા ડુંગરા પર બેઠા હતા. પપ્પાનો નિરાશ ચહેરો જોઈ શ્રેય તેમને કઈ ના બોલ્યો બસ પાસે જઈને બેસી ગયો. પિતાએ શ્રેયને ખોળામાં લીધો તો એ રડી પડ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા હું જ્યાં સુધી આપણી પાસે પૈસા નહીં આવે ત્યાં સુધી હું સ્કૂલમાં નહીં જઉં જેથી તમારે તકલીફ ના ઉઠાવી પડે. પિતાએ કહ્યું ના દીકરા હું ગમેતે કરીને તને ગણવેશ જલ્દીથી લઈ આપીશ એવું આશ્વાસન દીકરાને આપ્યું. ડુંગરા પર બેઠા બેઠા દીકરો હાઇવે પર આવતા વાહનોને જોતો હતો. હાઇવે પર આવતા વાહનોને હાઇવે સાંકડો અને ખુબજ ખાડા-ખૈયા વાળો હોવાથી આવતા જતા વાહનોને ખુબજ તકલીફો પડતી હતી. તો દીકરાએ પિતાને સવાલ કર્યો કેે પપ્પા આ હાઈવે સરકાર નવો કેમ નથી બનાવતી જુઓતો કેટલો ખરાબ અને સેંકડો છે. તો પિતાએ જવાબ આપ્યો બેટા આ રસ્તો એક મહિના પહેલાજ સરકારે બનાવ્યો હતો પણ મોરબી શહેરની આસપાસ આવેલ સીરામીક ટાઇલ્સની ફેક્ટરીઓમાં વપરાતા માલની હેરફેર માટે ભારે વજનદાર ટ્રાકોની અવરજવરને કારણે આ રોડ તુટી ગયો છે તેથી સરકાર પણ શું કરે? આ વાત કરતા હતા એવામાંજ એક અમદાવાદથી લકઝરી બસ ફૂલ ઝડપથી આવી અને મોટા ખાડામાં ટાયર આવી જવાથી બસ પલટી ખાઇ ગઈ.


તેના લીધે બસમાં બેઠેલા લોકોને ઇજાઓ થઈ હતી. પિતા અને શ્રેય લકઝરી બસ પાસે ગયા અને બધાને બહાર કાઢ્યા સદભાગ્યે નું મોત થયું ન હતું પરંતુ એક ભાઈ જેમને ગંભીર ઇજાઓ થઈ હતી તેમને માથાના અને પગના ભાગે ઇજાઓ થઈ હતી. એ ભાઈ સાથે એમના પરિવારનું કોઈ સભ્ય ન હતું. 108 ને ફોન કર્યો પણ ગામ મોરબીથી દૂર હતું તેથી તેને આવતા બહુ વાર લાગે એવું હતું. બીજું કોઈ તેને લઈ જવા તૈયાર ન હતું. ખેડુતે જોયું કે એ ભાઈના પાકીટ માં ઘણા પૈસા પડ્યા હતા તો ખેડૂત દોડતો ઘરે ગયો અને તેનું બળદ ગાડું ઝડપથી લઈ આવ્યો અને પેલા ભાઈને ગાડામાં બેસાડીને મોરબી શહેર તરફ લઈ ગયો. મોરબીમાં માનસી હોસ્પિટલમાં દાખલ કર્યો ડોક્ટરે પૈસા માંગ્યા અને ભાઈની ડિટેઇલ માંગી. ખેડુતે કહ્યુ ભાઈનો અકસીડેન્ટ મારા ગામ નજીક થયો છે ભાઈ કોણ છે એની મને ખબર નથી પણ તમે એની સારવાર ચાલુ કરી દો પૈસા તમને હું આપી દઉં છું ખેડુતે ભાઈના ખિસ્સામાંથી પૈસા કાઢ્યાં તો પચાસ હજાર નીકળ્યા. ખેડૂતને થયું કે હાશ આ ભાઈની સારવાર તો થઈ જશે. તો ખેડુતે ભાઈને સાજો કરવાની જવાબદારી ઉપાડી લીધી અને ડોક્ટરને દસ હજાર પૈસા આપી દીધા. ભાઈના ઘરના લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ ના થઇ શક્યો. ડોક્ટર ની સારવાર ચાલુ થઈ ગયી. ભાઈને જે ગંભીર ઇજાઓ જે હતી તેની હવે કાબુમાં આવી જશે તેવું ડોકટરે ખેડૂતને કહ્યું. ખેડૂત અને શ્રેય ખુશ થઈ ગયા. તેઓે હોસ્પિટલમાં રોકાઈ ગયા. બીજા દિવસે ડોક્ટરે ખેડૂતને ભાઈનો પેન્ટ બદલવાનું કહ્યું તો ખેડુતે એમના કહેવા મુજબ બદલી દીધો અને જુના પેન્ટને સીધો કરતા હતા તો તેમાંથી ભાઈની સંપર્ક ડાયરી મળી અને તેમાંથી તેમનું નામ અને ઘરનો ફોન નંબર મળ્યો.


