Jagdishkumar Damor

Children Stories Inspirational

4.4  

Jagdishkumar Damor

Children Stories Inspirational

લખો અને સવજી

લખો અને સવજી

3 mins
227


 બીજુ શૈક્ષણિક સત્ર શરુ થયાને એક મહિનો થવા આવ્યો..પણ વિનોદ (ધોરણ ૨) હજું પણ શાળામાં આવતો ન હતો. અવારનવાર એ ફળીયાના બીજા બાળકો જોડે સમાચાર મોકલાવતો.. તો એ કહેતા કે સાહેબ આખો દિવસ ઘરે રમે. અમે કહીએ પણ અમને પત્થર લઈને મારવા દોડે.. એક વાર હું વાલીસંપર્ક અંતર્ગત જાતે ગયો. એના મમ્મી ઘરે હતા. મે પૂછ્યું વિનોદ ક્યાં છે.? ધીમેક રહીને બોલ્યા "કોણ"? મે કીધું "વિનોદ તમારો છોકરો"

એમણે આશ્ચર્ય પામી જવાબ આપ્યો "હા... એના બાએ(પપ્પાએ) વિનોદ લખાયું હશે,ઘેર તો અમે એને લખો કઈએ.." મે કીધું વાંધો નહી એને બોલાવજો.. શાળામાં કેમ નથી મોકલતા? સાહેબ આવ્યા છે..એમ જાણી વિનોદ ઘરેથી જતો રહ્યો હતો. એના મમ્મીએ ઘણો મારીએ સમજાવીએ અને મુકવા આવીએ તોયે આવતો નથી છતાંયે કાલે મોકલીશું,ની સાંત્વના આપી. છતાં પણ મારે આજે વિનોદને શાળાએ લઈ જ જવો હતો. મેં એને કપાસના ખેતરમાંથી પાછળ પાછળ ફરીને શોધી કાઢ્યો. મેં કીધું "ચાલ શાળાએ ભણવાનું છે આપણે". એ રડવા લાગ્યો. હળવેકથી તેને શાળામાં લઈ જવાના તમામ પ્રયત્નો કર્યા. પેન,પેન્સિલ, નોટની લાલચ આપી પણ કાંઈ જ અસર ના થઈ.

     બે ચાર દિવસ પહેલા એના પપ્પા મળ્યા.. મે કીધું "વિનોદને મોકલો કે"તો થોડાક પીધેલા હોય એવું લાગ્યું એમના અંદાજમાં "સાહેબ... "નોમ કાઢી નાખજો નથી ભણાવવો." હવે મારે કશું બોલવાનું હતું જ નહીં. છતાં મે કીધું "તમે સહી કરી આપો કે મારે નથી ભણાવવો તો હું નામ કાઢી નાખું". કંઈ જવાબ ના મળ્યો. મેં એમની જોડે વાત કરવાનું માંડી વાળ્યું.

      ફરી આજે મને થયું કે લાવ ને એક પ્રયત્ન કરુ. એમ વિચારી મે મારા વર્ગના એક બાળકને(સવજી) સાથે લીધો. વિનોદનું ઘર થોડું દૂર હતું. અમે વાતો કરતા કરતા જતા હતા. રસ્તામાં સવજી બોલ્યો "સાહેબ આજે વિનોદ આવહે " મે કીધું કેમ તને શી ખબર..? એ બોલ્યો સાહેબ "જો જો તમે". એટલામાં વિનોદનું ઘર આવી ગયું. ફરી એક વાર ઘરે એના મમ્મી એકલા જ હતા.. મે કીધું લખો ક્યાં છે..? અરે સાહેબ તમે થાકી જાહો.. "રેવા દો લખાને..બેહો... સા મેલું." લાગણીનો અનાદર કરતાં નથી શીખ્યો અથવા નથી આવડતું એ હિસાબે હું મૌન રહ્યો. થોડી વારમાં એ ચા લઈને આવ્યા. હા..કાળી ચા. દૂધ વગરની. ચા પીતાં પીતાં મારી નજર આમ ઘરની બાજુમાં એક ખુણે પડી તો ત્યાં સવજી અને વિનોદ વાતો કરતાં હતા. આજે પહેલીવાર મે વિનોદને હસતો જોયો. બંને વચ્ચેનો સંવાદ અને હાવભાવ જોઈ મને કૃષ્ણ -સુદામાનું વરસો પછીનું મિલન યાદ આવ્યું. વિનોદની મમ્મીએ કીધું "લખા પણવા જાવું હે સાએબ લેવા આયા હે" લખાએ હકારમાં માથું હલાવ્યું. અને ઘડીકવારમાં લખો ઠંડીમાં પણ ટાઢા પાણીએ નાહીને તૈયાર થઈ ગયો. અને લખાને કપડાં પહેરતાં બટન ચડાવવામાં સહેજ તકલીફ પડી તો સવજીએ એને હેતથી બાંયોના બટન ચડાવતા જોઈ મને સાચી દોસ્તીનાં દર્શન થયા. શાળાએ પાછા ફરતાં લખો અને સવજી વાતો કરતા હતા.. મેં સમજવાનો પ્રયાસ કર્યો પણ કાંઈ સમજાયું નહી કારણ કે કદાચ મને બધું જ સમજાઈ ગયું હતું.

સવજી અને લખાની એકમેક પ્રત્યેની લાગણી કદાચ આજે વિનોદને ફરી એકવાર શાળા સુધી ખેંચી લાવી. અને શાળામાં આવ્યા પછી મેં તમામ બાળકોને પોતાના મિત્રોના નામ લખવા આપ્યા. લખા પાસે પેન્સિલ નહોતી તો સવજીએ મોઢેથી પેન્સિલનો ટુકડો કરી આપ્યો "આ..લે..લખા..તું લખ"..

લખાએ..... મોટા અક્ષરે લખ્યું..... 'સવજી'


Rate this content
Log in

More gujarati story from Jagdishkumar Damor