vibha kikani

Others

4  

vibha kikani

Others

લાગણીનો પડઘો

લાગણીનો પડઘો

3 mins
403


બે દિવસથી ગોરંભાયેલું આકાશ આજે મન મૂકીને વરસી પડશે એવા એંધાણ લાગી રહ્યાં હતાં તો બીજી તરફ પોતાનાં ઘરની બાલ્કનીમાં બેઠેલી નિષ્ઠાનાં મનનો ગોરંભો વધુ ને વધુ એને ઘેરી રહ્યો હતો. એક સમય એવો હતો જ્યારે નિષ્ઠા પહેલા વરસાદની આતુરતાથી રાહ જોતી અને તેની પહેલી ધારને ઝીલવા તડપતી રહેતી. આજે એ જ નિષ્ઠા વાછંટથી પણ દૂર ભાગી જવા ઈચ્છતી હતી. 

બારીની બહારનું આકાશ ધોધમાર વરસી પડવાની તૈયારીમાં હતુંં ને નિષ્ઠા, આંખમાં ધસમસી રહેલા આંસુને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. કેટલીય યાદો આજે એકસામટી આવીને એને વ્યથિત કરી રહી હતી.

 પાંપણનાં પડળોની પેલે પારથી એક સાથે બે ચહેરા એના મન પર ઉભરી આવ્યા. સાવ નજીક...સાવ લગોલગ... પહેલો, જેની સાથે ભરપૂર જીવન જીવવાના સપનાં જોયાં હતાં અને આજે જેના નામની સાથે જ આંખોમાં પીડાનું પૂર ઉભરી આવ્યું એ નિષ્કામ, અને બીજો પોતાને ભરપૂર પ્રેમ આપીને પોતાની સૂની જિંદગીને ખુશીઓથી છલકાવી દેવા આતુર નિસર્ગ.

વરસાદનાં છાંટા પડવા શરૂ થયા. નહીં ઇચ્છવા છતાં પણ નિષ્ઠાનાં મન પર નિષ્કામની યાદો કબજો જમાવી રહી. એને ભાગી જવાનું મન થયું દૂર... બહું જ દૂર ! એક ન સમજાય એવી બેચેની એને ઘેરી વળી. એ બાલ્કનીમાંથી અંદર આવી.

વરસાદની વધતી ગતિની સાથે સાથે નિષ્ઠાની ભીતર પીડાનું ઘોડાપૂર ઉમટ્યું. એનું મન ચીસ પાડીને પૂછી રહ્યું. 'શું આ જ છે સંબંધોની વાસ્તવિકતા !' છૂટા પડવું જ પડે એવા કોઈપણ નક્કર કારણ વગર નિષ્કામ સંબંધોનો અંત લાવીને દૂર ચાલ્યો ગયો. લગ્ન જેવા પવિત્ર બંધન પર છૂટાછેડાની મહોર મારીને એ છૂટી ગયો ને હું ? હું હજીયે એની યાદોમાં રડી રહી છું !

 નિસર્ગ ખૂબ સારી રીતે જાણતો હતો કે વરસાદી વાદળોએ નિષ્ઠાના મનને ઘેરી લીધું હશે. એ થોડી થોડી વારે નિષ્ઠાને મેસેજ કરી રહ્યો. નિષ્કામના વિચારોમાં ઘેરાયેલી નિષ્ઠાએ નિસર્ગનાં મેસેજનો જવાબ આપવાનું ટાળ્યું.

 'નિસર્ગનું પોતાના જીવનમાં આમ અચાનક આવવું, એની સાથે લાગણીનાં બંધનમાં બંધાઈ જવું, એનાં વગર બધું અધૂરું અધૂરું લાગવું... આ શું છે ? પ્રેમ તો નથી ને ?' નિષ્ઠા પોતાના મનને સવાલ કરી રહી.'

 'હા, આ પ્રેમ છે, પ્રેમ જ છે...મનમાં જીવતો અવ્યક્ત રહેલો પ્રેમ. આ લાગણીનું એક એવું બંધન છે જેમાં તુંં બંધાઈ ગઈ છો નિષ્ઠા ને આમ છતાંય, મન પર લગામ રાખીને નવી જિંદગીની શરૂઆત કરતાં તુંં ડરી રહી છે' એક મનનાં સવાલનો જવાબ બીજું મન આપી રહ્યું હતુંં. મનનાં વિચારોને ક્યાં કોઈ સીમા કે બંધન હોય છે ? નિષ્કામ અને નિસર્ગ વારાફરતી નિષ્ઠાના મન પર કબજો લઈ રહ્યા હતા. 

 આજે સાંજે જ નિસર્ગે કરેલી વાત અત્યારે એને પ્રશ્ન બનીને પૂછી રહી હતી. 'નિષ્ઠા, હું ચાહું છું તને અને હું એ પણ જાણું છું કે તુંંય મને ચાહવા લાગી છે. જો વધારે વિચારતી રહીશ તો ગૂંગળાતી જઈશ. મારી વાત માની લે અને બુદ્ધિને બાજુ પર મૂકી દિલથી નિર્ણય લઈ લે હવે. તુંં હા કહી દે હવે...'

'એકવાર લાગણીના પૂરમાં તણાઈ ગયા પછી મારું મન બીજા સંબંધો તરફ ઢળતા ડરે છે.'

' તું ઢળી જ ગઈ છે નિષ્ઠા. પણ તુંં સ્વીકારતા ડરે છે. તારા મનનો ડર તને બાંધીને રાખે છે.'

'મને વિચારવાનો સમય આપ.'

'મને કોઈ ઉતાવળ નથી પણ તુંં મનથી નિર્ણય લેજે, મગજથી નહિ.'

 કંઈ પણ બોલ્યા વગર એ નિસર્ગના શબ્દોને ઝીલતી રહી.

 'અને હા, મારા પર વિશ્વાસ મૂકીશ તો મારી લાગણીનો પડઘો તારા દિલમાં જરૂર સાંભળી શકીશ. વીતેલી વાતોને ભૂલી જઈશ તો જ હાથ પ્રસરાવી ઊભેલા સુખમાં સમાઈ શકીશ.'

 નિષ્કામની કડવી યાદ પર નિસર્ગની પ્રેમભરી યાદ મનને શાંતિ આપી ગઈ. બહાર આકાશ વરસી રહ્યું. તપ્ત ધરા તૃપ્ત થતી રહી. નિસર્ગના મેસેજ મોબાઈલ સ્ક્રીન પર અજવાળું પાથરતા રહ્યા.

 જવાબની અપેક્ષા વગર નિસર્ગ મેસેજ કરતો રહ્યો. વહેલી સવારે આકાશ ધરાયું હોય એમ વરસાદ બંધ થયો. નિષ્ઠાનું મન પણ લાગણીથી તરબતર બન્યું. 

 નિષ્ઠાના જવાબની રાહમાં રાતભર જાગેલો નિસર્ગ મીઠા ઘેનમાં સરી પડ્યો. સવારે ડોરબેલનાં અવાજથી એ જાગ્યો. ઉજાગરો ભરેલી આંખો ચોળતા દરવાજો ખોલ્યો. સામે જ હાથમાં બેગ સાથે વરસાદી ઉઘાડ સમું મીઠું મલકાતી નિષ્ઠા ઊભી હતી ને સામે ધોધમાર વરસી જવા અધીરો બની નિસર્ગ એને હાથ પ્રસારી આવકારી રહ્યો હતો.


Rate this content
Log in