 ખેડુતે તરત જ ફોન કર્યો અને તેમના પિતાને કહયુ કે તમારો દીકરો આશિષનો અકસીડેન્ટ થયો હતો જેમાં એ ગંભીર હતા પણ હવે એમને જે થયેલી ઇજા કાબુમાં આવી ગયી છે તો ચિંતા ના કરતા એમને સારુ થઇ જશેં અને તમે અમદાવાદથી મોરબીની માનસી હોસ્પિટલમાં આવી જજો. આ ફોન પત્યો તરતજ ખેડૂતના ફોન પર ખેતર માલિક નો ફોન આવ્યો કે હું બપોરે ગામમાં આવું છું મારુ કામ પૂરું થઈ ગયું છે અને આપણે એરંડા કાલે વેચી મારીશું. ખેડૂત અને શ્રેય બન્ને આ વાત સાંભળીને ખુશ થઈ ગયા. ચાર કલાક પછી અમદાવાદથી મોરબી આશિષભાઈનો પરિવાર આવી ગયો. ખેડુતે આશિષભાઈના બાકીના 40 હજાર રૂપિયા તેમના પરિવારને સોંપી દીધાં અને ભાઈ સાજા થઇ ગયા છે તેવા ખુશીના સમાચાર આપ્યા અને અશિષભાઈના પરિવારે એમનો ખૂબ આભાર માન્યો અને ખેડૂતને જે કામ કર્યું તેના બદલામાં પૈસા લઈ લેવાનો આગ્રહ કર્યો પણ ખેડૂતે ના પાડી. ખેડૂત હવે અશિષભાઈને તેમના પરિવારને સોંપી ત્યાંથી ઘરે ગયા. ખેડુતે ઘરે જઈને જે એરંડાના પંદર કોથળા હતા. ખેડૂત ગામની ઊંટ લારીને ઘરે લઈ આવ્યો અને તેમાં નાખી દીધા અને બીજા દિવસે ઊંટ લારીમાં તે અને તેની પત્ની સાથે ખેતીવાડી બઝારમાં એરંડા વેચવા ગયો. શેઠ ગાડી લઇને ડાયરેક્ટ ખેતીવાડી બઝારમાં ગયા ત્યાં થોડી વાર પછી ખેડૂત પહોંચ્યો. એરંડા વેચી શેઠે પૈસાના ભાગ પાડીને ખેડૂતને તેના પૈસા આપી દીધા. ખેડૂત અને તેની પત્ની ખુશ થયી ગયા દીકરા શ્રેય માટે યુનિફોર્મ, નોટ, ચોપડી, પેન, પેન્સિલ, બૂટમોજા એવી બધીજ સ્કૂલની વસ્તુ અને કરીયાનું બાઝર માંથી લઈ લીધું. આ બધું લીધા પછી બન્ને દંપતી ઘરે નીકળ્યા. તેમનો દીકરો શ્રેય મમ્મી-પપ્પાની આતુરતાથી રાહ જોતો હાઇવેની નજીક બસ સ્ટેન્ડ પર બેઠો હતો. તેને મમ્મી પપ્પાને જીપમાં આવતા જોયા અને મમ્મી પપ્પાએ પણ શ્રેયને દૂરથી બસ સ્ટેન્ડ પર જોયો. એકબીજાને જોઈ બધા ખુશ થઈ ગયા. શ્રેયના માતા પિતા જીપમાંથી ઉતર્યા અને બધી વસ્તુ લઈને રોડ પરથી નીચે ઢાળમાં ઉતારતા હતા એટલામાં બે સામ સામે મોટી ટ્રકો ફૂલ લોડેડ આવતી હતી રસ્તો સાંકડો હોવાથી બન્ને ટ્રક વાળાએ પોતાની ટ્રકની સ્પીડ ધીમી કરીને સાઈડમાં ચલાવી રહ્યા હતા તો ખેડૂતના ગામ બાજુવાળી ટ્રક ફૂલ સીરામીક માલ લોડેડ હતી તો તેના કારણે સાઈડનો મોટા ભાગનો રોડ તૂટી ગયો ને ટ્રક પલટી ખાઈ ગયી આખી ટ્રક શ્રેયના માતા પિતા પર પડી તો બન્ને દંપતી તરતજ મરી ગયા. શ્રેયની ખુશી અચાનક જ એક સેકન્ડમાં છીનવાઈ ગયી. તેને કોઈ ભયાનક સપનું જોયું હોય એવું લાગ્યું પણ આતો ખરેખર હકીકત જ છે તેનું ભાન થયું તો તે જોર જોરથી બુમો પાડીને રડવા લાગ્યો. બેભાન થઈ ગયો.


ગામના લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ તપાસ થઈ ગયા પછી જાણવા મળ્યું કે આમાં ટ્રક માલ લોડેડ હતી જેના કારણે રોડ તૂટી ગયો અને ખેડૂત અને તેની પત્નીના મોત થયા. થોડા સમય પછી શ્રેય ભાનમાં આવ્યો. ગામના લોકોએ બંને લાશોને સ્મશાને લઇ જાવા માટેની તૈયારી કરી આપી. શ્રેય જ્યારે તેના માતા પિતાને અગ્નિદાહ આપતો હતો ત્યારે તેને થયું કે હું જીવીશ તો કઈ રીતે જીવીશ હવે મારુ કોણ છે આ દુનિયામાં એમ કરીને ફરી રડવા લાગ્યો. ગામના સરપંચ અને ખેતર મલિક શેઠે થોડાક પૈસા આપી આશ્વાસન આપતા કહ્યું અને અમે બધા જરૂર તારી કંઈક મદદ કરીશું તું ચિંતા ના કરીશ. સ્મશાને થી પરત ફરતા ગામ વાસીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે આ શ્રેયને ઘરે રાખશે કોણ? કોઈ તૈયાર ન થયું ના સરપંચ, ના શેઠ કે ના કોઈ ગામના લોકો બધા પોત પોતાના કામે લાગી ગયા. શ્રેયને ખબર પડી ગયી કે આ લોકોતો ખાલી મતલબી છે. ખાલી બોલે એટલુજ બાકી જરૂર પડે એટલે એક પણ ના ઉભો રહે. શ્રેયે હિમ્મત હારી નહીં તે જાતેજ રાંધવા લાગ્યો જે તેને પેહલા મમ્મી બીમાર પડતી તો પપ્પા જાતે ખાવાનું બનાવતા અને એને શીખવાડતા તે યાદ હતું. આમજ એને કપડાં ધોતા અને વાસણ ધોતા આવડી ગયા. શ્રેયની પાસે પપ્પાના ખિસ્સામાથી નીકળેલ પાંચ હજાર અને ગામ વાળાએ આપેલા બે હજાર બીજા એમ કરીને સાત હજાર જ હતા. એ જ્યારે પણ સ્કૂલમાં જતો ત્યારે તેના મમ્મી પપ્પાની યાદમાં ખીવાઈ જતો ટીચરનું ઘણી બધી વાર કહેવા છતાં તે આ ભૂલી શકતો ન હતો તેથી ભણવામાં ધ્યાન નહોતો આપતો કે નોહતો લેસન કરતો. સ્કૂલથી ઘરે જવા નીકળે તે વખતે તે બસ સ્ટેન્ડ પર બેસી રહેતો અને તેના માતા પિતાને યાદ કરીને રડતો હતો.


આવું ઘણો સમય ચાલ્યું ભણવામાં રસ ના પડતો હોવાથી તે સ્કૂલે જતો ન હતો. ઘરમાં જે સાત હજાર હતા એ હવે પુરા થઈ જાવા આવ્યા તો તે ગામના લોકો પાસે ગયો પણ કોઈએ પણ ના આપ્યા. તેને વિચાર આવ્યો કે હું કેમ ના હાઇવે પર આવેલ ઓનેષ્ટ હોટેલ માં કામ કરૂં ને ઘર ચલાવા પૈસા કમાવું. હોટેલના શેઠને એને વાત કરી તો શેઠએ કીધું કે તું હજી નાનો છે તને નોકરી ના રખાય. શ્રેયે કહ્યું કે મારું આ દુનિયમાં કોઈ નથી રહ્યું હવે મને કોણ જીવાડશે. હોટેલના શેઠને તેના પર દયા આવી અને કહ્યું કે તું અહીંયા કામ કર અહીજ ખાજે પીજે પણ જો કોઈ તને પૂછે કે તું અહીં કામ કરે છે તો ના પાડજે. એમ કરીને શ્રેયને તેને રાખી લીધો. શ્રેય હોટલે જવા લાગ્યો ત્યાં કામ કરવા લાગ્યો પણ શ્રેય જયારે પણ હાઇવે રોડ પર કોઈ ખાડો દેખી જાય તો તે એ ખાડો પૂરવા જતો રહેતો આજુ બાજુના પથરા અને માટી લઈ ને એને પુરી દેતો હતો. આ વસ્તુ વારંવાર બનતી હતી તો હોટેલ ના શેઠે કહ્યું ભાઈ તું કાલથી હોટેલ માં ના આવતો તારે ખાવું હોય તો મફત માં ખાઇ લેજે પણ નોકરી ના આવતો. શ્રેયને એક એવી લત લાગી ગયી કે હવે જો રોડ પર ખાડો પડશે તો એ કોઈ પણ ભોગે એ પુરી દેશે જેથી બીજા કોઈના સંતાનને તેના માતા પિતા ગુમાવાનો વારો ના આવે. આ માટે તેને કોદાળી, પાવડો, ત્રિકમ અને ટગારું તૈયાર કરી રાખ્યા હતા. તેના ગામને આવરી લેતો એક કિલો મીટરનો હાઇવેનો રોડ જેમાં ખાડા પડે તો જાતે પુરી દેવા તેવું તેને મનોમન લક્ષ્ય નક્કી કર્યું. રોજ સવારે રોડ પર ફરવા નીકળતો અને ખાડા શોધી તેને બાજુમાં આવેલા ડુંગરાને ત્રિકમથી તોડી તેના પથ્થર થી પૂરતો, ગામના લોકો આ બધું જોઈ રહેતા પણ એ કઈ જવાબ નોહતા આપતા અને ગામ લોકો એવું માનવા લાગ્યા કે શ્રેયના માં બાપનો આત્મા અહીં રહી ગયો છે અને એ આ હાઇવે ને સારો રહેવા દેતા નથી જેથી અહીં અકસીડેન્ટ થાયજ કરે છે. તેંના લીધે શ્રેય ગામ લોકોથી દૂર રહેતો હતો. કોઈની પાસે જતો ન હતો . શ્રેયને પણ આ રોડના ખાડા પુરવાનું કામ પૂરું કરવામાં ખબર નહીં કેમ એને થાક કે કાંટાળા જેવું લાગતું જ નહીં. ગામ વાળા એને ગાંડો થઈ ગયો છે એવું એકબીજાને કહેવા લાગ્યા. શ્રેયને હવે પહેરવા માટે કપડાં ન હતા તો તે ગામના લોકોના ફાટેલા તૂટેલા કપડા જે ફેંકી દીધેલા હોય એ પહેરતો આમ તે એવું જીવન જીવવા લાગ્યો અને હોટેલ વાળા શ્રેયને મફતમાં ખાવા આપતા પણ લોકોને વધેલો એઠવાળ ખાવા આપતા તોપણ શ્રેય ખચકાયા વગર ખઈ લેતો. હવે હોટેલ વાળા ખાવાનું પતી ગયું છે તેમ કહીને શ્રેયને ખાવાનું આપવાનું ટાળતા હતા તો શ્રેય તેમની કચરા પેટી માંથી જો કોઈએ એઠું કે ખધ્યા વગર પડીકું પડ્યું હોય તો તે ખાઈ લેતો. આમજ એ દિવસ પસાર કરતો. એક દિવસ હાઇવેના રોડ પર ઘણા ખાડા પડયા હતા તો શ્રેયે સવારથી જ ખાડા પુરવાનું કામ ચાલુ કર્યું. બપોર થઈ તેને ભૂખ લાગી તે ગયો હોટેલે પણ કંઈજ ના મળ્યું ના કચરાપેટી માંથી કાઈ ખાવાનું મળ્યું. ખૂબ ભૂખ લાગી હતી. પણ પાણી પી ને ચલાવતો હતો. પણ હજુ એને અડધા ઉપર ખાડા પુરવાના બાકી હતા. હવે શ્રેયને ધીરે ધીરે ચક્કર આવવા લાગ્યા હતા તેમ છતાં તે ખાડા પૂરતો હતો આ બધું એક સાધુએ જોયું જે સાધુ સોમનાથ થી નારાયણ સરોવર ચાલતા જવા નીકળ્યા હતા. હવે શ્રેય ખુબજ થાકી ગયો હતો તેને થોડો આરામ કર્યો અને ફરીથી ત્રિકમથી ડુંગરાને તોડવા લાગ્યો. સાધુએ તરતજ એ ત્રિકમ પોતાના હાથમાં લઈ લિધો અને જાતે જ ડુંગરાને તોડવા લાગ્યા. શ્રેય તેમને અચાનક જોવા લાગ્યો આ કોણ આવી ગયું એને મદદ કરવા, શ્રેયે સાધુને પૂછ્યું કે તમે કોણ છો અને તમે કેમ કામ કરવા લાગ્યા અચાનક જ. તો સાધુએ જવાબ આપ્યો કે તું જે ભૂખ્યો હોવા છતાં તું આ રોડના ખાડા પુરે છે એ પણ થાક્યા વગર તારું આ કામ જોઈને મને થયું કે પેહલા ચાલ તને મદદ કરું અને પછી તને પૂછું કે તું આવું કામ કેમ કરે છે. તો શ્રેયે તેના જીવનમાં જે બનાવ બન્યો હતો એ વાત સાધુને કહી સંભળાવી અને કહ્યું કે હવે હું મારા માતા પિતાની જેમ બીજા કોઈના માતા પિતા કે સંતાન નથી ગુમાવાં દેવા માંગતો. સાધુએ આશીર્વાદ આપ્યા કે જા બેટા તે કામ હાથ પર લીધું છે તેમા તારી ઈચ્છા, તારું સાહસ અને તારો અનુભવ કામ કરી ગયો છે. તો તારું આ લક્ષ્ય તું જરૂર પૂરું કરી શકીશ એ મારા તને આશીર્વાદ છે. કારણ કે જો કોઈ પણ વ્યક્તિમાં આ ત્રણ શક્તિ આવી જાય તો કોઈપણ કામ એના માટે અઘરું નથી રહેતું. સાધુએ જાતે પથ્થરનું ટાગારું ભરીને બધાજ ખાડા પૂરી દીધા અને પછી શ્રેયને સો રૂપિયા આપીને કહ્યું કે જા સામેની કરયાણા ની દુકાન માંથી ચણા અને ગોળ લેતો આવ. શ્રેય ગયો અને ચના અને ગોળ લેતો આવ્યો. સાધુએ કહ્યું આ ચના અને ગોળ ખાવાથી વ્યક્તિમાં શક્તિ અને ખામીરમાં વધારો થાય છે લે ખા આને. શ્રેયે એને ખધ્યા. પછી સાધુ આગળ વધ્યા. સાંજ પડી ગયી શ્રેય ખુબજ થાક્યો હતો તે વધેલા ચના અને ગોળ ઘરે લઈ ગયો અને સૂઈ ગયો. બીજા દિવસે તે ફરીથી રોડ પર ગયો ને જોયું તો બીજા ખાડા તો પડીજ ગયા હતા. ફરીથી કામ ચાલુ કર્યું આજે ભૂખ વહેલી લાગી હતી હોટલે ગયો ત્યાં કાઈના મળ્યું.


પાછો કામે લાગ્યો ખાડા પુરવા લાગ્યો એટલા માં એક કાર વાળો આવ્યો તેણે શ્રેયના આગળ શોર્ટ બ્રેક મારી ને ઉભી કરી દીધી અને શ્રેયને ગમે તેમ બોલવા લાગ્યો કે આ રસ્તો તારા બાપનો છે કે વચ્ચોવચ તું ઉભો થઇ જાય તો શ્રેયે જવાબ આપ્યો કે શેઠ હું આ રસ્તાના ખાડા પૂરું છું જેથી કોઈનું એક્સસિડેન્ટ થાય નહીં. કાર વાળાએ તોછડો જવાબ આપીને કહ્યું કે ઠીક છે ઠીક છે હવે ચલ હવે જવા દે મને. તો શ્રેયે કાર વાળાના દીકરાના હાથમાં ખાવાનું પડીકું જોઈ બોલ્યો કે શેઠ મને ખુબ જ ભૂખ લાગી છે મને આ પડીકું આપોને. તો કાર વાળાએ જવાબ આપ્યો ચલ હટ અહીંથી એમ કહીને કાર ફૂલ સ્પીડમાં ભગાવી આગળ ની ઓનેષ્ટ હોટેલમાં જ એ જમવા માટે રોકાયો જમ્યા પછી એનો કારવાળાનો દીકરો ફૂટબૉલ નું રમકડું રમતો હતો ત્યાં એ દડો હોટેલની પાછળ આવેલા એક નાના તળાવમાં પડ્યો તો આ દડો કોઈને તળાવમાંથી કાઢતા ફાવે નહીં પણ ગામનો એક બીજો છોકરો એ તળાવમાં પડ્યો એ દડો કાઢી આપી દડા ને ધોઈને કારવાળાના દીકરાને પાછો આપ્યો. તો કાર વાળાનો દીકરો ખુશ થઈ ગયો. કાર વાળાએ એ ગામના છોકરાને બોલાવી કાર માં પડેલા બધા જ પડીકા અને બિસ્કીટ તેને આપી દીધા. આ કાર વાળો ભાઈ એક મોટો આર્કિટેક હતો જે ખાસ ગવર્નમેન્ટના પ્રોજેકટમાં સર્વિસ આપતો હતો. જેથી ગવર્નમેન્ટમાં એને ઘણી ઓળખાણ હતી. આ કાર વાળો ભાઈ મહેસાણાથી આવેલો જે તેના પરિવાર સાથે કાઠિયાવાડની મુલાકાત માટે આવ્યો હતો. હવે તે હોટેલથી મોરબી અને રાજકોટ જવા નીકળ્યો હતો. અહીં હાઇવે પર શ્રેય સાધુએ આપેલા ચના અને ગોળ ખાતો હતો અને રોડના ખાડા પૂરતો હતો. આમ ધીરે ધીરે તેની કામ કરવાની તાકાતમાં વધારો થતો જોવા મળ્યો. હવે તેને થાક બહુ ઓછો લાગતો હતો. પેલા કાર વાળા આર્કિટેકને અરજન્ટ કામથી હળવદ પાછા જવાનું થયું તો એ જે રસ્તે આવ્યો તો એજ રસ્તે પાછો હળવદ જવા લાગ્યો અહીં શ્રેય તેના ગામના ડુંગરા પર આરામ કરતો હતો ત્યાં એક લૂંટારું ટોળકી ગુપ્તિ અને ચાકુ લઈને આવી ચઢી અને આવતા જતા વાહનો વાળાને હેરાન કરતી હતી. સાંજનો સમય થયો હતો. પેલો આર્કિટેક કાર લઈને શ્રેયના ગામ બાજુ પાછો આવ્યો. લૂંટારું ટોળકી તેને લૂંટવા માટે તૈયાર હતી. આ ટોળકીથી હેરાન થયેલા લોકોએ પોલીસને ફોન કરી જણાવ્યું પણ પોલીસ સમયસર પોહચી ન હતી. આ આર્કિટેકની કાર લૂંટારુએ ઉભી રખાઈ અને કારમાં જે હતું એ લૂંટી લીધું અને તેના દીકરાને લઇ લીધો પણ આર્કિટેક અને તેની પત્નીએ પહેરેલા દાગીના બાકી હતા તો એ લૂંટતાં એમને વાર લાગી કારણકે આર્કિટેક અને તેની પત્ની બંને બાહુક હતા બન્ને જણાએ લૂંટારું નો સામનો કરતો જેથી લૂંટારૂઓ ગુસ્સે ભરાયાં અને બન્ને ને મારી જ નાખવાનું નક્કી કર્યું. લૂંટારૂઓ એ બન્ને ને પકડી પાડી ઘેરી લીધા અને ચાકુ અને ગુપ્તિ બતાવી મારવાની ફૂલ તૈયારી બતાવી તો આર્કિટેક નો દીકરો ગભરાઈ ને બુમો પાડી રડવા લાગ્યો આ બધું શ્રેય જોઈ રહ્યો હતો તેનાથી આ બધુ સહન ન થયું તે ઝડપથી તેની પાસે પડેલા પથ્થરના પાંચ છ ટુકડા લઈ ફટાફટ એક સાથે બધા લૂંટારુંઓ પર ફેંક્યા આ ટ્રિક તેના પિતા જંગલી પ્રાણીઓનો સામનો કરવા કરતાં હતાં તે અજમાવી અને બધા લૂંટારૂઓને આ પથ્થર એક પણ નિશાનો ચુક્યા વગર માથાના ભાગે વાગ્યા જેથી તે લૂંટારૂઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા તેથી આર્કિટેક, તેની પત્ની, શ્રેય અને ગામ વાળાઓએ સાથે મળી ને લૂંટારુઓને ખૂબ માર્યા. એટલામાં પોલીસ આવી ગયી બધા લૂંટારુને પકડી લીધા અને ડબ્બામાં પુરી લઇ ગયા. એ પછી આર્કિટેકે શ્રેયને કહ્યું કે તે અમારો જીવ બચાવ્યો તે માટે તારો ખૂબ ખૂબ આભાર અને પૂછ્યું બેટા તું કોણ છે અને શા માટે તું આ રોડના ખાડા પુરે છે. તો શ્રેયે તેના જીવનની પુરી વાત કરી અને કહ્યું કે હું રોડ ના ખાડા એટલા માટે પૂરું છું કે મારી જેમ બીજું કોઈ સંતાન માં બાપ વિહોણું ના થઇ જાય. આ શબ્દો સાંભળી આર્કિટેક અને તેની પત્ની બંનેની આંખો માં આંસું આવી ગયા અને ગળું ભરાઈ ગયું કઇ જ બોલી ના શક્યા. આર્કિટેકે નક્કી કરી લીધું કે હું શ્રેયને મારા બીજા સંતાનની જેમ મારી સાથે રાખીશ. આ માટે એને શ્રેયને વાત કરી તો શ્રેયે કહ્યું અંકલ જો હું તમારી પાસે આવીશ તો આ રોડના ખાડા કોણ પુરશે. તો આર્કિટેકે હસતાં હસતાં જવાબ આપ્યો કે જો બેટા હું એક આર્કિટેક છું મારે સરકાર ના કામના બહુ બધાં પ્રોજેક્ટ આવે છે તો હું સરકાર ને વિનંતી કરીશ કે આ ગામના રોડની તકલીફ દૂર ત્યારે જ થશે જ્યારે અહીંયા એક મજબૂત પુલ બનશે. જો અત્યારે હું હળવદ જાઉ છું કામથી અને આજથી મારો દીકરો તારો ભાઈ છે અને તું મારો દીકરો છે તને હું મારાથી પણ સારો આર્કિટેક બનાવીશ કારણકે તારામાં જે જીગર અને પોતાનું લક્ષ પૂરું કરવાની ક્ષમતા સખત છે. જે એક સારી બાબત છે. તો હવે તું તૈયાર છે ને. તો શ્રેયે કહ્યું હા અંકલ પણ એક શરત છે. અંકલે કહ્યું બોલો બેટા તો શ્રેયે કહ્યું કે જ્યાં સુધી અહીં પુલનું કામ શરૂ ના થાય ત્યાં સુધી હું અહીંયા રહીશ આને ખાડા પુરીશ.


અંકલે તેની આ રોડના ખાડા પૂરવાની લગન જોઈ હસતા હસતા જવાબ આપ્યો હા બેટા જરૂર હું તને આ માટે મદદ કરવા મારા બીજા કામદારો પણ આપીશ હોને. શ્રેયે ખુશ થઈને જવાબ આપ્યો થેન્ક યુ અંકલ. પછી આર્કિટેક હળવદ ગયો અને કામ પતાવ્યું પછી તેને તેની સાઈટ પરથી કામ કરતા કામદારોને થોડા સમય માટે શ્રેયના ગામ માં તેની સાથે તેના ઘરે રહેવા મોકલ્યા જે શ્રેયને મદદ કરાવતા હતા. કામદારોને પણ શ્રેય સાથે રહેવાનો અને કામ કરવાનો ઘણો આનંદ આવ્યો. આર્કિટેક મહેસાણા ગયો ત્યાંથી ગાંધીનગર જઈ એક સરકારી અધિકારીને વાત કરી પછી એને એ અધિકારીને શ્રેયના ગામની મુલાકાત કરવા લઈ ગયા. ત્યાંથી પસાર થતો હાઇવે રોડ અને તેની હાલત બતાવી અને શ્રેય ના જીવનમાં અચાનક આવેલ અકસ્માતની પણ જાણ કરી આ બધું અધિકારીને બતાવી એક પુલ બનાવાની દરખાસ્ત મૂકી. અધિકારી એ ગામના સરપંચનો સંપર્ક કર્યો અને એમને બોલ્યા કે ગામ આગળ આવા અકસ્માત રોજ થાય છે અને તમે કશુ ધ્યાન આ બાબતનું કચેરીમાં દોરતા નથી. એમ કરીને સરપંચને ખખડાવ્યા. અધિકારીએ તરતજ ગામના લોકો પાસે રોડની થતી તકલીફો વિષેનો લેટર બનાવડાવ્યો અને તે રોડનું શું કરવું તે નિર્ણય સરકાર પર છોડી દીધો. સરકારે નક્કી કર્યું કે અહીં વારંવાર ફૂલ લોડેડ સરામીકની ગાડી આવે છે. તેથી અહીં રોડ જલ્દી તૂટ્યા કરે છે. તેથી આ રોડ એક ભયાનક રોડ બની ગયો છે તેથી અહીં હવે પુલ બને એજ ઉપાય છે. તેથી પુલ બનવાનું નક્કી કરી નાખ્યું. શ્રેય આ વાત સાંભળી ખુશખુશ થઈ ગયો અને અંકલનો આભાર માન્યો. અંકલે કહું કે જો બેટા તારા જીવનમાં જે ખોટ હતી એ આજે બધી પુરી થઈ ગયી છે. તારે બીજા તારા જેવા પરિવારની સુરક્ષા જોઈતી હતી એ અને તારા માતા પિતા સ્વરૂપમાં અંકલ આંટી પણ મળી ગયા તો તું હવે અમારી સાથે રહીને જીવન જીવીશ ને. શ્રેય જલ્દીથી અંકલને ગળે લાગી ગયો અને કહ્યું હવે તમેજ અંકલ આંટી મારા માતા પિતા છો. મને તમારા ઘરે લઈ જાઓ.  


આમ આર્કિટેક શ્રેયને મહેસાણા સ્થિત ઘરે લઈ ગયો અને સ્કૂલમાં એડમિશન લઈ તેના દિકરાની સાથે સ્કૂલમાં મોકલ્યો. આ રીતે બંને જોતજોતામાં મોટા થઈ ગયા બંને એકજ ધોરણમાં હતા 10ધોરણમાં આવ્યા પછી આર્કિટેકના દીકરા ભવ્યને કોમર્સ બહુ પસંદ હતો કારણકે ગણિત એનું બહુ પાકું હતું તેથી તેને કોમર્સ લાઈન પસંદ કરી અને આગળ જતાં એ સીએ બની ગયો. એજ રીતે શ્રેયને ગણિતમાં ઓછું ફાવતું હતું તો એને આર્કિટેકની લાઈન માટે એને બી. આર્કના ભણતરની તૈયારીયો શરૂ કરાઇ. આમ બંને જણ પોત-પોતાની ભણવાની લાઈનમાં સફળ થઈ ગયા અને નોકરી લાગી ગયા. આર્કિટેક ને એક મોટો સહારો મળી ગયો એ દિવસથી આર્કિટેકના પરિવારમાં અને શ્રેયના જીવનમાં પ્રસિદ્ધિઓ વધતી ગયી. ગુજરાતમાં ઘણા ખરા રસ્તાઓ સારા થઈ ગયા અને તેમનો પરિવાર ખુશીથી રહેવા લાગ્યો.


આ વાર્તાનો ભાવાર્થ એ છે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તેનો આપણે સામનો સહન કરીને કરી લેવો પડે કારણકે જો આપણી અંદર આત્મવિશ્વાસ, લક્ષ્ય, જીગર, સાહસ અને અનુભવ હશે તો આખા જન્મારામાં ક્યારેય આપણે દુઃખી નહીં થઈએ. સુખી રહેવા માટે માત્ર પૈસો એ મહત્વનો નથી તે તો એક માત્ર વિનિમયનું સાધન છે.


Rate this content
Log in

More gujarati story from Prakashkumar Patel